ભાંગ્યો ડાબો પગ અને ઓપરેશન જમણા પગનું
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે જીવલેણ બીમારીના દર્દીઓને જીવતદાન આપી શકે છે. જોકે તબીબી વ્યવસાયમાં જરા પણ બેદરકારી માઠું પરિણામ લાવી શકે છે. ઉત્તર પ્રદેશના એક ગામમાં આવો એક કિસ્સો તાજો જ છે. એક મહિલાને ડાબે પગે ફ્રેકચર થયું એટલે ઓથોપેડિક સર્જને ઓપરેશન કરાવવાની સલાહ આપી. નિર્ધારિત તારીખે મહિલાના પરિવારજનો તેને ઓપરેશન માટે હોસ્પિટલમા ં લઈ ગયા. ઓપરેશન પૂરૃં થયું અને મહિલાને સ્ટ્રેચરમાં ઓપરેશન થિયેટરમાંથી બહાર લાવવામાં આવી ત્યારે તેના પરિવારજનોની રીતસર રાડ ફાટી ગઈ, કારણ કે ભાંગ્યો હતો ડાબો પગ અને બેદરકાર ડોકટરે જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું. જમણા પગે પાટાપિંડી જોઈને ફેમિલી મેમ્બરો સમજી ગયા કે ડોકટરે જમણા સાજા પગનું ઓપરેશન કરી નાખ્યું છે. એમણે હોબાળો મચાવ્યો ત્યારે ડોકટર તો ચૂપચાપ પાછલા દરવાજેથી પલાયન થઈ ગયા હતા. એટલે મહિલાના ભાંગેલા પગનું ઓપરેશન હજી બાકી જ રહ્યું. દર્દીઓ તબીબોને ભગવાન માનતા હોય છે, પણ કોઈ તબીબ આવી બેદરકારી દાખવે ત્યારે કહેવું પડે કેઃ
હે માનવ.... બેદરકાર
ડોકટરને દેવ નહીં પણ
કહેવા પડે દાનવ.
પદ્મશ્રીથી સન્માનિત સાહિત્યકારનું કાશીના વૃદ્ધાશ્રમમાં મૃત્યુ
સુરતનું જમણ અને કાશીનું મરણ એવી કહેવત છે. કાશીમાં જેનું મૃત્યુ થાય એ સીધા સ્વર્ગમાં પહોંચી જાય છે એવી માન્યતા છે, પણ પદ્મશ્રીના ખિતાબથી સન્માનિત થયેલા અને કરોડોની મિલકતના માલિક શ્રીનાથ ખંડેલવાલનું આટલી સંપત્તિ અને હર્યોભર્યો પરિવાર હોવા છતાં એક કુષ્ઠરોગીઓ માટેના વૃદ્ધાશ્રમમાં મૃત્યુ થયું હતું. એવું કહેવાય છે કે ૮૦ વર્ષના વયોવૃદ્ધ સાહિત્યકારની કરોડોની મિલકત સંતાનોએ પચાવી પાડયા બાદ તેમને ભગવાન ભરોસે છોડી દીધા હતા. તેમની દયનીય દશા જોઈને કોઈ સમાજસેવક તેમને કૃષ્ઠરોગીઓ માટેના વૃદ્ધાશ્રમમાં લઈ ગયા હતા. આ જગ્યાએ ૧૦ મહિના વિતાવ્યા પછી જ્યારે આ મુઠ્ઠી ઊંચેરા સાહિત્યાકરે વિદાય લીધી ત્યારે સંતાનો કાંધ આપવા પણ પહોંચ્યા નહોતા. લગભગ ૩,૦૦૦ પાનાના 'મત્સ્ય પુરાણ' સહિત શ્રીનાથ ખંડેલવાલે લગભગ ૪૦૦ પુસ્તકો લખ્યાં હતાં. લગભગ ૮૦ કરોડની ંમિલકત હોવા છતાં અકિંચન દશામાં મૂકાયેલા સાહિત્યસર્જકે મતલબી પરિવારજનોનો આ ખેલ જોતાં જોતાં કાયમ માટે આંંખ મીંચી દીઘી હતી. હૈયું હચમચાવી નાખે એવો આ કિસ્સો જાણીને 'ઉપકાર' ફિલ્મનું ગીત યાદ આવે ઃ કસ્મે-વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતોં ક્યાં... કોઈ કિસીકા નહીં યે જૂઠે નાતે હૈ નાતોં કા ક્યા...
