ડોગી દત્તક યોજના .
મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
માનવ સમાજમાં બાળકને દત્તક લેવામાં આવે છે, પણ નોકરીમાંથી નિવૃત્ત થયેલી વયોવૃદ્ધ વ્યક્તિને દત્તક લેવાનો રિવાજ નથી. જોકે બોમ્બ શોધી કાઢવાની, નક્સલવાદીઓએ બિછાવેલી સુરંગોની ભાળ મેળવી કૈંક જવાનોના જીવ બચાવવાની તેમ જ જોખમી જગ્યાઓમાં પહેરેદારી જેવી પડકારરૂપ કામગીરી બજાવી સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)માંથી રિટાયર થયેલા શાનદાર અને જાનદાર ડોગીઓ શ્વાનોને હવે લોકો દત્તક લઈ શકશે. નિવૃતિ બાદ પણ માણસના સૌથી વફાદાર સાથી ગણાતા આ ડોગીઓ દત્તક લેનારાની હિફાજત કરવાની ફરજ બજાવશે, બોલો! આ માટે સીઈરપીએફ તરફથી પહેલી જ વખત ઓનલાઈન એડોપ્શન સર્વિસ શરૂ કરવામાં આવી છે. જર્મન શેફર્ડ, બેલ્જિયમ શેફર્ડ, મેલીનોઈસ, લેબ્રાડોર અને દેશી મુધોલ નસલના પોલીસ સર્વિસમાંથી રિટાયર્ડ થયેલા ૩૦થી વધુ શ્વાનને ઓનલાઈન દત્તક આપવાની શરૂઆત થઈ ગઈ છે. બેંગ્લોર નજીક આવેલા સીઆરપીએફના વિશેષ શ્વાન પ્રજનન અને પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા એડોપ્શન સ્કીમનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જે લોકો શ્વાનને દત્તક લેવા માગતા હશે તે શ્વાનના ફોટા અને બીજી વિગતો સીઆરપીએફની વેબસાઈટ પરજોઈ શકશે. સીઆરપીએફ તરફથી એક ફોર્મ આપવામાં આવશે જેમાં શ્વાનની સારસંભાળ કેવી રીતે લેવામાં આવશે, ભોજન અને રહેઠાણ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવશે વગેરે વિગતો ભરવાની રહેશે એટલે શ્વાન નિવૃત્ત થયા પછી પણ જીવશે શાનથી. કાશ! આપણાં સમાજમાં નિવૃત્તો અને ખાસ તો વયોવૃદ્ધોની આવી સંભાળ લેવામાં આવે તો?
ડી.જે. અને દારૂનું દૂષણ ટાળવા ૨૧ હજારનું ઈનામ
લગ્ન વખતે ડી.જે.ના દિલધડક ઘોંઘાટથી હાર્ટએેટેકના બનાવ બને છે, કાનમાં ધાક પડી જાય છે અને ક્યારેક તો અસહ્ય અવાજથી કોઈ ચકરી ખાઈને ફસડાઈ પણ પડે છે. એમાં પણ જ્યારે ડી.જે. અને દારૂ ભેગા થાય ત્યારે તો દંગલ જેવી સ્થિતિ ઊભી થતા વાર ન લાગે. ડી.જે. અને દારૂના આ દૂષણને નાબૂદ કરવા માટે પંજાબના ભટીંડા જિલ્લામાં આવેલા બલ્લે ગામે પંચાયતે પ્રશંસનીય નિર્ણય જાહેર કર્યો છ.ે જે પરિવારમાં લગ્નપ્રસંગ હશે અને એ પરિવાર ડી.જે.નો ઘોંઘાટ નહીં કરે અને મહેમાનોને દારૂ નહીં પીરસે તેને ગ્રામપંચાયત તરફથી ૨૧ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મોટે ભાગે ડી.જે. મ્યુઝિક વગાડવાના મામલે અને મહેમાનોને દારૂ પીડાવવામાં આવ્યા પછી બોલાચાલી કે મારામારી પણ થતી હોય છે. આને લીધે લગ્નના શુભ પ્રસંગની ઉજવણીમાં રંગમાં ભંગ પડે છે. એટલે જ બલ્લે ગામની પંચાયતે આ ઈનામ જાહેર કર્યું છે, એ જાણીને કહેવું પડે કે-
ડી.જે.ના તાલે કરશો નહીં
બલ્લે બલ્લે,
ઈનામ મેળવવા શાંતિથી થાય
લગ્ન ભલે ભલે.
અયોધ્યાની રાજકુમારી દક્ષિણ કોરિયાની રાજકુમારી
પ્રભુ રામજીની અયોધ્યા નગરીમાં ભવ્ય રામમંદિરના નિર્માણ બાદ દેશ-વિદેશથી હિન્દુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ જ અયોધ્યા નગરીમાં ખાસ દક્ષિણ કોરિયાના પર્યટકોને આકર્ષવા માટે કરોડો રૂપિયાના ખર્ચે 'રાણી હો પાર્ક' રચવામાં આવ્યો છે. આ પાર્ક રચાતા ઘણાના મનમાં સવાલ ઊભો થાય કે અયોધ્યા અને દક્ષિણ કોરિયા વચ્ચે શું સંબંધ હશે? આ સવાલનો જવાબ શોધવા માટે ખાંખાંખોળા કરતા મળેલી જાણકારી મુજબ સદીઓ પહેલાં અયોધ્યાની સાહસિક રાજકુમારી સુરીરત્ના દરિયાઈ માર્ગે દક્ષિણ કોરિયા પહોંચી હતી. ત્યારબાદ ગ્યોંગ-સાંગ પ્રાંતના કિમ -હેયે શહેરમાં જઈ ચડી હતી. ત્યાં હાજકુમારીનો મેળાપ કરક વંશના રાજા કિમ-સુરો સાથે થયો હતો અને બન્ને પરણી ગયાં હતાં. લગ્ન પછી રાજકુમારી સુરીરત્નાનું નામ રાણી હો હયાંગ ઓક પડયું હતું.
