સારે ગમ કા કારણ ચ્યુઈંગમ .

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
સારે ગમ કા કારણ ચ્યુઈંગમ                                    . 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ક્રિકેટ મેચમાં રમતા ખેલાડીઓ, કોલેજીયનો, ફિલ્મસ્ટારો અને ફેશન મોડેલો સહિત આધુનિકતાના રંગે રંગાયેલા, ના, રગદોળાયેલા બધા જ મોટે ભાગે ચ્યુઈંગમ ચાવતા જોવા મળે છે. એમાં પણ બબલગમ ચાવવાવાળા તો વચ્ચે વચ્ચે મોઢેથી ફુગ્ગા પણ ફૂલાવતા હોય છે. પરંતુ આ ચ્યુઈંગમ ચાવનારાઓ ક્યારેય વિચારતા હશે કે ચાવીને ચૂથ્થો થઈ ગયેલી ચ્યુઈંગમ થૂંકી નાખવામાં આવ્યા પછી પેઢી દર પેઢી એ જ દશામાં  રહે છે? એટલે જ  ચ્યુઈંગગમની ગણના સિગારેટના બડસ પછી પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરનારી ચીજ ગણવામાં આવે છે. 

તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિને  ચ્યુઈંગગમની બેહદ હાનિકારક અસર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.  સિન્થેટીક ગમમાંથી બનતી ચ્યુઇંગમ બાયોડિગ્રેડેબલ નથી હોતી, એટલે તે નાશ નથી પામ તી અને માટીમાં ભળી પણ નથી જતી. દર વર્ષે દુનિયામાં લોકો લગભગ એક લાખ ટન ચ્યુઈંગમ ચાવી જાય છે, બોલો! પ્રાચીનકાળમાં લોકો વૃક્ષોની છાલ ચાવતા હતા. ત્યાક પછી છેલ્લા લગભગ દોઢસો વર્ષ દરમ્યાન સિન્થેટિક ગમમાંથી ચ્યુઈંગગમ બનવા માંડી. દુનિયામાં પહેલી વાર ૧૯૨૮માં  વોલ્ટર ડાવમરે બબલગમ લોન્ચ કર્યા પછી આ વસ્તુએ લોકોને ઘેલું લગાડયું હતું. ચ્યુઈંગગમની આ ચાહતના પાપે જ દર વર્ષે સેંકડો ટન નોન-બાયોડિગ્રેેડે બલ પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે સિંગાપોર  સહિતના અમુક દેશોએ ચ્યુઈંગમના ઉત્પાદન અને વેચાણ પર અંકુશ મૂકવાની શરૂઆત કરી દીધી છે. ચ્યુઈંગમનની આ ઘાતક અસર જોઈને કુંદનલાલ સાહેગલનું 'શાહજહા' ફિલ્મનું ગીત જરા ફેરવીને ગાવું પડે એવી સ્થિતિ છેઃ 

(ચ્યુઈં) ગમ દિયે મુસ્તકીલ, કિતના નાજુક હૈ દિલ યે ના જાના હાયે... હાયે જાલીમ 'ચબાના' (ઝમાના)...

ચોરી ચોરી  અને કચોરી કચોરી...

રાજ કપૂરની મશહૂર ફિલ્મ 'ચોરી ચોરી'નું નામ કાને પડતાની સાથે જ શંકર-જયકિશનનું લાજવાબ ગીત યાદ આવેઃ આજા સનમ મધુર ચાંદની મેં હમ, તુમ મિલે તો વિરાની મેં ભી આ જાયેગી બહાર... રાજ કપૂર ખાવાપીવાના ગજબના શોખીન. મિની-સૌરાષ્ટ્ર ગણાતા મુંબઈના ઉપનગર ઘાટકોપરમાં ગરમાગરમ ફાફડા-ગાંઠિયાનો ટેસ્ટ માણતા, તો ક્યારેક આર.કે.સ્ટુડિયોના એમના કોટેજમાં દોસ્તો સાથે ઠુંગાપાણી કરતાં કરતાં અસ્સલ રાજસ્થાની ખસ્તા કચોરી પણ ટેસથી ખાતા. પ્રાંત-પ્રાંતમાં આજે વેંચાતી અને વખણાતી જાતજાતની અને ભાતભાતની કચોરીઓ જોઈને સ્વાદશોખીનોના ભેજામાં ક્યારેક સવાલ તળાતો હશે કે કચોરીની શોધ ક્યાં થઈ હશે? 

