બોલો, કીડીઓ પણ ઓપરેશન કરે છે .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
લોેકકવિ પદ્મશ્રી દુલા કાગે દાયકાઓ પહેલાં લખેલા ભજનની કડી યાદ આવે છેઃ કીડીના આંતર કોણે સર્જીયા... નરી આંખે દેખાય નહીં એવી ઝીણકી કીડીના જેણે આંતરડા બનાવ્યા એ હજાર હાથવાળો કેવો મહાન સર્જક ગણાય! કીડીને કણ અને હાથીને મણ... ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યા પછી દરેક જીવની જરૂરિયાત પૂરી કરે છે, પણ એક એવી બાબત છે કે જે હાથી પણ નથી કરી શકતો એ કીડી કરી દેખાડે છે. ઝીણી કીડી પોતાના સાથીના જખમનો ઈલાજ કરે છે, એટલું જ નહીં, કોઈ ભાગ ખરાબ થઈ ગયો હોય તો 'ઓપરેશન' કરી કાઢી પણ નાંખે છે.
અમેરિકાના ફલોરિડામાં કીડી ઉપર થઈ રહેલાં સંશોધન વખતે શાસ્ત્રજ્ઞાોને જાણવા મળ્યું હતું કે કીડી પોતાના જખમી સાથીદારના જખમને પહેલાં સાફ કરે છે અને પછી ખરાબ થઈ ગયેલા હિસ્સાને કાપી નાખે છે. ડોકટરો જેમ માણસના ઓપરેશન કરે છે એવી જ રીતે કીડીઓ પણ ઓપરેશન કરી જાણે છે. મનુષ્યજાતિ સિવાય માત્ર કીડી એક એવો જીવ છે, જે ઓપરેશન કરી જાણે છે અને વળી ઓપરેશન પણ આપણા ડોકટરોની જેમ ઊંચી ઊંચી ફી લઈને નહીં, બલ્કે સાવ મફતમાં કરી જાણે છે.
બિહારની વાત ન્યારી... ટેણિયાએ ગોળી મારી
અબજોના ચારા કૌભાંડીઓ, ખતરનાક ગુંડાઓ અને ગુનાહિત ભૂતકાળ જ નહીં, પણ વર્તમાનકાળ પણ ધરાવતા બદનામ બિહારમાં સાંભળીને ધુ્રજારી છુટી જાય એવી ઘટના બની. બિહારના સુપૌલમાં નર્સરીમાં ભણતો પાંચ વર્ષનો ટેણિયો પિસ્તોલ લઈને સ્કૂલમાં પહોંચી ગયો અને પ્રાર્થના શરૂ થાય એ પહેલાં તેણે ત્રીજા ધોરણમાં ભણતા ૧૦ વર્ષના વિદ્યાર્થી પર ગોળી ચલાવી. હાથમાં ગોળી વાગતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તરત બન્ને બાળકોના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. ગોળી ચલાવનાર પાંચ વર્ષના બાળકની પૂછપરછ ચાલુ હતી એ વખતે લાગ જોઈને તેના પપ્પા દીકરાને લઈને નાસી છૂટયા હતા. આને કારણે ગામલોકો એવાં વિફર્યા હતા કે ધમાલ મચાવી સ્કૂલમાં ભાંગફોડ કરી હતી. પોલીસ દોડી આવી હતી અને ગોળી ચલાવનાર બાળક હોસ્ટેલમાં બેડ નીચે સંતાયેલો મળી આવ્યો હતો. બાળકે અણબનાવને લીધે ત્રીજા ધોરણના વિદ્યાર્થી પર ગોળી ચલાવી હશે એવું કહેવાય છે, પણ મૂળ પ્રશ્ન એ છે કે તેની પાસે પિસ્તોલ આવી કેવી રીતે? બિહારનો આ કિસ્સો જાણીને કહેવું પડે કેઃ
ટેણિયા જ્યાં કરે ગોળીબાર
તો શું એમને ગળથૂંથીમાં
મળ્યો હિંસાચાર?
