એલિફન્ટ ગોડના આશીર્વાદથી હોલિવુડમાં બન્યો એલિફન્ટ બોય
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સૂંઢ હલાવતા અને ગળામાં બાંધેલી ઘંટડીઓ રણકાવતા હાથીને રસ્તા પરથી પસાર થતો જોઈને બાળકો રાજી રાજી થઈ જાય છે... પરંતુ મૈસૂરમાં હરતા ફરતા ડુંગર જેવાં મહાકાય હાથી સાથે મોજથી ખેલતા, એટલું જ નહીં, પણ નાનકડા દંડુકાથી ગજરાજને વશમાં કરતા એક બાળ-મહાવતને સપનેય ખ્યાલ હશે કે પોતે હોલિવુડનો સ્ટાર બનશે? આ બાળ-મહાવતની વાત કરી એ સાબુએ ૮૦ વર્ષ પહેલાં હોલિવુડમાં ડંકો વગાડયો હતો. તેણે એક પણ ભારતીય ફિલ્મમાં કામ નહોતું કર્યું, માત્ર ઈંગ્લિશ ફિલ્મોમાં જ અભિનય કર્યો હતો.
મૈસુર સ્ટેટના કારાપુરમાં જન્મેલા સાબુ દસ્તગીરના પિતા મૈસુરના રાજમહેલના હાથીખાનામાં હાથીઓની સંભાળ લેતા. પિતા મહાવત હતા એટલે તેની સાથેે હાથીખાનામાં રોજ જતો સાબુ પણ હાથીઓ સાથે હળીમળી ગયો. અચાનક પિતાનું મૃત્યુ થયું એટલે પછી તેની જગ્યાએ સાબુને મહાવતની જવાબદારી સોંપવામાં આવી. ત્યારે તેની ઉંમર ૧૨-૧૩ વર્ષની હશે. ૧૯૩૦ની આસપાસ વિદેશી ફિલ્મ-સર્જક રોબર્ટ ફલેહર્ટી રૂડયાર્ડ કિપલિંગની વાર્તા પરથી ફિલ્મ બનાવતા હતા. આ માટે તેમને એવાંએક ભારતીય તરૂણની જરૂર હતી, જેને હાથીઓ સાથે કામ કરવાનો મહાવરો હોય. કોબર્ટ ફલેહર્ટીએ મૈસૂરના હાથીખાનામાં હાથીઓ સાથે રમતા સાબુને જોઈને પહેલી જ નજરે તેને પોતાની ફિલ્મ માટે પસંદ કરી લીધો. તેને પોતાની સાથે અમેરિકા લઈ ગયા અને 'એલિફન્ટ બોય' ફિલ્મનો હીરો બનાવી દીધો. ત્યાર પછી કિપલિંગની જ 'જંગલબુક' પર આધારિત પહેલી ફિલ્મ ૧૯૪૨માં બની એમાં મોગલીનું પાત્ર ભજવ્યું હતું. સાબુએ પછી તો વાઈલ્ડ લાઈફ તેમ જ માનવ-પ્રાણી વચ્ચેના સંબંધ અને સંઘર્ષના વિષય પરની એક પછી એક ફિલ્મમાં કામ કરતો ગયો અને હોલિવુડમાં એનું નામ ગાજવા માંડયું. 'કોબ્રા વુમન', 'સોન્ગ ઓફ ઈન્ડિયા', 'જંગલ-હેલ' અને 'રેમ્પેજ ઓફ એ ટાઈગર' જેવી હોલિવુડની ૨૩ ફિલ્મોમાં સાબૂએ ભૂમિકા નિભાવી. ભારતીય ફિલ્મોના મહાન સર્જક મહેબૂબ ખાન પણ સાબુની ખ્યાતિ સાંભળીને તેને 'મધર ઈન્ડિયા' ફિલ્મમાં લેવા માગતા હતા, પણ એ વખતે સાબુઅમેરિકન સિટીઝન બની ગયો હોવાથી તેને વર્ક પરમિટ નહોતી મળી. તેણે અમેરિકન એકટ્રેસ માર્લિન કૂપર સાથે લગ્ન કર્યાં.
એ વખતે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે સાબુઅમેરિકી એરફોર્સમાં જોડાયો. એ વખતે રોનાલ્ડ રેગન સાથે દોસ્તી બંધાઈ હતી. હોલિવુડમાં નામ, દામ મેળવી સાબુ ઠરીઠામ થયો ત્યાં ૧૯૬૩માં તેને ૩૯ વર્ષની ઉંમરે સિવિયર હાર્ટઅટેક આવ્યો અને જંગલ બોયે કાયમ માટે આંખો મીંચી દીધી. ગણેશોત્સવની ઉજવણીનો નાદ ચારે તરફ ગાજી રહ્યો છે ત્યારે કહી શકાય કે-
એલિફન્ટ ગોડના
આશીર્વાદ ઓછા ન હોય,
મહાવતમાંથી કેવો મશહૂર
બન્યો એલિફન્ટ બોય?
