Get The App

દુનિયાનો સૌથી નાનો ચરખો .

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
દુનિયાનો  સૌથી નાનો ચરખો                                 . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

આઝાદીની લડત વખતે ગાંધીબાપુએ ચરખાથી ઘર ઘરમાં લોકોને આવકનું સાધન ઉપલબ્ધ કરાવ્યું અને ખાદીને ખૂણે ખૂણે પહોંચાડી હતી. આજે તો ચરખાનું સ્થાન અત્યાધુનિક ટેક્સટાઈલ મશીનોએ લીધું છે. છતાં ચરખો નામશેષ નથી થયો. ચરખાને લોકો ભૂલે નહીં એ માટે નાગપુર જિલ્લાના ઝિંગાબાઈ-ટાકળી ગામના જયંત તાંદુળકરે દુનિયાનો સૌથી નાનો ચરખો બનાવ્યો છે.

 ચોખાના દાણા જેવડા આ ચરખાની લંબાઈ ૨.૯૪ મિલીમીટર, પહોળાઈ ૨.૪૦ મિલીમીટર, ઊંચાઈ ૨.૭૪ મિલીમીટર તેમ જ વજન ૩૦ મિલીગ્રામ છે. અત્યંત ઝીણી સળી અને વાયરનો ઉપયોગ કરી બનાવેલો આ ચરખો ચલાવી પણ શકાય છે. 

આ ચરખાને જોઈ ગુલઝારે લખેલું ગીત યાદ આવેઃ ચપ્પા ચપ્પા ચરખા ચલે... બાકી તો ગાંધીજીનું નામ વટાવી ખાતા એવા કેટલાય તકવાદી નેતાઓ જોવા મળે છે, જેણે ચરખા શબ્દનું નવું અર્થઘટન કર્યું છે કે રાજકારણમાં લાગ જોઈ ચરાય એટલું ચર અને ખવાય એટલું ખા... ચર-ખા!

ધીકતી કમાણી કરતી બેગર્સ સિન્ડીકેટ

ભારતમાં ઘણા ભીખારીઓએ ભીખને ધંધો બનાવી દીધો છે. માગણોની રીતસર સિન્ડીકેટ રચાઈ છે. મહારાષ્ટ્રના એક શહેરમાં મોકાની જગ્યાએ ભીખ માગતી મહિલાને રોજ સવારે દીકરો હાઈકલાસ મોટરમાં મૂકી જાય અને રાતે તેડી જાય. મોટાં શહેરોમાં ભીખ માગી ફૂટપાથ પર પડયા રહેતા કેટલાય માગણોએ ગામડામાં પાક્કાં ઘર બાંધ્યા છે. મુંબઈ નજીક એક ગામમાં હોટેલવાળો ભીખારીઓના પૈસાનો કારભાર સંભાળે છે. દર મહિને ભીખારીઓના વતનમાં પરિવારને ૨૦-૩૦ હજાર મની ઓર્ડરથી મોકલે છે.

 મુંબઈમાં તો જે ધર્મસ્થાનોમાં ભક્તોની અવરજવર વધુ હોય ત્યાં કાયમ બેસતા ભીખારીઓ ઓનની ઊંચી રકમ લઈ બીજા ભીખારીને 'પેટા-ભાડૂત'  તરીકે બેસવા આપે છે.

તાજેતરમાં જ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં ભીખારીઓની આંતરરાજ્ય ટોળી પોલીસે પકડી પાડી હતી. ૧૧ બાળકો સહિત બાવીસ માગણોની આ ગેન્ગ રાજસ્થાનથી ભીખ માગવા ઈન્દોર આવી હતી. આખો દિવસ ભીખ માંગીને સારી એવી કમાણી કરે અને રાત્રે હોટેલ બુક કરાવી હતી એમાં જઈને આરામથી સૂઈ જાય. પોલીસે આ ગેન્ગને પકડીને રાજસ્થાન તગેડી મૂકી હતી. થોડા મહિના પહેલાં ઈન્દોરના ઉજ્જૈન રોડ પર લવ-કુશ ચોક પાસે બે બાળકો સાથે એક મહિલા ભીખારણને પોલીસે પકડી હતી. પૂછપરછ કરીને જ્યારે તેની કેટલી કમાણી છે તેનો તાગ મેળવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી. 

