બિહારમાં બકરી ચોરીનો કેસ 36 વર્ષ ચાલ્યો
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ક્યા નવા નવા કૌભાંડો બહાર આવે? એમ કોઈ પૂછે તો હોઠ પર પહેલું નામ બિહાર આવે. લાલુપ્રસાદ યાદવનો સત્તાનો સૂરજ તપતો હતો ત્યારે ગળામાં ફૂલહાર પહેરાવાતા હતા. પરંતુ કરોડોના પશુચારા કૌભાંડમાં સંડોવણી બાદ જેલના સળિયા ગણવાનો વારો આવ્યો અને 'ફૂલ-હાર'નો સામનો કરવો પડયો. આ જ બિહારમાં બકરીની ચોરીનો કેસ ૩૬ વર્ષ ચાલ્યો હતો. ઔરંગાબાદ જિલ્લાના ગામડાના પોલીસમાં ફરિયાદ કરી હતી કે ૨૫મી જૂન ૧૯૮૮ના રોજ ૧૦-૧૨જણ તેના ઘરમાં બળ જબરીથી ઘૂસી ગયા હતા અને આંગણામાં બાંધેલી બે બકરીઓ ચોરી ગયા હતા અને પછી ઘરને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસની તારીખ પે તારીખ... પડતી ગઈ સાડા ત્રણ દાયકા વિતી ગયા એ દરમ્યાન પાંચ આરોપી મૃત્યુ પામ્યા હતા. ફરિયાદ પક્ષ આરોપ સાબીત કરવામાં નિષ્ફળ જતા અદાલતે ૩૬ વર્ષે પાંચ આરોપીને છોડી મૂક્યા હતા. મજાની વાત છે કે કેસ ચાલ્યો એ દરમ્યાન કદાચ બેં... બેં... કરી બે બકરી પણ મૃત્યુ પામી હશે.
અનોખો પૂતળા-પાર્ક
મહાપુરૂષોની પ્રતિમાઓને મુદ્દે અવારનવાર વિવાદોનો વંટોળ જાગતો હોય છે. ગામ કે શહેરના ભીડભાડવાળા રસ્તાના ચોકમાં પ્રતિમા સ્થાપવામાં આવે ત્યારે વાહનોની અવરજવરમાં અડચણ ઊભી થતી હોય છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય અને ટ્રાફિકમાં કોઈ અવરોધ ઊભો ન થાય માટે મહારાષ્ટ્રના બાર્શી શહેરમાં અનોખો પૂતળા પાર્ક રચવામાં આવ્યો છે. બાર્શી નગરપાલિકાએ ૨૦૧૦માં આ પૂતળા-પાર્ક રચ્યા પછી શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાપુરૂષોની પ્રતિમાઓ હતી એ બધી આ પૂતળા પાર્કમાં સ્થળાંતરીત કરવામાં આવી છે. આજે મહાપુરૂષોની સાત પ્રતિમાઓના દર્શન થાય છે.
આંમાં બંધારણના ઘડવૈયા અને દલિત ઉદ્ધારક ડો.બાબાસાહેબ આંબોડકર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ, લોકમાન્ય તિલક, અણ્ણાભાઇ સાઠે, કાકા સાહેબ ઝાડબુકે અને શાહીર અમર શેખની ડો.આંબેડકરની પહેલેથી હતી, તેની પાસે અન્ય પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે. બાર્શીનો દાખલો લઈને અન્ય ગામો અને શહેરોમાં પણ આવાં પૂતળા-પાર્ક રચાવા જોઈએ એવું નથી લાગતું?
પથ્થર કે સનમઃ પિત્તાશયમાંથી 6110 સ્ટોન
જૂની હિન્દી ફિલ્મનું એક ગીત યાદ આવે છેઃ પથ્થર કે સનમ તુઝે હમને મોહોબત કા ખુદા માના... આ ગીત યાદ આવવાનું કારણ એ કે રાજસ્થાનના કોટ શહેરમાં એક સિનિયર સિટીઝનના પિત્તાંશયમાંથી ૬૧૧૦ સ્ટોન નીકળ્યા. સામાન્ય રીતે લોકોને કિડની કે પિત્તાશયમાંથી ચાર-પાંચ કે બહુ બહુ તો ૮-૧૦ ઝીણી પથરીઓ નીકળે છે. પણ કોટાના ૭૦ વર્ષના વૃદ્ધના પિતાશયમાંથી ૬૧૧૦ પથરીઓ નીકળતા ડોકટરો પણ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા હતા. જ્યારે વૃદ્ધે પેટમાં પીડાની અને ગેસની ફરિયાદ કરી ત્યારે હોસ્પિટલમાં લઈ જઈ સોનોગ્રાફી કરવામાં આવી હતી. સોનોગ્રાફીમાં જોવ મળ્યું હતું કે પિતાશયની થેલી પથરીઓથી ભરેલી હતી. એટલે તત્કાળ ઓપરેશન કરી પથરીઓ કાઢવામાં આવી હતી. આ પથરીઓ ગણતા બે કલાક લાગ્યા હતા. બોલો. જો સમયસર પથરીઓ કાઢવામાં ન આવી હોત તો જીવલેણબીમારીનું જોખમ હતું.પથરીને લીધે દરદીને જીવ ગુમાવવાનું ટાણું ન આવે માટે ઓપરેશન કરી લીધા પછી શક્ય છે ડોકટર મનોમન ગણગણ્યા હશેઃ કોઈ પથ્થર સે ન 'મારે' મેરે દિવાન (દરદી) કો...