આજે પણ રાણી હો દક્ષિણ કોરિયામાં પૂજાય છે. એટલે જ ૧૮ કરોડના ખર્ચે વિકસાવાયેલા પાર્કમાં કોરિયાઈ રેસ્ટોરાં, કોરિયાઈ માલસામાનના વેચાણ માટેની શોપ, ઈન્ડો-કોરિયન કલ્ચરલ પ્રોગ્રામ માટે ઓડિટોરિયમ તેમ જ કોન્ફરન્સ હોલ ઊભા કરવામાં આવ્યાં છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે પાર્ક તૈયાર થયાને દસેક મહિના વિત્યા છતાં મેન્ટેનન્સને મુદ્દે કોઈ મડાગાંઠ સર્જાતા ખુલ્લો મૂકવામાં વિલંબ થયો છે.
વેતન માટે નહીં વતન માટે લશ્કરમાં જોડાય
વતન પે જો ફિદા હોગા, અમર વો નૌજવાં હોગા... વર્ષો પહેલાંની હિન્દી ફિલ્મ 'ફૂલ બને અંગારે'નું આ અમર ગીત રાષ્ટ્રીય પર્વ વખતે કાને પડે ત્યારે આજે ય રૂંવાડા ઊભા થઈ જાય અને દેશના સીમાડાની રક્ષા માટે બલિદાન આપતા જાંબાઝ જવાનોના માનમાં શિશ ઝૂકી જાય. એટલે જ લશ્કરના વડા જનરલઉપેન્દ્ર દ્વિવેદીએ નવયુવાનોને હાકલ કરી હતી કે 'વેતન માટે નહીં, પણ વતન માટે લશ્કરમાં જોડાવ.' એટલે જે વ્યક્તિ એવો વિચાર કરે કે સેનામાં વેતન કેટલું મળશે? સુવિધાઓ કેવી મળશે?
ભથ્થાં કેટલાં મળશે? આવાં ગણતરી કરનારાનું નિશાન સાધીને જ જનરલ દ્વિવેદીએ આ ટકોર કરી હતી. દેશના સીમાડાની રક્ષા માટે મરી ફિટવાની અને શહીદી વહોરવાની તૈયારી હોય એ જ સેનામાં જોડાઈ શકે. કોર્પોરેટ ક્ષેત્રની લાખોના પગારની સરખામણીએ બહુ જ ઓછું વેતન મેળવતા હોવા છતાં આર્મી, નેવી, એરફોર્સના જાંબાઝો પહેલેથી સામી છાતીએ દુશ્મોનોનો મુકાબલો કરી સીમાની રક્ષા કરતા આવ્યા છે અને મોભોમને ખાતર શહીદી વહોરી જીવન ઉજાળતા રહ્યા છે.
એટલે જ પ્રજાસત્તાક દિનની ઉજવણીની ઘડી ગણાઈ રહી છે ત્યારે કવિ પ્રદીપજીનું અમર ગીત યાદ આવે છેઃ અય મરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની...
દ્રૌપદીનું રસોડું ઠેઠ પંજાબમાં
ભીમ કરે ભાજી ને દ્રૌપદી કરે દાળ, પાંડવોની પડે પંગત ત્યારે જમવાની જામે રંગત... આવાં જોડકણાં અગાઉ કાને પડતાં. આજે આ જોડકણાં યાદ કરીને મનમાં સવાલ થાય કે દ્રૌપદી પાંડવોને માટે ભોજન કયા રસોડામાં બનાવતી હશે? પ્રચંડ શક્તિશાળી મહાકાય ભીમ કઈ ચક્કીનો આટો ખાતા હશે? આ સવાલનો જવાબ મેળવવા માટે પંજાબના પઠાનકોટમાં આવેલા ૫૫૦ વર્ષથી પુરાણા મુક્તેશ્વર ધામનો ખૂબ મહિમા છે, આ સ્થાન છોટા હરિદ્વાર તરીકે પણ જાણીતું છે. એવી માન્યતા છે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ અને દ્રૌપદી સાથે શિવાલિક પર્વતમાળાની આ કંદરાઓમાં રહ્યા હતા. આજગ્યાએ મહાભારતના સમયની ચાર ગુફાઓ જોવા મળે છે. એક મોટી ગુફામાં મંદિર અને પરિવાર મિલનકક્ષ આજે પણ મોજૂદ છે. બાકીની એક ગુફા ભીમ કી ચક્કી અને બીજી ગુફા દ્રૌપદી કી ર સોઈના નામે ઓળખાય છે. એવું મનાય છે કે ભીમ કી ચક્કીમાં અનાજ દળવામાં આવતું હતું. જ્યારે દ્રૌવદી કી રસોઈ તરીકે ઓળખાતી ગુફામાં પાંચાલી પાંડવો માટે રસોઈ બનાવતી હતી. બોલો! પાંડવો ગુપ્તવાસમાં રહેતાં ત્યારે એમને ગુફામાં પણ ગરમાગરમ ભોજન આરોગવાની કેવી મજા આવતી હશે?
પંચ-વાણી
સઃ સફરની ખરી મજા લેવા શું કરવું જોઈએ?
જઃ પેટ અને પેટી ખાલી રાખવાનું સલાહ ભર્યું છે.