ભૂખ્યો ચોર ભજિયા તળે .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ઘણાં વર્ષો પહેલાં ગુજરાતના એક સ્વાદપ્રેમી શહેરની કોર્ટના કઠેડામાં ઊભેલા આરોપીએ પડીકું ખોલીને ભજિયા ખાવાની હરકત કરતા સાદી સજા ભોગવવી પડી હતી... પણ કહે છે ને કે સ્વાદની મજા સામે સજાની શું વિસાત હોય? આ તો ગુનો કરીને ઝડપાયેલા આરોપીએ ભજિયા ખાવાની હિંમત કરી હતી, પણ આંધ્ર પ્રદેશના એક શહેરમાં ચોરનો ભજિયા પ્રેમ સીસીટીવી કેમેરામાં ઝડપાયો હતો, બોલો! બન્યું એવું કે આ રીઢો ચોર એક બંધ ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો. ઘરમાં ખાંખાખોળા કરીને રોકડ રકમ, દાગીના અને બીજી કિંમતી ચીજો પોટલીમાં બાંધી. ઘરમાં ત્રણ ગેસ સિલિન્ડર પણ હતાં ,એ પણ ચોરી જવા માટે એક બાજુ મૂક્યાં. ચોરીનાં કામમાં ઘણો સમય ગયો એટલે ચોરના પેટમાં ગલુડિયાં બોલવા લાગ્યા. તેણે ચણાના લોટમાં પાણી નાખ્યું, પછી બટેટાની પતરી કાપી લોટમાં બોળી અને પછી ચુલા પર ઉકળવા માંડેલા તેલમાં તળવા માંડયો. ત્યાર પછી તેણે નીચે બેસીને ટેસથી ભજિયા ખાધા. ભજિયાથી ધરાયેલો આ ભજિયા પ્રેમી પેટ ભર્યા પછી ભાગી છૂટયો હતો. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં ભજિયા તળતા આ ચોરના ફૂટેજ જોઈને જાણે ટીવી પર કોઈ વાનગી શો ચાલતો હોય એવું લાગે. આપણામાં કહેવત છે ને કે ભૂખ્યા ભજન ન હોય. આમ, આ ભૂખ્યો ચોર ભરપેટ ભજિયા ખાઈને પછી ભાગ્યો. કાળી રાત્રે, ચોરીનું કાળું કામ કરીને વળી ભજિયા ખાઈને ભાગેલા આ ચોરને જોઈ કજિયાનું મોં કાળું એ કહેવત ફેરવીને કહેવાનું મન થાય કે ભજિયાનું મોં કાળું.
દરમિયાન થોડા સમય પહેલાં જ દિલ્હી નજીક એક પકોડા ગેંગે દહેશત ફેલાવી હતી. આ ગેંગ બંધ ઘરમાં ખાતર પાડે એ પછી સૌથી પહેલાં પકોડા તળીને ટેસથી ખાતી, એટલું જ નહીં, ફ્રિજમાં જે ખાવાનું પડયું હોય એ પણ સફાચટ કરી જતી. એટલે કહી શકાય કે ચોર પહેલાં હાથ મારે અને પછી ભૂખ મારે.
