Get The App

માન ન માન... ગ્રેજ્યુએટ હનુમાન .

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
માન ન માન...  ગ્રેજ્યુએટ હનુમાન                            . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

રામદૂત હનુમાનની આગળ તેમની આગવી ઓળખ દર્શાવતા જાતજાતનાં વિશેષણો લગાડવામાં આવે છે, જેમ કે ઈચ્છાપૂર્તિ હનુમાન, રોકડિયા હનુમાન, સ્ટેશન નજીક હોય તો રેલવે હનુમાન વગેરે... પરંતુ રાજસ્થાનના બિકાનેર  શહેરમાં દેશનું એકમાત્ર ગ્રેજ્યુએટ હનુમાનનું  મંદિર છે. પહેલાં આ મંદિરનું નામ મંછાપૂર્તિ  મંદિર હતું, પરંતુ પછી કોલેજમાં ભણતા અને ગ્રેજયુએશન કરતા વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી હાંસલ કરવાની મનોકામના સાથે વધુમાં વધુ સંખ્યામાં આવવા લાગ્યા. આ મંદિરને લગતી એવી માન્યતા છે કે જો કોઈ સ્ટુડન્ટ પરીક્ષાનો પોતાનો રોલ નંબર મંદિરના ગર્ભગૃહની  પાછળની દીવાલ પર લખે અને સાથે સાથે પોતાને પાસ કરી દેવાની વિનવણી કરતો મેસેજ પણ લખે તો તેની ઈચ્છા પૂરી થાય છે! એવું પણ સાંભળવા મળ્યું કે હનુમાનજીના  આશીર્વાદથી ગ્રેજયુએટ થયા પછી કેટલાય શ્રદ્ધાળુ આઈએએસ અને આઈપીએસ બની ગયા છે. માત્ર ગ્રેજ્યુએશન કરવાવાળા નહીં, હવે તો પોસ્ટ-ગ્રેજયુએશન કરવાવાળા અને મેડિકલ-એન્જિનીયરિંગના સ્ટુડન્ટ્સપણ આવે છે. માનતા પૂરી થયા પછી કેટલાય વિદ્યાર્થીઓ પોતાના ફેમિલી સાથે ગ્રેજ્યુએટ હનુમાનજીના દર્શને આવે છે એટલે કહેવું પડે કે-

શ્રદ્ધાની જોઈને શાન?

માન ન માન ગ્રેજ્યુએટ હનુમાન.

આસામના બે ગામડાંમાં સંસ્કૃતમાં સંવાદ

બાંગ્લાદેશની બોર્ડર પર આસામના અનીપૂર બસ્તી અને પતિયાળા બસ્તી નામનાં ખોબા જેવડાં ગામ આવેલાં છે. અહીં વસતા ગ્રામજનો દેવવાણી સંસ્કૃતના જતનની સાથે દેશના સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણીની જવાબદારી પણ નિભાવે છે. કોઈ ગ્રામજન બજારમાં ખરીદીએ જાય ત્યારે દુકાનદાર સાથે સંસ્કૃતમાં જ વાતચીત કરે છે. અનીપૂર બસ્તી ગામની નિશાળમાં ૨૦૦ વિદ્યાર્થીઓ ભણે છે , તેમને પહેલેથી જ સંસ્કૃત શીખવવામાં  આવે છે. આમાં ૨૦ મુસ્લિમ બાળકોનો પણ સમાવેશ થાય છે. અનીપૂર બસ્તીના ૪૦૦થી વધુ રહેવાસીઓ કડકડાટ સંસ્કૃત બોલે છે. મજાની વાત એ છે કે ગામ લોકો ભ્રમણધ્વનિ (મોબાઈલ ફોન)માં વાત કરે ત્યારે હેલ્લોને બદલે નમસ્કારમ્ બોલે છે. સંસ્કૃત ભાષામાં ચાલતી વાતચીત સાંભળીને કાનમાં જાણે કોઈ મોરપીચ્છ ફેરવતું હોય એવું લાગે. એટલે જ કહેવું પડે કે-

અય મેરે પ્યારે વતન

ક્યાં ક્યાં થાય સંસ્કૃતનું જતન.

