ઉંદરોએ પુરાવા નષ્ટ કર્યા .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
આપણાં દેશમાં વધતા રેટ (ભાવ) અને વધતા રેટ (ઉંદર)થી લોકો પરેશાન છે. દર દર ભટકતા ઉંદર દર વર્ષે લાખો ટન અનાજ ઓહિયા કરી જાય છે. મોટરકારમાં વાયરો ચાવી જાય છે. મોંઘા ંવસ્ત્રો કાતરી જાય છે. ઉંદરો અર્થતંત્રને અનેક રીતે પારાવાર નુકસાન પહોંચાડે છે, એટલું જ નહીં, રોગચાળો પણ ફેલાવે છે. ઉંદરોની આ હરકતો સહુ જાણે છે પણ રીઢા ગુનેગારોની જેમ ઉંદરો મહત્ત્વના કેસના પુરાવા નષ્ટ કરે ત્યારે કેવી નવાઈ લાગે?
મધ્ય પ્રદેશમાં એક પતિએ તેની પત્નીને દંડાથી ફટકારીને ઘાયલ કરી હતી. સારવાર દરમ્યાન પત્નીનું મૃત્યુ થયું એટલે પતિની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો કેસ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશની વડી અદાલતમાં આ કેસની સુનાવણી વખતે હાઈકોર્ટે પુરાવા માગ્યા. ત્યારે પોલીસે કોર્ટમાં જણાવ્યું કે કેસના પુરાવાના કાગળો ઉંદરડા કાતરી ગયા છે. આ સાંભળી જજ સાહેબ ગુસ્સે ભરાયા હતા અને પોલીસને ઠપકો આપતા કહ્યું હતું કે પોલીસે પુરાવા જાળવવા માટે સતર્ક રહેવું જોઈએ. પોલીસ સ્ટેશનોમાં પુરાવા કેવી ખરાબ સ્થિતિમાં રાખવામાં આવે છે એ આજે ખબર પડી.
ઈન્દોર જેવા શહેરના પોલીસ સ્ટેશનમાં આ હાલત છે તો બીજાં નાનાં ગામોનાં પોલીસ સ્ટેશનમાં કેવી દશા હશે? કેસના પુરાવા સુદ્ધાં નષ્ટ કરતા આ ઉંદરોનો ત્રાસ જોઈને થોડી શબ્દ-રમત કરતા કહી શકાય કે જીવનજરૂરિયાતની ચીજોના દર (રેટ) વધે ત્યારે અને ઉં-દર (રેટ) વધે ત્યારે છેવટે તો લોકોએ જ સહન કરવું પડે છે ને!
રામ-રાવણ વચ્ચે
ખરેખરી મુક્કાબાજી
રામલીલા ન્યારી, સબજન કો પ્યારી... સદીઓથી રામલીલા ભજવાય છે, ભારતમાં જ નહીં વિદેશમાં પણ રામલીલા ભજવાય છે. રામલીલાને અંતે લોકો સૌથી રસપૂર્વક રામ-રાવણ યુદ્ધના ક્લાઈમેક્સના સીન જોતા હોય છે. ઉત્તર પ્રદેશના અમરોહામાં ભજવાતી રામલીલામાં પણ આવી જ રીતે લોકો તન્મયતાથી રામ-રાવણ યુદ્ધના દ્રશ્યો જોતા હતા ત્યાં તો કોણ જાણે શું થયું કે રામ અને રાવણના પાત્ર ભજવાતા કલાકારો ધનુષ્ય-બાણ હેઠા મૂકીને એકબીજાને મુક્કા મારવા માંડયા અને લાતમલાત કરવા માંડયા. પહેલાં તો દર્શકો સમજ્યા કે આ સીન રામલીલાનો જ ભાગ હશે, એટલે એકદમ વાસ્તવિક ભજવણીને તાળીઓના ગડગડાટથી વધાવી પણ ખરી, પરંતુ મારામારી વધી પડતા આયોજકો મંચ પર દોડી આવ્યા અને રામ-રાવણને છૂટા પાડ્યા ત્યારે રામલીલાના મંડપમાં હાસ્યની છોળો ઉડી હતી.
એવું કહેવાય છે ને કે દરેક મુનષ્યના મનની ભીતરમાં જ રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ ચાલતું હોય છે. જે પોતાના અહંકારરૂપી રાવણનો ખાતમો બોલાવે એના મનમાં રામરાજ્ય સ્થપાય છે. પણ રામલીલાના રામ અને રાવણ એકબીજા સાથે બથોબથ આવી ગયા અને જે રીતે એક બીજાની પીટાઈ કરી તેની વીજળી વેગે વાઈરલ બનેલી વીડિયો જોઈને કહેવું પડે કે-
આ રામલીલા કેવી ન્યારી
મંચ પર જામી મારામારી.
