ફળની આશા વિના સ-ફળ ચિત્રકાર .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ગીતાજીનો સંદેશ છે કે યોગ્ય કર્મ કર્યે જશો તો ફળની ચિંતા રહેશે જ નહીં. મેંગ્લોરના ૧૨ વર્ષની ઉંમરના પ્રસન્નાકુમાર નામના બાળકે ગીતાનો સંદેશ જીવનમાં ઉતાર્યા પછી ચિત્રરૂપે કેન્વાસ પર ઉતારી કમાલ કરી. સ્વરૂપા અધ્યયન કેન્દ્રના વિદ્યાર્થી પ્રસન્ના કુમારે ભગવદ્ ગીતાના ૭૦૦ શ્લોકને ચિત્ર અને ઈલ્સ્ટ્રેશનના સ્વરૂપમાં કેન્વાસ પર ઉતાર્યા. અઢીથી ત્રણ મહિના દિવસ- રાત મહેનત કરીને તેણે ૮૪,૪૨૬ ચિત્રો દોરીને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. આ ટેણિયાએ ફળની આશા વગર એક સ-ફળ ચિત્રકાર તરીકે જે સિધ્ધિ મેળવી એ જોઈને જૂની હિન્દી ફિલ્મના ગીતનું મુખડું યાદ આવેઃ યે કૌન ચિત્રકાર હૈ....
વિદ્યાર્થીઓએ ટીચરની ખુરશી નીચે બોમ્બ ફોડયો
વિદ્યા મેળવે એ વિદ્યાર્થી પણ આજકાલ કેટલાય એવાં વંઠેલા વિદ્યાર્થી હોય છે જે વિદ્યાની અર્થી ઉપાડે છે. હરિયાણાની એક સ્કૂલમાં બારમા ધોરણના સ્ટુડન્ટ્સના એક ગુ્રપે ખતરનાક પ્રેન્ક કરતા સહુ ચોંકી ગયા હતા. આ ભાંગફોડિયા ભેજાવાળા વિદ્યાર્થીઓએ ઈન્ટરનેટમાં બોમ્બ બનાવવાનું શીખી લીધું. પછી સાયન્સના પિરિયડમાં ટીચર આવીને બેસે એ પહેલાં તેમની ખુરશી નીચે બોમ્બ ફિટ કરી દીધો. જેવાં ટિચર આવીને ખુરશી પર બેઠા કે વિદ્યાર્થીઓએઅ રિમોટથી બટન દબાવતા પ્રચંડ ધડાકો થયો હતો. નસીબજોગે ટીચરને કોઈ ઈજા નહોતી થઈ. આ ખતરનાક ખેલ કરનારા ૧૩ વિદ્યાર્થીઓ સામે હરિયાણાના શિક્ષણ વિભાગે આકરા પગલાં લીધાં હતા. જોકે સાયન્સ ટીચરે મોટું મન રાખી બધાને માફ કરી દીધા હતા.
જોની મેરા નામ... પાર્ટનર ઢૂંઢના મેરા કામ
દેવ આનંદ- હેમાલિનીની 'જોની મેરા નામ' ફિલ્મને ૫૫ વર્ષ થયૉ છતાં આજે પણ તેનું સંગીત ભૂલાયું નથી. દેવ આનંદને મળવા તેની પ્રેમિકા હેમામાલિની દોડાદોડ આવી તો પહોંચે છે પણ મોડું થવાથી વિનવણી કરે છે કે તું ગુસ્સે ન થતો અને આ ભાવ સાથે ગાણું ગાય છેઃ ઓ.... ઓ મેરે રાજા ખફા ન હોના... દેર સે આઈ... દૂર સે આઈ... મજબૂરીથી ફિર ભી મૈંને વાદા તો નિભાયા... આ ફિલ્મનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે એક ચોપગો જોની- રાજા પ્રેમીકાની શોધમાં હદ વટાવી ગયો, સરહદ વટાવી ગયો. જંગલના રાજા અને રાષ્ટ્રીય પ્રાણી વાઘની આ અજબ દાસ્તાન મહારાષ્ટ્રના જંગલની છે. નાંદેડના કિનવટના જંગલમાં રહેતો જોની નામનો વાઘ પ્રેમિકા વાઘણની શોધમાં ૩૦૦ કિલોમીટરનો પંથ કાપીને ઠેઠ તેલંગણાના આદિલાવાદ અને નિર્મલના જંગલમાં પહોંચી ગયો હતો. શિયાળો વાઘ- વાઘણના પ્રજનનની ઋતુ ગણાય છે. એટલે નર વાઘ પોતાના જંગલમાં પાર્ટનર ન મળે તો તેની શોધમાં દૂર દૂર સુધી પહોંચી જતો હોય છે. આપણામાં પણ જ્યારે કોઈ શહેર કે ગામમાં પરણવાલાયક કન્યા કે મૂરતિયા ન મળે તો બહારગામ નજર દોડાવવામાં આવે છે. એવું જ આ વાઘના જંગલી સંસારમાં જોવા મળે છે. ફોરેસ્ટ ઓફિસરો કહે છે કે દર શિયાળે યોગ્ય પાત્ર કે પાર્ટનરની શોધમાં મહારાષ્ટ્રના કેટલાય વાઘ બોર્ડર ક્રોસ કરીને તેલંગણાના જંગલમાં પહોંચી જાય છે. પ્રજનન કાળ વખતે વાઘણ તેના શરીરમાંથી ખાસ પ્રકારની ગંધ છોડે છે. વાઘ આ ગંધ ૧૦૦ કિલોમીટર દૂરથી પારખી જાય છે અને પછી વાઘણ પાસે પહોંચી જાય છે.
