કૃત્રિમ હિમસ્ખલનથી શત્રુનો નાશ .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
અત્યારે તો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં દેશ-વિદેશના હજારો ટુરિસ્ટો હિમવર્ષાની મજા માણવા પહોંચી જાય છે, પરંતુ પહાડો ઉપર જામેલા બરફના થરની આડમાં છુપાઈ આતંકવાદીઓ ખાનાખરાબી કરવા ટાંપીને બેઠા હોય તો તેનો ખાતમો બોલાવવા 'એઁટેક્સ' નામનું અમોધ શસ્ત્ર વિકસાવવામાં આવ્યું છે. આતંકવાદી છુપાયા હોય તેનું નિશાન સાધી લોન્ચરમાંથી 'એટકેસ' છોડવામાં આવતાની સાથે જ તે ધડાકાભેર કૃત્રિમ હિમસ્ખલન કરે છે અને દુશ્મનને બચાવનો મોકો પણ નથી મળતો. આ એટેક્સ જ્યાં હિટ થઈને ફાટે છે એટલા ભાગમાં પ્રચંડ ગરમી પેદા થાય છે અને પલકવારમાં બરફ ઓગાળી નાખતા ઉપરના ભાગમાં જામેલો બરફ પણ નીચેની તરફ ધસી પડે છે અને શત્રુ આ બરફની કબરમાં જ દફન થઈ જાય છે. ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) તરફ આ અમોધ શસ્ત્ર વિકસાવવામાં આવ્યું છે. શબગૃહમાં મૃતદેહો બરફમાં રાખવામાં આવે છે, જ્યારે આ એટેક્સ શસ્ત્ર જીવતા દુશ્મનને બરફમાં દાટી મૃતદેહમાં ફેરવી નાખશે.
પ્લેનમાં પણ ચાઈ
બોલો ભાઈ ચાઈ...
ચાઈ બોલો ભાઈ ચાઈ... ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ડબામાં ચા વેચવાવાળા ફરતા હોય છે. ઉપરાંત સ્ટેશને-સ્ટેશને કિટલીઓ અને કાગળના કપ સાથે ચાવાળા મુસાફરોની ચાની તલપ શમાવવા હાજર જ હોય છે, પરંતુ જમીનથી હજારો ફૂટની ઊંચાઈએ ઉડતા પ્લેનમાં કોઈ માણસ કિટલી લઈને પેસેન્જરોને ચા આપતો હોય એ દ્રશ્ય જોઈને પહેલાં તો આપણી આંખો પર વિશ્વાસ ન બેસે.
અપટુડેટ એરહોસ્ટેસોન્ બદલે અ ચાવાળો ક્યાંથી પ્લેનમાં ફૂટી નીકળ્યો? એવો સવાલ થાય... પરંતુ સોશિયલ મિડીયામાં આ ચાવાળાની વીડિયો ક્લિપ ગજબની વાઈરલ થઈ હતી.
તપાસ કરતા ખબર પડી કે એ જુવાન રાજસ્થાનનો છે અને સોશિયલ મિડીયામાં તે ઈન્ડિયન ચાયવાલા તરીકે જાણીતો છે.
હવે ચાય પે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ કડક મીઠી ચા વેચતા રંગીલા રાજસ્થાનીને પ્લેનની અંદર ચા વેંચવાની પરવાનહી કોણે આપી? જો કે ચા વેૈચતા વેચતા નમોજી સહુથી ઊંચા આસને પહોંચી ગયા તો જમીન પર ચા વેંચનારો જુવાન આસમાનમાં પહોંચી જાય એમાં શું નવાઈ? આ દ્રશ્ય જોઈ કહેવું પડે કે-
ભલે વેંચતો હોય ચાઈ
પણ જો ઈરાદામાં હોય સચ્ચાઈ
તો ઈ જણ આંબે છે ઉંચાઈ.
ઘાસ ચાવો ચુપચાપ
પ્રાયશ્ચિત થાય આપોઆપ
રાજકારણમાં મોકાપરસ્ત નેતાઓ ભાઈચારો વધારો... ભાઈચારો વધારો એવું રટણ કરીને પછી વખત આવ્યે ભાઈ ને જ ચારો ખવડાવી દેવામાં પાછા નથી પડતા. બિહારમાં તો કરોડોના ઘાસચારા કૌભાંડમાં સંડોવાઈને ચારાસમ્રાટે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો એ કોણ ભૂલી શકે?
પશુનો ચારો ઓહિયા કરવાની ચારાસમ્રાટને સજા મળી હતી. પણ ગુનાનું પ્રાયશ્ચિત કરવા અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઘાસ ચાવવાની વિચિત્ર પરંપરા હિમાલચ પ્રદેશના કૂલુ જિલ્લાના ગિરીવાસીઓમાં છે. સેંજ, બંજાર, ગુણૈશી, ગડસા અને ભુંતરના પહાડી ગામોમાં વસતા એક સમાજના લોકોમાં સદીઓથી ઘાસ ચાવવાની પરંપરા ચાલી આવે છે.
