વરરાજા ખુદ બન્યા ગોર મહારાજ .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
લગનગાળો પૂરજોશમાં ચાલતો હોય ત્યારે ગોર મહારાજોની જબરી ડિમાન્ડ હોય છે. ગોર મહારાજો ચાર- ચાર પાંચ- પાંચ જગ્યાએ દોડાદોડ કરીને વર- કન્યાને પરણાવી ધીંગી દક્ષિણા મેળવતા હોય છે. મુંબઈ જેવાં મહાનગરોમાં તો ગણેશોત્સવના તહેવાર વખતે પુરોહિતોની એટલી બધી ડિમાન્ડ હોય છે કે પુણે કે બીજા ગામેથી પુરોહિતોની આયાત કરવી પડે છે. લગ્નવિધિ હોય કે ધાર્મિકવિધિ હોય એમાં ગોર મહારાજો વિના ચાલે જ નહીં ને! જોકે ગોર મહારાજ વિના લગ્ન પાર ન પડે એ વાત એક યુવકે ખોટી પાડી હતી.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પરણવા બેઠેલા એક વરરાજા પોતે જ ગોર મહારાજ બની ગયા હતા. રામપુરના મનિહારન ગામના નિવાસી વરરાજાએ વૈદિક મંત્રો અને શાસ્ત્રોકત વિધિનું શિક્ષણ મેળવ્યું હોવાથી તેમણે પોતે જ લગ્નની દરેક વિધિના મંત્રો બોલીને લગ્ન સંપન્ન કર્યા હતા. ગોર મહારાજ વિના દુલ્હારાજા પોતે જ કડકડાટ લગ્નવિધિના મંત્રો બોલતા હતા એ વીડિયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાઈરલ થયો હતો. આપણામાં કહેવત છે ને કે વાંઢો પહેલાં પોતાનું જ કરે. એવી રીતે વરરાજાએ પોતે જ ગોર મહારાજનું સ્વરૂપ ધારણ કરી પોતાના લગ્ન પાર પાડયા એ જોઈને જોડકણું કહેવું પડે-
દુલ્હારાજા છોડીને તાજ
જો બને ગોર મહારાજ
તો કોઈ લગ્ન મોડા પડે નહીં આજ
મર્દ કો ભી દર્દ હોતા હૈ
ગમે એવો મર્દ માણસ હોય તો પણ એને દર્દ તો થાય જ ને! મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા ત્યારે ભારે ઈન્જેકશન અપાતા બિગ બીના મુખમાંથી ઉંહકારો નીકળી ગયો હતો. એ વખતે ડોક્ટરોની ટીમમાંના એક ગુજરાતી ડોક્ટરે હળવેકથી પૂછયું હતું ઃ મર્દ કો ભી દર્દ હોતા હૈ? ત્યારે બચ્ચનજીએ સ્માઈલ આપ્યું હતું. શારીરિક દર્દની જેમ ઘણીવાર માનસિક દર્દ પણ અસહ્ય બની જતું હોય છે, અને એમાં પણ એ દર્દ પત્ની તરફથી આપવામાં આવતું હોય ત્યારે હસબન્ડની કેવી હાલત થાય! ઘરેલુ હિંસાના કેટલાક ચોક્કસ કેસમાં અને કિસ્સામાં પતિ માનસિક, શારીરિક અને આર્થિક દબાણનો શિકાર થઈ રહ્યો છે અને ઘણીવાર આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે એવી સ્થિતિ સામે અવાજ તો ઉઠાવવા થોડા સમય પહેલાં જ સુરતમાં પત્ની પીડિત પતિઓનું સંગઠન રચાયું છે. આ સંગઠન તરફથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે જુદાં જુદાં પ્લેકાર્ડમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. એક પ્લેકાર્ડમાં લખ્યું હતું કે મર્દને પણ દર્દ થાય. બીજા પ્લેકાર્ડ પર લખ્યું હતું કે મેન ઈઝ નોટ અન એટીએમ. સુરતમાં તો પત્ની પીડિત સંગઠને માત્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે થોડાં વર્ષ પહેલાં કેટલાય પીડિત પતિદેવોએ છૂટાછેડા લઈને પત્નીના ત્રાસમાંથી છૂટકારો મેળવ્યા પછી વારાણસી જઈને જીવતી ભૂતપૂર્વ પત્નીઓનું સામૂહિક પિંડદાન કર્યું હતું.