અદિલાબાદના જંગલમાં વાઘ કરતાં કદાચ વાઘણો વધુ હોવાથી સરહદ પારથી જ્યારે વાઘ આવી ચડે ત્યારે મનોમન હરખાઈને બોલી ઉઠતી હશે વાદા તો નિભાયા... દેર સે આયા... દૂર સે આવા... મજબૂરીથી ફિર ભી તૂને વાદા તો નિભાયા... વાઘ પાર્ટનર મળી જતાં કહેશે કે જોની મેરા નામ... પાર્ટનર ઢૂંઢના મેરા કામ.
લક્ષ્મીજીની રંગ બદલતી મૂર્તિ
ઘણીવાર માણસ પાસે પૈસો આવી જાય ત્યારે તેનો રંગ બદલાઈ જાય છે, ઢંગ બદલાઈ જાય છે અને સંગ બદલાઈ જાય છે. લક્ષ્મીજીની કૃપા વરસે અને માણસ માલદાર બને ત્યારે બહુ ઓછા એવાં જોવા મળે છે જે ધનના મદદથી મુક્ત રહી પોતાનો અસલ રંગ જાળવી રાખે છે, પરંતુ પોેતાના ભક્તોને વિવિધ સ્વરૂપે દર્શન આપવા માટે લક્ષ્મીજીની મૂર્તિનો રંગ બદલાતો રહે એવું અનોખું પંચમઠા માતા મંદિર મધ્ય પ્રદેશના જબલપુરમાં આવેલું છે. અનોખા શિલ્પ- સ્થાપત્યથી શોભતું આ એકમાત્ર મંદિર ૧૧૦૦ વર્ષ પુરાણું છે. પાંચ ગુંબજવાળા આ મંદિરનું નામ પાંચમઠા આ ગુંબજોને કારણે પડયું છે. આઠ સ્તંભો પરનું આ મંદિર કમળની આકૃતિમાં રચાયેલું છે જેની ફરતે પરિક્રમા પથ છે. યંત્ર પર આધારિત મંદિરમાં ૧૨ રાશિ દર્શાવતા સ્તંભો અને નવ ગ્રહ દ્રષ્ટિગોચર થાય છે. મંદિરમાં બિરાજમાન મહાલક્ષ્મી માતાના ચરણોમાં સૂર્યોદયની સાથે સૂરજનાં કિરણો પડે છે. એવું કહેવાય છે કે સવારના ભાગમાં મૂર્તિનો રંગ શ્વેત, બપોરે પીળો અને સાંજે બ્લૂ નજરે પડે છે. મુઘલોના સૌથી ઘાતકી, ધર્માંધ અને આક્રમણખોર બાદશાહ ઔરંગઝેબે મંદિર પર હુમલો કરીને ભારે જફા પહોંચાડી હતી. આમ છતાં ઔરંગઝેબ અને તેની સેનાએ ખાલી હાથે પાછા ફરવું પડયું હતું. મંદિરના પેટાળમાં અખૂટ ખજાનો છૂપાવેલો છે અને તેની રક્ષા અસંખ્ય ઝેરી સાપ કરે છે એવી માન્યતા છે. આજે પણ મંદિરની આસપાસ સાપ બહુ નીકળે છે. લક્ષ્મીજી ભક્તજનોને વિવિધ રંગે દર્શન આપે, પણ લક્ષ્મીજીની કૃપા થયા પછી જે પોતાનો રંગ ન બદલે એ સાચો ભક્ત કહેવાય.
રાયપુરમાં આરએસએસ યુનિવર્સિટીનો વિવાદ
નામમાં શું રાખ્યું છે? નામ નહીં કામ બોલે છે એવું કહેવાય છે, પરંતુ સ્ટેશનો, રસ્તા ચોક અને વિમાન મથકોના નવા નામકરણને મામલે અવારનવાર વિવાદ થતા રહે છે. આવી જ રીતે છત્તીસગઢના રાયપુર શહેરમાં આરએસએસ યુનિવર્સિટીના નામનો વિવાદ જાગ્યો છે. રાયપુરના સૌથી વ્યસ્ત તેલીબંધ વિસ્તારના ગૌરવ-પથ પર ટ્રાફિક સાઈનબોર્ડ પર મોટા અક્ષરે લખાયું છે- આરએસએસ યુનિવર્સિટી. આ વાંચીને બધા એમ જ સમજે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની યુનિવર્સિટી હશે. જોકે એવું નથી. અવિભાજીત મધ્યપ્રદેશના પહેલાં મુખ્યપ્રધાન રવિશંકર શુકલ યુનિવર્સિટીનું નામ ટૂંકમાં આરએસએસ યુનિવર્સિટી કરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસીઓએ આ સાઈન બોર્ડ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે સત્તાધારી પક્ષવાળા લોકોને ભગવા રસ્તે દોરી જવા માટે આરએસએસ યુનિવર્સિટીનું સાઈનબોર્ડ લગાડયું છે. ખુદ પંડિત રવિશંકર શુકલના પૌત્ર અને છત્તીસગઢના ભૂતપૂર્વ પ્રધાન અમિતેશ શુકલએ વિરોધ કરવાની સાથે કહ્યું હતું કે આ બોર્ડ યુવા પેઢીને ગેરમાર્ગે દોરે એવું છે. પંડિત રવિશંકર શુકલના ઉજ્જવળ વારસાને ક્યારેય ભૂલાવી ન શકાય. તત્કાળ આ બોર્ડ પરના લખાણને સુધારીને પંડિત રવિશંકર શુકલ યુનિવર્સિટી માર્ગ એમ લખાવું જોઈએ.
પંચ-વાણી
સત્તા આવે એ
બીજાને સતાવે