વેસ્ટમાંથી બેસ્ટ

બસ-સ્ટેન્ડ

પ્લાસ્ટિકના કચરામાંથી એટલે વેસ્ટમાંથી કોઈ બેસ્ટ બનાવે છે, જ્યારે પોલિટિક્સમાં બેસ્ટમાંથી વેસ્ટ બની જાય છે. પ્લાસ્ટિકની બોટલોના કચરામાંથી આંધ્રપ્રદેશના તિરૂપતિમાં એક ભેજાબાજે આરામદાયક બસ-સ્ટેન્ડ બનાવી દીધું. તિરૂપતિ-ચેન્નઈ હાઈવે ઉપર તુકિવાકમ ગામ છે. આ ગામના બસ-સ્ટેન્ડ પર અત્યાર સુધી સંખ્યાબંધ લોકો તડકામાં બસની રાહ જોઈને ઊભા રહેતા હતા. આ બસ પ્રવાસીઓની તકલીફનો ઉકેલ લાવવા ગામના સરપંચ મુનિ શેખર રેડ્ડીએ પ્લાસ્ટિકની બોટલોના કચરામાંથી બસ-સ્ટેન્ડ ઊભું કરવાનું નક્કી  કર્યું. સામાન્ય રીતે બસ-સ્ટેન્ડ, સીટ અને ઉપર છાપરૃં બાંધવા પાછળ સહેજે દસ-વીસ લાખ રૂપિયા ખર્ચ થયો હોય છે, પણ સરપંચે ૨૦૦૦ પ્લાસ્ટિક બોટલો જમા કરી, દસ દિવસની જહેમત ઉઠાવી છાપરાવાળું અને અંદર બેસવાના પ્લાસ્ટિકના જ બાંકડાવાળું  બસ-સ્ટેન્ડ માત્ર ૧૦ હજારના ખર્ચે રેડી કરી દીધું. આ જોઈને કહેવું પડે કે-

ગ્રામજનોએ જેવી તકલીફની

વાત છેડી,

કે સરપંચ રેડ્ડીએ કરી નાખ્યું

બેસ્ટ-બસ સ્ટેન્ડ રેડી.

કાશ્મીરમાં નહીં, કમરામાં કેસર ઉગાડયું

આમાં દેશમાં કેસરનું ઉત્પાદન મુખ્યત્વે કાશ્મીરમાં  જ થાય છે. જોકે કાશ્મીરના બર્ફીલા અને ઠંડા વાતાવરણથી સેંકડો કિલોમીટર દૂર ઈન્દોરમાં એક કિસાને પોતાના ઘરની અંદર માટી વિના કેસર ઉગાડવાની શરૂઆત કરી છે. અનિલ જયસ્વાલ નામના પ્રગતિશીલ  કિસાન સપરિવાર કાશ્મીર ફરવા ગયા ત્યારે  પમ્પોરમાં તેમણે કેવી રીતે કેસર ઉગાડવામાં આવે છે એ જોયું હતું. એ જ વખતે તેમણે ઈન્દોર જઈ ઘરની અંદર જ કેસર ઉગાડવાનો નિર્ણય કર્યો હતો. પાછા ફરી તેમણે ૩૨૦ ચોરસ ફૂટના રૂમમાં માટી વગર એરોપોનિક્સ પદ્ધતિથી કેસર ઉગાડવાનોે પ્રયોગ હાથ ધર્યો. રેક ઊભા કરીને એમાં પ્લાસ્ટિકની હારબંધ ટ્રે ગોઠવીને  એરોપોનિકસની મદદથી રૂમમાં તાપમાન, ભેજ, પ્રકાશ અને કાર્બન ડાયોકસાઈડનું નિયંત્રિત વાતાવરણ તૈયાર કર્યું.કાશ્મીરથી કેસરના જે એકટન બીજ મગાવ્યા હતા તે ટ્રેની અંદર વાવી દીધાં. બીજમાંથી અંકુર ફૂટવા માંડયા અનેઅત્યારે તો ઈન્દોરના આ ઘરના કમરાની અંદર કેસરના જાંબલી રંગના ફૂલો નયનરમ્ય નઝારો ઊભો કરે છે. ફૂલોમાંથી આ મોસમમાં દોઢથી બે કિલો કેસરના ઉત્પાદનની તેમને આશા છે. મજાની વાત  એ છે કે જયસ્વાલનો આખો પરિવાર તેમને કેસર ઉગાડવામાં મદદ કરે છે, એટલું જ નહીં, કેસરના છોડવાને સતત સૂરીલું સંગીત સંભળાવે છે.  વનસ્પતિમાં પણ જીવ છે તેસ્વીકૃત સત્ય છે. કેસરના રોપને સંગીત સંભળાવવામાં આવે ત્યારે બંધ કમરામાં હોવા છતાં તેઓ પ્રકૃતિથી કરીબ છે એવો અહેસાસ કરે છે અને તેની વૃદ્ધિ થાય છે એવું એમનું માનવું છે. કેવી કમાલ કહેવાય!

