થાઈલેન્ડમાં ઊભું થયું ગણેશજીનું શહેર
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
વિધ્ન ઊભું કરે એવા વિધ્ન-કર્તા પીટાય અને માવનજાતનું વિધ્ન દૂર કરે એવા વિધ્નહર્તા ઘર ઘરમાં પૂજાય. ગણેશોત્સવમાં રિદ્ધિ-સિદ્ધિના દેવતાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈરહી છે ત્યારે ખરેખર જાણીને નવાઈ લાગે કે વસમા પાડોશી દેશ પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ પણ અનેક વર્ષોથી ગણપતિ ઉત્સવ ઉજવે છે. મુંબઈ અને પુણે સહિતનાં શહેરોમાં ૩૫-૪૦ ફૂટ ઊંચી ઊંચી મૂર્તિઓના સાર્વજનિક ગણેશ મંડળોના મંડપોમાં દર્શન થાય છે. આટઆટલી ઊંચી મૂર્તિઓનું અનંત ચતુર્દશીના દિવસે પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. મહાકાય મૂર્તિઓનાં દર્શન કરીને એવો સવાલ થાય કે ગણેશજીની ઊંચામાં ઊંચી મૂર્તિ કયાં હશે? જરા ખાંખાખોળા કરતા જાણવા મળ્યું કે દુનિયાની સૌછી ઊંચી ગણેશમૂર્તિ થાઈલેન્ડના ખ્લોંગખ્વેન શહેરમાં સ્થપાઈ છે. ઈન્ટરનેશનલ પાર્કમાં સ્થપાયેલી વિઘ્નહર્તાની કાંસ્યમૂર્તિની ઊંચાઈ ૩૯ મીટર છે. આ મૂર્તિ ઘડતાં ચાર વર્ષ લાગ્યાં હતાં. પાર્કમાં શંકર-પાર્વતીની ભવ્ય મૂર્તિના પણ દર્શન થાય છે. ઉપરાંત ગણેશજીની વિવિધ મુદ્રામાં ૩૨ મૂર્તિઓ ગોઠવવામાં આવી છે. દરેક ગણેશ ભક્તને જાણીને ખરેખર આનંદ થાય એવી વાત એ છે કે આ શહેર 'સિટી ઓફ ગણેશ' તરીકે જાણીતું છે. આ જાણીને કહેવું પડે કે-
શહેરમાં ઠેર ઠેર
ગણેશનાં દર્શન થાય,
જ્યારે થાઈલેન્ડમાં ગણેશના
શહેરનાં દર્શન થાય.
રામાયણકાળથી છત્રીનો છાંયો
ગુજરાતમાં આ ચોમાસે ગાંડાતૂર વરસાદમાં છત્રીઓ જ નહીં છાપરાં પણ ક્યાંય ઉડી ગયાં. આવા મુશળધાર વરસાદમાં છત્રીનું શું ગજું? પણ ઝરમર વરસાદમાં છત્રી લઈને લટાર મારવા નીકળવાની મજા જ કંઈક ઔર છે. આજે તો જાતજાતની છત્રીઓ વેચાય છે.
ટુ-ફોલ્ડ અને થ્રી-ફોલ્ડ અમ્બ્રેલા, ઊંધી ખુલે એવી અમ્બ્રેલા, ચાંપ દાબતાંની સાથે જ અંદરનો પંખો ફરવા માંડે એવી 'પંખાળી' છત્રી, અંધારામાં નીકળો તો લાઈટનું અજવાળું ફેંકે એવી છત્રી એમ જાતજાતની અને ભાતભાતની છત્રીઓ વેંચાય છે.
આજની નવી પેઢીને કદાચ ખબર નહીં હોય કે છત્રીનો ઉપયોગ ઠેઠ રામાયણ કાળથી જુદા જુદા સ્વરૂપે થતો રહ્યો છે. પ્રાચીન ભારતમાં રાજા-મહારાજા મહેલની બહાર નીકળે ત્યારે તેમના દાસ માથે છત્ર ધરીને છાંયો કરી પાછળ પાછળ ચાલતા હતા.
એ જમાનામાં આ છત્રને શાહી સન્માનનું પ્રતીક માનવામાં આવતું હતું, આદિ જાતિના લોકો અને વનવાસીઓ વૃક્ષના પાન કે વાંસની ટોપલી જેવી છત્રીઓ ઓઢતા. છત્રીના ઈતિહાસ પર નજર કરીએ તો ફરાસી યાત્રી અને લેખક જોનાસ ડાનવે(૧૭૧૨-૮૬)એ પહેલીવાર ઈંગ્લેન્ડમાં સાર્વજનિક રીતે ૩૦ વર્ષ સુધી ઉપયોગ કર્યો હતો.
આ અમ્બ્રેલાને અત્યારની આધુનિક છત્રીના પૂર્વ જ માની શકાય. અમ્બ્રેલા શબ્દ લેટીન શબ્દ અમ્બરાથી ઉતરી આવ્યો છે. અમ્બરાનો અર્થ થાય છે, છાયા. આફ્રિકી અમેરિકી સંશોધક વિલિયમ કાર્ટરને ૧૮૮૫માં છત્રીની પહલવહેલી પેટન્ટ કરાવી. ત્યાર પછી એક સદી બાદ બંધ થઈ શકે એવી છત્રીઓ બનવા માંડી.
