બે માળવાળાં મકાન ન હોય એવું ગામ ક્યાં મળે?
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મુંબઈમાં માળવાળી બસો દોડે છે, ૭૫થી ૯૦ માળની ગગનચુંબી ઈમારતો બંધાતી જાય છે, એટલું જ નહીંં, હવે તો સાર્વજનિક શૌચાલયો પણ બે-બે ત્રણ-ત્રણ માળના બંધાય છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં એક એવું ગામ છે, જ્યાં બધા ંમકાન એક માળનાં છે. એક પણ મકાન બે કે ત્રણ માળનું નથી. ચૂરૂ જિલ્લાના ઉડસર ગામમાં છેલ્લાં ૭૦૦ વર્ષથી એક માળથી ઊંચા મકાનો બંધાયાં જ નથી. ગ્રામજનો પાસે પોતાપોતાની જમીન છે સુખી-સંપન્ન છે છતાં બે માળનું મકાન કોઈ બાંધતું જ નથી. એવી માન્યતા છે કે એક માળથી ઊંચું મકાન બાંધે તો તેના પરિવાર પર આફત આવી પડે છે. આ આ માન્યતા પાછળ એવી લોકવાયકા કાને પડી કે ૭૦૦ વર્ષ પહેલાં ભોમિયા નામનો એક હિમ્મતવાળો જણ ગામમાં રહેતો હતો. એક વાર ગામમાં સશસ્ત્ર ચોર-લૂંટારા ત્રાટક્યા. ભોમિયો એકલો હોવા છતાં બહાદુરીથી ચોર-લૂંટારાની ટોળી સાથે બાથ ભીડી. ગંભીર રીતે જખમી થયેલા ભોમિયાને અહેસાસ થઈ ગયો કે આટલા બધાની સામે એકલા ઝાઝી ઝીંક નહીં ઝીલાય. એટલે એ વખતે ભોમિયાના સસરાનું ઉડસરમાં બે માળનું મકાન હતું. એનાં પગથિયાં લથડતાં લથડતાં ચડી બીજે માળે પહોંચી સંતાઈ ગયો, પણ ચોર તેને ગોતતા ગોતતા ઉપર પહોંચી ગયા અને ભોમિયાનું ગળું છરાથી રહેંસી નાખ્યું. ભોમિયાની પત્ની કલ્પાંત કરતી આવી અને ગામવાળાને શ્રાપ આપ્યો કે મારા ધણીનો બીજે માળે જીવ ગયો એટલે જે કોઈ બે માળના મકાન બાંધશે તેનો સર્વનાશ થશે. બસ, ત્યારથી ગામમાં બે માળનું મકાન જ બંધાતું નથી.
કિન્નોરમાં પાંચાલી પ્રથાઃ ભાઈઓ વચ્ચે એક જ પત્ની
મહાભારતકાળમાં પાંચાલની રાજકુમારી દ્રૌપદી સાથે પાંચ પાંડવો પરણ્યા હતા. ભારતમાં આજે પણ હિમાચલ પ્રદેશના કિન્નોરમાં પાંચાલી વિવાહ પ્રથા અસ્તિત્વમાં છે એ જાણી ખરેખર નવાઈ લાગે. કિન્નોરમાં કિન્નોરી સમુદાયમાં એક મહિલા સાથે બધા ભાઈઓનાં લગ્ન થાય છે. જ્યારે બાણાવલી અર્જુન પાંચાલની રાજકુમારની સ્વયંવરમાં જઈ મત્સ્યવેધ કરી પાંચાલીને પરણીને ઘરે લાવ્યો ત્યારે સંયોગવશ માતા કુંતીએ અર્જુનને કહ્યું કે જે પણ લાવ્યો હોય તે પાંચેય ભાઈઓ આપસમાં વહેંચી લ્યો. એટલે પાંચાલીએ પાંચેય ભાઈ સાથે લગ્ન કરવા પડયાં હતાં. ત્યારથી બહુપતિત્વ પ્રથાને પાંચાલી વિવાહ પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસામાં થાય અતિવૃષ્ટિ અને પાંચાલી પ્રથામાં થાય પતિ-વૃષ્ટિ.
બંદરે બ્લાઉઝથી ગળાફાંસો ખાધો
ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરવાની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, પણ માણસની જેમ વાંદરો ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવે એળું બને? આ સવાલ પાલઘર જિલ્લાના તાંદુલવાડી ગ્રામવિસ્તારમાં ચર્ચાવા લાગ્યો હતો. બન્યું એવું કે એક સવારે ગામલોકોએ જોયું તો સફાળેના જંગલ વિસ્તારમાં કપડાથી જાણે ગળાફાંસો ખાધો હોય એવી સ્થિતિમાં મૃત વાનરનું શબ લટકતું હતું. જોતજોતામાં વાયુવેગે વાત ફરી વળી કે 'વાંદરાએ આપઘાત કર્યો... વાંદરાએ આપઘાત કર્યો...' આ વિસ્તારના પ્રાણી પ્રેમીએ આ બાબત તપાસ કરીને જણાવ્યું કે કોઈએ જૂના કપડાં ફેંકી દીધાં હશે એમાંથી એક બ્લાઉઝ વાંદરાના હાથમાં આવી ગયું. બ્લાઉઝ લઈને ઝાડ પર ચડી ગયો. બ્લાઉઝ ડાળ પર લટકાડી રાખ્યું હતું. ઠેકાઠેક કરતી વખતે વાંદરાનું માથું એવી વિચિત્ર રીતે બ્લાઉઝમાં ફસાઈ ગયું કે જાણે ગળાફાંસો ખાધો હોય એવું લાગ્યું. બાકી વાંદરા કાંઈ માણસની જેમ આત્મહત્યા થોડી જ કરે?
