ડોંકીસ્તાનઃ સબ કી લાત, ખુદ કા વિકાસ, દેશ કા વિનાશ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
ડોંકીસ્તાનઃ સબ કી લાત, ખુદ કા વિકાસ, દેશ કા વિનાશ 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભારતમાં સહુ ગર્વથી ગાઈ શકે છે કે સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા... જ્યારે પોણોસો વર્ષ પહેલાં ભારતથી છૂટા પડેલા વસમા પાડોસી પાકિસ્તાનની અધોગતિ, અવળચંડાઈ અને ગધેડા પર આધારિત અર્થતંત્ર નહીં, પણ અનર્થતંત્રને જોઈ સવાલ થાય કે આ પાકિસ્તાન છે કે ડોંકિસ્તાન? ભારતમાં તેજીલા તોખાર અને વીજળીની ઝડપે દોડતા પાણીદાર અશ્વો ઉછેરવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન  ગધેડા ઉછેરે છે. 

પાકિસ્તાનની કથળેલી અર્થવ્યવસ્થાને ગર્દભોનો જ આધાર છે એમ કહી શકાય. એટલે જ બાળવાર્તાની ભાષામાં કહીએ તો પાકિસ્તાનમાં ગધેડા દિવસે ન વધે એટલાં રાતે વધે છે. ખુદ પાક સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગધેડાની આબાદી વધીને ૫૯ લાખ ઉપર પહોંચી છે બોલો. પાકિસ્તાનના ગધેડાની ચીનમાં ખૂબ જ ડિમાન્ડ છે. એટલે પાકિસ્તાન દર વર્ષે સાત લાખથી વધુ  ગધેડાને ચીન મોકલે છે. ખંધા, ખૂંટલ અને ખાઉધરા ચીના ગધેડાનું માંસ ટેસથી ખાય છે, એટલું જ નહીં, ગધેડાની ખાલમાં જિલેટીન પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોવાથી આ જિલેટીનનો ઉપયોગ દવા બનાવવામાં કરે છે. એટલે જ ચીનની ગધેડાની ડિમાન્ડને પહોંચી વળવા માટે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઠેર ઠેર ડોંકી-ફાર્મથી ઉભરાય છે. 

ચીનને બાદ કરતા આખી દુનિયાની લાત સહન કરતા પાકિસ્તાનને આ લાત સહન કરવાની શક્તિ ગધેડાઓની વચ્ચે જ રહીને મળતી હશે કે શું એવો વિચાર થાય. આપણા દેશમાં આજે નારો ગાજે છે - સબકા સાથ સબકા વિશ્વાસ. પાકિસ્તાનના સ્વાર્થી નેતાઓ અને સત્તાધીશો ગમે એટલી લાતો ખાઈને પણ પોતાના ખજાના ભરી લે છે એ જોઈને એમણે નવું સૂત્ર અપનાવવું જોઈએ કે - સબકી લાત, ખુદ કા વિકાસ ઔર દેશ કા વિનાશ.