આજે તો દુનિયામાં હજાર રૂપિયાથી માંડીને હીરાજડિત હેન્ડલવાળી લાખોની કિંમતની છત્રીઓ વેંચાય છે. જોકે આપણી જેવા આમઆદમીઓને આટલા ઊંચા ભાવથી કોરા રહેવાનું ન પોયાષ. આપણને તો સાદીને સોંઘી છત્રીમાં 'ભાવથી' ભીંજાવામાં જ મજા આવે.
પાકિસ્તાનમાં જૈનો
પાકિસ્તાનના રાવલપિંડીની એક જૂની અને જર્જરીત ઈમારત ઉપર જૈન શિક્ષણ સંસ્થાનું નામ વાંચીને આશ્ચર્ય થાય, પરંતુ હકીકત એ છે અખંડ ભારતના પંજાબ અને સિંઘ પ્રાંતમાં ગુજરાતી, પંજાબી અને મારવાડી જૈનો મોટી સંખ્યામાં વસતા હતા.
જૈન મંદિરો, જૈન શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ સક્રિય હતી. મુખ્યત્વે વેપાર-વણજ કરતા જૈનોએ આ વિસ્તારોની સમૃદ્ધિમાં સૌથી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. દર વર્ષે પર્યુષણ પર્વની શ્રદ્ધાપૂર્વક ઊજવણી થતી હતી. ભારતના ભાગલા પડયા એ પહેલાં ૧૯૩૫માં રાવલપિંડીના ભાબરા બજાર વિસ્તારમાં શ્રી જૈન ગર્લ્સ હાઈસ્કૂલ (શ્રી જૈન કન્યાશાળા) શરૂ કરવામાં આવી હતી.
જૈન સમાજ દ્વારા ચલાવવામાં આવતી આ સૌથી પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં કોઈ પણ જાતિ કે ધર્મના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. પંજાબ-સિંઘમાં મોટી સંખ્યામાં જૈનો વસતા હતા... પરંતુ દેશના ભાગલા પડયા પછી આજે કેટલા જૈનો પાકિસ્તાનમાં વસે છે એ કોઈ કહી શકે એમ નથી. જો કે જૈન મંદિરો, ઉપાશ્રયો અને ધરમશાળાઓ શિક્ષણ સંસ્થાઓ આજે પણ જૈનોની સંસ્કૃતિ, સમૃદ્ધિ અને સેવાભાવનાની શાખ પૂરતી ઊભી છે.
વાનરને વિધિવત્વિ દાય
કોઈ માણસ તોફાન કરે ત્યારે એમ કહેવામાં આવે છે કે વાંદરાવેડા કરવાનું રહેવા દે, પણ જ્યારે કોઈ વાનર માણસ જેવું ડહાપણ દેખાડે ત્યારે કોઈ કેમ નહીં કહેતું હોય કે વાંદરાએ કેવાં માણસવેડા દેખાડયા? ખૈર બંદરો ભલે તોફાની અને મસ્તીખોર હોય, પણ સૌથી વધુ સમજદાર અને ઈન્ટેલિજન્ટ પ્રાણી છે. અકસ્માતમાં કોઈ વાનર મૃત્યુ પામે તો એનાં 'સગા-વ્હાલાં' શોક મનાવવા ઘટના સ્થળે ભેગા થાય છે. થોડા વખત પહેલાં મથુરા પાસે ટ્રેનની અડફેટે એક વાનરનું મૃત્યુ થયા પછી જે ટાઈમે ટ્રેન પસાર થતી એ ટાઈમે તેની ઉપર પથ્થરમારો કરવા વાનરો ભેગા થતા હતા. કેટલાય દિવસ તેમણે પથ્થરો ફેંકવાનું ચાલુ રાખ્યું હતું. કોઈ જગ્યાએ મંદિરમાં આરતીને સમયે વાનરસેના ભેગી થતી હોય છે. થાઈલેન્ડ બાજુ તો વાનરોને નાળિયેરી પરથી નાળિયેર ઉતારવા રીતસર નોકરીએ રાખવામાં આવે છે. સરકસમાં સડસડાટ સાઈકલ ચલાવતા વાંદરાને જોઈ બાળકો રાજી રાજી થઈ જાય છે. કોઈ હિલ-સ્ટેશનો પર કે મથુરા જેવાં શહેરમાં બંદરો લોકોને ત્રાસ પણ આપતા હોય છે. આ જોઈને કાગડા બધે કાળા ે કહેવત બદલીને કહેવું પડે કે વાંદરા બધે તોફાની.
આવા જ એક વાંદરાનું મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં જીરાપુર ગામે ઠેકડો મારતી વખતે વીજળીના તારને અડી જવાથી મોત થયું. ગ્રામજનો ભેગા થયા અને નક્કી કર્યું કે અકાળે મોતને ભેટેલા વાનરરાજાની વિધિસર અંતિમવિધિ કરવી જોઈએ. ત્યાર પછી મૃત વાનરના શબને નવડાવીને નનામી બાંધવામાં આવી. ત્યાર પછી સ્મશાનયાત્રા કાઢવામાં આવી. આખા ગામના લોકો સ્મશાનયાત્રામાં જોડાયા. ઢોલના તાલે અને ડીજે દ્વારા વગાડવામાં આવતા ભક્તિગીતને સથવારે સહુ સ્મશાન ભૂમિ પહોંચ્યા હતા અને લાકડાની ચિતા ઉપર વાનરરાજાના મૃતદેહને મૂકી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો. વાનરપ્રેમી ગ્રામજનોએ વાંદરાનું મોત સુધાર્યું.
પંચ-વાણી
જે પદને કરે ભ્રષ્ટ
એને તત્કાળ કરો પદભ્રષ્ટ.