રંગીલા રાજસ્થાનની રસીલી ચા .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ચાના ચાહકો ચાની ચુસ્કી લેતાં લેતાં ચાની ચ-ર-ચાએ ચડે ત્યારે તત્કાળ ટેસ્ટી ઉખાણાં પણ પૂછતા હોય છે. જેમ કે, એવો ક્યો એકાક્ષરી શબ્દ છે જેને બે વાર લખવામાં આવે તો તેનો અર્થ કાકા થાય? અને ત્રણ વાર લખવામાં આવે તો એક વેસ્ટર્ન ડાન્સનો અર્થ નીકળે? માથું ખંજવાળી વધુ એક ચાની ચુસ્કી લઈ કોઈ ભેજાબાજ જવાબ આપી પણ દે કે એકાક્ષરી શબ્દ છે 'ચા'. આ શબ્દને બે વાર લખવામાં આવે તો 'ચાચા' થાય. કાકાને હિન્દીમાં 'ચાચા' કહે છે ત્રણ વાર ચા-ચા-ચા લખવામાં આવે તો એ વેસ્ટર્ન ડાન્સનો પ્રકાર છે. એક જમાનામાં તો ચાની લારીઓ અને નાની ટપરીઓ જોવા મળતી, પણ હવે તો મુંબઈ જેવાં શહેરોમાં કી-ચેઈન નહીં, પણ ટી-ચેઈન એટલે અફલાતૂન મોડર્ન ટી-શોપ્સની હારમાળા જોવા મળે છે. આમ છતાં ચાના ખરા શોખીનો જ્યાં સુધી નાગૌરીની ચાનો ઘુંટડો ન ભરે ત્યાં સુધી એમને કાંટો નથી આવતો. નાગૌરીની ચાના બંધાણીઓમાંથી કદાચ ઘણાંને ખબર નહીં હોય કે આ રસીલી ચાનો નાતો રંગીલા રાજસ્થાન છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના ૭૦ હજારની વસતીવાળા બાસની ગામની આ નાગૌરી ચા મુંબઈ અને દિલ્હી સહિત દેશભરના ટી-લવર્સમાં માનીતી બની ગઈ છે.
બાસની ગામના કેટલાક મુસ્લિમો ૧૮૯૦ની સાલમાં મુંબઈ પહોંચ્યા હતા અને દૂધનો વ્યવસાય શરૂ કર્યો હતો. સી.પી.ટેન્કથી શરૂઆત કર્યા પછી સાત રસ્તામાં નાનો તબેલો શરૂ કર્યો હતો. પછી તો તબેલાની સંખ્યા વધતી ગઈ. બાસની ગામમાંથી વધુને વધુ લોકો આવતા ગયા. ત્યાર પછી દૂધના વેચાણ માટે દુકાનો ખોલવા માંડયા. આજે પણ મુંબઈના ભિંડી બજારમાં ૧૨૦ વર્ષ જૂની દૂધની દુકાન મોજૂદ છે. એ જમાનામાં મુંબઈમાં ઈરાની હોટેલોમાં નાગૌરીના લોકો જ દૂધ પૂરૂં પાડતા બસ આમાંથી દૂધ ઉપરાંત ચા બનાવીને વેચવાનો વિચાર સ્ફૂર્યો. આમ નાગૌરી ચા વેંચાવા માંડી.
નાગૌરમાં સૂફી સંત હઝરત હમિદુદ્દીન નાગૌરીની દરગાહ છે. મુસ્લિમ અને હિન્દુ ગામવાસીઓ સૂફી સંતનો આદર કરતા હતા. એટલે નાગૌરના વતનીઓ મુંબઈ આવી દૂધની દુકાનો, ચાની દુકાનો ખોલવા માંડયા તેની સાથે સૂફી સંતની યાદમાં નાગૌરી શબ્દો જોડી દીધો. આમ આ નાગૌરીની ચાની આવરદા લગભગ દોઢસો વર્ષની થઈ છતાં આજે પણ એવીને એવી કડકમીઠી લાગે છે, એટલે ચા-દિવાના ચાની ચુસ્કી મારીને કહેતા હોય છેઃ તુમકો હમારી ઉંમર લગ જાય....
