બોલો, આપણી રાષ્ટ્રીય મીઠાઈ કઈ? .

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
બોલો, આપણી રાષ્ટ્રીય મીઠાઈ કઈ?                         . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, રાષ્ટ્રીય પક્ષી મોર તો રાષ્ટ્રીય મીઠાઈ કઈ? એવો કોઈ સવાલ કરે તો જવાબ આપતાં પહેલાં ગુંચવાઈ જવાય. અલબત્ત, ગુંચવાયા વિના બેધડક જવાબ આપી શકાય કે ગુંચળાવાળી જલેબી જ રાષ્ટ્રીય મીઠાઈ છે. નવાઈની વાત એ છે કે સદીઓ પહેલાં જલેબીનો જન્મ ઈરાનમાં થયો હતો. ત્યાર પછી એવું મનાય છે કે મધ્ય યુગમાં તુર્કી આક્રમણખોરો સાથે જલેબી હિન્દુસ્તાનમાં આવી અને અહીંની બનીને રહી ગઈ. 

જલેબી શબ્દ મૂળ અરબી શબ્દ જુલાબિયા કે ફારસી જોલબિયાથી ઊતરી આવ્યો છે... પણ જ્યાં ટેસ્ટ ગામ ગાંડુ કરતા હોય ત્યાં નામનું શું કામ? જલેબીના સ્વાદકેટલાય દેશોને ઘેલું લગાડયું છે. નેપાળમાં લોકો જલેબીને જેરી જેરી કહે છે અને ટેસથી ખાય છે. બાંગ્લાદેશમાં જિલાપી, ફિજીમાં જલેબી, શ્રીલંકામાં પાની-વલાવું, ઈથિયોપિયામાં  પુશેબેક અને તુર્કીમાં જુલબિયેના નામે આ મીઠા મીઠા ગુંચળાવાળી જલેબી વેચાય છે. સંસ્કૃતના પ્રાચીન ગ્રંથોમાં જલેબીનો ઉલ્લેખ કુંડલિકા અથવા જલવલ્લિકા તરીકે મળે છે. ઈન્દોરમાં  તો નાજુક નમણી જલેબી નહીં, પણ ૩૦૦થી ૫૦૦ ગ્રામ વજનના જમ્બો જલેબા મળે છે. પશ્ચિમ બંગાળમાં ચણામાંથી બનતી ચુલબુલી જલેબીને ચનાર જિલ્પી નામે બંગાળી બાબુઓ અને બાનુઓ મજેથી ખાય છે. મધ્યપ્રદેશમાં માવાજંબી, હૈદરાબાદની ખોવા જલેબી, આંધ્ર પ્રદેશની ઈમરતી અને ગુજરાત-સૌરાષ્ટ્ર કચ્છની રસદાર જલેબીનું નામ સાંભળતાંની સાથે જ મોઢામાં પાણી આવી જાય. દશેરામાં તો ગુજરાતીઓ જ્યાં સુધી ફાફડા જલેબી ઝાપટે નહીં ત્યાં સુધી જાણે તહેવારની ઉજવણી થઈ જ ન ગણાય. જલેબીની આવી જબરજસ્ત લોકપ્રિયતા જ નહીં જીભપ્રિયતા જોઈને કહેવું પડે કે-

સહુ જોડે રહી જલસાથી

ખાવ જલેબી,

જો એકલસૂડા થઈ 

એકલા ખાશો જલેબી તો 

ઘરે બળીને બેઠી થશે જલે-બીબી.

આપો નોકરી તો 

મળે છોકરી

પરણવાલાયક યુવાન પાસે જો ડિગ્રી હોય તો કન્યાનાં મા-બાપ દીકરીને પરણાવવા તૈયાર થાય. પાસે ગાડી હોય તો ઝટ લાડી મળે. સારી નોકરી હોય તો છોકરી મળે. ટૂંકમાં, કોઈ જ લાયકાત ન હોય તો નેતા બની ગાદી મેળવી શકો, પણ શાદી શક્ય નથી. એટલે જ ભણેલગણેલ યુવકે એક કંપનીમાં ટેકનિકલ મેનેજરની પોસ્ટ માટે અરજી કરી. નોકરી માટેની અરજીમાં લખ્યું કે ટેકનિકલ મેનેજરની પોસ્ટ માટેની હું બધી લાયકાત ધરાવું છું, એટલે મને ગમે તેમ કરીને નોકરીમાં રાખી લો, કારણ કે નોકરી મળશે તો જ હું મારી નાનપણની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી શકીશ.નોકરી નહીં મળે તો મને છોકરી પણ નહીં મળે. કંપનીના સીઈઓએ આ નોકરીના અરજદાર અને ખરા 'ગરજદાર'ની અરજી સોશિયલ મીડિયામાં વહેતી મૂકતાંની સાથે  જ તે વીજળીવેગે વાઈરલ થઈ ગઈ. 