બાર કલાકમાં જ ફેરા ફરી દુલ્હન ફરાર
ઘડિયાળને કાંટે દોડતી દુનિયામાં લગ્ન પણ ઉતાવળે પતાવી દેવામાં આવે તેને માટે હિન્દીમાં કહેવત છે - ચટ મંગની પટ બ્યાહ. ઝટ ઝટ સગાઈ અને પછી તરત લગ્ન કરી નાખવામાં આવતાં હોય છે. પરંતુ પ્રેમના પ્રતીક અને દુનિયાની અજાયબી ગણાતો તાજમહલ જ્યાં આવેલો છે એ આગ્રા શહેરની એક અજબ ઘટનામાં એક યુવકનાં સવારે લગ્ન નક્કી થયાં હતાં, બપોરે દુલ્હા-દુલ્હન સાત ફેરા ફરીનેે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને સુહાગરાત પહેલાં દુલ્હન મંગળસૂત્ર અને સોનાના દાગીના સાથે રફુચક્કર થઈ ગઈ હતી. આમાં એવું થયું કે પરણવાલાયક યુવકને એક એજન્ટે ૩૫ હજાર રૂપિયા ફી વસૂલ કરી કન્યા સાથે લગ્ન ગોઠવી દીધાં હતાં. સવારે લગ્ન નક્કી થયાં હતાં અને બપોરે ઝટપટ લગ્નની વિધિ પાર પાડવામાં આવી હતી. દુલ્હનને સોનાનું મંગળસૂત્ર અને સોનાની બે વિંટી પહેરાવવામાં આવી હતી. મહેમાનો તરફથી હજી તો ચાંદલો અને અભિનંદન આપવામાં આવતા હતા ત્યાં નવીનવેલી દુલ્હન પોતાની બહેનને દરવાજા સુધી મૂકી આવવાના બહાને ગઈ અને પછી રિક્ષામાં બેસીને ફરાર થઈ ગઈ હતી. તરત જ વરપક્ષવાળાએ ભાગેડુ દુલ્હન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. બાર જ કલાકનાં લગ્નના આ ખેલને જોઈને કહેવું પડે કે-
ભાગેડુ દુલ્હન નાઠી
લઈને માલ,
ત્યારે દુલ્હાના કેવા
થયા હાલ?
ફેરા, ફરાર, ફરિયાદના ચક્કરમાં
જનતા જુએ તાલ...
ટ્રાફિક નિયમના ભંગની ગજબની ભંગ-બહાદુરી
ભંગ કા રંગ જમાવો ચકાચક, ફિર લો પાન ચબાઈ... ઐસા ઝટકા લગે જિયા પે પુનરજનમ હુઈ જાય... 'ડોન' ફિલ્મનું 'ખૈકે પાન બનારસવાલા...' સુપરહિટ ગીત આજે પણ હોળીની ઉજવણી વખતે ધૂમ મચાવે છે. ભાંગને ભંગ કહે છેને? પણ ગુજરાતીમાં ભંગનો અર્થ તોડવું, ભંગ કરવો એવો થાય છે. બેંગ્લોરમાં એક ટુ-વ્હીલરચાલક ટ્રાફિક નિયમના ભંગની ભવાઈ ભજવી હતી. બે-ચાર વખત કોઈ ટ્રાફિક નિયમનો ભંગ કરે તો હજીય સમજી શકાય. પણ આ જંગ બહાદુર નહીં, પણ ભંગ બહાદુર ૩૧૧ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા દંડની રકમનો આંકડો વધતાં વધતાં ૧.૬ લાખ ઉપર પહોંચી ગયો હતો. આ ભંગ બહાદુર દંડ ભરતો જ નહોતો, એટલે ટ્રાફિક પોલીસે તેનું ટુ-વ્હીલર જપ્ત કરી લીધું. આખરે દંડની રકમ ભરીને તેણે ટુ-વ્હીલર છોડાવ્યું. આ દંડની જે રસીદો આપવામાં આવી તેને એકમેક સાથે ચોંટાડવામાંં આવતા લગભગ ૬૦ ફૂટ લાંબી પટ્ટી તૈયાર થઈ હતી, બોલો! ભંગ બહાદુરની કેવી ભંગ-બહાદુરી! પણ આટલી મોટી દંડની રકમ ચૂકવીને એને ઝાટકો તો લાગ્યો જ હશેને! એટલે ભંગ (ભાંગ) પીવે તેને લાગે નશાનો ઝટકો અને ટ્રાફિક નિયમનો 'ભંગ' કરે તેને લાગે આર્થિક ઝટકો.
