Get The App

ત્રણ નકસલવાદીને પકડવા 7500 પોલીસ તૈનાત

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ત્રણ નકસલવાદીને પકડવા 7500 પોલીસ તૈનાત 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ભારતમાંથી નકસલવાદીઓના આતંકને ખતમ કરવામાં આવશે એવી નેતાઓ અવારનવાર ગુલબાંગ ઝીંકતા હોય છે, પરંતુ દાયકાઓથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને નક્સલવાદને નામશેષ કરવામાં સફળતા નથી મળી. મધ્યપ્રદેશની વાત  કરીએ  તો ત્યાંના સૌથી ખૂંખાર ત્રણ નકસલવાદીઓ છેલ્લાં ૨૪ વર્ષથી સરકારને હંફાવી રહ્યા છે. હાથમાં આવતા જ નથી. આપણને જાણીને ખરેખર નવાઈ લાગે કે ત્રણ નઠારા નકસલવાદીઓને પકડવા માટે મધ્ય પ્રદેશ સરકારે ૭૦ કરોડનો ખર્ચ કર્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીની રાહબરી  હેઠળ ૭૫૦૦થી વધુ પોલીસમેન, સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. પોલીસના રેકોર્ડ  મુજબ દીપક ઉર્ફે સુધાકર, મહિલા નકસલી સંગીતા  અને રામસિંહ ઊર્ફે સંપત - આ  ત્રિપુટીને પકડવા માટે પોલીસની ફોજ જંગલ ધમરોળે  છે. આમાંથી એક નકસલવાદી ૨૦૦૦ની સાલમાં પકડાયો હતો, પણ ૨૦૦૪માં એ છૂટી ગયો હતો.  પોલીસને હાથતાળી આપતા આ નકસલવાદીઓને પકડવા માટે ચાલી રહેલા મહાપ્રયાસને જોઈને કહેવું પડે કેઃ

જંગલમાં બંદૂકધારી નક્સલીઓ ફાવે છે

એટલે જ વર્દીધારી પોલીસના

હાથમાં ક્યાં ઝટ આવે છે?

પ્રભુ રામની આંગળીના ફ્રેકચરની સારવાર

આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે છે તો પ્રભુ રામની તૂટેલી આંગળીનો ઈલાજ કરવાવાળાને કેટલું પુણ્ય મળ્યું હશે? આંધ્રપ્રદેશના તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમમાં પ્રભુ શ્રીરામની એક હજાર વર્ષ પુરાણી ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. ૨૦૨૧માં આ મૂર્તિના ડાબા હાથની એક આંગળીને ફ્રેકચર થયું હતું. તૂટેલી આંગળીને સોનાના કવચમાં  સાચવીને રાખવામાં આવી હતી. એ આંગળી ખૂબ જ સંભાળપૂર્વક પાછી જોડી દેવામાં આવી હતી અને આ નિમિત્તે  અંગુલી સાધના સંપ્રેક્ષણ  ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એટલે આંગળી ચિંધ્યાના પુણ્યની જેમ મંદિરવાળાને આંગળી સાંધ્યાનું પુણ્ય મળે જને?

ગાળની બંધી  બાળની રક્ષા

ચોમાસા પહેલાં  નાળા કે ગરનાળામાંથી  જેમ ંકાદવ કાઢવામાં આવે છે એવી રીતે ઘણાના મોંઢામાંથી બારેમાસ ગાળ નીકળતી હોય છે. નારીશક્તિ માટે અત્યંત અપમાનસ્પદ ગાળો પુરૂષો જ નહીં, મોડર્ન  કન્યાઓ પણ ફફઢાવતી હોય છે. જેના મોઢામાંથી સારા શબ્દોને બદલે અપશબ્દોનો એઠવાડ જ બહાર ઠલવાતો હોય એવાં ગાળિયા, આળ ઓઢાડતા આળિયા કજિયાથી મોઢું કાળું કરતાં કાળિયા આ બધા સમાજને માટે શરમરૂપ છે, કારણ કે શબ્દે- શબ્દે મા-બહેનની ગાળો સોફાવતા હોય એવા આ ગાળિયાઓને કાળસર્પ નહીં પણ ગાળ-સર્પયોગ નડતો હોય એવું લાગે. અધૂરામાં પૂરૃં, ફિલ્મોમાં પણ વરવી વાસ્તાવિકતાને નામે ગાળાગાળીવાળા ડાયલોગની ભરમાર કાને પડે છે. આવી વસમી વાસ્તવિક્તા વચ્ચે મહારાષ્ટ્રના અહલ્યાનગર (અહમદનગર) જિલ્લાના  સૌંદાળા ગામે ગાળો બોલવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