પિતાના પ્રેમના પાવરથી દોડતી પુત્રની સાઈકલ
કોઈ વાહન પેટ્રોલથી દોડે તો કોઈ વાહન ડિઝલથી દોડે. કોઈ વાહન સીએનજીથી દોડે તો કોઈ ઈલેકટ્રિક ચાર્જથી દોડે. પરંતુ તમે એવી કોઈ સાઈકલ જોઈ છે જે પિતાના પ્રેમના પાવરથી દોડે? પુત્ર તરફના પ્રેમ અને લાગણીને લીધે છત્તીસગઢના બાલોદ ડિસ્ટ્રીકટના એક ગામડામાં રહેતા અને વેલ્ડરનું કામ કરતા પિતાએ ગજબનો ઈ-જુગાડ કર્યો. સંતોષ શાહુ નામના વેલ્ડરના ૧૪ વર્ષના દીકરાએ સ્કૂલે જવા-આવવામાં ૪૦ કિલોમીટરનો પંથ કાપવો પડતો હતો. જવાના ૨૦ કિલોમીટર અને આવવાના ૨૦ કિલોમીટર. ટાઈમસર એસ.ટી. બસ મળે નહીં એટલે સ્કૂલે મોડો પહોંચે તો વઢ ખાવી પડે.
સ્કૂલમાં ટાઈમસર પહોંચવા ઘરેથી એક-દોઢ કલાક વહેલું નીકળવું પડે. ભણવાની ધગશ ધરાવતા દીકરાની આ રોજેરોજની તકલીફ જોઈને પિતાએ કંઈક જુગાડ કરવાનું નક્કી કર્યું. એક સાઈકલ લીધી.
એમાં બેટરી બેસાડી સ્વિચો ગોઢવી અને વાયરનું કનેકશન આપ્યું. સાયકલમાં ચાર્જિંગ માટેની સિસ્ટમ ફિટ કરી દીધી. આમ ખૂબ મહેનત કરી અને સાવ ટાંચા સાધનો ભેગા કરીને શાહુએ ઈ-સાઈકલ તૈયાર કરાવી. જ્યારે પહેલી વાર આઠમા ધોરણમાં ભણતા દીકરાએ સાઈકલ પર બેસી ચાંપ દબાવી સાઈકલ-સ્ટાર્ટ કરી અને સ્કૂલની દિશામાં મારી મૂકી ત્યારે એ જોઈ પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા.
આ સાઈકલની બેટરી ફૂલ ચાર્જ થતા ૬થી ૮ કલાક લાગે છે. એક વાર ચાર્જ કર્યા પછી ૮૦ કિલોમીટર સુધી ઈ-સાઈકલ દોડાવી શકાય છે. ગામડાવાળાએ શાહુને શાબાશી આપી ત્યારે તેણે નમ્રતાથી કહ્યું , 'જો કુછ ભી કિયા બેટે કે લિયે કિયા...' આ જોઈને કહેવું પડે કે -
પિતાના પ્રેમના પાવરથી
દોડે ઈ-બાઈક,
ફરફરાટ જતા પુત્રને જોઈ
સહુ ગ્રામજનો કરે લાઈક.
મેરા મોપેડ મહાન
દશેરાના કે દિવાળીના મૂહૂર્તમાં કે પછી કોઈ સપરમા દિવસે કાર ખરીદનારા લોકો સોશિયલ મીડિયામાં કાર સાથેનો ફોટો મૂકી લખતા હોય છે કે અમારા ફેેમિલીમાં એક મેમ્બરનો વધારો થયો. પરંતુ મધ્ય પ્રદેશના શિવપુરીમાં તો એક ચા વેચવાવાળાએ ટુ-વ્હીલર મોપેડ ખરીદીને હજારો રૂપિયા ખર્ચી વાજતે ગાજતે સ્વાગત કાર્યક્રમ યોજ્યો હતો. આ હરખપદુડા શખસે ૯૦ હજારની કિંમતનું મોપેડ ૨૦ હજારનું ડાઉન પેમેન્ટ કરી હપ્તેથી ખરીદ્યું હતું.
ટુ-વ્હીલરના આગમનને વધાવવા માટે તેણે સૌથી પહેલાં ક્રેનથી મોપેડને હવામાં અધ્ધર લટકાવ્યું હતું અને બેન્ડવાજા અને ડી.જે.ના ધૂમધડાકા સાથે જલ્સો યોજયો હતો. આ તામજામ પાછળ ૬૦ હજારનો ધુમાડો કર્યો. મોપેડના માનપાનનો આ તમાશો જોવા માટે લોકોની એટલી ભીડ જામી કે રસ્તા પર વાહનોની અવરજવર અટકી ગઈ હતી.
આખરે પોલીસ દોડી આવી હતી અને મોપેડ તેમ જ ડી.જે.ના સ્પીકરો જપ્ત કરીને લઈ ગઈ હતી. આ જોઈ કહેવું પડે કે:
તમે ભલે માનો કે
મેરા મોપેડ મહાન
પણ તમાશો કરતા કોઈને
થાય નહીં
તકલીફ એનું રાખો ભાન.
પંચ-વાણી
કાબેલ ડ્રાઈવર પાસે
સીધી ચાલે ગાડી,
કાબેલ વર પાસે
સીધી ચાલે લાડી.
** ** **
ગાડી માટે પહેલાં લર્નિંગ
લાયસન્સ જોઈએ અને
લાડી મેળવતા પહેલાં અર્નિંગ
લાયસન્સ જોઈએ.