લોકશાહીના મંદિરની પ્રેરણા પ્રાચીન શિવમંદિર પરથી લીધી
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
દેશમાં દેવી-દેવતાઓના કરોડો મંદિરો છે, પણ લોકતંત્રનું એક માત્ર મંદિર રાજધાની દિલ્હીમાં છે. મોદી સરકારે નવું સંસદ ભવન ઊભું કર્યું એ પહેલાં કેટલાય દાયકાઓથી જૂના અને વર્તુળાકર પાર્લામેન્ટ હાઉસ એટલે કે સંસદ-ભવનમાં જન પ્રતિનિધિઓ બેલતા. જનમાનસમાં લોકતંત્રના આ મંદિરની છબી કંડારાઈ ગઈ છે. ત્યારે સહેજે વિચાર થાય કે સ્થાપત્ય કલાના અદભૂત નમુના જેવી આ અનોખી ઈમારતની રચના કોણે કરી હશે? આનો જવાબ મેળવવા પરતંત્ર ભારતના ઈતિહાસ પર નજર નાંખવી પડે. અંગ્રેજોએ ૧૯૧૧માં દિલ્હીને રાજધાની બનાવી ત્યારે નવું દિલ્હી વસાવવાની જવાબદારી મોટા ગજાના આકિટેક્ટ સર એડવિન લ્યુટીયન્સ અને હર્બર્ટ બેકરને સોંપી. આ બન્નેએ ડિઝાઈન કરેલી પાર્લામેન્ટહાઉસની ઇમારત ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭માં ખુલ્લી મૂકાઈ હતી. પરંતુ આપણને જાણીને આશ્ચર્ય થાય કે આર્કિટેક્ટ લ્યુટીયન્સે સંસદ-ભવનની વર્તુળાકાર ડિઝાઈનની પ્રેરણા સદીઓ પુરાણા મધ્ય પ્રદેશના અનોખા શિવમંદિર પરથી લીધી હતી. મુરૈના જિલ્લાના મિતાવાલીમાં આવેલુંં આ બેજોડ વર્તુળાકાર શિવમંદિર ૬૪ યોગિની મંદિર તરીકે ઈતિહાસ પ્રસિદ્ધ છે. આ મંદિરમાં વચ્ચોવચ્ચ ભોેલેનાથનું મુખ્ય શિવલિંગ સ્થિત છે અને આજુબાજુ ગોળાકારમાં ૬૪ ખંડમાં એક શિવલિંગ અને યોગિનીનું શિલ્પ છે. નવમી સદીમાં બંધાયેલા આ મંદિરના અદ્ભૂત શિલ્પ-સ્થાપત્યની ખ્યાતિ જાણી આર્કિટેક્ટ સર એડવિન લ્યુટિયન્સ મુરૈના આવેલા. તેમણે આ વર્તુળાકાર મંદિરની રચનાથી પ્રભાવિત થઈને તેના નકશા તૈયાર કર્યા અને પછી દિલ્હી જઈને પાર્લામેન્ટ હાઉસની ગોળાકાર ઈમારતની રચના કરી હતી. આમ લોકશાહીના મંદિરની પ્રેરણા શિવ-મંદિર પરથી લેવામાં આવી હતી. મધ્ય પ્રદેશના મુરૈનાથી ૨૪ કિલોમીટર દૂર પહાડ પર ૬૪ યોગિની મંદિર કાળની થપાટો ખમીને આજે ય અડીખમ ઊભું છે. હજી બીજી કેટલીય સદીઓ સુધી ખડું રહી શકે એ માટે સમારકામ જરૂરી છે.
