પ્રધાનને ભાવે વડા એટલે સહુ કહે 'વડા-પ્રધાન'
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
કોઈ સંસ્થાના વડા હોય, કોઈ સંગઠનોના વડા હોય, કોઈ ગુ્રપના વડા હોય. આ વડા પ્રત્યે ગમા-અણગમા હોય પરંતુ એક વડા જેને સહુ કોઈ ચાહે છે એ છે મુંબઈના પાવ-વડા. ગરમાગરમ વડા અને સાથે ચટણી-લીલા મરચાની સંગત કેવી રંગત લાવે! એટલે જ તો મુંબઈની ખાસ ઓળખ બની ગયેલા વડાનો સ્વાદ નાગાલેન્ડના એક પ્રધાન તેમદેન ઈમ્ના અલોન્ગને એવો દાઢે વળગ્યો છે કે એ તો ઘરે ટેસ્ટી વડા બનાવતા શીખી ગયા છે. આ વડા પોતે કેવી રીતે બનાવે છે તેની વિધિની વિડીયો ઉતારી છે. બાફેલા બટેટાનો છૂંદો કરી માવો બનાવે અને ગોળા વાળી ચણાના લોટમાં ઝબોળી તળે અને પછી તીખ્ખી લસણની ચટણી અને ખઠમીઠી આમલીની તટણી સાથે ટેસથી વડા ખાતા આ પ્રધાનને જોઈ ખરેખર જાપાનના સુમો પહેલવાની યાદ આવી જાય. દેશના વડા પ્રધાનને સહુ ચાહે છે, પણ નાગાલેન્ડના પ્રધાનને મુંબઈના વડા ભાવે છે. પ્રધાનને ભાવે વડા એટલે એને કહેવાય વડા-પ્રધાન!
89 વર્ષની ઉંમરે બુઢાકાકા છૂટાછેડા લેવા ગયા
વેડિંગના સંબંધમાં તકલાદી વેલ્ડિંગ થયું હોય તો પછી ધણિધણિયાણીે છૂટા પડવાની નોબત આવે. દેશભરની અદાલતોમાં છૂટાછેડાના ઢગલાબંધ કેસ આવે છે. કોઈ બે-પાંચ વર્ષે છૂટા પડે તો વળી કોઈ દસ-બાર વર્ષે છૂટાછેડા લેવા ફેમિલી કોર્ટમાં જાય, પરંતુ એક અનોખા કેસમાં ૮૯ વર્ષની જૈફ વયે બુઢાકાકા છૂટાછેડા લેવા કોર્ટમાં પહોંચ્યા ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. કાકાની ઉંમર ૮૯ વર્ષ અને તેમનાં જીવનસાથીની ઉંમર ૮૨ વર્ષ. ૬૦ વર્ષના લગ્નજીવન બાદ બુઢાકાકા છૂટાછેેડા લેવા કોર્ટમાં પહોંચ્યા ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. ૬૦ વર્ષના લગ્નજીવન બાદ બુઢાકાકા કોણ જાણે કયા કારણસર છૂટાછેડા લેવા પહોંચ્યા એ જ ખબર ન પડી, પરંતુ ૮૨ વર્ષનાં ડોસીમાએ અરજ ગુજારી કે છૂટાછેડા લીધેલી સ્ત્રી તરીકેનું કલંક લઈ હું આખરી શ્વાસ લેવા નથી માગતી. માજીની આ ભાવનાત્મક અપીલ કાને ધરીને અને બન્નેની ઉંમર જોઈને સુપ્રીમ કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નામંજૂર કરી. કોર્ટે કહ્યું કે, '૮૨ વર્ષની ઉંમરે પણ પત્ની પોતાના પતિની સારસંભાળ લેવા તૈયાર છે. તેના મનની કેવી ઊંચી ભાવના છે કે તે આ ઉંમરે પતિને એકલા છોડવા નથી માગતી. એટલે જ પતિએ છૂટાછેડા મેળવવા માટે કરેલી અરજી સ્વીકારી ન શકાય.'
