શહીદ ભગતસિંહની સાક્ષીએ લગ્ન .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
લગ્ન વિશે એવું કહેવાય છે કે લગ્ન કરી પુરૂષ બેચલરની ડિગ્રી ગુમાવે છે અને સ્ત્રી માસ્ટર્સની ડિગ્રી મેળવે છે. પુરૂષ આઝાદી ગુમાવે છે એવું પણ હળવાશથી ઘણા કહેતા હોય છે, પરંતુ ભારતની આઝાદી માટે કુરબાની આપનારા મહાન ક્રાંતિકારી શહીદ ભગતસિંહ પરણવાની ઉંમરે ગળામાં વરમાળા પહેરવાને બદલે ફાંસીનો ગાળિયો પહેરી હસતા મુખે શહીદી વહોરી હતી.
એ જ ભગતસિંહની સાક્ષીએ હરિયાણામાં અનોખાં લગ્ન પાર પડયાં હતાં. ગોરિયા ગામમાં શહીદ ભગતસિંહ યુવા મંચના સભ્ય સર્વેશ ભુક્કર નામના દુલ્હાનાં લગ્ન પારસ નામની કન્યા સાથે લગ્નમંડપ, મંત્રોચ્ચાર કે ફેરાની વિધિ વગર શહીદ ભગતસિંહની સાક્ષીએ થયા હતાં. મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી આ પુષ્પો ભગતસિંહની તસવીરને અર્પણ કરવામાં આવ્યાં હતાં અને આ સાથે જ મંદિર પરિસર 'શહીદ ભગતસિંહ અમર રહે...', 'ઈન્કલાબ ઝિંદાબાદ...'ના ગગનભેદી નારાથી ગાજી ઉઠયું હતું.
30 મહિનામાં 25 ડિલીવરીનો રેકોર્ડ
સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લોકો કેટલી હદે બનાવટ કરતા હોય છે અને ેકેવાં જૂઠ્ઠાણા ચલાવતા હોય છે તેનો સૌથી ચોંકાવનારો કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ફતેહાબાદમાં બહાર આવ્યો છે.
સ્વાસ્થ્ય કેન્દ્રના ઈન્સ્પેકશન અને ઓડિટ વખતે ખબર પડી હતી કે એક મહિલાએ જનની સુરક્ષા યોજના અને મહિલા નસબંધી યોજના હેઠળ વળતર મેળવવા માટે ૩૦ મહિનામાં પાંચ વાર નસબંધી કરાવી હતી અને ૨૫ ડિલીવરી એના નામે નોંધાઈ હતી.આ માટે સરકારી યોજના અંતર્ગત મળતા બધા લાભો આપવામાં આવ્યા હતા.
પેલી કહેવત છેને કે ઉપરવાલે કે દરબાર મેં દેર હૈ અંધેર નહીં, પણ યુ.પી.નો આ કિસ્સો જાણી કહેવું પડે કે યુપીવાલે કે દરબાર મેં અંધેર હૈ દેર નહીં...
બાળકીઓએ શોધી સોલર-કેપ
બળબળતા ઉનાળે ધોમધખતા તાપમાં રસ્તા કે ફૂટપાથો ઉપર બેસીને માલસામાન વેચતા ફેરિયાઓની દશા જોઈને કોને દયા ન ઉપજે? આવી જ રીતે રાતે બેસતા ફેરિયાઓ કોઈ વાહનની અડફેટે ચડી જાય એવું જોખમ પણ ઝળુંબતું હોય છે. આ બન્ને સ્થિતિમાં ફેરિયાઓને રક્ષણ આપે એવી અનોખી સોલર-કેપ નાસિક જિલ્લાના નિફાડ ગામની સાતમા ધોરણમાં ભણતી બે બાળકીઓએ બનાવી છે.
સોલર પેનલ, લિથિયમ આયન બેટરી, એ ક મિનીફેન અને એલઈડી લાઈટ ફિટ કરીને સ્નેહા નાગરે અને ગૌરી સાળુંખેએ બનાવેલી ટોપી ગરમીમાં ઠંડક આપે છે અને અંધારામાં લાઈટ ઝબુકી ઉઠતા ંઅજવાળું પણ કરે છે. વૈતનેય વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ અચલ ટિંકરિંગ લેબ યોજના હેઠળ આ પ્રોજેકટ તૈયાર કર્યો હતો. આ સોલર કેપ ફેરિયાઓ અને ઠેલાવાળા માટે બહુ જ ઉપયોગી થઈ પડશે.
