પાણીપુરીને અમેરિકામાં આવકાર અને ઘરઆંગણે ગોળીબાર

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
પાણીપુરીને અમેરિકામાં આવકાર અને ઘરઆંગણે ગોળીબાર 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

પાણીપુરીની વાત જ ન્યારી છે. ગામડાથી માંડીને શહેર સુધી, શેરીથી માંડીને મોલ સુધી, લગ્ન-સમારંભોથી માંડીને કોર્પોરેટ કંપનીઓના ફંકશન સુધી પાણી-પુરી પૂરેપૂરી પહોંચી છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટના સત્તાવાર આવાસ વ્હાઈટ હાઉસમાં પણ પાણીપુરીએ પગપેસારો કર્યો છે. વ્હાઈટ હાઉસમાં આ વખતે પણ મે મહિનામાં એશિયનો, નેટીવ હવાઈયનો અને પેસિફિક દેશોના વતનીઓ માટે ઉજવાયેલા હેરિટેજ મન્થના જલ્સામાં 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા...'ની સૂરાવલિ વચ્ચે લોકોએ ટેસ્ટી પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં આ વ્હાઈટ હાઉસમાં વસતા તત્કાલીન પ્રેસિડેન્ટને પાણી દેખાડી દીધું હતું ને? હવે પાણી સાથેની પુરી પણ જોવા મળી.

બીજી બાજુ ઘરઆંગણે ઉત્તરપ્રદેશના એક શહેરમાં પાણીપુરી ખાવાને મામલે ઝઘડો થયા બાદ બે જૂથ સામસામે આવી ગયા અને વાત વધી પડતા છૂટા હાથની મારામારી થઈ, એટલું જ નહીં, મકાન-માલિકે છત પર ચડીને પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ગોળીબાર કર્યો. માંડ બધું થાળે પડયું ત્યારે દસ-બાર જણા ઘાયલ થયા હતા તેને સારવાર માટે દવાખાને લઈ જવા પડયા. ઉત્તરપ્રદેશમાં પાણીપુરીને ગોલગપ્પા કહે છેને? એટલે લોકોએ વાતવાતમાં વાત વધી પડી એ પરથી જોડકણું પણ બનાવી દીધું કે-

ગોલગપ્પે ખાતે જાઓગે

તો ખાની પડેગી ગોલી,

સુધર જાવ ઔર 

કન્ટ્રોલ મેં રખો અપની બોલી.

દિલ તૂટયું તો

બિલ મોકલ્યું

તૂટેના દિલ તૂટેના... દિલ તોડનેવાલે તુઝે દિલ ઢૂંઢ રહા હૈ... મેરે તૂટે હુએ દિલ સે કોઈ તો આજ યે પૂછે... ફિલ્મી પડદા પરના પ્રેમમાં પ્રેમીનું દિલ તોડી પ્રેમિકા ચાલી જાય ત્યારે ભગ્ન હૃદયે પ્રેમીના કંઠેથી આવા દર્દભર્યાં ગીતો રેલાતાં હોય છે, પરંતુ વાસ્તવિક જીવનમાં એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રેમીનો સાથે છોડી પ્રેમિકા ચાલી ગઈ  ત્યારે આ ભાઈ રોદણા રોતો ગીતો ગાતાં બેસી ન રહ્યા પછી  પ્રેમિકા પાછળ કેટકેટલો ખર્ચ કર્યો તેનું લાંબુલચક બિલ મોકલી દીધું. 

સાત મહિના આ પ્રેમસંબંધ રહ્યો એ દરમ્યાન બર્થ-ડે ગિફટ ઉપરાંત જુદી જુદી બાબતે પ્રેમિકા પાછળ કરેલા ૬૦ હજાર રૂપિયાના ખર્ચનું બિલ ૧૮ ટકા જીએસટી ઉમેરીને પાઠવ્યું. પ્રેમિકાને એટલી સગવડ આપી કે તે ચાહે તો હપ્તેથી બિલ ચૂકવી શકે છે. સોશિયલ મીડિયામાં આ બિલ વીજળીવેગે વાઈરલ થયું. આને કારણે જેમનું બ્રેકઅપ થયું હોય એવા પ્રેમીઓને પણ આ રીતે બિલ વસૂલ કરવાની પ્રેરણા મળશે એવી પણ ટકોર કરવામાં આવી. હવે 'હમ દિલ દે ચૂકે સનમ' ને બદલે નવી ફિલ્મ આવશે - 'હમ બિલ દે ચૂકે સનમ'...

સત્તર મિનિટમાં

સાદી શાદી

'લે જાયેંગે લે જાયેંગે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે...', 'બહારોં ફૂલ બરસાઓ  મેરા મહેબૂબ આયા હૈ...' બેંડવાજામાંથી રેલાતાં આવાં ગીતોની સૂરાવલી, ફટાકડાના ધૂમધડાકા અને સૂર-તાલને સથવારે નાચતા જાનૈયાઓ સાથે નીકળેલી બારાત લગ્ન-મંડપ પર પહોંચે અને ત્યાં ધામધૂમથી લગ્નવિધિ  થાય આ દ્રશ્ય બધે જોવા મળશે, પરંતુ  રાજસ્થાનના દૌસામાં તાજેતરમાં જ અનોખાં લગ્ન પાર પડયાં હતાં. 

