શ્રાદ્ધને કારણે 'રેલ-રોકો' .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મોટા રેલવે સ્ટેશનો પર રોજ સંખ્યાબંધ ટ્રેનો ઊભી રહેતી હોય છે અને સાવ નાનું સ્ટેશન હોય તો ત્યાં પણ દિવસ દરમિયાન ઓછામાં ઓછી બે-ત્રણ ટ્રેનો થોભતી જ હોય છે. પરંતુ ભારતનું એક એવું અનોખું સ્ટેશન છે જ્યાં વર્ષમાં માત્ર ૧૫ દિવસ જ ટ્રેનો ઊભી રહે છે. શ્રાદ્ધપક્ષ દરમ્યાન બિહારના પુનપુન ઘાટ (અનુગ્રહ નારાયણ રોડ ઘાટ સ્ટેશન)સ્ટેશને ઉતરીને લોકો ગયાજીમાં પિતૃ-શ્રાદ્ધની વિધિ કરવા માટે આવે છે. પંદર દિવસ જ આ સ્ટેશને ચહલપહલ રહે છે, બાકી ૩૫૦ દિવસ સ્ટેશન સાવ સૂમસામ પડયું હોય છે. આજના જમાનામાં સૌરશક્તિથી દોડતી મોટરગાડીઓને દોડતી જોઈને હળવાશથી કહી શકાય કેઃ
સૌરશક્તિથી દોડે મોટરગાડી
શ્રાદ્ધશક્તિથી અટકે ગાડી.
ગદર્ભપ્રેમે પંચાવન જણને બનાવ્યા ગુનેગાર
ટેરરિસ્ટોને પોષીને પાયમાલ થઈ ગયેલા પાકિસ્તાનના અર્થતંત્રને નહીં પણ અનર્થતંત્રને હવે બસ એક ગધેડાનો જ આધાર છે. પાકિસ્તાન મોટી સંખ્યામાં ગધેડાઓને ચીનમાં નિકાસ કરે છે. ચીનાઓ ગધેડાનું માસ હોંશે હોંશે ખાય છે અને તેની ખાલનો ઉપયોગ દવા અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં વાપરે છે. આમ હિંસાખોર પાકિસ્તાનીઓ રોજ સેંકડો ગધેડાઓની ચીનમાં નિકાસ કરી મોતની ગર્તામાં ધકેલે છે. જ્યારે ભારતમાં ગધેડાને મારવામાં નથી આવતા પણ જીવાડવામાં આવે છે. ભારવહન માટે, અમુક જગ્યાએ ખેતીમાં અને પહાડી વિસ્તારમાં અવરજવર માટે પણ ગધ્ધાસવારી થતી હોય છે. ઉપરાંત ઔષધીય ગુણો ધરાવતા ગધેડીના દૂધ તો પાંચથી સાત હજાર રૂપિયે લીટર વેંચાય છે. આંધ્ર બાજુ તો ઘણાં લોકોએ ડોન્કી ફાર્મ શરૂ કરી ડોન્કી મિલ્કનો વ્યવસાય શરૂ કરી દીધો છે. પ્રાણી માત્ર તરફ જીવદયાની ભાવના ધરાવતા લોકોએ ક્યારેક વસમો ફટકો સહન કરવો પડતો હોય છે. બિહારના બકસર જિલ્લાના રામપુર ગામે વીજળીના થાંભલાને અડી જવાથી જોરદાર કરન્ટ લાગતા એક ગધડાનું મોત થયું હતું અને બીજો ગધેડો જખમી થયો હતો. ગધેડાને બચાવવા દોડી ગયેલા બે ગામ લોકો પણ વીજળીનો આંચકો લાગતા ઘાયલ થયા હતા. ગધેડાના મોતના વિરોધમાં ગ્રામજનો વીજ કંપની પર મોરચો લઈ ગયા હતા અને કામગીરી ખોરવી નાખી હતી. મૃત અને જખમી ગધેડાના માલિકને વળતર આપવાની માગણી કરી હતી. લગભગ અઢી કલાક આ ધરણા ચાલ્યા અને વીજળીનો પુરવઠો બંંધ રહ્યો તેને કારણે વીજ કંપનીને લગભગ દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું. એટલે વીજ કંપનીએ ૫૫ ગ્રામજનો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. વળતરની વાત બાજુએ રહી, તેને બદલે પોલીસે એફઆઈઆર નોંધતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠયો હતો. આપણાં દેશમાં ગૌરક્ષાના મુદ્દે જોરદાર અવાજ ઊઠાવવામાં આવે છે અને એ જરૂરી પણ છે. પરંતુ ગર્દભ રક્ષા માટે અવાજ ઉઠાવવામાં આવ્યાની કદાચ આ પહેલી જ ઘટના હશે. એટલે જ કહેવુ પડે કેઃ
જ્યાં ખર (ગધેડા)ની પણ
રક્ષા કરે નર
એવાં જીવદયા પ્રેમીઓને કરવી
પડે સલામ ખરે-ખર.