કાચા કેદીને લઈ સાચા પોલીસ ગયા તાજમહલ જોવા
દુનિયાની અજાયબી તાજમહલ બાંધવા માટે પાણીની જેમ પૈસા વેરનારા મુગલ બાદશાહ શાહજહાંને તેના શાહજાદા ઔરંગઝેબે નજરકેદમાં રાખ્યો હતો, પરંતુ આ અજાયબીને નજરોનજર નિહાળવા માટે કેદીને હાથકડી પહેરાવી પોલીસ આવે ત્યારે કેવું આશ્ચર્ય થાય! બન્યુ એવું કે કોઈ સ્ટેટની પોલીસ જેલમાંથી કાચા કેદીને હાથડકી પહેરાવીને આગ્રાની કોર્ટમાં હાજર કરવા માટે લાવી હતી. એવું કહેવાય છે કે કોર્ટમાંથી પાછા ફરતી વખતે હથિયારબંધ પોલીસોને થયું કે આગ્રા સુધી આવ્યા છીએ તો તાજમહલ જોતાં જઈએ એટલે પહોંચી ગયા સીધા તાજમહલના ગેટ ઉપર. ત્રણ પોલીસ અને કેદીની ટિકિટ કઢાવી. ત્યાર પછી અંદર પ્રવેશવા ગયા ત્યારે તાજના સુરક્ષા રક્ષકોએ પોલીસોને જણાવ્યું કે તમારાં શસ્ત્રો અહીં મૂકીને અંદર જાવ,કારણ કે હથિયાર સાથે પ્રવેશવાની મનાઈ છે.
પોલીસો દલીલ કરવા લાગ્યા, પણ પછી એવું થયું કે અહીં આપણી દાળ નહીં ગળે એટલે પછી ઘૂંઘવાઈને ચાલ્યા ગયા. તાજમહલ જોવા માટે દેશ-દુનિયામાંથી રોજ હજારો લોકો આવે છે, પણ હાથકડી પહેરાવેલા કેદીને લઈ પોલીસની ટીમ તાજ જોવા પહોચી એવી આ પહેલી જ ઘટના હતી.
જાંબુ-ઘોડા નહીં
જાંબુ ખાય ગધેડા
ગુજરાતમાં જાંબુઘોડા ગામનું નામ પડે ત્યારે વિચાર થાય કે શું ઘોડાએ ગુલાબજાંબુ ખાધા હશે એટલે આ નામ પડયું હશે? જો કે ચણાખાઉં ઘોડા જાંબુ ક્યાં ચાખી ગયા હશે? ભેજામાં આવાં ફણગા ફૂટતા હતા તેની વચ્ચે છાપામાં ગુલાબજાંબુ ખાતા ગધેડાની તસવીર જોઈને નવાઈ લાગી અને અદેખાઈ પણ આવી કે ગધેડા કેવાં નસીબદાર! ડફણાં ખાવાને બદલે ટેસથીગુલાબજાંબુ ઝાપટે છે, જુઓ તો ખરા!
મધ્યપ્રદેશના મંદસૌરમાં ગધેડાઓને થાળ ભરી ભરીનેે ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા હતા. એવી માન્યતા છે કે ચોમાસું બેઠાં પછીય વરસાદ ન પડે તો ગધેડાઓને હળ સાથે જોતરી સ્મશાન પાસેની જમીનમાં ખેડાણ કરવામાં આવે છે. આ રીતે ગધેડા હળ ચલાવે તો ધોધમાર વરસાદ વરસે છે. આ ચોમાસામાં પણ આવુ ંજ બન્યું, વરસાદ ખેંચાતા ગામલોકોએ સ્મશાન પાસે હળ સાથે જોતરેલા ગધેડાને લઈ જઈ જમીન ખેડાવી અને અડદની વાવણી પણ કરી હતી. આ રીતે ઈન્દ્રદેવને રાજી કરવામાં આવતા થોડા દિવસમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. મેઘરાજાની સવારી વાજતે ગાજતે આવી પહોંચી તેની ખુશીમાં ગધેડાઓને ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા હતા. આ ચોપગાને જાંબુની જ્યાફતના સમાચાર જાણી કહેવું પડે કે-
વરસાદ જો ખેંચે લાંબુ,
તો ગધેેડાને મળે જાંબુ.