બે બહેનો સાથે બાજુના ગામે રહેતા બે ભાઈઓના લગ્ન નક્કી  થયા હતા. બન્ને પરિવારે નક્કી કર્યું કે લગ્ન-સમારંભ પાછળ કોઈ ખોટા કે મોટા ખર્ચા નથી કરવા, એકદમ સાદાઈથી લગ્ન કરવાં છે. નિર્ધારિત તારીખે બન્ને દુલ્હારાજા જાન લઈને નહીં પણ પ્રાઈવેટ કારમાં પરિવારજનો સાથે પહોંચ્યા. બન્ને શિક્ષિત વરરાજા અને નવવધૂ સંત રામપાલ મહારાજના મંત્રો અને દેવી-દેવતાઓના શ્લોકો સંભળાવવામાં આવ્યા. ફેરા પણ ફેરવવામાં ન આવ્યા. નવયુગલોએ વડીલોના આશીર્વાદ લીધા. ના તો કોઈ ભેટ સ્વીકારવામાં આવી કે ના તો મીઠાઈથી મોઢું મીઠું કરાવવામાં આવ્યું. માત્ર ૧૭ મિનિટમાં લગ્નવિધિ પૂરી થઈ ગઈ હતી. ચટ મંગની પટ બ્યાહ એવી હિન્દીમાં કહેવત છે ખરી, પણ આટલાં ઓછા સમયમાં અને આટલી સાદાઈથી કદાચ આ પહેલાં જ લગ્ન થયાં. લગ્નો પાછળ બેફામ ખર્ચ કરવાવાળા આ સાદી શાદીમાંથી ઘડો લે તો કેટલા પૈસાની બરબાદી થતી બચી જાય? એટલે જ કહેવું પડે કે શાદી અને ગાદી પાછળ પૈસા વેડફવાનો અર્થ નથી-

સત્તર મિનિટમાં જ જો

પાર પડે સાદી શાદી,

તો કેટલી બચી જાય

પૈસાની બરબાદી? 

બંદર શક્કર ખાતે  હૈં ઔર ભાગ જાતે હૈં

યે 'મન્કી' બાત હૈ, બંદર શક્કર ખાતે  હૈં ઔર ભાગ જાતે  હૈં... અલીગઢમાં હમણાં આ વાક્ય વારંવાર કાને પડે છે. શું કામ, ખબર છે? વાનરોની જીભે મીઠી સાકરનો સ્વાદ એવો લાગ્યો કે સહકારી સાકર કારખાનાના ગોદામમાંથી કેટલાય ટન સાકર ચટ કરી ગયા, બોલો! એવું કહેવાય છે કે ગોદામની કોઈ બારી ખુલ્લી રહી ગઈ હશે એટલે એમાંથી ઘૂસેલા બે-ચાર વાનરોની ટીમે બોરી ફાડીને સાકર ખાદી હશે પછી તો જંગલ મીડિયામાં કોણ જાણે સાકરના ભંડારની વાત એવી તો ફેલાઈ ગઈ કે વધુને વધુ વાનરો ખાંડ ખાવા આવવા માંડયા.લગભગ એક મહિના સુધી ખાંડની આ ખાઈકી એવી ચાલી એવી ચાલી કે કેટલાય ટન સાકર ખલાસ થઈ ગઈ.

 નરની જેમ વાનર સેનાને કયાંક ટાયાબિટીસ ન થાય તો સારૃં. લોકસભાની ચૂંટણીનું પરિણામ આપ્યું એ પહેલાં બંદરોએ ધરાઈને એવું મીઠું મોઢું કરી લીધું કે હવે બધે આ 'મન્કી-બાત' ચર્ચાય છે.

પંજાબમાં સ્ટેચ્યુ

ઓફ લિબર્ટી

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ક્યાં છે એવો કોઈ સવાલ કરે તો તરત જવાબ મળે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકામાં છે. પરંતુ કોઈ પંજાબવાસી કહે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમારા પંજાબના તરણતારણમાં છે તો પહેલાં કાન ઉપર વિશ્વાસ ન બેસે, પણ આ હકીકત છે એમાં એવું બન્યું કે પંજાબના એક પરિવારને અમેરિકા સેટલ થવા માટે જવું હતું, પણ વિઝા ન મળ્યા. એટલે આ પરિવારે ન્યુયોર્કમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પ્રતિમા છે એવી જ પ્રતિમા ઘરની અગાસીમાં પાણીની ટાંકી ઉપર  ગોઠવી દીધી, આમ તેઓ મનોમન જાણે અમેરિકામાં હોય એવો અનુભવ કરે છે. દૂર દૂરથી લોકો આ સ્ટેચ્યુ જોવા આવવા માંડયા છે. પંજાબીઓ અને  સિખો મોટી સંખ્યામાં ઈંગ્લેન્ડ, કેનેડા અને અમેરિકામાં સ્થાયી થયા છે. આમાંથી ઘણાંખરા પરિવારોએ પોતાના વતનના ગામે ઘરોની ઉપર બિગબેન ટાવર, એરોપ્લેન અને બીજાં જાણીતાં સ્થળોના જંગી શિલ્પો ગોઠવ્યાં છે. આ જોઈને પંજાબમાં પણ જાણે પરદેશમાં હોય એવો ભાસ થાય છે.

પંચ-વાણી

ચૂંટણી વખતે આચાર-સંહિતા

ચૂંટણી પછી લોકોની 

લાચાર-સંહિતા


Google NewsGoogle News