દશેરામાં મધ્યપ્રદેશના દામાદ દશાનનનું પૂતળું સળગાવાતું નથી
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
જેને જમ જેવા જમાઈ ભટકાયા હોય એવા કન્યાપક્ષવાળા કહેતા હોય છે કે જમાઈ બહુ જીવ બાળે છે,પણ દુનિયાના સૌથી શક્તિશાળી જમાઈને દશેરાને દિવસે અમુક ગામ બાદ કરતાં આખા દેશમાં બાળવામાં આવે છે તો એ કયા જમાઈ? એવો સવાલ કોઈપૂછે તો બેધડક દશાનન રાવણનું નામ આપી શકાય. ભાજપ શાસિત મધ્યપ્રદેશના મંદસૌરના કુંવરી મંદોદરી સાથે રાવણનાં લગ્ન થયાં હતાં. એટલે દશાનન રાવણ મંદસૌરના જમાઈ થાય. પરિણામે આખા દેશમાં ભલે દશેરામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતું હોય, પણ મંદસૌરમાં લંકેશનું પૂતળું બાળવામાં આવતું નથી, પરંતુ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌરમાં રાવણની ૪૧ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. આમ, આખા દેશમાં રાવણનું પૂતળું સળગાવાય અને મધ્યપ્રદેશના મંદસૌરમાં જમાઈરાજા પૂજાય. માણસના મનમાં જે અહંકાર છે એ જ રાવણનું રૂપ છે એટલે જ કહેવું પડે કે અહંકારની કાર તું ન હંકાર... દામાદ દશાનનની પૂજા થતી જોઈને કહેવું પડે કે પહેલાં અહંકારને બાળો અને પછી વિધિવિધાન પાળો.
મારા પપ્પાને
જેલમાં નાખો
પાપા કહતે હૈ બડા નામ કરેગા... બેટા હમારા ઐસા કામ કરેગા... દીકરો જ્યારે પિતાનું નામ રોશન કરે ત્યારે આ ગીત પિતાના મોઢેથી સરી પડે છે, પણ એક બેટાએ તો ખાખી વર્દીધારી પોલીસોને પણ ચોંકાવી દીધા. પાંચ વર્ષનો ટેણિયો રડતો પડતો પોલીસ સ્ટેશનમાં ગયો અને હઠ પકડી કે મારા પપ્પાને જેલમાં નાખો તોે જ હું ઘર જાઉં , નહીંતર ન જાઉં...' પોલીસ અધિકારીએ તેને ફોસલાવીને છાનો રાખીને પૂછ્યું કે પપ્પાને કેમ જેલમાં બંધ કરાવવા માગે છે? ત્યારે ટેણિયો ફરિયાદી બોલ્યો,'નદી પાસેના રસ્તા પર રમવા માટે મને જવા દેતા નથી, અને જાઉં તો રાડારાડ કરી મૂકે છે અને વઢે છે એટલે એને તમે જેલમાં બંધ કરી દો.' પોલીસ અફસરે શાંતિથી ફરિયાદ સાંભળીને હૈયાધારણ આપી, 'અમે તારા પપ્પા સામે ચોક્કસ પગલાં લઈશું.' આટલું કહી બાળકને ઠેઠ ઘરે મૂકી આવ્યા અને સલાહ પણ આપી કે તોફાન ન કરતો અને પેરેન્ટસને કનડતો નહીં. આ વાઈરલ વીડિયો જોઈને વિચાર આવે કે આ ટેણિયાએ તો બાળકબુદ્ધિ દેખાડી પિતાને જેલમાં બંધ કરવાની માગણી કરી, પણ આજના જમાનામાં એવા કેટલાય કપૂતો પાકે છે જે મોટા થઈને મા-બાપને કેવા કનડે છે?
રેલગાડીના ટોઈલેટમાં પાણીનો પ્રોબ્લેમ એ.આઈ. સોલ્વ કરશે
લાંબા અંતરની ટ્રેનોમાં ઘણી વાર ટોઈલેટમાં પાણી ખૂટી જવાથી પ્રવાસીઓએ હેરાનગતિ વેઠવી પડે છે. પાણી વિના 'શંકા-નિવારણ' માટે જવું કેવી રીતે? બધા મનોમન ગાતા હોય છે, 'જાયે તો જાયે કહાં, સમજેગા કૌન યહાં...' કોઈ વળી ખૂબ પ્રેશર વધી જાય અને પ્રેશર કૂકરની સીટી વાગવા માંડે ત્યારે સ્ટેશન આવે ત્યારે મિનરલ વોટરની બોટલ ખરીદીને વાપરે છે. કોઈ વળી પરદેશમાં રહ્યા હોય તો ટોઈલેટ પેપર વાપરી ડ્રાય-ક્લિનિંગ કરે છે, પરંતુ પાણી વગર અસહ્ય ગંદકી ફેલાતી હોય છે. આ સમસ્યા ઉકેલવા રેલવેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીના ઉપયોગની પ્રાયગિક ધોરણે શરૂઆત કરી છે. આસામના કામાખ્યા અને દિલ્હી વચ્ચે દોડતા બ્રહ્મપુત્રા મેલમાં કોચની નીચે પાણીની ટાંકી સાથે એવું ઉપકરણ ગોઠવવામાં આવ્યું છે કે આ ટાંકીમાં પાણીની સપાટી ૩૦ ટકાથી ઓછી થાય એટલે કન્ટ્રોલ રૂમને એલર્ટ મેસેજ પહોંચી જાય છે. એટલે નેકસ્ટ સ્ટેશન ટાંકીમાં પાણી ભરવામાં આવે છે. કહે છે ને પાણીની રેલ આવે તો મુશ્કેલી થાય અને રેલમાં પાણી ન આવે તો ઉપાધિ થાય. હવે આ ઉપાધિ પણ ટળશે અને પાણી મળશે.