શિવાનો નાગે ભોગ લીધો
જાતજાતના જોખણ ઉઠાવી રીલ બનાવી સોશ્યલપ ંમિડિયામાં વહેતા મૂકી રાતોરાત ફેમસ થઈ જવાનું ભૂત તરૂણ-તરૂણી અને યુવક-યુવતી ઉપર એટલી હદે સવાર થઈ ગયું છે કે મોતની પણ પરવા કરતા નથી. રીલ બનાવવાના નાદમાં એક સાથે પાંચ પાંચ જણ ડૂબી ગયાના કિસ્સા નોંધાયા છે. કોઈ પહાડની ટોચેથી પટકાઈ જીવ ગુમાવે છે, કોઈ ટ્રેનની અડફેટે આવી ટુકડેટુકડા થઈ જાય છે તો કોઈ ધોધ પરથી નીચે ખાબકી મોતને ભેટે છે. તેલંગણાના કામારેડ્ડી જિલ્લાના દેસીપેટ ગામના મદારીના દિકરા શિવાએ અત્યંત ઝેરી કોબ્રા નાગને પકડીને દાંત વચ્ચે દબાવ્યો અને સ્ટંટ કરવા માંડયો. તેના દોસ્તો મોબાઈલંમાં વિડિયો ઉતારતા હતા. અચાનક કિંગ- કોબ્રાએ ડંખ મારતાની સાથે જ શિવા જોતજોતામાંનિષ્પ્રાણ થઈ ઢળી પડયો હતો. ગળામાં સર્પોની માળા ધારણ કરતા શિવના નામધારી શિવાને નાગ સાથેની જીવલેણ રમત ભારે પડી. રીલ બનાવવાની ઘેલછા રીતસર રોગચાળાની જેમ ફેલાતી જાય છે. એટલે જ કહેવું પડે કેઃ
જેમ મચ્છરના ડંખથી
ફેલાય મેલેરિયા
એમ રીલના નાદથી
ફેલાય મેં-રિલિયા...
970 વર્ષથી ગણેશોત્સવની ઉજવણી
લોકમાન્ય તિલકે ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત કર્યા પછી જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઉત્સવનું મહત્ત્વ વધવા જ માંડયું, અને આજે તો દેશ-વિદેશના લોકો પણ આ પર્વની ઉજવણીની નોંધ લે છે. પરંચુ સદીઓથી ગણેશોત્સવની એકદમ પારંપરિક ઢબે ઉજવણી ક્યાં થાય છે જાણો છો? મધ્ય પ્રદેશના છીંદવાડામાં. આ છીંદવાડાના પાંઢુર્ણા ગામે શ્રી વીર શૈવ લિંગાયત મઠ સંસ્થાનના ૧૬૦૦ વર્ષ પુરાણો મઠ આવેલો છે. આ મઠમાં ૯૭૦ વરષથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. ઉજવણીની ખાસિયત એ છે કે મૂર્તિ ઘડવાની શૈલી, આકાર અને વસ્ત્રાભૂષણો દર વર્ષે એકસરખા જ રાખવામાં આવે છે. ૯૭૦ વર્ષથી આ પરંપરા જળવાઈ છે અને મઠના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આટલી સદીથી ઉજવણી થાય છે તેમાં દસ્તાવેજ પુરાવા પણ મોજૂદ છે. મુંબઈ જેવાં શહેરોમાં ગણેશોત્સવ વખતે સાર્વજનિક ગણેશ મંડળોના મંડપોમાં વિવિધ સ્વરૂપની, જુદા જુદા સ્વરૂપની અને મુદ્રાની ગણેશજીની મૂર્તિઓના દર્શન થાય છે. જ્યારે ૯૭૦ વર્ષથી એક જ સરખી મૂર્તિઓની સ્થાપનાની પરંપરા જળવાય એ કેવી મોટી વાત કહેવાય?
પંચ-વાણી
ક્રિકેટ ૧૧ મૂર્ખો દ્વારા રમાતી અને ૧૧ હજાર મૂર્ખો દ્વારા જોવાતી રમત છે.
-જ્યોર્જ બર્નાર્ડ શો.