ટ્રમ્પેશ્વર મંદિરમાં ઘંટારવ ગાજે .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર ચૂંટાયા અને આમ ટ્રમ્પનું ટ્રમ્પેટ બીજા વાર ફૂંકાયું ત્યારે તેલંગણાના એક નાના ગામડામાં ખુશાલીની લહેર ફરી વળી હતી, કારણ કે દુનિયાનું એક માત્ર ટ્રમ્પ મંદિર તેલંગણાના જનગાંવ જિલ્લાના કોને ગામમાં છે.
ગામના બુસા કૃષ્ણા નામના એક અઠંગ ટ્રમ્પ ભક્તે ૨૦૧૯માં આ મંદિર બાંધ્યું હતું જેમાં 'ટ્રમ્પેશ્વર'ની છ ફૂટની મૂર્તિ સ્થાપી હતી. આ ટ્રમ્પ પ્રેમીનું નામ જ ટ્રમ્પ કૃષ્ણા પડી ગયું હતું. ટ્રમ્પ કૃષ્ણા મૂર્તિનો દૂધથી અભિષેક કરતો અને નિયમિત પૂજા પણ કરતો હતો. ભારતીય લોકો અમેરિકનોને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવવા તેણે ટ્રમ્પેશ્વરનું ટેમ્પલ બાંધ્યું હતું. કમભાગ્યે એક વર્ષ પછી એટલે કે ૨૦૨૦ની સાલમાં ૩૩ વર્ષની ઉંમરે બુસા કૃષ્ણાનું હાર્ટએટેકથી અવસાન થયું હતું ત્યાર પછી ખાસ કોઈ મંદિરની સંભાળ નહોતું લેતું એટલે બાવાઝાળા બાઝી ગયા હતા અને ધૂળના થર જામ્યા હતા, પરંતુ ટ્રમ્પના ઝળહળતા વિજયના સમાચાર મળતાંની સાથે જ ગ્રામજનોએ મંદિરની સાફ સફાઈ કરી હતી અને મૂર્તિને પણ નવો ઓપ આપી દીધો હતો. ટ્રમ્પ-ભક્તિ જોઈને કહેવું પડે કેઃ
યુએસના ભારતીયો મનોમન
હરખાય છે,
કે ટ્રમ્પેશ્વર એક મંદિરમાં
પૂજાય છે.
કાર, અહંકાર
અને પડ-કાર
ઘણા છીછરા માણસો પોતાની કાર લઈને રસ્તા પર નીકળે ત્યારે એમનો અહંકાર ઉભરાતો હોય છે. આવાને જોઈને કહેવાનું મન થાય કે અહંકારની કાર ન હંકાર, ક્યાંક અથડાઈ જઈશ તો મુશ્કેલીનો નહીં રહે પાર. જ્યારે બીજી તરફ કોઈ વીરલા મળી આવે જેને ફોર-વ્હીલરમાં ફરવાનું મન હોય, પણ પાસે પૈસા ન હોય તો શું કરે? આઝમઢના એક મોટર મેકેનિકને પણ પોતાની જીપમાં ઘરઘરાટી બોલાવી ફરવાની અદમ્ય ઈચ્છા ઊછાળા માર્યા કરે, પણ ખરીદે ક્યાંથી? તેણે જાણે પોતાની જાતને જ પડકાર ફેંક્યો કે તું જાતે જ બનાવી નાખ જીપ.
બસ, પોતે જ પોતાનો પડકાર ઝીલી કામે લાગી ગયો. ગમે તેમ કરી પૈસા ભેગા કર્યા અને બચતની મૂડી પણ વાપરી. આઠ મહિનાની કડી મહેનત બાદ બેટરીથી દોડતી અફલાતૂન ઈ-જીપ તૈયાર કરી નાખી. આ જીપમાં મોટર અને કન્ટ્રોલર ઈ-રિક્ષાના વાપર્યા અને બેટરી ફિટ કરી દીધી.