માણસને જીવાડી
શકે એવી અનોખી બેન્ક
દેશમાં છાશવારે બેન્ક કૌભાંડો બહાર આવતા હોય છે. મોટી મોટી બેન્કોની તિજોરીઓ સાફ કરીને કેટલાય દેશ છોડી ભાગી જાય છે. બેન્ક ફડચામાં જાય ત્યારે મુશ્કેલીમાં મૂકાતા ખાતેદારોમાંથી કોઈ આત્મહત્યાનો માર્ગ પણ લેતા હોય છે. માણસને આર્થિક રીતે પાયમાલ કરી નાખે એવા મરણતોલ ફટકા મારતાં બેન્ક કૌભાંડોના છાપામાં અવારનવાર છપાતા સમાચાર વચ્ચે એક એવી અનોખી બેન્ક વિશે જાણવા મળ્યું જે માણસને મારતી નથી પણ જીવાડી શકે છે. આ બેન્ક એટલે ઓક્સિજન બેન્ક ઉત્તર પ્રદેશના નોએડામાં રહેતા આર.કે.ગુપ્તાએ વધતા જતા પ્રદૂષણનો મુકાબલો કરવા મારે મકાનના પાર્કિંગ એરિયામાં સંખ્યાબંધ ઓક્સિજન પ્લાન્ટ ઉગાડીને આ ઓક્સિજન બેન્ક ઊભી કરી છે. આને લીધે ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે, બહારના તાપમાન કરતાં ઘરનું તાપમાન ૧૫થી ૧૬ ડિગ્રી ઘટી જાય છે, એટલું જ નહીં, એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ૨૦થી ૨૫ આંક નીચો આવે છે. ઓકિસજન બેન્કની વાત (પ્રાણ)વાયુવેગે ફેલાતા કેટલાય લોકો પોતાના ઘરની આસપાસ ઓક્સિજન પ્લાન્ટ ઉગાડવા લાગ્યા છે. આ જોઈને કહેવું પડે કે-
વૈષ્ણવજન તો તેને પણ કહિયે
જે ઓક્સિ-જન વધારી જાણે રે..
ગાંધીજી અને હનુમાનજીના સંબંધ સાઉથ આફ્રિકા સાથે
સતની ખાડાની ધારે કોણ ચાલ્યું જાય... રામનામને આધારે આ કોણ ચાલ્યું જાય... સત્ય અને અહિંસાને આધારે આગળ વધી કોઈ લોહિયાળ જંગ વિના ભારતને ગુલામીની ઝંઝીરમાથી મુક્ત કરાવનાર મહાત્મા ગાંધીજીએ સૌથી પહેલાં સત્યાગ્રહનું અમોધ શસ્ત્ર સાઉથ આફ્રિકામાં અજમાવ્યું હતું. હૈયામાં રામનામના રટણ સાથે અહિંસક લડત આપી ગોરાઓની હકૂમતને પરાસ્ત કરનારા ગાંધીબાપુના મનમાં સત્યાગ્રહનો પહેલવહેલો વિચાર જ્યાં સ્ફૂર્યો હતો એ સાઉથ આફ્રિકામાં હવે રામદૂત હનુમાનજીનું નામ ગુંજશે. કારણ સાઉથ આફ્રિકાના એક મુખ્ય હિન્દુ સંગઠને ત્યાં ૧૦ લાખ હનુમાન ચાલીસાની ટચુકડી પુસ્તિકાઓનું વિતરણ કરવાનો નિર્ધાર કર્યો છે. આ સંગઠનના સંસ્થાપક પંડિત લૂસી સિંગાબન કહે છે કે આધ્યાત્મિક વિકાસ, સમાજ સેવા અને સાંસ્કૃતિક રક્ષણના ઉત્સવની ઉજવણી નિમિત્તે અને હનુમાન ચાલીસાનું વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે. આમ હવે 'જય હનુમાન જ્ઞાાન ગુનસાગર જય કપિસ તીહુ લોક ઉજાગર...' ચારે તરફ પડઘાશે. આમ સાઉથ આફ્રિકાના ચેટ્સવર્થ સ્થિત વિષ્ણુ મંદિર પરિસરમાં હનુમાનજીની મહાકાય મૂર્તિનાં દર્શન કરવાની સાથે લોકો મનોમન હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકે.
માળાધારી ફરિયાદી ગબડતો ગબડતો ગયો
ચૂંટણી પહેલાં આચારસંહિતા લાગુ કરવામાં આવે છે એમ ચૂંટણી પછી ભ્રષ્ટાચાર-સંહિતાનો કડક અમલ થવો જોઈએ. બાકી તો ચારે તરફ ભ્રષ્ટાચારના ભોરીંગ ફેણ ચડાવી બેઠા જ હોય છે. વગદાર સામે જવાની એકલદોકલ માણસ હિમ્મત પણ ક્યાંથી કરી શકે? મધ્યપ્રદેશના નીમચમાં રહેતા આવા જ એક માણસે જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી પણ કોઈ દાદ ન મળી. પછી એક નહીં અનેક વાર લેખિત ફરિયાદો કર્યા પછી પણ કોઈએ ધ્યાન ન આપતા આ માણસ ખરેખરો ગુસ્સે ભરાયો. એણે શું કર્યું ખબર છે? પહેલાં તો અર્ધનગ્ન થઈ ગયો, પછી પોતે જ લેખિત ફરિયાદો કરેલી તેના એક હજાર કાગળોની લાંબીલચક માળા બનાવી. આ માળા ગળામાં પહેરીને પછી કલેક્ટર ઓફિસે પગે ચાલીને જવાને બદલે ભરબપોરે તાપમાં ધગધગતા રસ્તે દડતો... દડતો પહોંચ્યો. આ ફરિયાદ માળાધારીનો વીડિયો એવો જબરજસ્ત વાઈરલ થયો કે સરકારે પણ તત્કાળ નોંધ લેવી પડી. એટલે જ કહે છે ને કે ચમત્કાર વિના નમસ્કાર નહીં. આપણે જોડકણું સંભળાવી શકીએ-
ગોટાળા અને ગડબડવાળા
જાડી ચામડીવાળા
જ્યારે કાને ધરે નહીં ફરિયાદ
ત્યારે કરવા પડે અટકચાળા.
પંચ-વાણી
વૈષ્ણવ જન તો તેને
ન કહીએ જે
ચેર પરાઈ તાણે રે...
પરદુઃખે પીડા ન પામે
મોજ આધો દિ' માણે રે...