સૌંદાળાની ગ્રામ પંચાયતે ઠરાવ પસાર કર્યો છે કે જે વ્યક્તિ  ગાળાગાળી કરતી પકડાશે તેને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં  આવશે. બીજું, શહેરોમાં તો હજી માંડ ચડ્ડી પહેરતા શીખ્યા હોય  એવડાં ટેણિયાઓ મોબાઈલ ઓપરેટ કરવાનું શીખી જાય છે. બાળકોને મોબાઈલના આ ભૂતના વળગણથી મુક્ત કરવા ગ્રામજનોને તાકીદ કરી છે કે કોઈએ પોતાના બાળકોને  ચોક્કસ સજમય સુધી મોબાઈલ ફોન વાપરવા નહીં  આપવાનો.  આટલું ઓછું હોય એમ ગામડાને બાળ-કામગાર મુક્ત કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. રીતસર ઝુંબેશ આદરવામાં આનવી છે કે 'બાળ-કામદાર દાખવા આણી એક હજાર રૂપિયે મિળવા' (બાલ-કામદાર દેખાડો અને એક હજાર મેળવો.)  ગમે ત્યાં બાળક મજૂરી કરતું જોવા મળે તો  મોબાઈલથી ફોટો પાડીને ગ્રામ પંચાયતમાં રજૂ કરવાનો અનેે એક હજારનું રોકડું ઈનામ મેળવવાનું.  ઉપરાંત  બાળલગ્ન બંધ જ કરાવવામાં આવ્યા છે.  આમ, ગાળની નાબૂદી અને બાળના રક્ષણ માટે કલિકાળમાં નાનાં ગામડાએ કેવી મોટી પહેલ કરી કહેવાય!

સબસે ઊંચી પ્રેમ સગાઈ, એક દુસરે કો હેલ્મેટ પહનાઈ

હેલ્મેટ પહેરો તો થાય નહીં હાનિ, ઊઘાડા માથે પટકાવ તો યાદ આવે નાની...  બરાબરને? હેલ્મેટ મોતને પણ હડસેલી શકે છે છતાં નવાઈ લાગે છે કે ટુ-વ્હીલરચાલકો શા માટે હેલ્મેટનો વિરોધ કરતા હશે? અરે, બાઈક કે સ્કૂટરસવારના રક્ષણ માટે હેલ્મેટ પહેરાવવા માટે પોલીસે દંડ ફટકારવા પડે એ કેવી કઠણાઈ કહેવાય? પણ કહે છે ને કે જેને માથે (વગર હેલ્મેટે) વીતી હોય એ જ જાણે.

 છત્તીસગઢના રાજનાંદગાવમાં રહેતા વીરેન્દ્ર સાહુની સગાઈ જ્યોતિ નામની  કન્યા સાથે થઈ. સગાઈમાં બન્નેએ એકબીજાને વીંટી પહેરાવી અને ત્યાર પછી યુવકે એક હેલ્મેટ પોતે પહેરી અને બીજી હેલ્મેટ ભાવિ જીવનસાથીને પહેરાવી હતી, કારણ કે બીરેન્દ્રના પિતા હેલ્મેટ પહેર્યા વગર જતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતા નીચે પટકાયા હતા.  હેલમેટ પહેરી ન હોવાથી માથામાં થયેલી ગંભીર ઈજાને લીધે તેમણે જીવ ગુમાવ્યો હતો. બસ, ત્યારથી બીરેન્દ્રએ હેલમેટ દાન ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં તેણે એક હજારથી વધુ  ટુ-વ્હીલરચાલકોને નિઃશુલ્ક હેલ્મેટ આપી છે.  સગાઈમાં તેણે હેલ્મેટ વિધિથી  હેલ્મેટ પહરેવાનો સંદેશ આપ્યો હતો. 