જીવના જોખમે સ્લીપર કોચ નીચે સૂઈને પ્રવાસ
રેલ-ગાડી અને વિફ-રેલ લાડીથી હંમેશા સંભાળવું એમ હળવાશથી કહી શકાય. રેલગાડીથી સંભાળીને ચાલવાને બદલે કાનમાં મોબાઈલની ભૂંગળી ભરાવી રેલવેના ટ્રેક પર ચાલતા જતા, સડસડાટ દોડતી ટ્રેનમાંથી લટકાઈને સ્ટંટ કરવાવાળા કે પછી ઘસમસતી ટ્રેનની પરવા કર્યા વિના સેલ્ફી લેવા જતા કેટલાય લોકો મોતને ભેટે છે, પરંતુ મધ્ય પ્રદેશના જબલપુર શહેરના એક જુવાને માન્યામાં ન આવે એવું જોખમ ખેડયું હતું. પુણેની દિશામાં જતી એક એક્સપ્રેસ ટ્રેનના એરકંડિશન કોચની નીચે બે પૈડાંની વચ્ચેના ભાગમાં ટૂટિયું વાળીને સૂતા સૂતા તેેણે ૨૯૦ કિલોમીટરનો પ્રવાસ ખેડયો હતો. કોઈ સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યારે રેલવે કર્મચારીઓ કોચના ચેકિંગ માટે નીકળ્યા ત્યારે કોચની નીચે આ જુવાનને ઘસઘસાટ સૂતેલો જોઈ ચોંકી ગયા હતા. તેના જગાડયા બાદ રીતસર હાથ ખેંચીને જબરજસ્તીથી બહાર કાઢવામાં આવ્યા બાદ રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ જોખમી વિડિયો ક્લિપ જોઈને કહેવું પડે કે-
સ્લીપરકોચની અંદર નહીં
કોચ નીચે સૂઈને કરે પ્રવાસ,
એ જડસુ જુવાનનો કેવો
જોખમી કહેવાય પ્રવાસ!
છૂના મના હૈ...
એક હિન્દી ફિલ્મનો ડાયલોગ યાદ આવે છેઃ 'હા કહે ઉસે છોડના નહીં ઔર ના કહે ઉસે છૂના નહીં...' આ ડાયલોગ હિમાચલ પ્રદેશના પહાડી ગામ મલાના વિશે જાણીને યાદ આવ્યો. બહારગામથી આવતા ટુરિસ્ટો કોઈ પણ ગામવાસી, ઘર કે માલસામાનને અડી નથી શક્તા, છૂના મના હૈ. દુકાનમાંથી કોઈ ચીજ ખરીદવી હોય તો દુકાનદારને પૈસા હાથોહાથ આપી નથી શકાતા, પૈસાને જમીન પર રાખવામાં આવે છે, જેને દુકાનદાર ઉપાડી લે છે. ગામડાનાં અમુક ઘરોની દીવાલો પર તો હાથ ન લગાડવાની અને અડશો તો દંડાશો એવી ચેતવણી પણ લખવામાં આવે છે. આ મલાના ગામના મૂળ રહેવાસીઓ એવું માને છે કે જ્ઞાાતિ વ્યવસ્થાની સીડી ઉપર તેઓ સૌથી ઉપર છે. એટલે તેઓ બહારથી આવતા ટુરિસ્ટોને સ્પર્શ નથી કરતા. કોઈએ પૂછવું જોઈએ કે તનને નહીં મનને સ્પર્શ કરી કિશોરકુમારનું ગીત 'છૂ કર મેરે મનકો કિયા તુને કયા ઈશારા...' ગામમાં ગાઈ શકાય કે નહીં?
પંચ-વાણી
વિશ્વકપ ફૂટબોલના રસિયાઓ કહેતા હોય છેઃ સારી રાત જાગકર દેખતે હૈ સો-કર.
***
માતૃભાષાને કહેવાય મધરટંગ
ભાતૃભાષાને કહેવાય બ્રધરટંગ
પારકીભાષાને કહેવાય અધરટંગ
***
શિયાળાના ધૂમ્મસમાં ફોગશાહી
શેરીમાં રઝળતા કૂતરાની ડોગશાહી
છૂટાછેડામાં લગ્નની ફોકશાહી