મહિલાએ ભીખ માગીને બે મહિનામાં દોઢ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આમાંથી એક લાખ પોતાની સાસુને મનીઓર્ડરથી મોકલાવ્યા હતા. વધુ તપાસ કરતા ખબર પડી કે ભીખારણ પાસે જમીન, બે માળનું મકાન, એક બાઈક અને ૨૦ હજારનો સ્માર્ટફોન છે. બોલો! કોર્પોરેટ   ઓફિસમાં જોબ કરવાવાળા જેટલો પગાર મેળવતા હોય એટલી કમાણી આ મહિલા હાથ લાંબો કરી કરતી હતી. આવી ધીકતી કમાણી કરતી બેગર્સ સિન્ડીકેટને 'બેગર્સ હેવ નો ચોઈસ' એ કહેવત બદલી તમામ સુખ-સગવડ મેળવતા માગણોને જોઈ કહેવું પડે કે , બેગર્સ હેવ મેની ચોઈસીસ. 

એમ્બ્યુલન્સ નહીં પણ બાંબૂલન્સ

ચૂંટણી આવે ઢૂંકડી ત્યારે સરકાર ખુલ્લી મૂકે નાણાંની સંદૂડકી... મોટી મોટી યોજનાઓ જાહેર થાય, વીમાના લાભો અને આરોગ્યસેવામાં સુધારણાની ખાતરીનો ગોળ કોણીએ લગાડવામાં આવે. બાકી તો આદિવાસી વિસ્તારોમાં કે પછી દુર્ગમ વિસ્તારોમાં જીવવા ખાતર  જીવતા લોકોની કેવી દશા છે તેનું ઉદાહરણ આપવું હોય તો મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તળોદા ગામનો કિસ્સો બસ થઈ રહે.

અક્કલકુવા તાલુકાના ગામડાની એક વયોવૃદ્ધ મહિલાની તબિયત અચાનક બગડી. દૂર આવેલી હોસ્પિટલે વૃદ્ધાને લઈ કેવી રીતે જવી? કારણ કે ગામ સુધી પહોંચે એવી સડક જ નથી એટલે એમ્બ્યુલન્સ આવી શકે એવી શક્યતા જ નહોતી. તરત જ ગામડાના ચાર-પાંચ ડાહ્યા માણસો બોલ્યા કે એમ્બ્યુલન્સ નથી તો શું થયું, આપણે બાંબૂલન્સની વ્યવસ્થા કરીશું. તરત જ બે મજબૂત બાંબૂ સાથે સાડી બાંધી  ઝોળી બનાવવામાં આવી. આ દેશી બાબૂલન્સમાં સૂવાડયા અને ચાર ગામલોકો અડેકધૂમ કરતા પહાડી ઈલાકામાંથી નીકળી પડયા. ચોમાસામાં નાનકડી નદીમાં પાણી ધસમસતું વહેતું હતું એની પરવા કર્યા વિના જિલ્લાની હોસ્પિટલે પહોંચ્યા અને સમયસર સારવાર મળી જતાં વૃદ્ધાનો જીવ બચી ગયો. આ જોઈને કહેવું પડે કે જ્યારે એમ્બ્યુલન્સ ન આવે ત્યારે બાંબૂલન્સ બચાવે.