જંજીરોમાં જકડાયેલા મહાબલશાલી હનુમાન
હિન્દુસ્તાને પોણોસો વર્ષ પહેલાં આઝાદી મેળવી એ પહેલાં બસો વર્ષ દેશ અંગ્રેજોની ગુલામીની જંજીરોમાં બંધાયેલો હતો. દેશ તો જંજીરો તોડી આઝાદ થયો, પણ પ્રચંડ શક્તિશાળી અને મહાબલશાલી હનુમાનજી જ્યારે પરાપૂર્વથી બેડીમાં ઝકડાયેલા જોવા મળે ત્યારે ભક્તોને કેવું આશ્ચર્ય થાય! આ અનોખું મંદિર ઓડિશાના જગન્નાથ પુરીનાં સમુદ્રકાંઠે આવેલું છે.
જગન્નાથ પુરીને સમુદ્રના પ્રકોપથી બચાવવાનું હનુમાનદાદાનું કર્તવ્ય છે. એવી માન્યતા છે કે એક વાર દરિયાદેવ વરૂણ દેવતા ભગવાન જગન્નાથજીનાં દર્શ માટે મંદિરમાં પ્રવેશ્યા અને તેમની પાછળ સમુદ્રનું પાણી પણ ઘસી આવ્યું, જેના કારણે શહેરને તેમ જ મંદિરને પારાવાર નુકસાન થયું. આથી ભક્તોએ ભગવાન જગન્નાથને વિનવણી કરી પ્રાર્થના કરી કે દરિયાના જોખમનો કોઈ ઉકેલ લાવો. ભગવાને હનુમાનજીને પૂછયું કે એમની હાજરીમાં દરિયાનું પાણી કેવી રીતે ઘૂસી ગયું? હનુમાનજીએ જવાબ આપ્યો કે જ્યારે દરિયાનું પાણી ધસી આવ્યું ત્યારે તેઓ હાજર નહોતા, તેઓ કહ્યા વિના જ અયોધ્યા ગયા હતા. આ સાંભળતાની સાથે ભગવાન જગન્નાથે હનુમાનજીના હાથ-પગ બેડીમાં જકડી દીધા અને સમુદ્રતટ પર સદાય સતર્ક રહી જગન્નાથ પુરીની રક્ષા કરવાનો આદેશ આપ્યો. આમ, આ બજરંગબલી બેડી-હનુમાન અથવા જંજીરવાલે હનુમાનના નામે ઓળખાય છે. ઘણા આ પવિત્ર સ્થાને દરિયા મહાવીર મંદિર પણ કહે છે. મહાવીર એટલે હનુમાનજી.
બીજે ક્યાંય જોવા ન મળે એવી વિશિષ્ટ વાસ્તુશૈલીવાળા આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ જંજીરથી બંધાયેલી જોવા મળે છે. એક હાથમાં લાડુ અને એક હાથમાં ગદા છે. જગન્નાથ ભગવાન સ્વયં શ્રીકૃષ્ણ છે એટલે આ મંદિર બેડી-માધવ મંદિર તરીકે જાણીતું છે. બેડીમાં જકડાઈને પોતાના ભક્તોની સાગર અને સંસાર-સાગરમાં ઉછળતા ભયંકર મોજા સામે રક્ષણ કરે એ ભગવાન બજરંગબલી.
પંચ-વાણી
પોલીસ કરે ધરપકડ
પત્ની કરે વર-પકડ.