કાંદાનાં ભજિયાં, કાંદાની ચટણી, કાંદાના પરોઠા, કાંદાનો સુપ...

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
કાંદાનાં ભજિયાં, કાંદાની ચટણી, કાંદાના પરોઠા, કાંદાનો સુપ... 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

રામનવમી ધામધૂમથી ઉજવાય છે એ સહુ જાણે છે, પણ મહારાષ્ટ્રમાં કાંદાનવમી ઉજવાય છે એ કેટલાને ખબર હશે? કાંદાનવમીને દિવસે સોશિયલ મીડિયામાં મેસેજ આવવા માંડયા કે 'હેપ્પી કાંદાનવમી... કાંદાનવમી કે અવસર પર હમ શુભકામના વ્યકત કરતે હૈં...' વગેરે વગેરે સંદેશા ઠલવાવા માંડયા. જાણકારોને પૂછતાં ખબર પડી કે મહારાષ્ટ્રમાં ઘણા લોકો  અષાઢી એકાદશીથી ચાર મહિના ડુંગળી ખાતા નથી. ચાર મહિના કાંદા ન ખવાય એટલે એ પહેલાં અષાઢ સુદ નોમના દિવસે ભરપૂર કાંદા ખાઈ લે છે. કાંદાનવમીના દિવસે કાંદાનાં ભજિયાં, કાંદાની ચટણી, કાંદાના પરોઠા, કાંદાનો સુપ, કાંદાપોળી (રોટલી) અને કાંદા-ભુરકા લોકો  હોંશે હોંશે ખાય છે અને કાંદા નવમી ઉજવે છે. મરાઠી ઉપહારગૃહોમાં પણ કાંદાનવમીને દિવસે ખાસ કાંદાની વાનગીઓ તૈયાર થાય છે. કેવી નવીનવાઈની ઉજવણી કહેવાય!   કોઈ કાંદા-લસણ ન ખાય તો કોઈ ઘરમાં કાંદાથી ઉજવણી થાય. કાંદાપ્રેમી મહિલાને મોઢે એક મજેદાર અને ટેસ્ટી પંક્તિ સાંભળવા મળી:

કાંદા અને સાસુ

ભલે આંખમાં લાવે આંસુ

તો પણ અમે 

હોંશે હોંશે ખાશું.

માતા-પિતા અને સાસુ-સસરાને મળવા રજા

રજાની મજા જ કંઈ જુદી હોય છે. રજા મળે તો રાજી અને રજા ન મળે તો  નારાજી. આજના યુગમાં હસબન્ડ-વાઈફ બન્ને જોબ કરતાં હોય અને વિભક્ત કુટુંબમાં એકલા રહેતા હોય એવી પરિસ્થિતિમાં જુદા રહેતાં માતા-પિતા કે સાસુ-સસરાને મળવાનો ટાઈમ  પણ નથી મળતો. એટલે જ આસામ સરકારે માતા-પિતા અને સાસુ-સસરાને નિરાંતે મળી શકાય પારિવારિ ક સંબંધોની ગાંઠ વધુ મજબૂત થાય માટે સરકારે કર્મચારી માટે વર્ષમાં બે રજા જાહેર કરી છે.છઠ્ઠી અને સાતમી નવેમ્બરે ગવર્નમેન્ટ એમ્પ્લોઈઝને ખાસ રજા અપાશે. આ સાથે જ  સરકારે તાકીદ કરી છે કે બે દિવસની રજા હરવાફરવામાં ન વિતાવતા, વડીલોને મળવામાં અને તેમની સાથે સમય ગાળવામાં વાપરજો. આ નિર્ણયથી કહેવું પડશે કે-

જે વડીલો એકલવાયા જીવનની

ભોગવતા હશે સજા

એમને માટે બે દિવસની રજા

પૂરી પાડશે સંતાનોને 

મળવાની મજા.

પતિવ્રતાએ ખભે ઉપાડયો ધણીને

લગ્નમંડપમાં નવવધૂ વરરાજાને પગલે પગલે ચાલી ફેરા ફરે તે દ્રશ્ય સહુએ જોયું જ હોય, પરંતુ પરણ્યા પછી સંસારને રસ્તે આગળ વધતા કોઈ કારણસર પતિ ચાલી શક્વાની સ્થિતિમાં ન હોય તો શું થાય? આ સવાલનો જડબાતોડ જવાબ મધ્યપ્રદેશની એક પતિવ્રતાએ સરકારને આપી દીધો છે. બન્યું એવું કે ભિંડ જિલ્લામાં પગ ભાંગી જવાથી એક શખસને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ફ્રેકચર થયું હોવાથી પીડાને કારણે કણસતા આ પેશન્ટને ટ્રોમા સેન્ટરમાંથી સર્જિકલ વોર્ડમાં લઈ જવા ડોકટરે કહ્યું. મોટી હોસ્પિટલમાં દૂર આવેલા સર્જિકલ વોર્ડમાં લઈ જવા માટે જખમીની ુપત્નીએ સ્ટ્રેચર મેળવવા બહુ ફાંફા માર્યા, પણ આવડી મોટી હોસ્પિટલમાં સ્ટ્રેચર ન મળ્યું અને મહિલાની મદદે પણ કોઈ ન આવ્યું. પણ મહિલા હિમ્મત ન હારી. તેણે પતિને ખભે ઊંચકી લીધો અને ૫૦ મીટર દૂર આવેલા સર્જિકલ વોર્ડમાં પહોંચાડયો. પરસેવે રેબઝેબ  હાલતમાં પતિને ખભે ઉપાડી જઈ રહેલી આ મહિલાનો વીડિયો વીજળીવેગે વાયરલ થતા લોકોએ સરકારી તંત્ર પર ફિટકાર વરસાવ્યો.  વીડિયોને કારણે તંત્ર સફાળું જાગ્યું અને તપાસનો આદેશ આપ્યો. જન-આરોગ્ય યોજના અને એવી કૈંક યોજનાઓની ગુલબાંગો હાંકવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગામડામાં કેવી દશા છે તેનું ભાન કરાવતી આ ઘટના વિશે જાણીને કહેવું પડે કે-

