દસ પત્ની અને છ પ્રેમિકા ધરાવતો માલદાર ચોર
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
માલેતુજારના ઘરમાં ઘૂસી ચોરી કરતા પકડાય એવા ચોર રોજેરોજ પકડાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પહેલી જ વાર એટલો માલેતુજાર ચોર ઝડપાયો જેનો ઠાઠમાઠ જોઈને પોલીસની આંખો ફાટી ગઈ હતી. આ ચોર એક ગામથી બીજે ગામ પ્લેનમાં જ સફર કરતો, ફાઈવ સ્ટાર હોટેલોમાં ઉતરતો અને ચમચમતી જેગુઆર કાર વાપરતો. શાનથી જીવતો આ ચાલબાજ ચોર પોશ એરિયામાં ફરીને પહેલાં તો રેકી કરતો. ત્યાર પછી જે બંગલામાં ખાતર પાડવાનું હોય ત્યાં રાતે ઘૂસી જતો અને લાખોની માલમતા તફડાવી પલાયન થઈ જતો. જાણે મોટો બિઝનેસમેન હોય એવા દબદબા સાથે રહેતો આ શખસ ચોરી કરી શકે એવી કોઈને સહેજ શંકા ન જાય. કાયમ સૂટેડ-બૂટેડ રહેતો આ ચાલબાજ પોતાની સ્ટાઈલથી અને વાક્છટાથી મહિલાઓને રીતસર આંજી નાખતો. તાજેતરમાં જ ગાઝિયાબાદ પોલીસે તેની ધરપકડ કરી ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે અત્યાર સુધીમાં દસ મહિલાઓને ફસાવી લગ્ન કરેલાં, એટલું જ નહીં તેની છ પ્રેમિકાઓ પણ છે. એક પત્ની ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી છે જ્યારે એક પંચાયતની સભ્ય છે. એક ચોરે કેટલી સ્ત્રીના દિલ ચોર્યા હશે? આને કહેવાય ખરો ચિત્તચોર.
ખરો ખમતીધર ખાટલો
અસલના વખતમાં જોવા મળતા ખાટ, ખાટલા અને ખાટલીનું સ્થાન આજે તો ખુર્શી, ડબલબેડ અને સ્પ્રિંગવાળા ઝૂલાએ લઈ લીધું છે. એક જમાનો હતો જ્યારે ગામડામાં ઘરના ફળિયામાં ખાટલા પથરાતા અને એની ઉપર એસીની હવા નહીં પણ ખુલ્લી દેશી હવામાં રાત્રે મધમીઠી ઊંઘ આવી જતી. સાંજે કે રાતે આડોશી-પાડોશીઓ ખાટલે બેસીને ગામગપાટા મારતા. હવે તો સીંદરીના કે પાટીના ખાટલા ક્યાં જોવા મળે છે? આધુનિકતાના આક્રમણ વચ્ચે પણ ટકી રહ્યો હોય એવો દેશનો મોટામાં મોટો ખાટલો જોવો હોય તો પંજાબના પવિત્ર શહેર અમૃતસર જવું પડે. અમૃતસરના શાસ્ત્રીનગરના ટેલિફોન એક્સચેન્જ પાસે છાપરા નીચે રાખવામાં આવેલા આ તોતિંગ ખાટલા ઉપર એક સાથે ૧૦૦ માણસ બેસી શકે છે. લગભગ ૭૦-૮૦ વર્ષ પહેલાં સાગના મજબૂત લાકડામાંથી બનાવવામાં આવેલા આ જંગી ખાટલા પર દરરોજ કેટલાય લોકો ધર્મ, જાતિ કે કોમના ભેદભાવ વગર બેસે છે અને અલકમલકની વાતો કરે છે. ઉપર સિલીંગ ફેન પણ ફરતા હોય છે એટલે ફરફરાટ હવા આવે છે. આ ખાટલો જોઈને કહેવું પડે કે-
કેવો ખમતીધર કહેવાય ખાટલો
સો સોને બેસાડે ખાટલો.