ક્યારેય બંધ ન
થતી કૃષિલક્ષી જેલ
સજા થાય એને જેલમાં બંધ કરવામાં આવે છે, પરંતુ કેરળમાં એક એવી અનોખી જેલ છે કે જે બંધ થતી જ નથી, કારણ એ ખુલ્લી જેલ છે. આ ઓપન જેલમાં કેદીઓ સજા ભોગવવાને બદલે ખેતીની અને મહેનતની મજા માણે છે. કુદરતી સૌંદર્યથી શોભતા અને પ્રભુની ભૂમિ તરીકે ઓળખાતા કેરળના તિરૂવનંતપુરમ જિલ્લામાં નટ્ટકાલથેરીની આ ખુલ્લી જેલ લગભગ ૬૦ વર્ષ પહેલાં ખુલ્લી મૂકાઈ ત્યારથી કોઈ દિવસ બંધ જ નથી થઈ. ૪૭૨ એકરના વિશાળ એરિયામાં ફેલાયેલી જેલમાં કેદીઓ તરફથી ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. વિશાળ જળકુંડમાં મત્સ્યપાલન કરે છે. જેલ પરિસરમાં એક ચેકડેમ બાંધવામાં આવેલો છે. એટલે ડેમના પાણીમાંથી શાકભાજી, ફળો ઉગાડવામાં આવે છે. અત્યારે ૩૬૭ કેદી છે. આ કેદીઓએ ઉગાડેલાં શાકભાજી વેંચીને જેલ પ્રશાસન એક-દોઢ કરોડની કમાણી કરે છે. સમગ્ર પરિસરમાં હરિયાળી જોઈને જેલ નહીં, પણ વિશાળ ઉદ્યાનમાં ફરતા હોઈએ એવો અનુભવ થાય છે. બીજી જેલોની જેમ કેદીઓ પર કોઈ જોહુકમી કરવામાં નથી આવતી. કેદીઓને ખેતીની તાલીમ આપવામાં આવે છે તેમ જ બીજા હુન્નરો પણ શીખવવામાં આવે છે. આ રીતે પગભર થયેલો કેદી સજા પૂરી કરીને નીકળે ત્યારે આજીવિકા કેવી રીતે રળશે એની ચિંતા નથી. રહેતી કૃષિ-પ્રધાન દેશના આ કૃષિ પ્રધાન કારાગૃહને જોઈને કહેવું પડે કે-
ક્યારેય બંધ ન રહેતી જેલમાં
કૃષિલક્ષી કામગીરીને ખેતીના ખેલમાં,
મહેતનકશ કેદીઓ રહે છે ગેલમાં.
શહીદ શ્વાનને સલામ
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં લશ્કરના જવાનો અને ટેરરિસ્ટો વચ્ચેની અથડામણ વખતે મશીનગન અને બંદૂકની ગોળીઓના વરસાદ વચ્ચે જરા પણ ગભરાયા વિના ઝઝૂમતા આર્મી ડોગ ફેન્ટમે દુશ્મનોની ગોળી પોતાના શરીર પર ઝીલી સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. બેલ્જિયન મેલિનોઈસ નસલના આ શૂરવીર શ્વાનને વિરોચિત સન્માન સાથે વિદાય આપવામાં આવી ત્યારે કઠણ કાળજાના જવાનોની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા હતા. ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આવી જ એક અથડામણ વખતે સાથી જવાનનો જીવ બચાવવા કેન્ટ નામના શ્વાને ટેરરિસ્ટોની ગોળીઓ પોતાના શરીર પર ઝીલી લીધી હતી જાનની કુરબાની આપી હતી. માણસના સૌથી વફાદાર દોસ્ત અને રક્ષક ગણાતા શ્વાનના આ સર્વોચ્ચ બલિદાન વિશે જાણીને કહેવું પડે કેઃ
સો સો સલામો
શહીદ શ્વાનને,
સાથીને બચાવવા કુરબાન કરી
ખુદની જાનને.
પંચ-વાણી
ખાડામય રસ્તાની હાલત જોઈને મોટરચાલકો મનોમન ગાય છેઃ
હરિનો મારગ છે શૂરાનો
નહીં 'ટાયર'નું કામ જોને.