Get The App

વપરાયેલા તેલના ઈંધણથી ઉડશે વિમાન અને દોડશે ગાડી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
વપરાયેલા તેલના ઈંધણથી ઉડશે વિમાન અને દોડશે ગાડી 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

વડા- પાવની લારી ઉપર તેલમાં ગરમાગરમ વડા તળાય છે, હવે એજ વપરાયેલા એટલે કે દાઝિયા તેલમાંથી તૈયાર થવા માંડેલા ઈંધણથી વિમાન ઉડશે અને વાહનો દોડશે. મહારાષ્ટ્રના કોંકણના એક ભેજાબાજ યુવાનને વિચાર આવ્યો કે વડા- પાવની લારીવાળા કે હોટેલ- રેસ્ટોરાંવાળા વપરાયેલું તેલ ફરી ફરી ઉપયોગમાં લે તેને બદલે એ તેલમાંથી ઈંધણ બનાવ્યું હોય તો કેટલો ફાયદો થાય? લોકોના આરોગ્ય સામે જોખમ ન રહે અને ઈંધણની કટોકટી નિવારવામાં થોડે ઘણે અંશે મદદરૂપ થઈ શકાય. ઉમેશ વાઘધરે નામના યુવાને દાઝિયા તેલ ઉપર પ્રક્રિયા કરવા માટે કેટલાય પ્રયોગો કર્યા, દિવસ- રાત મહેનત કરી બાયોડિઝલ બનાવ્યું. આ પ્રયોગ સફળ થતા ઉમેશના બાયો- એનર્જી એકમ તરફથી મુંબઈમાં દસ હજારથી વધુ હોટેલ, ભોજનાલય અને ફૂડસ્ટોલમાંથી ૨૫ હજાર કિલો વપરાયેલું તેલ એકઠું કરવામાં આવે છે. ત્યારબાદ આ તેલ ઉપર  પ્રક્રિયા કરીને વર્યાવરણને અનુકૂળ ઈંધણ તૈયાર કરવામાં આવે છે. આ અવનવી શોધ જોઈને કહેવું પડે કેઃ

તેલ જુઓ તેલની

ધાર જુઓ

અને એમાંથી બનતું

ઈંધણ વારંવાર જુઓ

બોર્ડની પરીક્ષામાં એક જ વિદ્યાર્થિની

બોર્ડની પરીક્ષા હોય ત્યારે પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની ભીડ ઉમટતી હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના અશોક નગર જિલ્લા મુખ્યાલયમાં સૌથી મોટા પરીક્ષા કેન્દ્રના એક ખંડમાં અજબ દ્રશ્ય જોવા મળ્યું. માત્ર એક જ વિદ્યાર્થિની પેપર લખતી હતી અને તેની તહેનાતમાં આઠ કર્મચારીની ડયુટી લગાડવામાં આવી હતી. આમ તો આ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીની કુલ સંખ્યા ૮૫૮ની હતી. પરંતુ સંસ્કૃતનો વિષય એક જ વિદ્યાર્થિનીએ લીધો હોવાથી તેણે એકલીએ પરીક્ષા આપી હતી. આવી જ રીતે મુંગાવલીના સરકારી કન્યા વિદ્યાલયમાં પણ આવું જ દ્રશ્ય નજરે પડયું હતું. ત્યાં પણ એક જ  વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત વિષયની પરીક્ષા માટે ૨૦ કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં માત્ર બે વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. દેવવાણી સંસ્કૃતના અભ્યાસને ઉત્તેજન આપવા માટે ઘણાં પ્રયાસ કરવામાં આવે છે છતાં આ પરિસ્થિતિ છે. બીજી તરફ દક્ષિણમાં એક ગામ છે જ્યાં નાનાથી લઈને મોટા બધાજ સંસ્કૃતમાં વાતચીત કરે છે. ગુજરાતમાં તો સંસ્કૃત અખબાર પણ બહાર પાડવામાં આવે છે.

દારૂ પીધો હશે તો બાઈક સ્ટાર્ટ નહીં થાય

દારૂના નશામાં બાઈક કે કાર દોડાવવાનું જોખમ લઈને ઘણાં અકસ્માત નોતરે છે. કોઈક ખુદ જીવ ગુમાવે છે તો કોઈ બીજાનો ભોગ લે છે. કાર કરતાં પણ પીધેલી હાલતમાં બાઈક ચલાવવી એ અનેકગણું વધુ જોખમી છે. જરાક બેલેન્સ ગયું કે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો કે અથડામણ થાય કે અથવા બાઈકસવાર નીચે પટકાય  છે. આ જોખમી સ્થિતિ નિવારવા માટે પ્રયાગરાજની એમ.એન.એન.આઈ.ટી. ઈજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ એક એવી ઈલેકટ્રિક બાઈક બનાવી છે જે બાઈકસવારે જો દારૂ પીધો હોય તો સ્ટાર્ટ જ નથી થતી. આ ઈલેકટ્રિક બાઈકમાં આલ્કોહલ ડિટેકશનની જોગવાઈ છે, એટલે શરાબની વાસ આવે તો બાઈક સ્ટાર્ટ નથી થતી. સ્મોક ડિટેકશન ફિચર્સ પણ છે એટલે મોટર- સાઈકલમાંથી ધૂમાડો નીકળે તો તરત જ સંકેત આપે છે. આ ઉપરાંત બાઈકને અકસ્માત નડે તો બાઈકની અંદર ફિડ કરવામાં આવેલા ફોન નંબર ઉપર તત્કાળ એલર્ટ મેસેજ પહોંચી જાય છે. શરાબની વાસને લીધે સ્ટાર્ટ ન થાય એવી બાઈક અને કાર આવવા માંડશે પછી ટ્રાફિક પોલીસે થર્ટી- ફર્લ્ટ નાઈટની ઉજવણી વખતે આલ્કોહોલ મીટર કે બ્રેધ- એનેલાઈઝર મશીનો લઈને જંકશનો પર કે મોટી મોટી હોટેલોની બહાર ઉભા રહેવું નહીં પડે કે પછી વાહન- ચાલકોના ગંધાતા મોઢા સુંઘવાની 'ડર્ટી- ડયુટી' બજાવવી નહીં પડે.

