ભગવાનને પણ ભાવે લાડુ એટલે ખાવામાં કોઈ ન આવે આડુ

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ભગવાનને પણ ભાવે લાડુ એટલે ખાવામાં કોઈ ન આવે આડુ 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

વાહ... લડ્ડુ કા નામ સૂનતે હી મુંહ મેં લડ્ડુ ફૂટને લગતે હૈ... લાડુ કોને ન ભાવે? અરે ઘણા ડાયાબિટીસવાળા પણ કટકી કટકી લાડુ ટેસ્ટ કરી લેતા હોય છે. ભારતમાં લાડુની પણ અઢળક વરાઈટી સ્વાદ-શોખીનોને લલચાવે છે. ચૂરમાના લાડુ, બુંદીના લાડુ, ડિંક લાડુ, મેથીના લાડુ, ગણેશજીને ભાવતા મોદક-લાડુ, માવા-સુકામેવાના લાડુ વગેરે વગેરે જાત જાતના લાડુ લોકો હોંશે હોંશે ખાય છે. ભક્તોને જો આટલા લાડુ ભાવે છે તો ભગવાનને પણ ભાવે જ ને? અષાઢી બીજને દિવસે જગન્નાથ પુરીમાં ભવ્ય રથયાત્રા નીકળી એ સહુએ ટીવીમાં જોઈ જ હશે. ભક્તોના બેલી ભગવાન જગન્નાથને કયા લાડુુ પ્રિય છે જાણો છો? મગજી લાડુ. ભગવાન જગન્નાથને જે ભોગ ધરવામાં આવે છે એમાં મગજી લાડુનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. ઓડિશાની આ મનભાવન મીઠાઈ 'મગજી લાડુ' જિયોગ્રોફિકલ ઈન્ડિકેશન ટેગ (જીઆઈટેગ) આપવામાં આવ્યું છે. દેશ-દુનિયાના લોકોને જાણ થાય કે કઈ વાનગી ક્યા પ્રાંતની ખાસિયત છે, એટલા માટે આ જીઆઈ ટેગ આપવામાં આવે છે. આ મિઠાઈ પહેલવહેલી વાર ધનકલાલ જિલ્લામાં બનાવવામાં આવી હતી. હવે તો આખા ઓડિશામાં બને છે. ભેંસના દૂધમાંથી બનતા ચીઝ, ખાંડ અને ઈલાયચીના મિશ્રણથી આ મજેદાર મગજી લાડુ તૈયાર કરવામાં આવે છે. લાડુની આ લોકપ્રિયતા જોઈને જોડકણું કહેવું પડે કે-

જાતજાતના લાડુ ખાઈ

ખવૈયાઓ ખરા હરખાય,

પણ લગ્નના લાકડાના લાડુ

ખાય એ પસ્તાય

અને ન ખાય એ પણ પસ્તાય.

ઘર મળતાં વરને

છોડી છૂમંતર

લાલો લાભ વિના લોટે નહીં એવી કહેવત જરા ફેરવીને કહેવી પડે કે લાલી લાભ લઈ 'લૌટે' નહીં... કારણ ગરીબોને હક્કનું ઘર અને એ માટે શરૂ કરવામાં આવેલી પંતપ્રધાન આવાસ યોજના હેઠળ ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં પહેલા હપ્તાની રકમ બેન્કમાં જમા થતાંની સાથે જ ૧૧ વિવાહિતા પોતાના વરને છોડી પોતપોતાના યાર સાથે છુમંતર થઈ ગઈ હતી. આ લફરા બાજ લલનાઓ પંતપ્રધાન આવાસ યોજનાનો ૪૦ હજાર રૂપિયાનો પહેલો હપ્તો મળતાની સાથે જ પ્રેમી સાથે પલાયન થઈ જતાં તેમના પતિદેવોએ પોલીસમાં ફરિયાદ કરવા દોડવું પડયું હતું. અગાઉ સમૂહલગ્ન યોજનાનો લાભ મેળવવા ઉત્તર પ્રદેશમાં જ પરિણીત સાળી-બનેવીનાં પિત્રાઈ ભાઈ-બહેનનાં લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. આ કૌભાંડ  બહાર આવ્યું ત્યારે ભારે ઉહાપોહ થયો હતો. હવે પરિણીતાઓ પ્રેમી સાથે ફરાર થઈ જતાં યોગીરાજમાં નવો વિવાદ થયો છે. આ જોઈને કહેવું પડે કે-