આ જોઈને હળવાશથી કહી શકાય કે હેલ્મેટ જીવ તો બચાવે જ છે, પણ એના બીજા પણ ફાયદા છે. લગ્ન પછી ધણી માથાનો નીકળે કે ધણિયાણી માથાની નીકળે અને છૂટ્ટા ઘા કરે ત્યારે ઝીલવા માટે હેલ્મેટ કામ આવે. કોઈ ઉધારચંદ ગામ આખામાં ઉધારી કરતો ફરતો હોય ત્યારે લેણદારોની નજરથી બચીનેનીકળી જવામાં  પણ હેલ્મેટ કામ આવે છે. ટુ-વ્હીલરમાં પાછળ બેસતા પિલિયન રાઈડર માટે પણ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. એટલે કોઈ દિલફેંક જુવાન બાઈકની પાછળ ગર્લ-ફ્રેન્ડને બેસાડીને ભરબજારમાંથી સડસડાટ પસાર થઈ જાય ત્યારે બન્નેએ હેલ્મેટ પહેરી હોય એટલે કોઈ ઓળખી જશે ને ઘરે ચાડી ફૂંકી દેશે એવી કોઈ ચિંતા જ નહીંને! બોલો, એક હેલ્મેટના ફાયદા અનેક... માનશો કે નહીં?

મહાકુંભમાં યાંત્રિક મરજીવા બચાવશે

ધર્મમાં ડૂબે એ ભવસાગર પાર કરે છે એવું કહેવાય છે. આમાં પણ કુંભમેળામાં પવિત્ર નદીમાં ડૂબકી લગાવી સ્નાન કરવાનું  સદ્ભાગ્ય જેને સાંપડે એ તો ધન્ય ધન્ય થઈ જાય છે, પરંતુ પવિત્ર સ્નાન કરી પુણ્ય મેળવનારાઓની પ્રચંડ ભીડ વચ્ચે કોઈ ડૂબવા માંડે તો કોણ બચાવે? મરજીવા તો હોય છે, પણ નહાવાવાળાની ભીડની સરખામણીએ તેમની સંખ્યા મર્યાદિત હોય છે. એટલે જ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ (અલાહાબાદ)માં આવતા  મહિનાથી શરૂ થનારા મહાકુંભ મેળા વખતે ડૂબતાને બચાવવા માટે રોબોટ મરજીવા તરતા મૂકાશે. કિનારે ઊભા રહીને પોલીસો રિમોટ કન્ટ્રોલથી રોબોટને  પૂરઝડપે ડૂબતાને બચાવવા  માટે મોકલી શકશે. એવું કહેવાય છે કે ડૂબતાને બચાવવા માટે  હજાર હાથવાળો બેઠો છે. હજાર હાથવાળો બેઠો છે એની ના નહીં, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એમ  કહી શકાય કે-

અજ્ઞાનમાં ડૂબતા તત્ત્વજ્ઞાન તારે

નદીમાં ડૂબતા તંત્રજ્ઞાન તારે.

પંચ-વાણી

સઃ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ૧૦૦ વર્ષના પ્રેમીએ ૧૦૨ વર્ષની પ્રેમિકા સાથે પ્રેમલગ્ન કર્યા એ જાણીને કયું ફિલ્મી ગીત યાદ આવે?

જઃ સો સાલ પહેલે

મુઝે તુમસે પ્યાર થાય

આજ ભી હૈ ઔર

કલ ભી રહેગા...


Google NewsGoogle News