જ્યાં દુકાન છે દુકાનદાર નથી, ઘર છે તાળાં નથી
'જયબોલો બેઈમાન કી...' તાજેતરમાં જ દુનિયાને અલવિદા કરી વિદાય થયેલા ભારતકુમાર ઉર્ફે મનોજકુમારની 'બેઈમાન' ફિલ્મના ગીતના આ શ બ્દો ઠેકઠેકાણે જાણે પડધાતા હોય એવું લાગે. ડગલે ને પગલે બેઈમાની, અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. આમાં અપવાદરૂપ એક જ ગામ છે. નાગાલેન્ડનું ખઉ નામે ગામ જ્યાં બધું ભરોસા પર ચાલે છે. ગામમાં દુકાનો છે, પણ ક્યાંય દુકાનદાર નથી હોતા. શાકભાજી, કરિયાણું કે બીજી કોઈ પણ ચીજ દુકાનમાંથી લેવાની અને પેકેટ ઉપર કિંમત લખી હોય એટલી રકમ કેશબોક્સમાં ઈમાનદારીથી નાખી દેવાની. આજ સુધી કોઈ દુકાનદારને ખોટ નથી ખમવી પડી.
ભારતના પહેલ વહેલા ગ્રીન વિલેજમાં સુંદર કોટેજો અને ઘરો છે. દરેક ઘરમાં ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે. આટલાં બધાં ઘર છે, પણ બહાર જતી વખતે કોઈ ઘરના દરવાજે તાળાં મરાતાં નથી, કારણ કે ચોરી થતી જ નથી. પ્રાણીઓના શિકારની મનાઈ છે અને ભૂલેચૂકેય કોઈ વૃક્ષની કાપણી નથી કરતું. મનમોહક કુદરતી સૌૈંદર્યથી શોભતા આ ગામડાના લોકો આટલા પ્રામાણિક અને પ્રકૃત્તિપ્રેમી કેવી રીતે રહી શક્યા છે એવો સહેજે સવાલ થાય. તો એનો જવાબ એ છે કે ગામડામાં અંગામી ટ્રાઈબના લોકો વસે છે, જેઓ 'કેન્યો'ની નિયમાવલીનું પાલન કરે છે. કેન્યોમાં લખેલું છે - બેઈમાની નહીં કરવાની, શિકાર નહીં કરવાનો, વૃક્ષો નહીં કાપવાના, ચોરી નહીં કરવાની અને હિંસા નહીં કરવાની. આવા ૧૫૦ નિયમો અંગામી ટ્રાઈબના જીવન સાથે વણાઈ ગયેલા છે. ઈમાનદારી અને પ્રકૃત્તિપ્રેમનો સંદેશ આપતા આ ગામડાને જોઈને કહેવું પડે કેઃ
જ્યાં ડગલે ને પગલે
છે ઈમાનદારી,
ભરોસાને આધારે જિંદગી વિતાવે સારી,
પ્રકૃત્તિની રક્ષાનો સંદેશ
આપે ભારી,
એવા ગામડાને ભોળા ગ્રામજનો દે તારી.
હમ 'સાત સાત' હૈ
લંબુજી લંબુજી... બોલો ઠીંગુજી... માણસની ઊંચાઈ વધુ હોય અથવા ઓછી હોય ત્યારે તેની તરફ સહુનું ધ્યાન ખેંચાય છે. માણસની ઊંચાઈ વધુ હોય એનો વાંધો નહીં, લુચ્ચાઈ ઓછી હોવી જોઈએ. પંજાબના લુઘિયાણા પાસેના રામપુર ગામની વાત કરીએ તો બાપ-બેટાની હાઈટ સાત-સાત ફૂટ છે. તાડના ત્રીજા ભાઈ જેવાં આ પિતા-પુત્ર રિક્ષાની રાહ જોઈને ઊભા હોય તો મોબાઈલ ટાવર જેવા લાગે. ગુરમીતસિંહની ઊંચાઈ સાત ફૂટ હોવાથી લગ્ન માટે કન્યા નહોતી મળતી.નસીબજોગે નોર્મલ હાઈટ ધરાવતી કન્યા સાથે લગ્ન થઈ ગયાં. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જેવી લાગતી આ જોડીને ત્યાં પુત્ર અવતર્યો. પુત્ર તરૂણાવસ્થામાં આવ્યો ત્યારે તેની હાઈટ પણ વધવા માંડી એને એ પણ સાત ફૂટનો થઈ ગયો. હાઈટને કારણે તે બાસ્કેટ બોલનો ખેલાડી બની ગયો.
બાપ-બેટા બન્નેને ઘણાં પ્રોબ્લેમ નડે છે. એક તો, રેડીમેડ કપડાં કે જૂતાં મળતા નથી, સીવડાવવા પડે છે. બન્ને એકસાથેે રિક્ષામાં બેસી નથી શકતા. ઘરની છતની ઉંચાઈ ૧૦ ફૂટ હતી એ વધારીને ૧૪ ફૂટ કરવી પડી છે. એક ફિલ્મ આવી હતી - 'હમ સાથ સાથ હૈ'. એના પરથી આ સાત ફૂટીયા બાપ-બેટાને જોઈને નવું ટાઈટલ આપી શકાય - 'હમ સાત સાત હૈ...'
પંચ-વાણી
ચાર મળે ચોટલા
તો ભાંગે કોઈના ઓટલા,
બહાર ભમે ચોટલા
તો રખડી પડે રોટલા,
પત્ની ચૂસે કેરી
પતિના ભાગે ગોટલા.