બિહારની વાત ન્યારી, બાપની જગ્યાએ બેટો કરે પહેરેદારી
જ્યાં મોટા મોટા 'ભાઈ' કરોડોના પશુચારા ઓહિયા કરી જાય અને પછી ભાઈ-ચારા ભાઈ-ચારાના પોકાર થાય એવા બિહારની વાત જ ન્યારી છે. તાજેતરમાં જ બિહારના ગવર્નર મોતી હારીના ગાંધી મેદાનમાં એક સમારંભમાં હાજરી આપવા ગયા ત્યારે તેમની સલામતી વ્યવસ્થામાં ગંભીર ચૂક બહાર આવી હતી. સલામતી બંદોબસ્ત માટે પોલીસોને ખડા કરવામાં આવ્યા હતા. એમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ પોતે ડયુટી પર આવ્યો જ નહીં અને પોતાનો યુનિફોર્મ દીકરાને પહેરાવી ફરજ પર મોકલી દીધો. સોશિયલ મીડિયા પર આ બાબતનો પર્દાફાશ થતાં ભારે ચકચાર જાગી હતી. આ અજબ કિસ્સો જાણી કહેવાનું મન થાય કે-
બિહારી કી બાત હૈ ન્યારી
જહાં બાપ કી જગહ બેટા
કરે પહેરેદારી.
રીલઘેલી ઊંચેથી પટકાઈ ફૂલના કૂંડામાં અટકાઈ
આસમાન સે ગીરા, ખજૂર પે અટકા. મોબાઈલમાં રીલ બનાવવાનું ગાંડપણ જેના માથે સવાર થયું હતું એવી અગિયારમાં ધોરણમાં ભણતી એક ટીનેજર માટે આ હિન્દી કહેવત સાચી પડી હતી. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક ઊંચી ઈમારતની અગાસી પર ઈન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતી ટીનેજર સંતુલન ગુમાવી છઠ્ઠે માળેથી નીચે પટકાઈ, પરંતુ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા માટી ભરેલાં ફૂલોનાં કૂંડામાં પડતા તે આબાદ બચી ગઈ હતી. પોચી માટીને લીધે પછડાટ ઓછી વાગી.
રીલ બનાવવાની ઘેલછા જેને માથે સવાર થઈ હોય તેવા લોકોમાંથી આ ટીનેજર જેવા કોઈક જ અકસ્માતમાંથી બચે છે. બાકી તો છાશવારે થતા અકસ્માતોમાં રીલ બનાવતી વખતે ટ્રેનની અડફેટે આવી, ઊંચા પહાડ પરથી નીચે પટકાઈ કે પછી ધસમસતી નદીના વહેણમાં તણાઈને કેટલાય જીવ ગુમાવે છે. રીલ બનાવવાના ચક્કરમાં આ રીલઘેલાઓ તોરમાં ને તોરમાં મનોમન ગાતા હશે-
'રીલ' દિયા હૈ
જાન ભી દેંગે
અય મોબાઈલ
તેરે લિયે...