'બેન્ક' લૂંટનાવાલે જાદુગર અબ મૈંને તુઝે પહચાના હૈ
દિલ લૂંટનેવાલે જાદુગર, અબ મૈને તુઝે પહેચાના હૈ... ૧૯૫૯માં આવેલી 'મદારી' ફિલ્મનું આ લોકપ્રિય ગીત-સંગીત શોખીનોને યાદ હશે. આ ગીત અત્યારે યાદ કરવાનું બીજું કારણ છે. કાનપુરનો એક સ્ટુડન્ટ પોતાની ગર્લફ્રેન્ડને એકદમ મોંઘી કાર ભેટ આપી ખુશ ખુશ કરી શકે એટલા માટે ચાકૂ લઈને એક નેશનલાઈઝડ બેન્ક લૂંટવા માટે પહોંચી ગયો. એની હિમ્મત તો જુઓ! મોઢે માસ્ક લગાડીને બેન્કમાં ઘૂસેલા વિદ્યાર્થીએ ચાકૂથી બેન્કના ત્રણ કર્મચારી પર હુમલો કર્યો, પણ બેન્કના સિક્યોરિટીવાળા યુવકે માસ્ક પહેર્યું હોવા છતાં ઓળખી ગયા કે આ કોઈ રીઢો લૂંટારૂ નથી લાગતો, કોઈ નવો નિશાળિયો છે. એટલે પૂરી તાકાતથી સામનો કરી મારી મારી ખોખરો કરી નાખ્યા પછી પોલીસને હવાલે કરી દીધો. એટલે 'મદારી' ફિલ્મના ગીતના મુખડામાં દિલ શબ્દની જગ્યાએ બેન્ક શબ્દ ગોઠવી ગાઈ શકાય કેઃ 'બેન્ક' લૂંટનેવાલે જાદુગર અબ મૈંને તુઝે પહેચાના હૈ...
કરવા ચૌથ ફરજિયાત નહીં
પતિવ્રતા સ્ત્રીઓ જુદા જુદા વ્રત કરે છે. એમાં સૌથી લોકપ્રિય વ્રત સંભવતઃ કરવા ચૌથનું છે. પતિદેવતા લાંબા આયુષ્યની કામના સાથે પતિવ્રતાઓ આ વ્રતની ઉજવણી કરે છે. જુદા જુદા વ્રત કરવા એ દરેક સ્ત્રીની મનની મરજીની અને શ્રદ્ધાની વાત છે.
એટલે કોઈને વ્રત પાળવાની ફરજ થોડી જ પાડી શકાય? આમ છતાં એક ભાઈએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરવા ચૌથના વ્રતને મહિલાઓ માટે ફરજિયાત અને અનિવાર્ય બનાવવાની માગણી કરતી અરજી કરી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને અરજદારને એક હજાર રૂપિયાનો દંડ ફટકારી, દંડની રકમ ચંડીગઢની હોસ્પિટલમાં પુઅર પેશન્ટ વેલ્ફેર ટ્રસ્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. બાકી તો આ સંસારમાં જે નસીબદાર હોય તેન ેપતિવ્રતા પત્ની મળે, બાકી નસીબ વાંકા હોય એ કોઈ પતિવ્રતા નહીં, પણ આપત્તિવાળા ભટકાય તો કેવી દશા થાય? પતિદેવે મૂંગે મોઢે ત્રાસ સહન કરીને મૌન- વ્રત પાળવાનો વારો આવે.
રીલ બનાવી માસુમ બેટીની બેઈઝ્ઝતી
મોબાઈલ ફોનમાં સેલ્ફી ખેંચવાની સુનામી પછી હવે રીલ્સ બનાવવાની ઘેલછાએ તો આડો આંક વાળી નાખ્યો છે. ધસમસતી ટ્રેન નજીક જઈ જીવ જોખમમાં મૂકી, જાહેર સ્થળે કે મેટ્રોમાં કપડા ઉતારી કે પછી પતિ- પત્ની વચ્ચેની બેડરૂમની અંગત ક્ષણોની સુધ્ધાં રીલ ઉતારવાવાળાએ બેશર્મીની તમામ હદ વટાવી દીધી છે. યુવક- યુવતીઓ જ નહીં બુઢ્ઢા-બુઢ્ઢીઓ પણ ગરવા નહીં વરવા ડાન્સ કરીને બુઢાપાને બદનામ કરે છે. અધૂરામાં પૂરું કેટલાંક મા-બાપ પોતાના ંમાસૂમ બાળકોની પણ ગમે તેવી રીલ ઉતારીને વાઈરલ કરે છે. તાજેતરમાં આવી જ એક વીડિયો વાઈરલ થઈ હતી જેમાં એકદમ કયુટ બાળકી એકદમ ગુસ્સાના હાવભાવ સાથે મમ્મીને કહે છે કે 'મેરી બેઈઝ્ઝતી કરવાતી હો?' ત્યારે મમ્મી પૂછે છે કે 'કિસને તુમ્હારી બેઈઝ્ઝી કી?' ત્યારે બાળકી જવાબ આપે છે, 'તુમ કરવાતી હો મેરી બેઈઝ્ઝતી, મેરી વીડિયો બનાકર ઔર ફિર સબ કો દિખાકર...' કેવી વસમી વાસ્તવિકતા છે? નાનકડી બેટી સમજે છે કે બેઈઝ્ઝતી થઈ કોને કહેવાય, પણ રીલઘેલી તેની મમ્મી નથી સમજતી.
પંચ- વાણી
સઃ મોર મરી ગયો આ વાક્યને ગુજરાતી અને અંગ્રેજીની મિલાવટવાળી ગુજરેજી ભાષામાં શું કહેવાય?
જઃ મોર નો- મોર.