સ્ટ્રેચર માટે મથીને 

ખભે ઉપાડયો પતિને

કેવી દશા છે એ 

કો'ક તો કહો ગાદી-પતિને...

નટખટ કાનુડાની જેમ વસ્ત્રાહરણ કરે પોલીસ

ગોપીઓ જમુના નદીમાં નહાવા પડે ત્યારે નટખટ નાગર કાનુડો એમનાં  વસ્ત્રો ચારી જતો. રાજ કપૂરે આના પરથી જ 'સંગમ' ફિલ્મમાં લાજવાબ ગીત વિઝ્યુલાઇઝ કરેલું : મેરે મનકી ગંગા ઔર તેરે મન કી જમના કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં. પરંતુ કર્ણાટકના પોલીસો તો નાહવા પડતી ગોપીઓનાં જ નહીં પણ ગોપલાઓનાં  વસ્ત્રો ઉપાડી જાય છે. વાત જાણે એમ છે કે ચોમાસામાં પહાડ પરથી પડતા ધોધમાં નહાવાની મજા લેવા લોકો ઉમટી પડે છે. એમાં સેલ્ફી લેવાના અને રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માતો થાય છે. આથી ધોધમાં નહાવા પર સરકારે પ્રતિબંધ તો મૂક્યો, પણ એને ગણકારે કોણ? એટલે પછી આ ઉપાય અજમાવ્યો. પ્રતિબંધિત ધોધમાં નહાવા પડે એનાં કપડાં જ  પોલીસ ઉપાડી જાય છે.  હવે નાહીને અંડરગાર્મેન્ટ પહેરીને નીકળે અને પોતાના કપડાં ન મળે તો કેવી દશા થાય? એટલે આ ખેલ જોતાં પોલીસો દંડ  વસૂલ કરી કપડાં પાછા આપે છે. કહેવત છે ને કે નાગો નહાય શું અને નીચોવે શું? પણ પોલીસો નાહીને એમને એમ નંગધડંગ નીકળતા લોકો પાસેથી દંડ નીચોવે છે.

પેન્ટમાં એન્ટ્રી ધોતિયામાં નો-એન્ટ્રી

ખેડૂત જગતના તાત તરીકે ઓળખાય છે. કૃષિ પ્રધાન હિન્દુસ્તાનની ઉન્નતિ પાછળ ખેડૂતોનો સિંહફાળો છે. શાકભાજી, ફળફળાદિ અને અન્ન-ધાન્યની આખા દેશનું પેટ ભરવાની જવાબદારી બજાવે છે ખેડૂત. આ જ ખેડૂતને ધોતિયું પહેર્યું હતું એટલા ખાતર બેંગ્લોરના મોલમાંથી પાછો કાઢવામાં આવતા સોશિયલ મીડિયામાં વિરોધનો વંટોળ જાગ્યો હતો. બન્યું એવું કે જુવાન શખશ તેના વયોવૃદ્ધ કિસાન પિતાને શોપિંગ મોલ જોવા લઈ ગયો, પણ ભોળાભાળા ખેડૂતે ધોતિયું પહેર્યું હતું એટલે પ્રવેશદ્વાર પર ઊભેલા સિક્યોરિટી ગાર્ડે પિતા-પુત્રને અટકાવ્યા હતા:  મોલમાં આવવું હોય તો પેન્ટ પહેરીને આવો,ધોતિયું પહેરીને આવનારને એન્ટ્રી નથી. દેશના કિસાનનું જ નહીં, પણ રાષ્ટ્રીય પોષાકનું પણ કેવું અપમાન કહેવાય? સોશિયલ મીડિયામાં આ ઘટના વાયરલ થતાંની સાથે દેશભરમાંથી મોલ ઉપર  ફિટકાર વરસાવવામાં આવ્યો હતો. પછી તો મોલના સંચાલકો પણ હચમચી ગયા હતા, સિકયોરિટી ગાર્ડે માફી માગી લીધી હતી. અને પ્રશાસને સાત દિવસ મોલ બંધ રાખવાનું ફરમાન છોડયું હતું. ખેડૂતોના એક સંગઠને તો આંદોલનની  ચેતવણી સુદ્ધાં આપી દીધી હતી. આ ઘટનાને લીધે 'જય જવાન જય કિસાન'નું સૂત્ર આપનારા લાલબહાદુર શાસ્ત્રીજીનો આત્મા પણ કેવો દુભાયો હશે...

પંચ-વાણી

સ: અગાઉના જમાનામાં ઘરે જ સુવાવડ થતી તેને અંગ્રેજીમાં શું કહેવાય?

જ: હોમ-ડિલિવરી.


Google NewsGoogle News