વધુ ભાર વહન કરે માટે ગિયર સિસ્ટમ પણ ફિટ કરી દીધી. એક વાર ઈ-જીપ ચાર્જ કર્યા પછી એકધારી ૧૦૦ કિલોમીટર સુધી દોડાવી શકાય છે, ચાર જણ આરામથી આ ઈ-જીપમાં પ્રવાસ કરી શકે. ૪૦ કિલોમીટરની ઝડપે દોડતી આ જીપને જોવા ગામડાના લોકો રસ્તામાં ઊભા રહી જાય છે. શરૂઆતમાં કાર અને અહં-કારની વાત કરીને? હવે આ મૌર્યની આવડત અને મહેનત જોઈને કહેવું પડે કેઃ
અહં-કાર ઊંધી વાળે ગાડી
પડ-કાર સડસડાટ દોડાવે ગાડી.
દિલ્હી રાજધાની અને ચાટધાની
ચટાકેદાર, મસાલેદાર અન ે ખટ્ટમીઠ્ઠી ચાટનું નામ સાંભળતાની સાથે જ સહુના મોંઢામાં પાણી છૂટે. કોઈ ચોખલિયા કે વધુ પડતા હેલ્થ-કોન્શિયસ લોકો ખાઉ-ગલ્લીઓમાં ઊભા રહીને ચાટ ખાતા લોકોને જોઈને ક્યારેક કહેતા હોય છે કે બહારનું ખાઈને માંદા પડશો, પેટમાં આ ચાટનો કચરો ઠાલવો છો તે દુખાવો ઉપડશે, ધ્યાન રાખજો.
પણ ઘણાને ખબર નહીં હોય કે ચાટની શોધ પેટની બીમારી મટાડવાના ઉપાય રૂપે થઈ હતી. આ ચાટનો સંબંધ મુઘલ કાળ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ૧૬મી સદીમાં મુઘલ બાદશાહ શાહજહાએ એમની ફોજ સાથે દિલ્હી નજીક યમુના નદીને કિનારે ડેરા તંબુ તાણ્યા ત્યારે ખરી ઉપાધી થઈ. નદીના દૂષિત પાણીને લીધે કોલેરા જેવી (હૈજા) બીમારી લાગુ પડી. સૈનિકો તોબા પોકારી ઉઠયા. એ વખતે ખૂબ જાણકાર વૈદરાજને શાહજહાંએ બોલાવ્યા અને આ બીમારીનો ઈલાજ કરવા કહ્યું. વૈદરાજે કહ્યું કે દૂષિત પાણીને લીધે હૈજાની બીમારી લાગુ પડી છે. ત્યાર પછી વૈદરાજે ખાટ્ટી આમલી, જડીબુટ્ટીઓ, જુદી જુદી જાતના મસાલા, કોથમીર અને ફુદીનાનું મિશ્રણ કરી ખટમીઠું ચાટણ તૈયાર કર્યું અને શાહજહાં અને તેમનાં સૈનિકોને આપ્યું. આ ખૂબ જ સ્વાદિષ્ટ ચાટણ પાત્રમાં લઈ ચાટી ચાટીને સહુ ખાવા માંડયા. આને લીધે પેટમાં ઈન્ફેકશનમાં ઘણી રાહત મળી. પછી તો આયુર્વેદિક ચાટણે સ્વાદિષ્ટ વાનગીનું સ્વરૂપ ધારણ કર્યું અને લોકો હોંશે હોંશે ચાટનો ચટપટો સ્વાદ માણવા માંડયા. આમ દિલ્હી દેશની રાજધાની છે એની પાસે જ ચાટનો જન્મ દિલ્હી નજીક થયો એટલે તેને ચાટધાની પણ કહી શકાયને?