સરકારી લાભ ખાતર

રાખે નહીં સંબંધની દરકાર,

બોલો! એવાં લફરાબાજોને

કેવી લગાવવી જોઈએ  ફટકાર?

ગણતંત્રમાં મોડર્ન મા-ગણતંત્ર

એક પૈસા  દે દે બાબા... તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા ગરીબો કી સુનો... હિન્દી ફિલ્મોના અમુક સંગીતકારોએ આવા માગણ મેલોડીનાં ગીતો બનાવીને માગણો ઉપર મોટી દયા કરી છે. ટ્રેનમાં, બસમાં, ધર્મસ્થાનોની બહાર કે રસ્તા-ફૂટપાથ પર થોડું ઘણું ગાતાં આવડતું હોય એવા ભીખારીઓ ગાઈને પાઈ-પૈસો મેળવતા જોયા છે. માગણ પણ મોબાઈલ વાપરતા થઈ ગયા છે. કોઈ માગણો તો પોતે ગાઈને ગળું ઢૈડવાને બદલે ટચકડું સ્પીકર પાસે રાખી એની સાથે મોબાઈલનું કનેકશન જોડી મજેદાર ગીતો વગાડતાં હોય છે. મુંબઈમાં તો અમુક 'માલદાર' ભીખારીઓ જાણીતાં ધર્મસ્થાનોની  બહાર મોકાની જગ્યા શોધી એવો અડિંગો જમાવીને બેસે છે કે જાણે એમની ઓનરશીપની જગ્યા હોય. અમુક ખાઈબદેલા માગણો તો પોતાના હાથ નીચે નવોદિત ભીખારીઓની ટીમ રાખે છે અને જુદી જુદી જગ્યાએ ગોઠવે છે. તહેવાર વખતે કે ધાર્મિક ઉત્સવ વખતે ખરી કમાણી કરતાં હોય છે. ધર્મસ્થાનની બહાર બેઠા હોય અને શ્રીમંત ભક્ત આવતો દેખાય એટલે આ નાટકબાજો એવા કરગરે છે કે પેલાં દસને બદલે વીસ રૂપિયા આપીને જાય. થોેડે દૂર આ ભક્તજન જાય એટલે ધીમેકથી ગોદડી નીચેથી મોબાઈલ કાઢી આગળ બેઠેલા પોતાની ટીમના અથવા ઓળખીતાને મેસેજ કરી દે કે બરાબર કરગરજો, માલદાર આસામી આવે છે. હવે તો કોઈ આઠઆના કે રૂપિયાનો સિક્કો ભિખારીને આપે તો પાછો આપી દેતા અચકાતા નથી, અને સાથે ટોણો પણ મારે  છે કે આપવાની ત્રેવડ ન હોય તો અમારી બાજુમાં બેસી જાવ. હવે તો પરચુરણ ખિસ્સામાં ન હોય અને માગવા આવતા ભીખારીને કેમ દાન કરવું? એનો ઉપાય પણ એમણે ગોતી કાઢ્યો છે. મુંબઈની સબર્બન લોકલમાં અમુક માગણો ગળામાં જી-પેનું કાર્ડ લટકાડીને ફરતા હોય છે, બસ મોબાઈલથી સ્કેન કરી પેમેન્ટ કરો એટલે પછી ખિસ્સાં ફંફોસી પરચુરણ શોધવાની માથાકૂટ જ નહીં. મુંબઈના પોશ એરિયામાં પણ મોડર્ન બેગર્સ મોબાઈલથી ભીખનું પેમેન્ટ કરી શકાય એ માટે કાર્ડ લઈને બેસે છે. ગણતંત્રમાં આ કેવું મોડર્ન મા-ગણતંત્ર ઊભું કર્યું કહેવાય!