ડ્રાઈવર બન્યો દેવદૂત

ઉત્તરાખંડમાં એક પરિવારમાં ૧૬ વર્ષે સોનાનો સૂરજ ઉગ્યો હતો. કારણ, પરિવારના હસતા-રમતા ૯ વર્ષના બાળકનું ઘરના આંગણામાંથી અપહરણ થયા પછી ૧૬ વર્ષે એ પાછો ફર્યો  હતો.  તેની માતા અને પરિવારજનોની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો. અપહરણ થયું ત્યારે ૯ વર્ષનો હતો એ ૨૫ વર્ષનો જુવાન થઈ ઘરે આવ્યો એ માટે એક અજાણ્યોે ટ્રક ડ્રાઈવર મદદગાર સાબિત થયોે હતો. એવું બન્યું હતું કે ૨૦૦૮ની સાલમાં ૯ વર્ષનો મોનુ શર્મા દહેરાદૂનના ઘરની બહાર રમતો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ તેને બેહોશીની દવા આપવામાં આવી હતી. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે રાજસ્થાનના કોઈ દુર્ગમસ્થળે આવેલા ગામડામાં પહોંચી ગયો હતો. જેણે અપહરણ કર્યું હતું તેમણે બાળકને ઘેેટાં-બકરા ચરાવવાનું કામ સોંપીને વેઠિયો બાળમજૂર જ બનાવી દીધો હતો. આનાકાની કરે તો તેની ઉપર પાશવી અત્યાચાર ગુજારવામાં આવતો હતો. સાવ ખોબા જેવડા ગામડામાં તેની ઉપર કડક જાપ્તો રાખવામાં આવતો હતો  એટલે મોનુએ નાસી છૂટવાના કેટલીય વાર પ્રયાસ કર્યા પણ સફળ ન થયો. આમને આમ ૧૬ વર્ષ વીતી ગયાં. એક દિવસ દહેરાદૂન બાજુથી ટ્રકમાં ઘેંટા-બકરા ભરીને એક ટ્રક ડ્રાઈવર રાજસ્થાનના ગામડામાં  આવ્યો. મોનુએ તેને પોતાની આપવીતી સુણાવી અને કહ્યું કે તેનો પરિવાર દહેરાદૂનમાં રહે છે, ત્યાં પહોંચાડો તો જીવનભર ઉપકાર નહીં ભૂલું. મોનુની દર્દનાક કહાણી સાંભળી હચમચી ગયેલા ટ્રક-ડ્રાઈવરે સિફતપૂર્વક એને ટ્રકમાં કોથળા નીચે સંતાડી દીધોે અને ટ્રક દિલ્હીની દિશામાં મારી મૂકી. દિલ્હી પહોંચી ડ્રાઈવરે મોનુને ટિકિટ કઢાવી દહેરાદૂન જતી ટ્રેનમાં બેસાડી દીધો અને દહેરાદૂન પહોંચી કેવી રીતે પોલીસનો સંપર્ક કરવો એ પણ એક કાગળમાં લખી દીધું. દહેરાદૂન પહોંચી મોનુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને આપવીતી સંભળાવી. દહેરાદૂનના ઉચ્ચ પોલીસ અધિકારીએ મોનુનો ફોટો મીડિયામાં સરકયુલેટ કર્યો. તરત જ મોનુની માતા આશા શર્મા પોલીસ સ્ટેશને પહોંચી ગઈ અને પોતાના ગુમાયેલા પુત્રને ઓળખી કાઢયો. દોઢ દાયકા બાદ માતા-પુત્રના પુનર્મિલની આ ક્ષણે પોલીસોની આંખોના ખૂણા પણ ભીના થઈ ગયા હશે. આ પુનર્મિલનની ઘટનામાં ખરેખર નિસ્વાર્થ ટ્રક ડ્રાઈવર દેવદૂત બન્યો, જેણે કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વિના યુવાનને ઘરે પહોંચાડયો.

પંચ-વાણી

પરણ્યા પછી સ્ત્રી-પુરૂષને ઘડીભરની પણ નવરાશ મળે છે?

છતાં મરાઠી ભાષામાં વરને માટે નવરા અને વહુને માટે નવરી શબ્દ કેમ વપરાતો હશે?


Google NewsGoogle News