પાપનું પ્રાયશ્ચિત કરવા, ભગવાનની માફી માગવા અને પાપમાંથી મુક્તિ મેળવવા ભોળા ગ્રામજનો દેવતાની મૂર્તિ સામે ઊભા રહીને સૂક્કું ઘાસ ચાવીને ક્ષમાયાચના કરે છે. આ અનોખી પરંપરા જાણીને કહેવાનું મન થાય કે-
ઘાસ ચાવી જવાનું પાપ કરી
કોઈ જાય જેલમાં,
જ્યારે પાપમાંથી છૂટવા કોઈ ઘાસ
ચાવી રહે ગેલમાં.
ફોનદાન શ્રેષ્ઠદાન?
મંદિરોમાં રાખેલી દાનપેટીઓમાં રોકડ રકમ, સોના-ચાંદીના સિક્કા અને નાની નાની કિંમતી ધાતુની મૂર્તિઓ સુદ્ધાં પધરાવવામાં આનતી હોય છો. આ તો સ્વેચ્છાએ કરેલું દાન કહેવાય. પણ તામિલનાડુના થિરૂપુરૂર ખાતે આવેલા એક મંદિરમાં દાનપેટીમાં રોકડ રકમ નાખવા માટે વાંકો વળ્યો એ વખતે શર્ટના ઉપલા ખિસ્સામાં રાખેલો મોંઘો આફોન દાનપેટીમાં પડી ગયો હતો.
ભક્તને તો જાણે ધરમ કરવા જતા ધાડ પડી એવો ઘાટ થયો. ભક્તજને મંદિર પ્રશાસનને કહ્યું કે મારો કોસ્ટલી આઈફોન પાછો આપો ત્યારે મંદિરના વ્યવસ્થાપકોએ કહ્યું કે જે ચીજ દાનપેટીમાં આવી એ દેવને ચડી કહેવાય, એ પાછી ન મળે. આ ચીજ ભગવાનની થઇ કહેવાય.
ઈશ્વરની જ ઈચ્છાથી આવું થયું હશે. આ દાનપેટી મહિનામાં બે જ વખત ખોલવામાં આવે છે, એટલે મંદિર પ્રશાસને ભક્તને કહ્યું કે તમારે આઈફોનમાંથી જે ડેટા જોઈતો હોય એ લઈ જાવ, બાકી ફોન નહીં મળે. આઈફોન પાછો મેળવવા માટે ભક્તજને મહાપ્રયાસ કર્યો છતાં સફળતા ન મળી.
આવી જ ઘટના કેરળના એક મંદિરમાં બની હતી. એક મહિલા ભગવાનને તુલસીની માળા ચડાવવા ગઈ ત્યારે ગળામાંથી સોનાની ચેન સરકીને દાનપેટીમાં પડી ગઈ હતી. સીસીટીવી કેમેરામાં આ વાતની પુષ્ટિ થયા પછી મંદિરના અધ્યક્ષે સ્વખર્ચે મહિલાને એ જ કિંમતની નવી સોનાની ચેઈન આપી હતી. અનિચ્છાએ અને અજાણતા ફોનદાન કરી બેઠેલા ભક્તને મંદિરવાળા આ રીતે નવો આઈફોન ન આપી શકે? આ ભક્તની હાલત જોઈને કહેવું પડે કે-
રક્તદાન, ચક્ષુદાન, અન્નદાન
સબ શ્રેષ્ઠદાન
પર મૈંને તો માન ન માન
કિયા કૈસા ફોનદાન.
અલાહાબાદ એક દિવસ માટે
ભારતની રાજધાની
સ્વતંત્ર ભારતની રાજધાની દિલ્હી છે, દિલ્હી દેશનું દિલ છે એટલે જૂની હિન્દી ફિલ્મનું ટાઈટલ જોડી શકાય- 'દિલ હી તો હૈ...' પરંતુ અત્યારે જ્યાં મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન થયું છે એ પ્રયાગરાજ એટલે કે અલાહાબાદને પરતંત્ર ભારતમાં માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બનાવવામાં આવી હતી એ ઘણાને ખબર નહીં હોય. ઈતિહાસની તવારીખ પર નજર ફેરવતા જાણવા મળે છે કે ૧ નવેમ્બર ૧૮૫૮માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ અલાહાબાદમાં શાહી દરબારનું ભવ્ય આયોજન કર્યું હતું. આ દરબારમાં રાણી વિક્ટોરિયાના ઘોષણાપત્રને જાહેર કરવામાં આવ્યા બાદ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બ્રિટીશ રાજાશાહીને ભારતની કમાન સોંપી દીધી હતી એ વખતે દિલ્હી, મેરઠ અને આગ્રામાં બળવાની આગ ભભૂકતી હતી એટલે શાહી દરબાર માટે અંગ્રેજોએ અલાહાબાદ પર પસંદગી ઉતારી હતી અને એક દિવસ માટે અલાહાબાદને ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.
પંચ-વાણી
સઃ કોઈ વાહનો ઊભાં ન રાખે માટે નો-પાર્કિંગનાં બોર્ડ લગાડવામાં આવે છે, તો ભસતા કૂતરાને રોકવા બોર્ડ ઉપર શું લખવું જોઈએ?
જઃ નો-બાર્કિંગ.