Get The App

રંગીલા અને 'જંગીલા' રાજસ્થાનમાં સૌથી મોટી તોપ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
રંગીલા અને 'જંગીલા' રાજસ્થાનમાં સૌથી મોટી તોપ 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

તીર તલવાર ન

ખંજર નીકાલો

જબ તોપ હો મુકાબીલ

તો અખબાર નીકાલો.

તોપનો મુકાબલો કરવો હોય તો અખબાર બહાર પાડો એવી આ શાયરી વાંચેલી. પણ આપણે તો અત્યારે તોપને જ છાપે ચડાવવાની છે. અનેક સદીઓથી દુનિયાભરમાં રણમેદાનમાં તોપો ધણધણતી રહી છે. અત્યારના સમયમાં પણ અત્યાધુનિક તોપ અમોધ શસ્ત્ર ગણાય છે. જંગમાં તોપની અનિવાર્યતા જાણીને એવો વિચાર આવે કે દુનિયાની સૌથી મોટી તોપ ક્યાં હશે? તો આ સવાલનો જવાબ મેળવવા રંગીલા અને 'જંગીલા' રાજસ્થાન તરફ નજર દોડાવવી પડે. વિશ્વની મોટામાં મોટી તોપ જયપુરના જયગઢ કિલ્લામાં ગોઠવાયેલી છે. 'જયબાણ' નામની આ ૫૦ ટન વજનની  તોપ મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય (૧૬૯૯-૧૭૪૩) એ  બનાવડાવી હતી. જયગઢ કિલ્લાની રક્ષા માટેની આ લોખંડી  તોપ બનાવવા માટે લોઢું ગાળવાની ભઠ્ઠી  ઊભી કરવામાં આવી હતી. તોપના બેરલની લંબાઈ ૬.૧૫ મીટર છે અને બેરલનો વ્યાસ ૧૧ ઈંચનો છે. આ ભારેખમ તોપ ખૂબ જ મજબૂત પૈડાં પર ગોઠવાયેલી છે. ૫૦ કિલોથી ૧૦૦ કિલો વજનના બારૂદ ભરેલા ગોળા તૈયાર કરવામાં આવ્યા હતા. 'જયબાણ' તોપની વિશેષતા એ રહી છે કે કોઈ યુદ્ધમાં આ તોપ ફોડવામાં નહોતી આવી. એક જ વાર ટ્રાયલ માટે તોપમાંથી પ્રચંડ ધડાકા સાથે ગોળો છોડવામાં આવ્યો હતો આ તોપગોળો ૪૦ કિલોમીટર દૂર જઈને પડ્યો એ જગ્યાએ રીતસર કૂવા જેવો ખાડો પડી ગયો હતો. તોપની તાકાત જોઈ કહેવું પડે કેઃ

તોપના ગોળાથી પડે ખાડા

કેવી દશા થાય દુશ્મનની  

જો આવે આડા

દંડથી દાઝે ભરાઈ પોલીસ સ્ટેશનની વીજળી કાપી

ઘણીવાર માથાના માણસ આપણને નડતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝીપુરની પોલીસને હેલ્મેટ વગરના માથાનો માણસ નડી ગયો હતો. બન્યુ એવું  કે વીજળી વિભાગના સબ-સ્ટેસનમાં કામ કરતાં જયપ્રકાશ નામનો શખ્સ બપોરે લંચ ટાઈમમાં બાઈક ઉપર ઘરે જમવા જતો હતો પણ હેલ્મેટ પહેરી ન હોવાથી  ટ્રાફિક પોલીસે દંડ ફડકાયો હતો. દંડથી દાઝે ભરાયેલા જયપ્રકાશે ઓફિસમાં જઈ પોલીસ સ્ટેશનના બાકી નીકળતા વીજબિલની રકમ જાણી લીધી હતી અને લાઈન મેનને મોકલી પોલીસ સ્ટેશનનો વીજળી પુરવઠો કાપી નાખ્યો હતો. આમ તો પોલીસ ખાતામાં અંધેર જોવા મળતું હોય છે, પણ આ પોલીસ સ્ટેશનમાં  તો લાઈટ વિના ખરેખર ઘોર અંધારૃં થઈ ગયું. હલચલ મચી ગઈ. બે કલાકના અંધારપટ પછી ખબર પડી કે કોનું કારસ્તાન હતું. ત્યાર પછી તરત વીજ-કનેકશન જોડી દેવામાં આવ્યું ત્યાર પછી અંધકાર દૂર થયો હતો. નામ જય-પ્રકાશ અને પ્રકાશ ફેલાવે અંધેર એ કેમ ચાલે?

