બાબા બૌખનાગના કોપને લીધે મજૂરો ટનલમાં ફસાયા?
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો ૧૭ દિવસ બાદ હેમખેમ બહાર આવ્યા ત્યારે કરોડો દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારેે ટનલ અકસ્માત થયો ત્યારે ઉત્તરકાશીના લોકોએ તેને બાબા બૌખનાગનો કોપ માન્યો હતો. બાબા બૌખનાગનો પહાડી લોકો અસીમ આસ્થા ધરાવે છે. એટલે જ જ્યારે યમનોત્રી નેશનલ હાઈવે પર ટનલનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું ત્યારે ત્યાં બાબા બૌખનાગ દેવતાનું નાનકડું મંદિર સ્થાપવામાં આવ્યું હતું. દરેક શ્રમિકથી માંડીને અધિકારીઓ મંદિરના દર્શન કરી ટનલમાં પ્રવેશી કામ શરૂ કરતા હતા. સ્થાનિકોના કહેવા મુજબ દિવાળી પહેલાં ટનલનું નિર્માણકાર્ય કરતી કંપનીએ બાબાનું મંદિર હટાવ્યું હતું. ટનલ ઉપરની પહાડી પર બાબા બૌખનાગનું પ્રાચીન મંદિર આવેલું છે. ટનલના મુખ પાસેનું નાનું મંદિર હટાવ્યા પછી તરત જ ટનલ હોનારત થઈ હતી અને ૪૧ શ્રમિકો ૧૭ દિવસ સુધી સલવાઈ ગયા હતા. આ બધા હેમખેમ બહાર આવ્યા પછી સ્થાનિકોની ધાર્મિક આસ્થાનું માન રાખી નવું મંદિર ઊભું કરવાનો ઉત્તરાખંડ સરકારે નિર્ણય કર્યો છે, એવી માન્યતા છે. બૌખનાગની ઉત્પત્તિ વાસુકી નાગના રૂપમાં થઈ હતી. એવી પણ માન્યતા છેે કે ભગવાન શ્રીકૃષ્ણ સેમ-મુખેમની પહેલાં આ સ્થળે પહોંચ્યા હતા. એટલે એક વર્ષ પહાડી લોકોનો લોકમેળો સેમ-મુખેમમાં અને બીજા વર્ષે બૌખનાગ મંદિરમાં યોજાય છે. જેઠ મહિનામાં બાબા બૌખનાગ પાલખીમાં બેસીને પહાડી વિસ્તારનું ભ્રમણ કરે છે. ઉત્તરકાશીના પહાડીઓએ કહેલું કે બાબાનો કોપ ઉતરતાં આ હોનારત થઈ હતી, પરંતુ આજના સંદર્ભમાં કહીએ તો પ્રકૃતિ એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એટલે પહાડો ચીરી ભૂગર્ભ ટનલો ખોદી કે પછી ઘાટના રસ્તા તૈયાર કરી પ્રકૃતિ સામે ખીલવાડ કરવામાં આવે તો કોપ ઉતર્યા વિના રહે જ નહીંને?
પક્ષીઓ બને નશેડી
કોઈ માણસ નશો કરે પછી હવામાં જાણે ઉડવા માંડે છે, પણ હવામાં ઉડનારા પક્ષી નશો કરી ચકરી ખાઈને પડે ત્યારે કેવું આશ્ચર્ય થાય! આ હકીકત છે રાજસ્થાનના અફીણ ઉગાડતા ક્ષેત્રની. અફીણ ઉગાડનારા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. કારણ, પોપટ અને બીજાં પક્ષીઓ અફીણના ડોડા સફાચટ કરી જાય છે. હવે તો જાણે પોપટ અને બીજાં પક્ષીઓને અફીણના નશાની લત લાગી ગઈ છે. કેટલાય પક્ષીઓ તો અફીણના ડોડા તોડીને ચાંચમાં દબાવી ઉડી જાય છે અને પછી ઝાડ પર બેસી નિરાંતે ખાય છે. આ નશેડી પક્ષીઓના ત્રાસ સામે અફીણના પાકનું રક્ષણ કરવા માટે ઘણા ખેડૂતો આખા ખેતરને જાળીથી ઢાંકી દે છે. નશેડી પક્ષીઓનો કિસ્સો વાંચ્યા પછી કહેવું પડે કે-
નશો પક્ષીઓનેે
જેમ તેમ ઘુમાવે છે,
નશો કરતો માણસ
બધું ગુમાવે છે.