વંદે ભારતમાં વંદા ભોજન

દાને દાને પે લિખ્ખા હૈ ખાનેવાલે  કા નામ... એ કહેવત બદલીને કહેવી પડે કે દાને દાને પે લિખ્ખા હૈ (ખાકે) પછતાનેવાલે કા નામ... કોઈકના ખાણામાંથી મરેલી ગરોળી નીકળે, કોઈના ભોજનમાંથી મરેલા દેડકાં નીકળે કે પછી ભાવતા ભોજનમાંથી વંદો નીકળે ત્યારે બે-ચાર કોળિયા ખાઈ ચૂકેલા વ્યક્તિને કેવો પસ્તાવો થાય! હાય... હાય... મેં આ શું ખાઈ લીધું? એવો હાયકારો જ નીકળી જાયને? રેલવેમાં મોંઘીદાટ ટિકિટ લઈ વંદે-ભારત જેવી સુપરડુપર ફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરે એ પ્રવાસમાં સારા ભોજનની અપેક્ષા રાખે જ ને! રેલવેના ખાણાંની ક્વોલિટી બાબત પેસેન્જરોનો આમેય કોઈ સારો મત નથી. ખાણું બેસ્વાદ હોય, મીઠું-મરી ઓછાં હોય કે પછી ખાણું ઠંડું હોય એની તો અઢળક ફરિયાદો પ્રવાસીઓ તરફથી થતી હશે, પરંતુ હમણાં જરા જુદું બન્યું. વંદે-ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ભોપાલથી આગ્રા જઈ રહેલા એક સિનિયર સિટીઝન કપલે ભોજનનો ઓર્ડર આપ્યો. ખાણું પીરસવામાં આવ્યું ત્યારે ભોજનમાં મરેલો વંદો નીકળતા બન્ને હબકી ગયા હતા. પછી તો તેમના પરિવારજને રેલવેની કેટરિંગ સર્વિસ કેવી છે જ્યાં ભોજનમાં કોક્રોચ નીકળે છે એવી ઓનલાઈન ફરિયાદ ઠેઠ રેલ-મંત્રાલય સુધી પહોંચાડી હતી. આવું જો વિદેશમાં થયું હોય તો પીડિતને લાખો-કરોડોનું વળતર ચૂકવવું પડે. કોઈએ કહેવું જોઈએ કે આ ટ્રેનનું નામ વંદે-ભારત છે, કાંઈ વંદા-ભારત નથી એટલું તો સમજો! આવી ખાણામાં ખરાબીના કિસ્સા જાણીને કહેવું પડે કે- 

ખાણામાં જોઈને આવી

ખાના-ખરાબી,

સત્તાવાળાના પેટનું પાણી હલતું

હશે જરા-બી?

દેશી દિલવાલાની

પરદેશી પ્રેમિકા

'જબ જબ ફૂલ ખિલે' ફિલ્મનું એક ગીત જબરજસ્ત હિટ થયું હતું, જેના શબ્દો હતા - 'પરદેસીયોં સે ના અખિયાં મિલાના... પરદેસીયોં કો હૈ એક દિન જાના...' પણ રાજસ્થાનમાં તો આ ગીતથી જુદો જ નઝારો નજરે પડયો. એક પરદેશી પોરી દેશી દિલવાલાના પ્રેમમાં એવી પાગલ થઈ કે પોતાનો દેશ છોડી રંગીલા રાજસ્થાનમાં આવી ગઈ છે. એવું બન્યું કે ફિલિપીન્સની વતની મેરીની રાજસ્થાનના બુંદીના રહેવાસી મુકેશ સાથે ૧૪ વર્ષ પહેલાં ફ્રેન્ડશિપ થઈ. ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં પરિણમી. પછી તો મેરી ફિલીપીન્સથી સીધી રાજસ્થાન આવી ગઈ. હવે દેશી દિલવાલા અને પરદેશી પ્રેમિકાએ પરણવાનો ફેંસલો કર્યો છે. નાની દુકાન ચલાવતા મુકેશના પરિવારજનો તો પરદેશી પરીના આગમનથી ખુશ ખુશ થઈ ગયા છે. ગામવાળાએ પણ  મેરી આવી ત્યારે ઢોલ-તાશા વગાડીને  જોરદાર સ્વાગત કર્યું હતું. કહે છે ને કે સ્નેહ, સંગીત અને સુવાસને કોઈ સીમા નડતી નથી. આ વાક્ય આ દેશી દિલવાલા અને પરદેશી પરીએ સાચું પાડયું છે. હવે દુલ્હારાજા મેરીને જોઈને ગાશે કે- પરદેસી પરદેસી જાના નહીં... મુઝે છોડકે મુઝે છોડકે...

યોગાસન કે ડોગાસન

આખી દુનિયા યોગાસન કરે તો પછી માણસના સૌથી વફાદાર દોસ્ત શ્વાન શું કામ યોગ ન કરે? ઈન્ટરનેશનલ યોગ દિન પ્રસંગે આર્મીના જવાનોની સાથે ડોગ સ્કવોડના સ્માર્ટ ડોગીઓએ પણ યોગના જુદા જુદા આસનો કર્યા હતા. દિલ્હીમાં તો શ્વાનને યોગાસનની તાલીમ આપવા માટે રીતસર ડોગાસનના કલાસ ચાલે છે. દિલ્હીમાં ડોગીઓને યોગની તાલીમ લેતા જોઈને વિચાર આવે કે શ્વાન જેમ માણસ પાસેથી યોગની તાલીમ લે છે એવી રીતે માણસ  શ્વાન પાસેથી વફાદારીના ગુણ જીવનમાં ઉતારે તો કેટલા વિખવાદો, વિવાદો અને વિટંબણાઓનો અંત આવી જાય! જોકે મોટાભાગના નેતાઓ તો યુઝ-એન્ડ -થ્રો એટલે ઉપયોગ કરીને પછી ફેંકી દો એવાં યોગાસન નહીં પણ ઉપ-યોગાસન જ શીખ્યા છે એમાં કોનું ભલું થાય? યોગાસન અને ડોગાસનનો ખેલ જોઈને કહેવું પડે કે-

માફિયાનો છેદ ઉડાડે યોગી

માણસને અંદરથી જગાડે જોગી

ખરાબ આદત જેને 

બગાડે એ ભોગી

અને સાચી વફાદારી 

દેખાડે એ ડોગી

પંચ-વાણી

ઝેર તો પીધાં જાણી જાણી

જેણે ચોમાસે પીધાં 

સુધરાઈના પાણી.


Google NewsGoogle News