લસણમાં ગ્રાહક લૂંટાય અને વેંચનારા પણ લૂંટાય

સજનવા બૈરી હો ગયે હમાર... 'તીસરી કસમ'ના આ અમર ગીતને ફેરવીને ગાવાની નોબત આવી છે કેઃ 'લસુનવા બૈરી હો ગયે હમાર' કારણ લસણના ભાવ આસમાને જવાથી સામાન્ય લોકો માટે લસણ વેરી જ બની ગયું છે. શાક માર્કેટમાં સવારે થેલી લઈને મહિલાઓ ખરીદી કરવા જાય એ લસણનો ૫૦૦-૬૦૦ રૂપિયે કિલોનો ભાવ સાંભળી મહિલાઓ બોલી ઉઠે છે કે લસણ વેંચવાવાળા લૂંટવા જ બેઠા છે ને? પણ બિહારના ગયા જિલ્લામાં લસણ વેંચનારા જ લૂંટાઈ 'ગયા' બોલો! ગયા અઠવાડિયે ૨૦ જેટલા લૂંટારા ટ્રક લઈને એક મોટા વેપારીના ગોદામ પર પહોંચી ગયા હતા સીડી ઉપરથી ઉપર ચડી ગોદામના છાપરા પરથી લૂંટારા અંદર ઘૂસ્યા હતા. ત્યાર બાદ અંદર ત્રણ કર્મચારીને બંધક બનાવીને ૧૫૦ બોરી લસણ અને ૧૫૦ બોરી ઘઉંનો લોટ સહિત ૨૫ લાખનો માલ ટ્રકમાં ચડાવીને પલાયન થઈ ગયા હતા. જતાં જતાં આ ટોળીએ સીસીટીવી કેમેરાનું ડિજીટલ વિડિયો રેકોર્ડર પણ તોડી નાખ્યું હતું. શું વખત આવ્યો છે? લસણના ઊંચે જતા ભાવને કારણે ગ્રાહક પણ લૂંટાય અને લસણ વેચનાર પણ લૂંટાય.

મહિલાને વાછૂટ ન કરતો અને ઓડકાર ન ખાતો મુરતિયો જોઈએ

કન્યા પરણવાલાયક થાય ત્યારે તેને માટે શિક્ષિત, પૈસેટકે સુખી, ડોકટર, એન્જિનિયર કે બિઝનેસમેન જીવનસાથી મળે એ માટે તલાશ થતી હોય છે. પરંતુ તાજેતરમાં ૩૦ વર્ષની એક ફેમિનિસ મહિલાએ યોગ્ય મુરતિયાની તલાશ માટે છાપામાં આપેલી  લગ્નસંબંધી જાહેરાતમાં લખ્યું છે કે સુડોળ અને સશક્ત યુવાનની ઊંમર ૨૫થી ૨૮ વર્ષની હોવી જોઈએ. યુવકનો ખુદનો બિઝનેસ હોવો જોઈએ અને બંગલો કે ૨૦ એકરનું ફાર્મ હાઉસ હોવા જોઈએ. યુવક માતા-પિતાનો એકનો એક પુત્ર હોવો જોઈએ. બીજી ખાસ શરત એ કે યુવક વારંવાર વાછૂટ કરી પવન-મુક્તાસનની આદતવાળો કે ઓડકાર  ખાવાવાળો હોય તો તેણે લગ્ન માટેની  અરજી સુદ્ધાં ન કરવી. આ તે કેવી વિચિત્ર શરત? આ શરત વાંચી કહેવું પડે કેઃ

વાયુ-પ્રદૂષણ ન ફેલાવે

એવાં શોધે વરજી

કે પ્રભુ હવે તું એને

સહાય કરજી.

દુનિયાની સૌથી ઉંચી અને સૌથી નીચી યુવતીનું અનોખું મિલન

લંબુજી... લંબુજી... ટીંગુજી ટીંગુજી એ હિન્દી ગીતની યાદ અપાવે એવી અનોખી મુલાકાત દુનિયાની  સૌથી ઊંચી અને સૌથી નીચી યુવતી વચ્ચે થઈ હતી.  ૭ ફૂટ ૭ ઈંચ ઊંચી તુર્કીની રૂમેસા અને ૨ ફૂટ ૭ ઈંચની ઊંચાઈ ધરાવતી નાગપુરની જ્યોતી આમગે વચ્ચે ૧૬મી નવેમ્બરે લંડનની  સેવોય હોટેલમાં મુલાકાત થઈ એ યાદગાર ક્ષણની તસવીરો અને વિડિયો ક્લિપ્સ વીજળી વેગે વિશ્વભરમાં વાઈરલ થઈ ગઈ હતી.  તાડની ત્રીજી બહેન જેવી લાંબી તુર્કીની રૂમેસા ઉત્તમ વક્તા અને વેબ ડેવલપર છે  જ્યારે નાગપુરી સંતરાને એક હાથમાં પકડી ન શકે એવી સાવ ટચુકડી અને હસમુખી જ્યોતી આમગે ટેલિવિઝન એકટ્રેસ  છે. આ બન્ને યુવતીઓના નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ થયા છે.  આ બન્નેના અનોખા મિલનની તસવીર જોઈને વિચાર થાય કે મહિલાઓની ઊંચાઈ માપી શકાય, પણ લુચ્ચાઈ ન માપી શકાય.

પંચ-વાણી

રિક્ષા અને દીક્ષા

ખોટી ઉતાવળ નક્કામી.


Google NewsGoogle News