Get The App

બાલાજી મંદિરઃ વિઝા મેળવવા વિનવણી

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
બાલાજી મંદિરઃ વિઝા મેળવવા વિનવણી 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દિલ હૈ કિ માનતા નહીં... આ ગીતમાં ભલે એવું ગવાતું હોય  કે દિલ માનતું નથી, બાકી આપણાં દેશમાં દિલથી 'માનતા' માનવાવાળા ઓછા નથી. સંતાન પ્રાપ્તિ માટે, યોગ્ય જીવનસાથી મળે માટે, સુખ-સમૃદ્ધિ મેળવવા તેમ જ સંકટ દૂર થાય એ માટે લોકો ધર્મસ્થાનોમાં જઈને માનતા માનતા હોય છે, પરંતુ પરદેશ જવા માટેના વિઝા મેળવવા ખાતર મંદિરમાં જઈ માનતા માનવામાં આવે ત્યારે ખરેખર આશ્ચર્ય થાય. હૈદરાબાદના સરોવરની બાજુમાં  આવેલું બાલાજી મંદિર તો હવે વિઝા બાલાજી મંદિર તરીકે જાણીતું થઈ ગયું છે, કારણ કે વિદેશ જવા માટેના વિઝા મેળવવા માટે ભગવાનને વિનવણી કરવા આસ્થાળુઓ સતત આવતા જ રહે છે. વિઝા-ઈચ્છુક શ્રદ્ધાળુઓ સાથે પાસપોર્ટ લઈને આવે છે. પહેલાં મંદિરની પ્રદક્ષિણા કરે છે અને પછી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરનાં ચરણોમાં પાસપોર્ટ મૂકી વિઝા મળી જાય એવી વિનવણી કરે છે. મંદિરના પૂજારીના કહેવા મુજબ ભક્તોની મનોકામના પૂરી થાય છે એવી માન્યતાને લીધે ઘસારો વધતો જ જાય છે. આવી જ રીતે હૈદરાબાદથી ૪૦ કિમી દૂર ચિકલુર બાલાજી મંદિરમાં પણ લોકો વિઝા મળી જાય એ માટે દર્શને આવે છે. મનોકામના પૂરી થાય એટલે ભગવાનને રમકડાના પ્લેન ચડાવવામાં આવે છે.

ડી.જે.ની બબાલઃ કન્યાએ કર્યા લગ્ન ફોક

એક જમાનો હતો જ્યારે લગ્નપ્રસંગે શરણાઈના સૂર સંભળાતા અને જાન માંડવે આવે ત્યારે ધ્રિબાંગ ધ્રિંબાંગ ઢોલના નાદે જાણે ગામ ગાજી ઉઠતું, પરંતુ આજે  ઢોલ-શરણાઈનું સ્થાન ડી.જે.ના કાનફાડુ ઘોંઘાટિયા મ્યુઝિકે લીધું છે. છાતીમાં રીતસર  ધબ... ધબ... થાય અને કાનમાં જાણે ખિલ્લા ઠોકાતા હોય એવાં ડી.જે.ના દાનવી સંગીત નહીં, પણ શોરબકોર વચ્ચે લગ્ન-પ્રસંગો  ઉકેલાતા હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં ડી.જે.ના ઘોંઘાટને કારણે એક લગ્નપ્રસંગ ભગ્ન પ્રસંગમાં ફેરવાયો હતો. 

કન્યાને આંગણે વરરાજા વાજતે ગાજતે જાન લઈને આવ્યા, એટલે માંડવા પાસે ડી.જે. સાઉન્ડ સિસ્ટમમાં ગીતોના ધબકારા બંધ કરે એવો ધોધ પડવા માંડયો. એમાં વરપક્ષવાળાએ એક ગીત વગાડવાની ફરમાઈશ કરી, પણ ડિસ્કો જોકીએ કોઈ કારણસર ફરમાઈશ પૂરી ન કરી એમાં વાત વણસી. 

બોલાચાલી અને બબાલ પછી મારામારી શરૂ થઈ. કન્યા પક્ષવાળા અને વરપક્ષવાળા બરાબરના ભીડી ગયા. એવી જોરદાર મારામારી થઈ કે રણમેદાનમાં નહીં પણ આ પ-રણમેદાનમાં કેટલાય ઘાયલ થઈને પડયા. આથી ગુસ્સે ભરાયેલી કોડીલી કન્યાએ બધાની વચ્ચે કહ્યું કે મારે લગ્ન જ નથીકરવા. નજીવી વાતમાં જે મારામારી  પર ઉતરી આવે એવા સાસરિયાને ત્યાં કોણ જાય?આ સમાચાર વાંચીને કહેવાનું મન  થાય કે-

સહુ મસ્ત બની નાચે એવું

સંગીત વાગે,

ડી.જે.ના ઘોંઘાટમાં

પરણનારા આઘા ભાગે.

આ-શાદી કરતાં

આઝાદી સારી

પરણે એ સમસ્યાને શરણે એવું લગનના લાડુ ખાઈ ચૂકેલા ઘણા કહેતા હોય છે. એક ભાઈ કહેતા હતા કે જ્યાં સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી ખબર નહોતી કે સાચું સુખ કોને કહેવાય, પણ પછી મોડું થઈ ગયું,  એટલે પરણીને પસ્તાવાનો અને સાચું સુખ  ગુમાવવાનો વારો આવ્યો. 