પોલીસે પાંચ કિલો
બટેટાની માગી લાંચ
સાચને ન આવે આંચ એ કહેવત લાંચરૂશ્વતના જમાનામાં ફેરવીને કહેવાનો વારો આવ્યો છે કે લાંચને ન આવે આંચ. ખિસ્સા કરો ગરમ તો ગમે એવો કડક અફસર પણ પડી જાય નરમ. લાખોની રકમની કે સોનાના દાગીનાની લાંચ લેતા સરકારી બાબુઓ પકડાય છે એની હવે કોઈને નવાઈ નથી લાગતી, પણ બુલડોઝર બાબુ યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં પોલીસ અધિકારીએ માત્ર પાંચ કિલો બટેટાની લાંચ માગી એની ઓડિયો રેકોર્ડિંગની ક્લિપ વીજળીવેગે વાયરલ થતા લોકો તાજ્જુબ થઈ ગયા હતા. કેસની પતાવટ માટે પોલીસ અફસરે એક માણસ પાસે પાંચ કિલો બટેટાની લાંચ માગી. પેલાએ કહ્યું કે તે વધુમાં વધુ બે કિલો બટેટા આપી શકે એમ છે. હા-ના કરતા છેવટે ૩ કિલો બટેટાનો સોદો પાક્કો થયો હતો. પણ મોબાઈલમાં થયેલી આ વાતની ઓડિયો ક્લિપ એવી વાઈરલ થઈ કે પોલીસ અધિકારી સામે તત્કાળ આકરા પગલાં લેવામાં આવ્યાં હતાં અને ખુરશી પરથી ખસેડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે બહુ બટેટા ખાવાથી પેટમાં ગેસ થાય, એટલે એવું કહેવાતું હોય છે કે બટેટા ખાશો તો નડશે, પણ પોલીસ અધિકારીએ તો બટેટા ખાધા એ પહેલાં નડયા હતા. એટલે જ કહેવું પડે કે-
બટેટા કિલો પાંચ
એની માગી લાંચ
પણ ખાધા પહેલાં પચ્યા નહીં
અને નોકરીને આવી આંચ.
મુંબઈનું એક એવું સ્ટેશન જે રામ નામ લેવડાવે
મુંબઈનાં અમુક સબર્બન સ્ટેશનોનાં નામ પચરંગી મુંબઈ નગરીમાં વિવિધ ધર્મના લોકો સદીઓથી વસવાટ કરે છે એની શાખ પૂરે છે.દાખલા તરીકે મસ્જિદ (બંદર), ચર્ચ (ગેટ) અને રામ- મંદિર. રામ મંદિર સ્ટેશનનું નામ શેના ઉપરથી પડયું હશે? એ વિશે ખાંખાખોળા કરતા જાણવા મળ્યું કે લગભગ સાડાચારસો વર્ષ પહેલાં ગોરેગામમાં શિલાહાર રાજવીએ આ રામમંદિર બંધાવ્યું આ મંદિરનાં ઉપરથી સ્ટેશનને રામ મંદિર નામ આપવામાં આવ્યું છે.ગોવાની વિશિષ્ટ વાસ્તુ શિલ્પકલા શૈલીમાં બંધાયેલા આ અનોખા રામ મંદિરમાં શ્વેત શાલિગ્રામથી ઘડવામાં આવેલી પ્રભુ રામની સુંદર મૂર્તિ બિરાજમાન છે, સાથે સીતામાતા અને લક્ષ્મણજીની મૂર્તિનાં પણ દર્શન થાય છે. આ પરિસરમાં શિવમંદિર પણ છે. કહેવાય છે કે સાડાચાર શતાબ્દી પહેલાં જ્યારે આ મંદિર બંધાયું ત્યારે નજીકમાં ઓશિવરા નદી ખળખળ વહેતી હતી. આ મંદિર પરિસરમાં રામદૂત હનુમાનજી, ગણપતિ, પાર્વતીજી અને સૂર્યનારાયણની દુર્લભ મૂર્તિનાં દર્શન થાય છે. ૧૮૧૯માં હરિશ્ચંદ્ર ગોરેગાંવકર નામના દાતાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
રામમંદિર સ્ટેશન અસ્તિત્ત્વમાં આવ્યું તેનાંથી બહુ મોટો લાભ થયો છે. સ્ટેશનના પ્લેટફોર્મ પર થતા એનાઉન્સમેન્ટમાં રામ-મંદિરનું નામ લેવાય છે, એટલું જ નહીં, ઘડિયાળને કાંટે દોડતા ધમાલિયા મુંબઈના લોકોમાંથી મોટાભાગના પ્રવાસીઓ સબર્બન ટ્રેનોમાં આ સ્ટેશનેથી પસાર થતી વખતે રામનું નામ લેવાનું ભૂલતા નથી. એટલે જ કહેવાનું મન થાય કે-
સારૂં થયું કે સ્ટેશનનું
રામ મંદિર નામ થયું
સહુના મુખમાં રામ-રામ થયું.
પંચ-વાણી
બહેનીની રાખડી
પ્રેમીની આંખડી
સાધુની ચાખડી
બાઝકણી બાખડી.