જીવલેણ બની ઈડલી
એવું કહેવાય છે કે જીવનમાં સુખી અને સ્વસ્થ રહેવું હોય તો કમ ખાના ઔર ગમ ખાના.દુનિયામાં ઓછું ખાવાથી નહીં વધુ પડતું ખાવાથી લોકો જાત જાતની બીમારીઓને નોતરી મૃત્યુ પામે છે. કેરળના પલક્કડમાં સૌથી ઓછા સમયમાં કોણ સૌથી વધુ ઈડલી ખાઈ શકે એ માટે ઈડલી ઈટિંગ હરિફાઈ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારા ૪૯ વર્ષના એક સ્પર્ધકે એક સાથે ત્રણ ઈડલી મોઢામાં મૂકી ખાવા ગયો, પણ એવો ડૂચરો ચડયો કે અડધી મિનિટમાં બેહોશ થઈ ઢળી પડયો અને જોતજોતામાં જીવ નીકળી ગયો. આશ્ચર્ય એ વાતનું છે કે ત્રણ ઈડલી ખાધી એમાં જીવ ગુમાવ્યો પણ કેટલાક પૈસા ખાઉ સરકારીઓ લાખો રૂપિયાની ખાઈકી કરે છે છતાં ઊની આંચ નથી આવીતી. આ જોઈને કહેવું પડે કેઃ
સાચને આવે આંચ ને
લાંચને ન આવે આંચ.
એક કિલો બટેટાના
૫૦ હજાર રૂપિયા
જબ તક દુનિયા મેં ખાના ચાલુ રહેગા... પસંદીદા ખાને મેં આલુ રહેગા... આલુ એટલે કે બટેટા આખી દુનિયામાં ખવાય છે. બટેટાનું ઉત્પાદન ઓછું થયું હોય અને માંગ વધી હોય ત્યારે ભાવ આસામાને જાય એવું બને તો પણ કિલોનો ભાવ ૫૦૦-૧૦૦૦ રૂપિયા સુધી તો ન જ પહોંચે.