ઈસ્ટ ઔર વેસ્ટ

ઈન્ડિયન ચટની બેસ્ટ

દેશમાં ચૂંટણીનું મહત્ત્વ છે એમ ડિશમાં ચટણીનું મહત્ત્વ છે. ચટણી વાટવી પડે અને ચૂંટણીમાં એકબીજાનું વાટવું પડે. ચટણીમાં ટેસ્ટ અને ચૂંટણીમાં વેસ્ટ. છતાં કહેવું પડે ઈસ્ટ ઔર વેસ્ટ, ઈન્ડિયન ચટણી ઈઝ બેસ્ટ. વિદેશી ખાણામાં જેમ ડિપ્સ અને સોસનું મહત્ત્વ છે એમ ઈન્ડિયન ફૂડમાં ચટણીનું મહત્ત્વ છે. એટલે જ 'ટેસ્ટએટલસ' મેગેઝિન દ્વારા ૨૦૨૪ના વેસ્ટ ડિપ્સની યાદી બહાર પાડવામાં આવી એમાં આપણી  કોથમીર-મરચાંની ચટણીનો ૪૨મો નંબર છે અને કેરીની ચટણીનો ૫૦મો નંબર છે. ભારતમાં ચટણીની  અઢળક વરાઈટી મળે - આમલીની ખાટી ચટણી, ગોળ-આમલીની ખટ્ટમીઠ્ઠી ચટણી, લાલચટક મરચાંની તીખ્ખી તમતમતી ચટણી, ટમેટા-મરચાંની ચટણી વગેરે. જાતજાતની ચટાકેદાર ચટણીઓ સ્વાદ-શોખીનો ટેસથી માણે છે. ડિપ્સ એટલે જેમાં કોઈ વાનગી જરાક બોળીને પછી ખાવાની. આપણા દેશમાં પણ વડાની સાથે મેચિંગ ચટણી મળે, સાઉથના ડોસા-ઈડલી-મેદુવડાની નોખી ચટણી હોય અને સેન્ડવિચમાં તો નિતનવી ચટણીઓ ચોપડવામાં આવે છે. 

ઘણાને જાણીને નવાઈ લાગશેઃ  કર્ણાટકના દુર્ગમ જંગલમાં વસતા વનવાસીઓે શેની ચટણી બનાવે છે, ખબર છે? લાલ કીડીની ચટણી! સવાર પડે એટલે જંગલમાં કીડીઓ ભેગી ફરવા નીકળી પડે છે. કીડીના દરનાં લાંબી સોંટી નાખવામાં આવે છે, અને સોંટી ઉપર કીડીઓ વળગે એટલે બહાર કાઢીને થેલીમાં ભેગી કરે છે. પછી ઘરે જઈ આમલી અને મીઠું ભેળવી વાટે છે. ચટણીમાંથી તેઓ પ્રોટીન મેળવે છે.

 ચટણીની પણ કેવી ચટાકેદાર  કહાણી છે? ચટણીઓની આ વરાઈટી  જોઈને સ્વાદ-શોખીનો ચટણી ચાંટીને મનોમન ગાતા હશે કેઃ ચટણી તો પેટની થાપણ કહેવાય...

જમાઈ ઉત્સવની

જમાવટ

આમ તો જમાઈની ઠેકડી ઉડાડતાં ફટાણાં કાને પડે છેઃ જમ જેવા જમાઈ ને એની ઓછી છે કમાઈ... કે પછી, જ્યાં જાય જમાઈ ત્યાં જાય બધુ જમાય... મોટા ભાગના વ્રતો પતિવ્રતા રાખે છે.  પુત્રી અને પુત્રવધૂ જાતજાતના તહેવારની ઉજવણી કરે છે, પણ જમાઈ રાજા માટે કોઈ તહેવાર નહીં? એવો સવાલ કરવામાં આવે તો એનો જવાબ મેળવવા કાયમ તમતમતાં મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળ તરફ નજર દોડાવવી પડે. પશ્ચિમ બંગાળમાં દર  વર્ષે જમાઈ ષષ્ઠી નામનો અનોખો ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવમાં દરેક સાસુમા જમાઈરાજાને ઘરે નોતરે છે અને ભાવતા બોજન જમાડીને અને ભેટસાગાતો ધરે છે. કુંવારી કન્યાઓની માતાશ્રીઓ પોતાને સારો જમાઈ મળે એ માટે વડની પૂજા કરે છે, એટલું જ નહીં, વડની ફરતે ભાવના વ્યંજનોના થાળ ધરે છે. જમાઈની આ સરભરા જોઈને કહેવું પડે કે વાહ વાહ જમાઈરાજા, ભોજન આરોગો તાજા...

