પથ્થરનો આ તે કેવો પ્રકાર... જ્યાં નંદીનો વધે આકાર!
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
શંકર ભગવાનના મંદિરમાં કે શિવાલયમાં જઈએ તો પહેલાં ભોલેનાથના પ્રિય નંદીના દર્શન થાય છે. આખા દેશમાં ફક્ત નાસિકમાં જ એવું શિવ-મંદિર છે, જ્યાં નંદી છે જ નહીં. બીજી તરફ આંધ્રપ્રદેશમાં એકમાત્ર એવું મંદિર છે, જ્યાં નંદીનો આકાર સતત મોટો જ થતો જાય છે. એવું કહેવાય છે કે સતત વિસ્તરતા જતા આ નંદીને કારણે આસપાસના કેટલાક પથ્થરના સ્તંભો હટાવવા પડયા છે. આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં શ્રી યોગંતી ઉમા-મહેશ્વર મંદિરમાં આ નંદી જોવા મળે છે.
ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપને સમર્પિત આ પુરાતન મંદિરની સ્થાપના દેવતુલ્ય ઋષિ અગસ્ત્યએ કરી હતી એવી માન્યતા છે. બીજી ખાસિયત એ છે કે આ શિવમંદિરમાં શિવલિંગ નથી, પરંતુ એક જ પાષાણમાંની કંડારવામાં આવેલી ઉમા-મહેશ્વરની પ્રતિમાની પૂજા થાય છે. પરાપૂર્વથી એવી માન્યતા છે કે મંદિરમાં સ્થપાયેલી નંદીની મૂળ પ્રતિમા નાની હતી,પરંતુ કાળક્રમે તેનું કદ વધવા માંડયું એટલે તેની આસપાસના એક-બે સ્તંભ હટાવવામાં આવ્યા હતા. જાણકારોના કહેવા મુજબ નંદીની રચના એવા પ્રકારના પથ્થરથી થઈ છે જે પથ્થર વિસ્તરણ પામે છે. આજે ચારે તરફથી શિવભક્તો આ મંદિરમાં દર્શને ઉમટે છે. વિસ્તરતા નંદીની આ માન્યતા વિશે વાંચીને કહેવાનું મન થાય કે-
પથ્થરનો આ કેવો પ્રકાર?
જ્યાં નંદીનો વધે આકાર?
ધૂલ કા ફૂલ
કે ધૂલ કા પુલ?
દાયકાઓ પહેલાં હિન્દી ફિલ્મ આવેલી જેનું ટાઈટલ હતું 'ધૂલ કા ફૂલ'. એ ફિલ્મના નામનો આધાર લઈ અત્યારે બિહારમાં એકપછી એક બ્રિજ તૂટી પડવાના સિલસિલાને આવરી લેતી કરપ્શન-કથાની ફિલ્મ બનાવી તેને ટાઈટલ આપવું જોઈએ, 'ધૂલ કા પુલ'. કારણ, કરદાતાઓની આંખોમાં ધૂળ નાખીને કરોડોને ખર્ચે બંધાયેલા પુલ ચોમાસામાં ટપોટપ તૂટી પડે ત્યારે સવાલ થાય કે આ પુલ સિમેન્ટ-કોૅંક્રિટના હશે કે પછી ધૂળ માટીના? ભ્રષ્ટ રાજકારણીઓના સ્વર્ગ સમા બિહારમાં ૧૫ દિવસમાં લગભગ ૧૦ બ્રિજ તૂટી પડયા, બોલો. જોકે પુલ માત્ર બિહારમાં જ તૂટે છે એવું નથી, અન્ય રાજ્યોમાં પણ પડે છે. આ જોઈને સમજી શકાય કે પ્રભુ રામજીએ રામસેતુ બાંધવામાટે માણસોને બદલે વાનરસેનાની મદદ શા માટે લીધી હતી. વાનરોએ બાંધેલા પુલની નિશાની હજારો વર્ષ પછી પણ જોવા મળે છેને!
અંગ્રેજીમાં પુલને માટે બ્રિજ શબ્દ છે. બ્રિજ શબ્દ નાકની દાંડી એટલે નાસિકા-સેતુ માટે પણ વપરાય છે. એટલે કહી શકાય બિહારના પડતા બ્રિજ કાપે સરકારના બ્રિજ (નાક). બીજી ફિલ્મનું નામ યાદ આવે છે - 'ફૂલ બને અંગારે'. એના પરથી બિહારના સાવ ભંગાર પુલો જોઈને કહી શકાય કે, 'પુલ બને ભંગારે.'
કેવો ઈમાનદાર ચોર!
'ચોર મચાયે શોર', 'અલીબાબા ચાલીસ ચોર', 'હમ સબ ચોર હૈં'... ચોર આધારિત નામ વાળી આ ઉપરાંત પણ કેટલીય ફિલ્મો અત્યાર સુધીમાં આવી ચૂકી છે. ચોરમાં પણ દરેકની ખાસિયત હોય છે. કોઈ દિલ ચોરે તો કોઈ રોકડા બિલ ચોરે, કોઈ ધનની ચોરી કરે તો અત્યારના બોલિવુડના કેટલાંક ઉઠાંતરીબાજ સંગીતકારો ધૂનની ચોરી કરે. કોઈ નાણાની ચોરી કરે અને ભૂખ્યો હોય તો ભાણાની ચોરી કરે, ગાવાના શોખીન બીજાનાં ગાણાંની ચોરી કરે, દાણચોરો સોનાની દાણચોરી કરે અને કાળાબજારિયા કરચોરો કરોડોની કરચોરી કરે, છતાં સમાજમાં ઊંચુ માથું રાખી ફરે.