શરીરમાં આવી જાય કાંટો,
જો મારો ટી-સિટીનો આંટો
ચા એવું પીણું છે જાણે ચાની ચાહવાળાની નસેનસમાં વહે છે. કડકમીઠી, બાદશાહી, મસાલાવાળી, બાસુંદી ચાય, ઈલાયચીવાળી ચા, ગ્રીન ટી, પહાડી ચાય... આવી તો ગણી ગણાય નહીં એટલા પ્રકારની ચા આપણાં દેશમાં પીવાય છે. નાની ટપરીથી માંડીને હરતીફરતી લારીમાં, નાની હોટેલથી મોટી સ્ટાર હોટેલમાં, ટ્રેનથી માંડીને પ્લેનમાં લોકો મજેદાર ચાની ચુસ્કી મારતા હોય છે, પણ ભારતમાં ટી-સિટી નામથી કયું શહેર જાણીતું છે એવો સવાલ કોઈ ચાનો ચાહક પૂછે તો વગર વિચાર્યે જવાબ આપી દેવાનો કે આસામનું દિબુ્રગઢ ટી-સિટી તરીકે ફેમસ છે, આમ તો દેશ અને દુનિયાને વધુમાં વધુ ચા આસામ રાજ્ય પૂરી પાડે છે, એમાંય સૌથી વધુ ચા દિબુ્રગઢથી આવે છે એટલે તે ટી-સિટીના નામે ઓળખાય છે. દિબુ્રગઢમાં પહાડી ઢોળાવ પર આવેલા ચાના બગી-ચાનું કુદરતી સૌદર્ય માણવા અને અસલ સોડમ અને સ્વાદવાળી ચા ટેસ્ટ કરવા દુનિયાભરમાંથી સહેલાણીઓ આવે છે. આસામમાં સસ્તીથી માંડીને સોનાના ભાવની ચા મળે છે. આ વર્ષે એક શ્રેષ્ઠ ક્વોલિટીની ચાનું ૭૫ હજાર રૂપિયે કિલોના ભાવે લીલામ થયું હતું. કોંગ્રેસી નેતાએ નરેન્દ્ર મોદીને ચાયવાલા તરીકે ટોણો માર્યો અને સત્તા-બત્તા બધું ગુમાવ્યું, કારણ ચાયવાલાએ વડાપ્રધાન બનીને દેખાડી દીધું કે પોતે 'સચ્ચાઈવાલા' છે. કટ્ટર દુશ્મન ચાયનાની પણ ચૂં કે ચાં ચાલવા દેતા નથી. ચાયના દુશ્મન ખરૃં, પણ ચાય-ના ચાહકો ચાયના બંધાણથી બચાય-ના. ટી-સિટી વિશે જાણી ચાની ચૂસ્કી લેતાં લેતાં કહેવાનું મન થાય કેઃ
શરીરમાં આવી જાય કાંટો,
જો મારો ટી-સિટીનો આંટો.
રમવાની સજા મોત!
સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઝમઝમ... જુના વખતમાં માસ્તરો સોટી ફટકારીને વિદ્યાર્થીઓને ભણાવતા, પણ આજના જમાનામાં તો કોઈ શિક્ષક વિદ્યાર્થી ઉપર હાથ ઉપાડે ત્યાં તો હોબાળો મચી જાય છે અને અવારનવાર આવા મામલા પોલીસ સુધી પણ પહોંચે છે. કારણ, આજનો જમાનો સમજાવટથી શિક્ષણ આપવાનો છે, કાંઈ વિદ્યાર્થીને ફટકારી ફટકારી તેનું ફ્યુચર બનાવવાનો નથી. આમ છતાં આજે પણ કોઈક મારકણા માસ્તર મળી આવે છે.