પાકનિષ્ણાતોના જણાવ્યા મુજબ, સદીઓ પહેલાં કચોરીની શોધ રાજસ્થાનમાં થઈ હોવાનું મનાય છે. કારણ કે આજનું રાજસ્થાન એ વખતે મુખ્ય વ્યાપારી રૂટ પર આવેલું હતું. જમીનમાર્ગે જાતજાતના માલ ઊંટ, ઘોડા, બળદો ઉપર લાદી દેશ દેશાવર વેંચવા નીકળતા સોદાગરોની પોઠો રાજસ્થાનમાંથી પસાર થતી. તેથી મરીમસાલા સહિત અવનવી વાનગીઓમાં વપરાતી ચીજો આસાનીથી મળી રહેતી.  આ ચીજોનો ઉપયોગ કરી, ઉપર લોટનું પડ અને અંદર પુરણ ભરી તેને તળીને કોઈ ફળદ્રુપ ભેજાવાળા રસોઈયાએ કચોરી બનાવી હશે એવું સહેજે અનુમાન થઈ શકે. આજે પણ આખા ભારતમાં રંગીલા રાજસ્થાનની કરકરી, મસાલેદાર અને ટેસ્ટી કચોરી સૌથી વધુ વખણાય છે. 

રાજસ્થાનની ખાસિયત એ છે કે દરેક શહેરમાં ખાસમખાસ જાતની કચોરીઓ ખવૈયાઓ ટેસથી ખાતા હોય છે. પ્યાજ કચોરી ફેમસ છે. ઉપરાંત દાલ કચોરી, મટર કચોરી, ફરાળી કચોરી ગુજરાતીઓ દિવાળીમાં ઘૂઘરા બનાવવા એવી મીઠી-માવા  કચોરી અને મસાલા કચોરી જાણીતી છે. જોકે કોટાની કચોરીએ વર્ષોથી ટોચનું સ્થાન જાળવ્યું છે. આપણે કચોરી કહીએ છીએ તેને હિન્દી ભાષીઓ કચૌરી કે કચૌડી કહે છે. ઉત્તરપ્રદેશમાં ખસ્તા કચૌડીનો સ્વાદ દાઢે વળગે એવો હોય છે. રાજસ્થાનમાં શોધાયેલી કચોરી રાજસ્થાનીઓ વેપાર-ધંધાર્થે જ્યાં જ્યાં  ગયા ત્યાં સાથે લઈ ગયા. પશ્ચિમ બંગાળના કોલકાતાનો દાખલો સામે જ છે. આઝાદી પહેલાંથી કોલકાતામાં લોકો હોંશે હોંશે કચોરી ખાય છે. કોલકાતાની કચોરીએ હિન્દી ફિલ્મ 'અમર-પ્રેમ'માં પણ દેખા દીધી હતી. જરા યાદ કરો પેલું ગીતઃ  યે કયા હુઆ કૈસે હુઆ...ગીત ગાતા ગાતા ઝુમતા રાજેશ ખન્ના બંગાળી-બાબુના અસલ ધોતી કૂર્તાના ડ્રેસમાં પડિયામાં કચોરી લઈને આવતા નજરે પડે છેને?  કચોરી ભલે રાજસ્થાનની વતની ગણાય પણ કોઈ પુસ્તકમાં કચોરીનો પહેલવહેલો ઉલ્લેખ ૧૬૧૩માં બનારસી દાસ નામના લેખકે કરેલો. તેમણે ઈન્દોરમાં કચોરીનો સ્વાદ માણ્યો હતો એવો ઉલ્લેખ છે. હવે તો કચોરી ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ, બાંગલાદેશ સહિત દેશ-વિદેશમાં ખવાય છે. સદીઓથી ખવાતી, ચવાતી અને વખણાતી આ કચોરીની શોહરત જાણીને કહેવાનું મન થાય કે-

લગ્નને માંડવે ચાર ખૂણે

ગોઠવાય ચોરી,

મજેદાર ફિલ્મ જોવાય ચોરી ચોરી

અને દાઢમાં ટેસ્ટ રહી જાય 

એવી ખવાય કચોરી-કચોરી.