બર્થ-ડેમાં કેકને બદલે કાપ્યો હસબંડનો હાથ

બર્થ-ડેની પાર્ટીમાં બાર.... બાર દિન યે આયે.... ગીતના ગુંજતા સ્વર અને તાળીઓના ગડગડાટ વચ્ચે ખાસ નાઈફથી કેક કાપવામાં આવે છે. પરંતુ બેંગ્લોરમાં એક વિફરેલી મહિલાએ પોતાના બર્થ-ડેના દિવસે છરીથી કેકને બદલે હસબંડનો હાથ કાપી લોહીલુહાણ કરી નાખ્યો હતો. બન્યું એવું કે હસબંડના દાદા આગલે દિવસે જ ગુજરી ગયા હોવાથી મરણોત્તર વિધિ પતાવવામાં તેને પત્નીનો બર્થ-ડે છે એ યાદ ન રહ્યું. એટલે સાહજિક રીતે કોઈ ગીફટ ન લાવ્યો. એટલે તેની વાઈફ એટલી હદે ખીજાણી કે પતિ થાકીને સૂઈ ગયા પછી ધારદાર છરીથી તેના હાથ પર હુમલો કર્યો. હાથમાંથી લોહીનો જાણે ફુવારો ઉડયો. વિફરેલી વાઈફ બીજો વાર કરે એ પહેલાં સાવધ બની ગયેલા પતિએ તેને આઘી હડસેલી દીધી. મામલો પોલીસમાં ગયો. છતાં પતિની ખાનદાની તો જુઓ? તેણે કોઈ કેસ ન નોંધવાની વિનંતી કરતા પોલીસ અધિકારીને કહ્યું કે વાઈફ ઊંડી ચિંતાને લીધે માનસિક તાણ અનુભવતી હોવાથી તેણે આ હુમલો કર્યો લાગે છે. એટલે એને કાઉન્સિલિંગની જરૂર છે. આ કિસ્સો જાણી કહેવું જ પડે કેઃ

વિફરેલી વાઈફ

ધારદાર નાઈફથી

કેકને બદલે કાપે હળીનો હાથ

છતાં પતિ ન છોડે સાથ.

આ વળી કઈ વાડીનો 

મૂળો છે?

કોઈ માણસ ખોટી દાદાગીરી કરતો હોય કે મોટી ડિંગ હાંકતો હોય ત્યારે કાઠિયાવાડીમાં એવું કહેવાય છે કે ઈ વળી કઈ વાડીનો મૂળો છે? હિન્દીમાં કહે છે કે વો કિસ ખેત કી મૂલી હૈ? પરંતુ બિહારના એક ખેડૂતે ૧૧થી ૧૫ કિલો વજનના જમ્બો મૂળા ઉગાડવા માંડયા છે. એટલે દાદાગીરીથી કહે છે કે યે મેરે ખેત કી મૂલી હૈ. બિહારમાં ભરતપુરાના રૂદાવલ ગામના  હરિરામ શર્મા નામના ખેડૂતે હાઈબ્રિડ બીજનો ઉપયોગ કરીને જંગી કદના મૂળા ઉગાડવાની શરૂઆત કરી છે. 

એક મૂળો ખેતરમાંથી ઉખેડવા અને ઉપાડવા માટે બે માણસની જરૂર પડે બોલો. આ મૂળા કચુંબર અને પરાઠા બનાવવા માટે ઉત્તમ છે. મૂળા ખૂબ જ પૌષ્ટિક હોય છે. મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન અને ફોસ્ફરસ તેમજ ફાઈબર હોય છે. પાંદડા ખાવાથી ઈમ્યુનિટી વધે છે, હેમોગ્લોબીન વધારે છે અને કબજિયાત દૂર કરે છે. ઉપરાંત વિટામીન- સી પણ હોય છે. હાર્ટને તંદુરસ્ત રાખવા અને હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે મૂળા ઔષધની ગરજ સારે છે. એટલે જ કહેવું પડે કેઃ

દિલ સે ખાવ મૂલી

અને બીમારીને જાવ ભૂલી

પંચ-વાણી

સઃ કયા ત્રણ ઝટ પીછો ન છોડે?

જઃ શરદી, દરદી, વરદી.


Google NewsGoogle News