જમાઈરાજા સાસરેથી ૩૭ વર્ષે પાછા ફર્યા
જમાઈરાજા સાસરે જાય ત્યારે ચાર-પાંચ દિવસ કે પછી અઠવાડિયું પંદર દિવસ મહેમાનગતી માણીને પાછા ફરતા હોય છે, પરંતુ દુનિયામાં આજ સુધી ક્યારેય ન બની હોય એવી અજબ ઘટનામાં જમાઈરાજા સાસરે ગયા પછી ૩૭ વર્ષે પાછા ફર્યા હતા. ખરેખર દામાદની જે દશા થઈ એ માટે દયા ઉપજે એવી આ ઘટનામાં ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લાના એક શખસનાં લગભગ ચાર દાયકા પૂર્વે બાંગ્લાદેશ કોમિલા ગામની કન્યા સાથે લગ્ન થયાં હતાં.
૧૯૮૮માં એક વાર તે ભારત-બાંગલાદેશની લેન્ડ બોર્ડર ક્રોસ કરીને સાસરિયાને મળવા ગયો હતો. એ જ વખતે પોલીસે સાસરિયાના ઘર ઉપર રેડ પાડી અને જમાઈરાજાને ઝડપી લીધો અને બાંગલાદેશમાં ગેરકાયદે ઘૂસણખોરીનો આરોપ મૂકી જેલમાં ધકેલી દીધો હતો. ત્યાર પછી ૩૭ વર્ષ સુધી બાંગલાદેશની જેલમાં ગુજાર્યા બાદ થોડા દિવસ પહેલાં જમાઈરાજાનો છૂટકારો થયો હતો અને ત્રિપુરાના પોતાના ગામે પહોંચ્યો હતો. ૬૨ વર્ષના થઇ ગયેલા આ શખસને પહેલાં તો ગામવાળા ઓળખી નહોતા શક્યા. પછી જયારે ઓળખાણ પડી ત્યારે ખુશાલીનો કોઈ પાર નહોતો રહ્યો.
આ જમાઈનો કિસ્સો વાંચી 'જોહર-મહેમૂદ ઈન ગોવા' ફિલ્મમાં જેલમાં જતાં કોમેડિયનો ગાય છે એ ગીત યાદ આવી જાયઃ
યે દો દીવાને દિલ કે
ચલે હૈ દેખો મિલ કે
ચલે હૈ ચલે હૈ ચલે હૈ 'સસુરાલ'...
ફૂડ કોર્ટમાં નહીં, પતિને ઘસડી ગઈ કોર્ટમાં
ફૂડકોર્ટમાં હોટડોગ, સેન્ડવિચ, બર્ગર, પાસ્તા અને પિત્ઝા જેવી જાતજાતની આઈટમો જોઈને મોઢામાં પાણી આવી જાય અને માણસ ખાવા માટે મજબૂર બની જાય, પરંતુ આવું બધું ખાવાની શોખીન મહિલાને ડિલીવરી પછી તરત ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું મન થયું. ધણીને કહે કે મને ઝટ ફ્રેન્ચ ફ્રાઈઝ લાવી દે. પતિએ સમજાવી કે તને હમણાં જ સુવાવડ આવી છે એટલે અત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા નહીં દઉં. કયાંક પેટમાં ગેસ થઈ જાય તો નક્કામી ઉપાધિ. પણ આ સાંભળીને કોણ જાણે પત્ની એવી તો વિફરી કે પતિને કોર્ટમાં ઘસડી ગઈ અને ક્રૂરતાની ફરિયાદ કરી. જોકે હાઈકોર્ટે પત્નીની ફરિયાદ ક્ષુલ્લક ગણાવી અને ક્રૂરતાનો ગુનો બનતો નથી એવું કહી દીધું. હાઈ કોર્ટે કહ્યું કે પતિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તપાસની પરવાનગી અપાશે તો કાયદાની પ્રક્રિયાનો દુરૂપયોગ થયો ગણાશે. આમ, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા જેવી નજીવી બાબતમાં કોર્ટના ધક્કા ખાવા પડયા. આ જોઈને કહેવું પડે કેઃ
ખાવાની કોઈને કરવી
નહીં મનાઈ,
એમાં જ છે સહુની ભલાઈ.
પંચ-વાણી
ચૂંટણીમાં મની-પાવર અને મસલ-પાવર કામ કરી જાય છે. મની-પાવરને કહેવાય ધનશક્તિ અને મસલ-પાવરને કહેવાય ધના-ધન શક્તિ.