આજે કેટલાય ડોસા-ડોસી જીવનની સમી સાજે એકમેકના સહારે રહ્યું સહ્યું આયખું ગુજારે છે. કદરકૂટા સંતાનો ન સંભાળતાં હોય તો વૃદ્ધાશ્રમોમાં દિવસો વીતાવે છે. આ પરિસ્થિતિમાં ૮૯ વર્ષની ઉંમરે છૂટાછેડા માગવા પહોંચેલા વડીલને કોઈએ ગુજરાતી કવિતાની આ પંક્તિ અનુવાદ કરીને સંભળાવી જોઈએઃ
કમાલ કરે છે
કમાલ કરે છે,
એક ડોસો હજીય
ડોસીને વ્હાલ કરે છે.
સાસરિયાના ત્રાસથી છોડાવી દીકરીને વાજતે ગાજતે પિયરમાં પધરામણી
લગ્નવિધિ બાદ કન્યાને વાજતેગાજતે સાસરવાટે વિદાય કરવામાં આવે છે. બેંડવાજાવાળા સૂરાવલી છેડે છે - 'બાબુલ કી દુવાએં લેતી જા... જા તુજકો સુખી સંસાર મિલે...' પરંતુ રાંચીમાં અક અનોખી ઘટનામાં સાસરિયાની સતામણી અને કાયમી ત્રાસમાંથી વહાલી પુત્રીને છોડાવવા માટે પિતા સગાસંબંધીઓને લઈને પહોંચ્યા હતા, એટલું જ નહીં, વિવાહિત દીકરીને વાજતે-ગાજતે, ઢોલ-નગારાના તાલે તેમ જ ફટાકડાના ધૂમધડાકા સાતે હંમેશ માટે પિયર લઈ આવ્યા હતા. પિતા અને પરિવારજનોએ જે ધામધૂમથી પિયરમાં આવકરો આપ્યો એ જોઈને દીકરી ગદગદ થઈ ગઈ હતી.
કન્યાનાં લગ્ન ગયા એપ્રિલમાં જ એક એન્જિનીયર સાથે થયાં હતાં, પણ પતિ અગાઉ બે વાર પરણી ચૂક્યો છે એ વાત છુપાવી હતી. અધૂરામાં પૂરૃં સાસરિયાએ ત્રાસ આપવા માંડયો. એટલે યુવતીએ છૂટાછેડા લેવા માટે કોર્ટમાં ઘા નાખી. પિતાને જાણ થઈ એટલે રાજી થયા કે હાશ... દીકરી ત્રાસમાંથી છૂટશે. તેથી દીકરીને માનભેર પિયર લઈ આવવા માટે પહોંચ્યા. ત્યાર પછી વરઘોડો નહીં, પણ વાજતેગાજતે કન્યા-યાત્રા કાઢી દીકરીની પિયરે પધરામણી કરાવી. આ ઘટનાનો વિડીયો વીજળીવેગે વાઈરલ થયો હતો.
આ આંખ ઉઘાડી નાખે એવી ઘટનામાંથી પાઠ શીખીને મા-બાપ સાસરિયામાં ત્રાસ સહન કરતી દીકરીઓને માનભેર પિયર લઈ આવે તો આત્મહત્યાના કિસ્સા ટાળી શકાય કે નહીં? સમાજની શરમે દીકરી પણ મૂંગામોઢે સાસરિયામાં સતામણી સહન કરતી રહે એ જમાનો ગયો. હવે તો વટથી કહેવાનું કે-
જાલીમ જડસું જમાઈને આપો જાકારો,
ને વ્હાલી બેટીને પિયરમાં
આવકારો.