એક હિન્દી ફિલ્મના ગીતમાં ગવાયું છે ને કે, 'શાદી... ના બાબા ના શાદી તો બરબાદી હૈ...' મને લાગે છે આ બધા કારણોસર ફરીદાબાદની  બાર યુવતીઓએ મળીને લગ્ન ન કરવાનો સંકલ્પ કર્યો છે. યુવતીઓની આ ન પરણવાની પ્રતિજ્ઞાાને કારણે તેમના પરિવારજનોને આંચકો લાગ્યો છે, પણ બાર કન્યાઓનો નિર્ણય અફર છે. 

શાદી ન કરીને સમાજની સેવા કરવાનો તેમણે નિર્ધાર કર્યો છે અને આપબળે આગળ વધી પગભર થવાની તેમની ખેવના છે. સોશિયલ મીડિયામાં આ કન્યાઓની પ્રતિજ્ઞાાનો કિસ્સો ખૂબ વાઈરલ થયો હતો. આ આઝાદ ખયાલની કન્યાઓની વાત પણ સાચી છે કે લગ્ન કર્યા પછી એકવાર ઝંઝાળમાં પડયા એટલે પત્યું, એમાંથી ઊંચા જ ન અવાય. હળવાશથી કહે છે, પણ ખરી કે અમારી જન્મકુંડળીમાં શાદીનો નહીં, પણ સેવાનો યોગ છે. આ યુવતીઓ આ-શાદી કરી પોતાની આઝાદી ગુમાવવા નથી માગતી. એમના સંકલ્પને ખરેખર દાદ દેવી પડે અને એમને એક એકલા એકલા આગળ વધતી જોઈને કહેવું પડે તે એક હૈ તો સૈફ હે...

પહેલાં પૂજા પછી ચોરી

કોઈ ધનની ચોરી કરે તો કોઈ ધૂનની ચોરી કરે, કોઈ દિલની ચોરી કરે તો કોઈ દૌલતની ચોરી કરે, કોઈ કર-ચોરી કરે તો કોઈ ઘર-ચોરી કરે. આમ, જાતજાતની ચોરી ચાલ્યા જ કરે છે, પણ ચોરી કરવાવાળા ચોરની હરકત કયારેક ખરેખર અચરજ પમાડે છે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના એક પેટ્રોલ પમ્પમાં મધરાતે ચોર ઘુસ્યો. ઓફિસ ફંફોસતા તેની નજર મંદિર ઉપર પડી એટલે પહેલાં તો તેણે દીવા-બત્તી કરીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને પછી દોઢ લાખ રૂપિયા તફડાવી પલાયન થઈ ગયો. જોકે આ ચોરની બધી જ હરકત પેટ્રોલ-પમ્પની  ઓફિસમાં ગોઠવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કેટલાય પાખંડીઓ આવી જ રીતે ધરમને નામે ભક્તજનો પાસેથી પૈસા પડાવતા હોય છે ને? 

મુંબઈમાં વાઘ આવ્યો ભાઈ વાઘ

મહારાષ્ટ્રમાં વિદર્ભના જંગલોમાં અને ટાઈગર રિઝર્વમાં વાઘ છૂટા ફરતા જોવા મળે છે. જ્યારે મુંબઈમાં તો અટકધારી 'વાઘ' જોવા મળે છે અથવા તો નેશનલ પાર્ક કે ભાયખલાના રાણીબાગમાં વાઘ જોવા જવું પડે છે, પણ મુંબઈમાં વાઘ છૂટો ફરતો દેખાય તો ભલભલાની ફેં ફાટી જાયને? આજે મલબાર હિલની ગણના વૈભવશાળી વિસ્તાર તરીકે થાય છે. મલબાર હિલમાં જ મુખ્ય પ્રધાન તેમ જ પ્રધાનોના સત્તાવાર નિવાસસ્થાનો આવેલા છે. આ જ મલબાર હિલ વિસ્તારમાં ૧૮૨૨માં વિકરાળ વાઘ ટહેલતો જોવા મળ્યો હતો. ૧૮૫૮માં મઝગાવમાં ફરતા એક વાઘને 'એડન' નામની સ્ટીમરના અધિકારીએ છ ગોળી ધરબીને  ઠાર કર્યો હતો. ૧૮૬૩માં એક પારસી બાવા બળદગાડામાં જતા હતા ત્યારે એક વાઘે હુમલો કર્યો હતો. આ વખતે એક અંગ્રેજ અમલદાર ત્યાં દોડી ગયા હતા અને વાઘને ગોળીએ દીધો હતો. આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં કાલબાદેવીના નાકા પર દીપડાએ દેખા દીધી હતી. લોકોએ ગભરાઈને નાસભાગ કરી મૂકી હતી. ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીએ દીપડાને ઠાર કર્યો હતો.  દાયકાઓ પહેલાં મુંબઈના અનેક વિસ્તારોમાં ઝાડી-જંગલ જોવા મળતા, જ્યારે આજે તો કોક્રિટનાં જંગલો છે. એમાં વાઘ-દીપડા ક્યાંથી દેખાય?

 પંચ-વાણી

વહુ જો વેરણ થાય તો

સંસાર વેરણછેરણ થાય.


Google NewsGoogle News