માત્ર ભણતરને બદલે ગણતરથી વિદ્યાર્થીઓનું ચણતર
જીવનના મજબૂત ચણતર માટે માત્ર ભણતર નહીં ગણતર પણ જરૂરી છે. આપણી આસપાસ એવા કૈક લોકો નજરે પડશે જે ભણ્યા નહીં પણ ગણ્યા, એટલે જ સફળ થઈ મહેલ ચણ્યા. જીવનના ઘડતરનું મહત્ત્વ સમજીને જ લદ્દાખમાં ઠોઠ નિશાળીયાઓ માટે એક અનોખી સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ચીલાચાલુ સ્કૂલો કરતા જુદી સેકમોલ (સ્ટુડન્ટસ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ) નામની સ્કૂલમાં ઠોઠ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે. ખાવા-પીવાના મહિને બે હજાર રૂપિયા લેવાય છે, બાકી બીજી કોઈ ફી નથી. આ સ્કૂલ 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મથી જાણીતા બનેલા અને લદ્દાખના વિકાસ માટે સતત ઝઝૂમતા સોનમ વાંગચુકે શરૂ કરી કરી છે. આ નિશાળમાં સ્ટુડન્ટસને પ્રેકિટકલ સાયન્સનું નોલેજ અપાય છે. ઉપરાંત સામાજિક મુદ્દા, બાગકામ, પશુ-પ્રાણીની સંભાળ, પર્યાવરણની રક્ષા તેમ જ પહાડી ઈલાકાનાં ગીત, સંગીત નૃત્યની તાલીમ આપવામાં આવે છે. ૨૦ એકરમાં ફેલાયેલું સ્કૂલનું કેમ્પસ સૌર ઉર્જાથી ચાલે છે. આ સ્કૂલનું મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ જ સંભાળે છે. શહેરોમાં લાખો રૂપિયાની ફી અને કોચિંગ કલાસના પૈસા ખર્ચીને મા-બાપ સંતાનોને ભણવા મોકલે છે અને જ્યારે એજ્યુકેશન સિસ્ટમનું વ્યાપારીકરણ જ થઈ ગયું છે ત્યારે પહાડી રણમાં આ અનોખી સ્કૂલ મીઠી વીરડી જેવી છે.
દારૂના આપે દાખલા ત્યાં વાગે ભણતરની ભૂતાવળના ડાકલા
એક જમાનામાં લાલુશાહીનું રાજ હતું એ બિહારની એક શિક્ષિકાએ શું કર્યું, ખબર છે? હિન્દી કહેવતોના અર્થે દારૂના દાખલા આપી વિદ્યાર્થીઓને સમજાવ્યા, બોલો! બિહારમાં દારૂબંધી છે એ સહુ જાણે છે. આ જ બિહારના મોતિહારી જિલ્લાની જમુઆત ગામની મિડલ સ્કૂલની શિક્ષિકાએ 'હાથ-પાંવ ફૂલના' આ કહેવતનો અર્થ સમજાવતા કહ્યું કે સમયસર દારૂ ન મળે તો હાથ-પાંવ ફૂલના એટલે કે શરીરની નસો તૂટે છે. 'કલેજા ઠંડા હોના'નો અર્થ થાય શરાબના બે પેગ પેટમાં ગયા પછી ટાઢક થાય. 'નેકી કર ઔર દરિયા મેં ડાલ...'નો અર્થ થાય દોસ્તોને મફતમાં દારૂ પીવડાવવો.
ટીચરની આવી ફટીચર હરકતને લીધે હો-હા મચી ગયા પછી શિક્ષણ અધિકારીએ ખુલાસો માગ્યો કે આવું કેમ કર્યું? બસ, બીજું કાંઈ નહીં. બહુ બહુ તો સરકારી રાહે તપાસ થાય ત્યારે ખરી. બાકી તો આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે જે માના સ્તર સુધી જઈ ભણાવે એ સાચા મા-સ્તર. બાકી તો આજે કેટલાય સ્તર વિનાના માસ્તર ભટકાય છે. એવી જ રીતે બિહારની આ માસ્તરાણી શરાબના ખયાલોમાં મસ્ત રહીને મસ્તરાણી બની વ્યસનની વાતું શીખવતી રહી એ કેટલું શરમજનક કહેવાય? આ સાંભળીને કહેવું પડે કે-
બિહારમાં દારૂના આપે દાખલા
ત્યાં ભણતરની ભૂતાવળના
વાગે ડાકલા.