તાજેતરમાં જ ઓડિશાના જાજપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના માસ્તરે ચોથા ધોરણમાં ભણતા એક સ્ટુડન્ટને તેના ચારેક દોસ્તો સહપાઠી સાથે મેદાનમાં રમતો જોયો. ચાલુ સ્કૂલે બહારના મેદાનમાં વિદ્યાર્થીને રમતો જોઈ માસ્તરનો પિત્તો ગયો, અને એમણે ભરબપોરે ઉઠ-બેસ કરવાની સજા ફટકારી. ઉઠ-બેસ કરી હાંફી ગયેલા આ વિદ્યાર્થી અચાનક ફસડાઈ પડયો અને હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ અરેરાટીપૂર્ણ ઘટના વિશે જાણીને કહેવું પડે કે-
માના સ્તર સુધી પહોંચી
ભણાવે એ સાચા માસ્તર જ તારે,
બાકી તો સ્તર વગરના કૈંક
માસ્તર અમથાં અમથાં મારે.
પંચાયતના સભ્યોએ મહિલા પાસે પોતાના જૂતા ચટાવ્યા
અંતરિયાળ ગ્રામ-વિસ્તારોમાં મહિલાની કેવી અવદશા કરવામાં આવે છે તેનો અરેરાટીપૂર્ણ કિસ્સો ઝારખંડ રાજ્યના ગઢવા જિલ્લાના ગામડામાં બન્યો છે. ગામડાની પંયાચતે લઘુમતી સમાજની મહિલા ઉપર પરપુરૂષ સાથે અનૈતિક સંબંધનો આરોપ મૂક્યો. સાથે એવો પણ આક્ષેપ કર્યો કે તે મેલી વિદ્યા અજમાવે છે.મહિલાએ અને તેના પતિ બન્નેએ આ આરોપો નકાર્યા છતાં બન્નેને મધરાતે બોલાવવામાં આવેલી પંચાયતની બેઠકમાં બળજબરીથી હાજર કરવામાં આવ્યા. પહોલાં તો પરપુરૂષ સાતે અનૈતિક સંબંધ અને જાદુ-ટોણા અજમાવવાની સજા તરીકે જોડાંથી ફટકારવામાં આવી. ત્યાર બાદ ૧૦૦ ઉઠ-બેસ કરાવવામાં આવી અને ૫૬ હજારનો દંડ કરવામાં આવ્યો. પંચાયતના પાપીઓને આટલી સજા કર્યા પછી પણ સંતોષ ન થયો એટલે પછી કાકલૂદી કરતી અને રોતી-કકળતી મહિલાને પંચાયતના સભ્યોના પગરખાં પર થૂંકીને ચાટવાની સૌથી આકરી સજા કરવામાં આવી. સૌથી શરમજનક બાબત એ છે કે પહેલાં તો પોલીસે મહિલાની ફરિયાદ નોંધવાનો જ સાફ ઈન્કાર કરી દીધો. પછી મહિલાએ ઓનલાઈન ફરિયાદ કર્યા પછી ૮ જણ વિરુદ્ધ એફઆઈઆરની નોંધ થઈ. એક અંગ્રેજી અખબારે જેની નોેંધ લીધી એવી આ અત્યંત શરમજનક ઘટના વિશે જાણીને કહેવું પડે કે-
મહિલાના સન્માનને બદલે
કરે જે અપમાન,
એવાં ઝારખંડના આ જાલીમો
ઈન્સાન નહીં પણ હેવાન.
પંચ-વાણી
સઃ ચૂંટણી વખતે નોટ પહોંચાડી વોટ મેળવાય એને ગુજરેજીમાં શું કહેવાય?
જઃ 'નોટ' રિચેબલ.