હોમ બ્રેકિંગ લોનઃ વો કૌન થી? વો લોન થી...
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
એકલવાયું જીવન એટલે લોનલી લાઈફ... પરંતુ આજે જાતજાતની લોન લઈને માણસ પોતાનું જીવન લોન લઈ લઈ અને હપ્તા ભરી ભરીને 'લોન-લી' બનાવી નાખે છે. હોમ-લોન, કાર-લોન, બાઈક લોન, મોબાઇલ લોન જેવી જાતજાતની લોન લેવામાં આવે છે. અમુક બેન્કો તરફથી તો હવે લગ્ન કરવા માટે અને ઘર વસાવવા માટે લોન આપવામાં આવે છે. ઘર વસાવવા માટે લોન મળે, પણ એક કિસ્સામાં લોનને કારણે ઘર ભાંગ્યું હતું.
બિહારના જમુઈમાં બનેલી ઘટનામાં લોનની રિકવરી માટે આવતા બેન્ક કર્મચારી યુવાન સાથે એક મહિલા પતિ સાથે છેડો ફાડીને ભાગી ગઈ. એમાં એવું થયું કે મહિલાનો પતિ દારૂના નશામાં તેની મારપીટ કરતો અને ત્રાસ આપતો. પતિના ત્રાસમાંથી છૂટવા તે મનોમન ઘોડા ઘડતી હતી. એ દરમ્યાન બેન્ક લોનના જપ્તા લેવા માટે ઘરે અવારનવાર આવતા યુવાનના પ્રેમમાં પડી ગઈ. બન્ને કલાકો સુધી ઈલુ... ઈલુ કરતા અને ચોરી છુપીથી મળતાં હતાં.
એક દિવસ લાગ જોઈને આ મહિલા લોન-લી લવર સાથે નાસી છૂટી હતી અને પછી બન્નેએ ભૂતનાથ મંદિરમાં લગ્ન કરી લીધાં હતાં. હવેે વિચાર કરો કે આને હોમ-લોન કહેવાય? ઘરમાં ખરેખર 'લોનલી' થઈ ગયેલો અને મનોમન ખુદને ધિક્કારતો એક્સ પતિ કહેતો હશે કેઃ ક્યો મૈંને લોન-લી... ક્યોં મૈને લોન-લી... ભાગેડું ભાર્યાની ભૂતાવળનો ભાસ થાય ત્યારે તે એવું બડબડતો હશે કે વો કૌન થી? વો લોન થી?
નિયમ તોડે હસબન્ડ
વાઈફ ભરે દંડ
પતિ-પત્ની સંસાર રથના બે પૈડાં છે, એવું કહેવાય છે. પરંતુ આમાં બે પૈડાં સરખા હોય તો સંસારરથ સડસડાટ ચાલે, નહીંતર રથ ક્યારે ઊંઘો વળી જાય એ કહેવાય નહીં. બિહારના પટનામાં આવા જ એક યુગલના સંસારરથનાં બે પૈડાંમાં ખામી ઊભી થઈ.
ધણી-ધણિયાણી વચ્ચે સતત ઝઘડા થવા માંડયા. રિસાઈને પત્ની પિયર ચાલી ગઈ, એટલું જ નહીં, છૂટાછેડાની માગણી કરી. છૂટાછેડાની માગણીથી પતિના ભેજાની કમાન છટકી. એટલે વાઈફને પરેશાન કરવા તેણે શું કિમિયો અજમાવ્યો ખબર છે? લગ્ન વખતે સસરાએ જે બાઈક ભેટ આપી હતી એ પત્નીના નામે રજિસ્ટર્ડ થયેલી હતી.
એટલે એ બાઈક લઈને ઘૂમવા માંડયો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા લાગ્યો. એટલે પત્નીએ જ દંડ ભરવો પડેને! પહેલાં તો દંડની રકમ ભરી દીધી.પણ પછી ક્યાં સુધી દંડ ભર્યા કરે? એટલે તેણે પતિને બાઈક પાછી આપવા કહ્યું.
પણ જીદ્દી પતિએ પરખાવી દીધું કે છૂટાછેડા ન થાય ત્યાં સુધી બાઈક નહીં આપું. આથી થાકીને પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી, બોલો. આ કિસ્સો જાણીને સવાલ થાય કે ટુ-વ્હીલરને લીધે સંસારરથના બે પૈડાં કેવાં ખોટવાયાં!
વર્ક ફ્રોમહોમ નહીં
પણ વર્ક ફ્રોમ કાર
કોરોના વખતે લોકડાઉનમાં બહાર નીકળવાની મનાઈ હતી ત્યારે બધે વર્ક-ફ્રોમ-હોમ શરૂ થઈ ગયું હતું. સહુ ઘરે બેસી કામ કરતા. સ્કૂલના વિદ્યાર્થીઓ તો હોમવર્ક ફ્રોમ હોમ કરતાં.
ઘરે બેસી ઓફિસનું કામ થાય, પણ કાર ચલાવતી વખતે ઓફિસનું કામ કેવી રીતે થાય? સહુને આ સવાલ થાય એવી હરકત બેંગલુરુની એક લેડીએ કરી હતી. બેંગલુરુની આ મહિલા કાર ડ્રાઈવ કરતી વખતે લેપટોપ પર કામ કરતી જોવા મળી હતી. સતર્ક ટ્રાફિક પોલીસે તરત જ કાર અટકાવી હતી અને વર્ક-ફ્રોમ-કાર બદલ દંડ ફટકાર્યો હતો.