જાત જાતના આ ચોરોની વરાઈટી વચ્ચે હમણાં કદાચ પહેલ વહેલો ઈમાનદાર ચોર સોશિયલ મીડિયામાં ઝળક્યો. તામિલનાડુના એક ગામમાં એક ચોરે કોઈના ઘરમાં ખાતર પાડી ૬૦ હજારની માલમતાની ચોરી કરી. ચોરી કરી પલાયન થતા પહેલાં તેણે સુંદર અક્ષરે ચીઠ્ઠી લખી કે 'મને ચોરી બદલ માફ કરજો, મેં જે કિંમતી ચીજોની ચોરી કરી છે એ એક જ મહિનામાં પરત કરીશ.ઘરના એક સભ્યની માંદગીના ખર્ચને પહોંચી વળવા ચોરી કરવા મજબૂર છું. સગવડ થતાં પરત કરીશ.' બોલો, આ ચોર કેવો ઈમાનદાર કહેવાય!
પગ વિના
અમરનાથની યાત્રા
કોઈ પણ મહાન યાત્રાની શરૂઆત એક પગલાથી થાય છે, પણ જેને પગ ન હોય તો? પગ ન હોવા છતાં જયપુરના એક શિવભક્ત આનંદ સિંહે બાર વખત અમરનાથની અત્યંત વિકટ યાત્રા પૂરી કરી છે. મુકમ્ કરોતિ વાચાલમ્, પંગુમ્ લંઘય તે ગિરિમ્... આ શ્લોક શબ્દશઃ સાચો પાડીને જયપુરના આ સિંહે ભોલેનાથની અસીમ કૃપાથી અમરનાથ યાત્રાનો સિલસિલો જાળવી રાખ્યો છે. ૨૦૦૨માં એક અકસ્માતમાં આ હિમ્મતવાળા ભક્તે બન્ને પગ ગુમાવ્યા છતાં હાર નહોતી માની.
પગ જ ન રહ્યા એટલે પછી પગ વાળીને બેસવાનો તો ક્યાં સવાલ આવે? ૨૦૧૦માં પહેલી વાર અમરનાથ યાત્રા કરી અને ત્યારથી (બે વર્ષ કોરોના કાળને બાદ કરતા અને કેદારનાથની આફત વખતે નહોતો ગયો) એ શિવશંકરના ચરણોમાં મસ્તક નમાવવા પહોંચી જ જાય છે. સામાન્ય રીતે અકસ્માતમાં કોઈ પગ ગુમાવે ત્યારે એને કૃત્રિમ પગ લગાડવામાં આવે છે, જે જયપુર ફૂટ તરીકે જાણીતા છે, પણ જયપુરનો આ જાંબાઝ તો વગર પગે યાત્રા કરે છે.
ચાર-પાંચ વર્ષ બે હાથે ચાલીને તે પહાડ ચડતો હતો, પણ હવે વર્ષો વીતતાં મુશ્કેલીને કારણે પાલખીમાં થોડું કાપે છે. આ સહયાત્રીને જોઈને કહેવું પડે કે-
જીસે બાબાને બુલાયા હૈ
ઉસને સારે દર્દ કો ભૂલાયા હૈ
માણસ કરડયો સાપને અને સાપ ભેટયો મોતને
કૂતરૃં માણસને કરડે એ સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે એ સમાચાર છે. બિહારની એક અજબ ઘટનામાં નવાદા ગામે એક યુવકને ઝેરી સાપ કરડયો. ગુસ્સે ભરાયેલો યુવક સાપને કરડયો.
બન્યું એવું કે સાપ મરી ગયો અને યુવક બચી ગયો! જંગલ વિસ્તારમાં રેલવે લાઈન નાખવાનું કામ ચાલતું હતું ત્યારે સંતોષ નામનો કામદાર યુવક બીજા મજૂરોની સાથે બેઝ કેમ્પમાં સૂતો હતો. તે વખતે તેને ઝેરી સાપ કરડયો.
સાપના ડંખથી ઝબકીને જાગી ગયેલા યુવકે સાપને જ પકડીને બે બચકાં ભરી લીધા અને સાપ ત્યાં જ મરી ગયો. કામદાર યુવકને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો.
કોઈએ પૂછ્યું કે તું સાપને કેમ કરડયો? યુવકે જવાબ આપ્યો કે બિહારના અમારા ગામડામાં એવી માન્યતા છે કે સાપ તમને એકવાર ડંખ મારે અને તમે એ જ સાપને બે વાર બચકાં ભરી લો તો સાપ તત્કાળ મરી જાય છે.
આ સાંભળીને વિચાર આવે કે માનવસમાજમાં ખરેખર એવા કેટલાય ડંખીલા અને ઝેરીલા લોકો હોય છે જેનું ઝેર ઝેરીલા સાપથી પણ કાતિલ હોય છે.
પંચ-વાણી
ગુગલ-એ-આઝમ તરફથી અર્ધાંગવાયુનું શું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવામાં આવ્યું, ખબર છે?
હાફ-એર.