પરંતુ એક કિલો બટેટાની કિંમત ૫૦ હજાર રૂપિયાથી વધુ સાંભળીને કેવો આંચકો લાગે? એટલું વળી સારૃં છે કે આ મોંઘાદાટ બટેટા ભરતમાં નહીં પણ ફ્રાન્સના નાર્મેન્ડી ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે. વિટામીન અને મિનરલ્સની ભરપૂર 'લે બોનાટે' બટેટા ઔષધીય ગુણો ધરાવે છે. આ બટેટા વર્ષમાં માત્ર દસ દિવસ જ મળે છે. ખૂબ જ સાવધાનીપૂર્વક આ બટેટા ઉગાડવામાં આવે છે, કુદરતી ખાતર તરીકે દરિયાની શેવાળનો ઉપયોગ કરવામાં આવે છે. આ આલુ ખૂબ જ નાજુક હોવાથી ખૂબ જ સાવધાનીપૂર્વક જમીનમાંથી કાઢવામાં આવે છે. તેની સોફટ છાલ પણ ખાઈ શકાય છે. આ છાલ પણ આરોગ્ય માટે ફાયદાકારક છે. બાકીના બટેટા કરતાં જુદો જ સ્વાદ અને સોડમ ધરાવતા લે બોનેટ બટેટા ખૂબ જ ઓછી માત્રામાં ઉગાડવામાં આવે તો એમાં માત્ર ૧૦૦ ટન લે-બોનાટે આલુ હોય છે. એક જમાનામાં લાલુ યાદવની સત્તાનો સૂરજ ધોમધખતો હતો ત્યારે કહેવાતું કેઃ જબતક સમોસે મેં આલુ રહેતા તબ તક બિહાર મેં લાલુ રહેગા. પણ આજે આલુ રહ્યાં છે, લાલુ ભૂલાયા છે.
આલુ ટકી રહ્યાં છે એનું કારણ કે ભારતમાં બધાને પોષાય એવાં ભાવે વેંચાય છે, બાકી તો જો આલુ પણ બહુ 'ભાવ' ખાય તો પછી કોઈ ન ખાય...
મુંબઈ અને પુણેમાં ભૂલેશ્વર
ઈશ્વર પણ જ્યાંભૂલા પડી જાય એચલાં બધા મંદિરો અને દેવસ્થાનો ધરાવતા ગીચ વિસ્તાર તરીકે ભૂલેશ્વરનું નામ જાણીતું છે. દક્ષિણ મુંબઈના વ્યાપારી પ્રવૃત્તિથી ધમધમતા આ વિસ્તારનું નામ જેનાં પરથી પડયું એ ભૂલેશ્વર મંદિર આજેય અડિખમ ઊભું છે. મુંબઈની જેમ પુણેમાં પણ ભુલેશ્વર છે એવું કોઈ કહેતો આશ્ચર્ય થાય. પરંતુ આ ભૂલેશ્વર મંદિર પુણેથી ૫૦ કિલોમીટરના અંતરે પુણે-સોલાપુર રોડ પર આવેલું છે. ૪૦૦ મીટર ઊંચી ટેકરી ઉપર ૧૨૩૦માં યાદવ કુળના રાજા કૃષ્ણદેવરાયે આ ભવ્ય શિવમંદિર બંધાવ્યું હતું. મંદિરની બહારના મિનારાને કારણે મસ્જિદ જેવો દેખાવ લાગે. આની પાછળ એવો તર્ક હતો કે મંદિરોનો નાશ કરતા આક્રમણખોરો ટેકરીની તળેટીના રસ્તેથી પસાર થતા હોય ત્યારે ઉપર નસ્જિદ હશે એમ માનીને આગળ વધી જાય માટે આ જાતનું બાંધકામ કરવામાં આવેલું. આ પર્વત પર ધ્યાનમાં બેઠેલા શિવજીના તપોભંગ માટે પાર્વતીએ નૃત્ય કરેલું એવી લોકવાયકા છે. ગહન તપમાં શંકર ભગવાન ખુદને પણ ભૂલી ગયેલા એના પરથી નામ પડયું ભૂલેશ્વર. મુંબઈ અને પુણેના ભૂલેશ્વર વિશે જાણીને કહેવાનું મન થાય કેઃ
ભોલેનાથ ભલે ખુદને ભૂલી
બને ભૂલેશ્વર
પણ ભક્તો ભૂલેચૂકેય ન ભૂલે
ઈશ્વરનો ઈ-સ્વર.
પંચ-વાણી
હનુમાનભક્તો બોલે
હનુમાન ચાલીસા.
હવામાનવાળા બોલે
હનુમાન ચાલીસા