જમાઈની વાત આવે ત્યારે ઉત્તર પ્રદેશના કોશાંબી જિલ્લાનું હિંગલપુર ગામ યાદ આવે છે. આ ગામમાં કન્યાનાં લગ્ન થાય એ પછી સાસરે નથી જતી. જમાઈરાજાને જ આ ગામમાં વસાવવામાં આવે છે. આમ દીકરી પોતાના પિયરના ગામે વર સાથે રહે છે. આને કારણે હિંગલપુર  ગામ 'દામાદ કા ગાંવ' તરીકે ઓળખાય છે. આ અનોખી પરંપરા જોઈ જમાઈની શાનમાં ગાવું  પડે કેઃ

વાહ વાહ રામજી

જોડી કયા બનાઈ

માયકે  મેં રહેતે હૈ

કન્યા ઔર જમાઈ...

ગાડી બુલા રહી હૈૈ

'ગાદી' બુલા રહી  હૈ

ગાડી અને ગાદીનું એવું છે કે આવે ત્યારે આનંદ થાય, પણ જો છૂટી જાય તો પારાવાર દુઃખ થાય. આઝાદીની લડતથી માંડીને આજ સુધી ગાડીનો અને ગાદીનો સંબંધ રહ્યો છે. ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ગોરાઓના ડબ્બામાંથી નીચે ધકેલી દેવામાં આવ્યા એમાંથી બાપુને સત્યાગ્રહનો વિચાર આવ્યો. ભારત આવી ગાંધીબાપુ થર્ડ-કલાસમાં પ્રવાસ કરતા, જ્યારે આજે કેટલાય બની બેઠેલા થર્ડ-કલાસ નેતાઓ પ્લેન-હેલિકોપ્ટરોમાં ઉડે છે. મુંબઈની સબર્બન લોકલ ટ્રેનમાં ચાલતી ગાડીએ ઠેકડો મારી ચડી જતા લોકો નજરે પડે  છે એમ રાજકારણની રેલમાં પણ ચાલુ ગાડીએ ચડી બેસનારા ક્યાંના ક્યાં પહોંચી જાય છે. ગાડી અને ગાદીના સંબંધનો વિચાર ક્યારે આવ્યો ખબર  છે? નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકારે ત્રીજી વાર સત્તાની ધૂરા સંભાળી અને શપથવિધિ સમારોહમાં ભારતની નહીં, એશિયાની પહેલી મહિલા એન્જિન ડ્રાઈવર સુરેખા યાદવને હાજર રહેવાનું માન મળ્યું ત્યારે વિચાર આવ્યો કે રેલ-ગાડી અને રાજ-ગાદી વચ્ચે ઘણું સામ્ય છે. એન્જિન ડ્રાઈવર ભૂલ કરે તો ટ્રેન પાટા પરથી ખડી પડે અને ગાદીપતિ ભૂલ કરે તો સરકાર ખડી પડે. સિગ્નલ મળે ત્યારે ગાડી આવે છે અને બીજી બાજુ જોખમનું સિગ્નલ મળે ત્યારે 'ગાદી' જાય છે. ગાડીમાં જેમ વધુ ડબ્બા જોડવા પડે છે એમ ગઠબંધન-ગાડીમાં ગાદી ટકાવવા ફર્સ્ટ કલાસના સેકન્ડ કલાસના અને નાછૂટકે થર્ડ-કલાસના ડબ્બા જોડવા પડે છે. ગાડી અટકે નહીં અને ગાદી ટકે નહીં ત્યારે આઘાત લાગે. ગાડી અને ગાદી મળે એ હરખાય છે અને ગાડી અને ગાદી છૂટી જાય તે દાઝે ભરાય છે. એટલે જ 'ગાડી બુલા રહી હૈ સીટી બજા રહી હૈ...' ગીત ગાડીની જગ્યાએ ગાદી ગોઠવીને ગાઈ શકાયઃ 'ગાદી બુલા રહી હૈ... ગાદી રૂલા રહી હૈ... 'છલના' હી ઝિંદગી હૈ છલતી હી જા રહી હૈ...'

પંચ-વાણી

પૂર્વના સંસ્કારોવાળા ઈષ્ટદેવની

પૂજા કરે અને પશ્ચિમના રંગે

રંગાયેલા 'વેસ્ટ-દેવ'ની પૂજા કરે.


Google NewsGoogle News