દારૂની બોટલે લીધો જીવ
શરાબની લત સાજા સારા માણસની હાલત કરી નાખે ત્યારે એ મનોમન કહેતો હશે કે હા-લત છે એમાં જ આ હાલત છે. શરાબની લત માણસને અને તેના પરિવારને ખતમ કરી નાખે છે, એટલે જ એક શરાબીને કોઈ ડાહ્યા માણસે સલાહ આપી કે ભાઈ દારૂ છોડે તો સારૃં, દારૂ તો ધીમું ઝેર છે... શરાબી બોલ્યો, દારૂ ભલેને ધીમું ઝેર હોય, આપણે ક્યાં મરવાની ઉતાવળ છે? જો કે ઉત્તરપ્રદેશના મેરઠમાં શરાબની બોટલે એક યુવાનનો ગણતરીની મિનિટોમાં જ ભોગ લીધો હતો, એવું બન્યું કે લગ્ન પ્રસંગે નાચ-ગાનની ધૂમધામ ચાલુ હતી. સહુ મસ્તીમાં આવીને નાચતા હતા અને ઝૂમતા હતા. બાવીસ વર્ષના એક યુવાને વચ્ચે દારૂના ઘૂંટ મારી લેવા માટે બોટલ પાસે રાખી હતી. અચાનક યુવાનને લાગ્યું કે સામે ઊભેલા કોઈ સંબંધી તેની દારૂની બોટલ જોઈ ગયા લાગે છે. એટલે કાચની એ બોટલ કમરપટ્ટામાં સંતાડીને દીવાલ ઠેકીને ભાગવા ગયો ત્યારે ઊંચેથી પેટભર નીચે પટકાતા બોટલ ફૂટી ગઈ અને તેના ધારદાર કાચથી પેટ ચીરાઈ જતાં તેનું મોત થયું હતું.આમ, દારૂને લીધે મંગળ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
કૂવેથી કાઢયો ધણી
અગાઉના જમાનામાં પતિ કે સાસરિયાના ત્રાસમાંથી છૂટવા કોઈ મહિલા કૂવામાં ઝંપલાવી આપઘાત કરતી ત્યારે લોકોના મુખમાંથી અરેરાટીપૂર્ણ ઉદ્ગાર નીકળતા કે અરેરેર બિચ્ચારીએ કાયમી ત્રાસમાંથી છૂટવા કૂવો પૂર્યો... જોકે તાજેતરમાં જ કેરળની એક અમ્મા કૂવામાં 'પડી' ત્યારે લોકોના મુખમાંથી અરેરાટી નહીં પણ વાહ... વાહ... ઉદ્ગાર સરી પડયા હતા. કારણ, આ મહિલાએ પતિના ત્રાસમાંથી છૂટવા માટે નહીં, પણ કૂવામાં પડી ગયેલા પતિને બચાવવા કૂવામાં ઠેકડો માર્યો હતો. કેરળના અર્નાકુલમમાં ૬૪ વર્ષનો રમેશન નામનો શખસ વેલા પરથી કાળાં મરી તોડતો હતો ત્યારે સીડી ખસી જતાં નજીકમાં આવેલા ઊંડા કૂવામાં પડી ગયો હતો. ધુબાકો સાંભળી ૫૬ વર્ષની પત્ની પદ્મા બહાર દોડી આવી હતી અનેજરા પણ ગભરાયા વિના ૪૦ ફૂટ ઊંડા કૂવામાં દોરડાની મદદથી સડસડાટ ઊતરી ગઈ હતી. પછી ઊંડા પાણીમાં ડબકાં ખાતા પતિને એક હાથે ઊંચકી લીધો હતો અને એમને એમ એને પાણીની સપાટી ઉપર રાખ્યો હતો. દરમિયાન લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડની જવાનોએ જાળીવાળો મોટો ટોપલો કૂવામાં ઉતાર્યો. પત્નીએ પહેલાં પતિને ટોપલામાં ચડાવ્યો હતો અને પછી પોતે બહાર આવી. પતિના લાંબા આયુષ્ય માટે કરોડો મેેહિલાઓ વ્રત રાખતી હોય છે, પણ આ મહિલાએ તો પતિને હેમખેમ બચાવીને તેનું આયુષ્ય લંબાવ્યું ને પતિવ્રતા તરીકેનો પરચો દેખાડી દીધો હતો. આ જોઈને કહેવું પડે કે-
કૂવેથી કાઢયો ધણી
વાહ વાહ પામી ઘણી
પંચ-વાણી
લહેરથી પ્રવાસ કરવાની ટિપઃ
પેટ અને પેટી ખાલી
તો સફરમાં મજા આલી.