પરમ પાડા પ્રેમીને સલામ
ઘણી વાર પ્રાણી પ્રેમીઓ પાળેલા શ્વાન કે બિલાડીનો બર્થ-ડે ઊજવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સુનગઢ-માફી ગામે ઈસરાર નામના પરમ પાડા પ્રેમી યુવકે પોતાના પ્યારા પાડાનો જન્મદિન ધામધૂમથી ઉજવ્યો હતો. રેસ માટે તાજામાજા બનાવી તૈયાર કરવામાં આવેલા શેરા નામના આ પાડાશ્રીના બર્થ-ડે માટે ઈસરારે દોસ્તો અને સગાવ્હાલાને ખાસ નોતર્યા હતા. વરરાજાની જેમ શણગારવામાં આવેલા પાડારાજાની બર્થ-ડે કેક કાપવામાં આવી ત્યારે સહુ એકી અવાજે ગાવા માંડયા હતા હેપ્પી બર્થ ડે ટુ શેરા... જવાબ નહીં તેરા...ત્યાર પછી સહુએ ડી.જે. મ્યુઝિક પર નાચીને પાડાના જન્મદિનનો જશ્ન મનાવ્યો હતો. યમરાજાના વાહન ગાતા પાડાને આવું માનપાન આપે એ ખરા પાડાપ્રેમી કહેવાય. બાકી તો હળવાશથી એવું કહેવાતું હોય છે કે સુખી થવું હોય તો ત્રણથી બચીને રહેવું - એક તો શહેરમાં ઘરના વધતા ભાડાથી, રસ્તા પરના ખાડાથી અને યમરાજાના અન-બ્રેકેબલ (બ્રેક વગરના) પાડાથી.
કમલાના પરાજયથી એક જ ગામડાના લોકોને આઘાત
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારત વિરોધી અને ભારતીય મૂળનાં હોવાનો લેશમાત્ર ગર્વ ન અનુભવતાં કમલા હેરીસના પરાજયથી દેશમાં એક ગામડાના લોકો સિવાય ભાગ્યે જ કોઈને અફસોસ થયો હશે. કમલા હેરીસના બાપદાદાના ગામ થુલસેન્દ્રપુરમમાં ગ્રામજનોએ 'ધરતીપુત્રી'ના વિજય માટે મંદિરમાં પ્રાર્થના કરી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના ઝળહળતા વિજયને કારણે તામિલનાડુના આ ખોબા જેવડા ગામડાના લોકોને ભારે આઘાત લાગ્યો હતો, પણ પછી તમાચો મારીને ગાલ લાલ રાખતાં કહ્યું હતું કે અમેરિકા જેવી મહાસત્તાના પ્રમુખ બનવા માટેની લડાઈમાં ઉતરવું એ પણ નાનીસૂની વાત ન ગણાય, આ વખતે ભલે ન જીત્યાં આવતા વખતે જરૂર જીતશે... પરંતુ સોશ્યલ મિડિયા પર તો પરિણામને દિવસે શબ્દરમત કરતા સંદેશ ફરવા માંડયા હતાં કે કમલા... (તું) હારીશ!
બીજી તરફ આંધ્રપ્રદેશમાં ચૂંટણી પરિણામ પછી આનંદ છવાઈ ગયો હતો, કારણ કે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલાં જે.ડી.વાન્સના ધર્મપત્ની ઉષા વાન્સ આંધ પ્રદેશનાં છે. ઉષાનાં ૯૬ વર્ષના દાદી અને યુનિવર્સિટીના માનદ્ પ્રોફેસર ચિલ્લુકુરી સંથમ્માએ હરખના સૂરમાં જણાવ્યું હતું કે વિજયાલક્ષ્મી પંડિત અને ઈન્દિરા ગાંધીએ દેશનું નામ રોશન કર્યું હતું એમ મારી પૌત્રી પણ અમેરિકાની ધરતી પર ભારતનું ગૌરવ વધારશે.
પંચ-વાણી
માંદા પાડે મચ્છરનો ચટકો
પ્રેમમાં પાડે પ્રેમિકાનો લટકો.