પોલીસે દંડ વસૂલ કરવાની સાથે મહિલાનો ફોટો પણ પોસ્ટ કર્યો જેથી આવી જોખમી હરકત બીજું કોઈ ન કરે. કહે છે ને કે પાડોશીને પ્રેમ કરો, પણ ડ્રાઈવિંગ કરતી વખતે નહીં. પોલીસે જોખમી રીતે ગાડી ચલાવતી લાડીને દંડ ફટકાર્યો એ જોઈને કહેવું પડે કે-
બેધ્યાનપણે કાર હાંકવામાં
જોખમ ચિક્કાર,
જો કરો વર્ક ફ્રોમ કાર
તો પોલીસ લગાવે ફટ-કાર.
રાંધણકળાની આવડતને લીધે 'કૂકર' કેદીનો વહેલો છૂટકારો
ગૃહિણી રસોઈની રાણી કહેવાય છે. જે ગૃહિણી પ્રેમથી રાંધે એ સહુ પરિવારજનોને સ્વાદથી બાંધે. ઘણા પુરૂષો પણ રાંધવાના શોખીન હોય છે. કૂકિંગ કળા જાણતા આવાં 'કૂકરો'એ ગમે ત્યાં જાય તો પણ ભૂખ્યા નથી રહેવું પડતું. રાંધણકળાની આવડત અને એમાંથી થયેલી કમાણીની મદદથી કર્ણાટકની જેલમાં બંધ એક જન્મટીપના કેદીનો વહેલો છૂટકારો થયો હતો. રોટલા ઘડી દેતી પત્નીની ૨૦૧૩માં હત્યા બદલ કસૂરવાર ઠરેલો કેદીને જન્મટીપની સજા થતાં તેને કુલબુર્ગીની જેલમાં રાખવામાં આવ્યો હતો. સજા ભોગવવા દરમ્યાન તેની રાંધવાની આવડત પારખીને જેલ પ્રશાસને તેને કિચનમાં રાંધવાનું કામ સોંપ્યું હતું. કેદીઓને સરસ મજાનું રાંધીને ખવડાવતા આ કેદી 'કૂકર'ને મહેનતાણું પણ મળતું હતું.
છેલ્લા બાર વર્ષ દરમ્યાન તેની પાસે ૨.૮૦ લાખ રૂપિયા ભેગા થયા હતા. હવે સજા પૂરી થઈ પણ એક લાખનો દંડ ભરવાનો બાકી હતો. જો દંડ ન ભરે તો તેણે વધુ ૧૮ મહિનાની સજા ભોગવવી પડે. એટલે તરત જ તેણે પોતાની બચતની રકમમાંથી એક લાખ રૂપિયા દંડ પેટે ચૂકવી દેતા તેનો છુટકારો થયો હતો. આ કિસ્સો જાણીને કહેવું પડે કે-
સહુને ટેસ્ટથી જમાડી જેલમાં
છૂટેલો કેદી આવી ગયો ગેલમાં.
અઢી ફૂટના વરરાજા
ત્રણ ફૂટની કન્યા
સાચો પ્રેમ ફૂટથી થોડો જ માપી શકાય? લગ્નજીવન અતૂટ રહે એ માટે ધણી-ધણિયાણી વચ્ચે બસ ફાટ-ફૂટ ન પડવી જોઈએ કે સંબંધમાં કોઈ તૂટ-ફૂટ ન થવી જોઈએ. જોકે અહી એક એવાં પ્રેમલગ્નની વાત કરવી છે જેનાં બન્ને પાત્રોની ત્રણ ફૂટ અને અઢી ફૂટની ઉંચાઈની બાબત સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાઈરલ થઈ હતી. માત્ર અઢી ફૂટ ઊંચો જસમેર સિંહ કે દા'ડાનો પૈણું પૈણું કરતો'તો, પણ સાવ વામન-સ્વરૂપને લીધે કોઈ કન્યા મળતી નહોતી. પણ જેના ભાગ્યમાં લગ્ન લખેલા હોય એને જીવનસાથી મળ્યા વિના રહે જ નહીં.
સોશિયલ મીડિયામાં જસમેર સિંહની ઓળખાણ ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતી ભારતીય મૂળની કેનેડામાં વસતી કોડીલી કન્યા સુપ્રીત કૌર સાથે થઈ. ધીમે ધીમે ચેટિંગ કરતાં કરતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડયાં. બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કેનેડાથી કન્યા ભારત આવી અને ધૂમધડાકા સાથે ટેણિયાના અને ટેણકીનનાં લગ્ન થયાં.
કહે છે ને કે સાચો પ્રેમ રૂપ, રંગ નથી જોતો. બન્ને પાત્રોની ભલે ઓછી ઉંચાઈ હોય, બસ લુચ્ચાઈન હોય તો ભયોભયો. અઢી ફૂટના દુલ્હારાજા અને ત્રણ ફૂટની દુલ્હનની ખુશખુશાલ તસવીરો જોઈને કહેવું ુપડે કે સાચા પ્રેમમાં માપવાનું નહીં,પણ પામવાનું હોય છે.
પંચ-વાણી
કરે કોઈ ભરે કોઈ
ફરે કોઈ, ડરે કોઈ.