ગુગલ મેપને લીધે કાર જઈ પડી નદીમાં

પવિત્ર નદીમાં કોઈ ફૂલ પધરાવે, કોઈ નાણાંના સિક્કા પધરાવે કોઈ અસ્થિ પધરાવે તો કોઈ દીવડા પધરાવે એ સહુ જાણે છે, પરંતુ કેરળમાં એક વિચિત્ર ઘટનામાં ગુગલ મેપને આધારે બે યુવકોએ કાર નદીમાં પધરાવી હતી. બન્યું એવું કે આ બન્ને ગુગલ-એ-આઝમ કેરળના કાસરગોડ ગામે વરસતા વરસાદમાં એક હોસ્પિટલે પહોંચવા કાર લઈને નીકળ્યા હતા. રસ્તો ખબર ન હોવાથી તેમણે ગુગલ મેપનો સહારો લઈ આગળ વધવાનું નક્કી કર્યું. હવે આ બન્ને રસ્તા પર જોવાને બદલે મોબાઈલમાં ગુગલ મેપ જોવામાં એવા તો ખોવાઈ ગયા કે એમની કાર ક્યારે બેકાંઠે વહેતી નદીમાં જઈ પડી એ ખબર ન પડી. એટલા વળી નસીબદાર કે તણાતી કાર વચ્ચે એક ઝાડ આવતાં અટકી ગઈ અને બન્ને જેમતેમ કરી જીવ બચાવી બહાર આવ્યા.

પહેલવહેલી તૃતીયપંથી સબ-ઈન્સ્પેકટર

પ્રભુની અને પોલીસની નજરમાં સહુ સરખા. નાના-મોટા, ખરા-ખોટા, સીધા-આડા, ગરીબ-માલદાર, સ્ત્રી-પુરષ, સહુની હિફાઝત કરવાની અને સાથોસાથ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે. પોલીસની ફરજમાં ભેદભાવનો અવકાશ ન હોય તો પછી પોલીસની ભરતીમાં શા માટે ભેદભાવ રાખવો જોઈએ? બસ, આ જ કારણસર પુરૂષ અને મહિલા પોલીસોની જેમ સમાજમાં કાયમ ઉપેક્ષિત રહેલા તૃતીયપંથી માટે પોલીસની નોકરીના દરવાજા ખુલી ગયા છે. બિહારની માનવી મધુ કશ્યપને પહેલવહેલી તૃતીયપંથી સબ-ઈન્સ્પેકટર બનવાનું માન મળ્યું છે. સમાજમાં તિરસ્કાર અને અવગણનાનો સામનો કરી ભાગલપુર જિલ્લાના નાના ગામડાની માનવી  મધુ કશ્યપે પોલીસની આકરી ટ્રેનિંગ મેળવી સબ-ઈન્સ્પેકટર બનવાનું માન મેળવ્યું છે. એ કહે છે સંઘર્ષ વિના સફળતા શક્ય નથી. વટથી ખાખી વરદી ધારણ કરતી માનવી મધુને જોઈ કહેવું પડે કે-

ક્યાંક દરિયામાં ભરતી

ક્યાંક પોલીસમાં 'ભરતી'

તૃતીયપંથી જ્યારે ગણવેશ

ધારણ કરતી

ત્યારે જોઈને સહુની આંખ ઠરતી.

પંચ-વાણી

એક તત્ત્વચિંતકે કહ્યું છે કે-

ભલા માણસોને કાયદાની જરૂર નથી હોતી અને બૂરા માણસોને  કાયદાની પરવા નથી હોતી.


Google NewsGoogle News