રાજસ્થાનમાં હેરિટેજ  હિલ-ટ્રેનની સફર

રંગીલા રાજસ્થાનનું નામ કાને પડતાની સાથે જ અફાટ  રણ,  ગઢ-કિલ્લા અને ગળા છૂટ્ટા મેલી ગાતા અને ઠુમકા લઈ લઈ નાચતા લોકનર્તકો અને લોકગાયકો નજર સામે તરવરે. પરંતુ આ જ રાજસ્થાનમાં પહાડ પરથી ખળખળ ઝરણાં વહેતાં હોય, પક્ષીઓ કિલ્લોલ કરતાં હોય અને ગાઢ જંગલો વચ્ચેથી ટચુકડી ટ્રેન ભકછૂક... ભકછૂક... ભકછૂક કરતી આગળ વધતી હોય એવાં અલૌકિક નઝારાની કલ્પના કરી શકો છો?  જોકે આ કાલ્પનિક વર્ણન નથી, પણ હકીકત છે. અરાવલી  પર્વતમાળાની વચ્ચે વસેલું  ગોરમઘાટ હિલ સ્ટેશન છોટા કાશ્મીર તરીકે ઓળખાય છે. ઉદયપુરથી ૧૩૬ કિલોમીટરને અંતરે કુદરતી સૌંદર્યથી છલકાતું ગોરમઘાટ આવેલું છે. બ્રિટિશ રાજ વખતે દોડતી થયેલી માવલી-મારવાડ મીટરગેજ  હેરિટેજ ટ્રેનમાં બેસી પહાડી સૌંદર્યની મજા લેતા લેતાં ગોરમઘાટ પહોંચવાની મજા જ કંઈક અનેરી છે .નજીકમાં જ રાવલી-ટોડગઢ અભયારણ્ય છે અને જોગમંડી ઝરણાની નજીક છે. આ નાનકડી ટ્રેન જેવી ગોરમઘાટ નજીક પહોચે એટલે વાનરોની આખી ફોજ કૂદાકૂદ કરતી આવે છે અને ટુરિસ્ટોનું સ્વાગત કરે છે. ટુરિસ્ટો કેળાં, બિસ્કિટ અને બીજી ખાવાની ચીજો આપે તે ટેસથી ઝાપટીને પછી પાછા ઝાડ પર ચડી જાય છે. માવલી સ્ટેશનથી આ નાનકડી ટ્રેન ઉપડે એ પછી ઝાડી,જંગલ, પહાડ પર થઈને ગોરમઘાટ પહોંચે ત્યારે પર્યટકો જાણે રાજસ્થાનમાં દાર્જિંલિગની હિલ-ટ્રેનની મજા માણી હોય  એમાં હરખાય છે. આ જોઈને મનોમન બોલી ઉઠાય કે-

કોણ કહે છે કે

રાજસ્થાનમાં ફકત રણ છે?

અરે, રાજસ્થાનમાં પહાડ, પર્વત,

જંગલ અને વહેતાં ઝ-રણ છે.

 પંચ-વાણી

ઝેર તો પીધાં જાણી જાણી

જો પીવો સુધરાઈના પાણી.


Google NewsGoogle News