કદ નાનું પણ કામ અને નામ મોટું
સંતરાંના શહેર તરીકે નાગપુર વિખ્યાત છે, પણ નાગપુરના સંતરા જેના હાથમાં વોલીબોલ જેવડા લાગે એવી સૌથી વામન કદની જ્યોતિ આમગે નામની મોડેલ-એક્ટ્રેસ નાગપુરનું નામ દુનિયામાં મશહૂર કરી દીધું છે. ૩૦ વર્ષની જ્યોતિ આમગેની ઊંચાઈ છે માત્ર ૬૨.૮ સેમી, બોલો! દુનિયાની સૌથી વામનકદની મહિલા તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્ઝની નવી આવૃત્તિમાં પણ જ્યોતિ આમગેનું નામ આવ્યું છે. 'બિગ બોસ'માં જોવા મળેલી આ બે ફૂટની બાનુ કેટલીક સિરીયલો, તેના જીવન ઉપર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મો ઉપરાંત હોલિવુડની ફિલ્મ 'અમેરિકન હોરર સ્ટોરી'માં પણ કામ કરી ચૂકી છે. લોનાવલામાં આવેલા વેક્સ-મ્યુઝિયમમાં જ્યોતિનું મીણનું સ્ટેચ્યુ જોવા મળે છે. બોલિવુડની હિરોઈનો હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાના ખ્વાબ જોતી હોય છે, જ્યારે આ ટચુકડી તારિકાનું સપનું અનાયાસ સાકાર થઈ ગયું છે. ઓરેન્જ સિટીની અનોખી આમગેને જોઈ કહેવું પડે કેઃ
તન છોટુંં
પણ મન મોટું છે,
કદને લીધે ભલે થાય કમાણી
પણ જ્યોતી માટે
દામ કરતાં નામ મોટું છે.
પૂજારીઓ અને પુરોહિતોની ઈજારાશાહી તોડતી મહિલાઓ
સ્ત્રીઓ પુરૂષ સમોવડી બનીને આભને આંબી રહી છે, નેવીમાં જોડાઈ સમુદ્રી સીમાની હિફાઝત કરવા લાગી છે, વર્દીધારી પોલીસ બની રોફથી દિલફેંક મજનુઓને લાઠીથી ઠમઠોરી રહી છે અને શિક્ષણ તેમ જ સ્પોર્ટસમાં તો પુરૂષોને પણ પાછળ રાખી કૈંક મહિલાઓ આગળ વધી છે. જ્ઞાાન-વિજ્ઞાાન ક્ષેત્રે તો હરણફાળ ભરી જ છે, પણ ધર્મના ક્ષેત્રે પણ મહિલાઓએ કેવી પ્રગતિ કરી છે તેનો પુરાવો બનારસના પાણિની મહાવિદ્યાલયમાં મળે છે.
આ વિદ્યાલયમાં શાસ્ત્રોક્ત તાલીમ મેળવી કન્યાઓ પૂજારણ અને મહિલા પુરોહિત બને છે. ધાર્મિક અનુષ્ઠાન, લગ્નવિધિ, પૂજા-અર્ચના સહિત તમામ પ્રકારના કર્મકાંડની પ્રાચીન ગુરુકુળ પદ્ધતિથી ચાલતા મહાવિદ્યાલયમાં વિધિવત તાલીમ મેળવે છે. ભારતના જુદા જુદા રાજ્યોમાંથી જ નહીં, પણ વિદેશથી પણ તાલીમ લેવા કન્યાઓ આવે છે. પીળા રંગના સલવાર-કુર્તા અને સાડી પરિધાન કરતી આ તાલીમાર્થીઓ ગંગા નદીને કિનારે આવેલા અસ્સી ઘાટ ઉપર ગંગામૈયાની આરતી ઉતારે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે. ગોરમહારાજો અને મંદિરના પૂજારીઓ તેમ જ પુરોહિતોની સામે અબળાઓએ સબળો પડકાર ઊભો કર્યો કહેવાયને!
પંચ-વાણી
પત્નીઃ નસીબદારને ઈગ્લિશમાં શું કહેવાય?
પતિ- અનમેરીડ.