રેલગાડી જેવાં લાંબા સ્ટેશનનાં નામ
રેલગાડી... રેલગાડી... બીચવાલે સ્ટેશન બોલે રૂક રૂક રૂક રૂક... 'આશીર્વાદ' ફિલ્મમાં બાળકોની છૂક છૂક ગાડી બનાવી અશોકકુમાર આ ગીત ગાતા જાય છે એ સાંભળવાની કેવી મજા પડે છે! અડધી સદી પહેલાં હરીન્દ્રનાથ ચટ્ટાપાધ્યાએ લખેલા આ રેપસોંગમાં 'સોલાપુર-કોલ્હાપુર... માલેગાંવ-તાલેગાંવ...' એવાં સ્ટેશનોના નામના એટલાં સુંદર પ્રાસ બેસાડવામાં આવ્યા છે કે એક વાર સાંભળીએ તો યાદ રહી જાય... પણ આજે આ ગીત લખવાનું શક્ય નથી, કારણ કે તરત જીભે ચડી જાય એવા છેલ્લા અનેક દાયકાઓથી જાણીતા હોય એવાં રેલવે સ્ટેશનનાં નામો બદલીને લાંબાલચક નામો કરી દેવામાં આવ્યાં છે. મુગલ-સરાઈનું નામ બદલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય રેલવે જંકશન કરવામાં આવ્યું છે. દક્ષિણની વાત કરીએ તો તામિલનાડુમાં મદ્રાસ નામ કેવું જાણીતું હતું? મદ્રાસ નામ બદલીને ચેન્નઈ કર્યું એનો વાંધો નહોતો. પણ પછી નામ બદલીને પુરાત્વી થલાઈવર ડોકટર એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન કરી નાખવામાં આવ્યું છે. હવે અજાણ્યો માણસ તામિલનાડુના પ્રવાસે જાય તો ચેન્નઈ સ્ટેશનને ગોતતો જ રહેને? આંધ્ર પ્રદેશમાં તો એક રેલવે સ્ટેશનનું નામ છે વેંકટનરસિમ્હરાજુપરીપેટા. જરા વિચાર કરો કે ટ્રેન ઉપડવાની તૈયાર હોય અને કોઈ માણસ આ સ્ટેશનની ટિકિટ લેવા ટિકિટબારી પર જાય અને આટલું લાબું નામ બોલે ત્યાં ટ્રેન ઉપડી જ જાય કે નહીં? ૨૮ અક્ષરનું નામ કોને યાદ રહે? જીભની જલેબી થઈ જાય એવાં નામોને બદલે ટૂંકુંને ટચ નામ હોય તો કેવું જીભે ચડી જાય! સૌથી ટૂંકું નામ ક્યા સ્ટેશનનું એવું કોઈ પૂછે તો ઓડિશાના ઈબનું નામ આપી શકાય. અંગ્રેજીમાં આઈબી બે અક્ષર અને ગુજરાતીમાં પણ ઈબ બે અક્ષર. જો કે આઈ.બી.એ ઈન્ટેલિજન્સ બ્યુરોનું શોર્ટફોર્મ પણ છે. એકવાર આઈબીના સપાટામાં આવે એ લાંબા થઈ જાય, પણ આપણને તો ટચુકડા ઈબ નામથી મતલબ. જરાય ન નડે, જીભે ચડે અને કાને પડે એવાં નામ પડે તો કેવી મજા પડે!
પંચ-વાણી
જ્યાં જ્યાં નજર મારી ઠરે
ત્યાં ત્યાં નેતાની નિષ્ઠા ફરે.