હેલ્મેટ વગર કાર

ચલાવનારને હજારનો દંડ

રેસકાર કે ફોર્મ્યુલા-વન કાર પૂરઝડપે દોડાવતા રેસ-ડ્રાઈવરો ખાસ જાતની હેલ્મેટ પહેરતા હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશના ઝાંસી શહેરની સડક ઉપર એક મહાશયને હેલ્મેટ પહેરી કાર હંકારતા જોઈને સહુ તાજ્જુબ થઈ ગયા હતા. બન્યું એવું કે બહાદુર સિંહ નામના શખસ પોતાની લકઝરી કારમાં જતા હતા ત્યારે ઝાંસીની ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરવા બદલ હજાર રૂપિયા દંડનું ચલાન કાપ્યું. બહાદુર સિંહે ટ્રાફિક  પોલીસની વેબસાઈટ પર તપાસ કરી તો એમાં લખ્યું હતું હેલ્મેટ ન પહેરવા બદલ હજાર રૂપિયા દંડ. ટુ-વ્હીલરમાં હેલ્મેટ ફરજિયાત છે ,પણ ફોર-વ્હીલરાં ક્યાં હેલ્મેટ પહેરવાનો કાયદો છે? એટલે આ ભાઈ ટ્રાફિક પોલીસ ખાતાની ઓફિસે ગયા ત્યારે ફરજ પરના અધિકારીએ કહ્યું કે ચૂંટણી પતે પછી આવજો, તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશું. આવો જવાબ મળ્યા બાદ સિંહે નક્કી કર્યું કે હવે હેલ્મેટ પહેરીને કાર ચલાવવામાં જ શાણપણ છે, નહીંતર આ અંધેર કારભાર ચલાવવા વાળા ક્યાંક ફરીથી ચલાન કાપે તો ક્યાં જવું? જો કે આમાં થયું એવું કેહેલ્મેટ પહેરી કાર ચલાવતા આ શખ્સે  ટ્રાફિક ખાતાની પોલ ખોલી નાખી. અધૂરામાં પૂરું,આ હેલ્મેટધારી કાર-ચાલકની વીડિયો પણ વાઈરલ થઈ ગયો એટલે નહોતી ખબર એને પણ ખબર પડી ગઈ કે આ ભાઈસાબ શા માટે હેલ્મેટ પહેરીને મોટર હંકારે છે.

બાલ ખાકે બાલ

બાલ બચ ગઈ

પાન ખાયે સૈયાં હમારો... 'તીસરી કસમ' ફિલ્મમાં નૌટંકીમાં ગવાયેલું મશહૂર ગીત ફેરવીને ગાવું પડે એવો કિસ્સો બન્યો છે. પાન ખાયે...ને બદલે બાલ ખાયે સૈયાં હમાર...ગાવું પડે, કારણ કે ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાની ૨૫ વર્ષની એક યુવતીને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડયો. કેટલીય દવા કરી પણ રાહત નહોતી થતી. આખરે સીટી સ્કેન કરવામાં આવતાં પેટની અંદર વાળનો મોટો ગુચ્છો જોવા મળ્યો હતો. તાત્કાલિક ઓપરેશન કરીને વાળનો ગુચ્છો કાઢી વજન કરવામાં આવતા તેનું અઢી કિલો વજન થયું હતું. આટલા વાળ પેટમાં ગયા કેવી રીતે એમ પૂછતાં ખબર પડી કે બીજી પ્રસૂતિ બાદ તેને વાળ ખાવાની આદત પડી ગઈ હતી. પોતાના જ વાળ નહીં પણ બીજાના માથાના વાળ દાંતિયામાંથી કાઢી કાઢી ટેસથી પેટમાં પધરાવતી. આમ પેટમાં જમા થયેલા અઢી કિલોના ગુચ્છાને કારણે પીડા ઊભી થઈ અને યુવતીના આરોગ્ય સામે ખતરો ઊભો થયો હતો. વાળનો ગુચ્છો ઓપરેશનથી કાઢવામાં આવતા તે બચી ગઈ હતી. નહીંતર કોણ જાણે શું થાત. કોઈ ચમત્કારિક રીતે કે ઘાતમાંથી બચી જાય ત્યારે હિન્દીમાં એવો શબ્દ પ્રયોગ થાય છે કે બાલ બાલ બચ ગયે... જ્યારે આ યુવતીના કિસ્સામાં કહી શકાય કે બાલ ખાકે ભી બાલ બાલ બચ ગઈ.

પંચ-વાણી

ઉધારચંદનો જીવનમંત્રઃ વિના

ઉધાર નહીં ઉધ્ધાર.


Google NewsGoogle News