ઠંડા ડોસાથી
ગરમ થઈ 'ડોસી'
વલ્હાડ (વલસાડ)ના હાઈવે પરથી જતી વખતે ચાની ટપરી પર હોલ્ટ કર્યો. અમે આદુ, ફુદીના ગરમ મસાલાવાળી સ્પેશ્યલ ચાનો ઓર્ડર આપ્યો. ચાની ટપરીવાળાએ ચા ઉકાળતો હતો ત્યાં ઉકળી ઉઠેલા એક વયોવૃદ્ધ કાકા ધૂંઆપૂંઆ થતા અડધી પીધેલી ચાની પ્યાલી લઈ આવ્યા અને તાડૂક્યા આવી ઠંડી ચા પીવડાવે કે? જા પૈહા નીઆલવાનો ટપીવાળાએ જરીકેય મોઢું બગાડયા વિના કહ્યું ડોહા (ડોસા) એમ ગરમ ની થવાનું... પૈસા છો ની આલતો પણ ગરમ ચા પીતો જા...' એમ કહી ડોહાની ચાની પ્યાલી ચાથી ભરી દીધી અને ગરમ ડોસાને ઠંડા પાડી દઈ એ અભણ ચા વેંચનારાએ કસ્ટમરને કેવી રીતે સાચવી લેવાય એનું નજરોનજર ઊદાહરણ પૂરૃં પાડયું. ચા ઠંડી મળતા ડોસા ગરમ થયા, તો બીજી તરફ ડોસા ઠંડા મળતા એક 'ડોસી' ગરમ થઈ ગઈ. દક્ષિણમાં મોટર રસ્તે બહારગામ જઈ રહેલી એક ઊંમરલાયક મહિલા રસ્તામાં નાસ્તો કરવા એક સાઉથ ઈન્ડિયન હોટેલમાં ગઈ. મહિલાએ બ્રેકફાસ્ટ માટે કડક સાદા ડોસાનો ઓર્ડર ર્પ્યો. જ્યારે વેઈટર ઓર્ડર લઇને આવ્યો તો ડોસો (ઘણા ઢોસો કહે છે) એકદમ ઠંડોગાર હતો. લેડીએ ફરિયાદ કરી અને બીજો ડોસો લાવવા કહ્યું પણ હોટેલવાળાએ જરાય દાદ ન દીધી. હોટેલવાળાના આવા વર્તનથી દાઝે ભરાયેલી મહિલાએ કન્ઝયુમર કમિશનમાં ફરિયાદ કરી. બે વર્ષે કેસનો ફેંસલો આવ્યો અને હોટેલને પાંચ હજાર રૂપિયા દંડ અને બે હજાર રૂપિયા મહિલાએ કાનૂની લડત માટે કરેલા ખર્ચપેટે ચૂકવવાનો આદેશ આપ્યો. આમ હોટેલવાળાએ કસ્ટમરની ફરિયાદની અવગણના કરી ગરમ ડોસો ન પીરસ્યો એમાં સાત હજારના દંડથી કેવાં હાથ દાઝ્યા?
માથેરાનના થેપલાપ્રેમી વાંદરા
થાઈલેન્ડમાં થેપલા, પેરીસમાં પાતરા અને રશિયામાં રોટલી... ટુર ઓપરેટરો ગુજરાતીઓને આકર્ષવા આવી જાહેરાતો કરતા હોય છે પણ માથેરાનમાં તો ગુજ્જુઓના ટેસ્ટી થેપલાં માકડાને આકર્ષે છે. હોટલની પરસાળમાં, છાપરાં ઉપર કે પછી ઝાડ ઉપર બેસીને ટેસથી થેપલાં ઝાપટતા બંદરોને જોઈ માથેરાનવાસી ગુજરાતી વેપારીને પૂછયું કે વાંદરાઓને થેપલાં બહુ ભાવે છે? ત્યારે તેણે કહ્યું કે માથેરાન હવાફેર માટે ગુજરાતથી પર્યટકો આવતા જ રહે છે, ઉપરાંત મુંબઈમાં વસતા કચ્છી-ગુજરાતીઓ માટે તો આ હિલસ્ટેશન સૌથી નજીક હોવાથી વીક-એન્ડમાં અવારનવાર આવે છે. આ ગુજ્જુ ટુરિસ્ટો સાથે થેપલાનો અને ખાખરાનો બફર સ્ટોક રાખતા જ હોય છે. એટલે થેપલા વધે ક્યારેક તો હોટેલની બારી નજીક થેપલાં કે ખાખરાના પેકેટ રાખ્યા હોય ત્યારે વાનરસેના આવી જાળીમાંથી હાથ નાખી ઉપાડી જાય છે. આ વાંદરાની ખાસિયત એ છે કે તેમને સાદા થેપલા વધુ ભાવે છે, બંદર કી અસલી પસંદ... વાંદરાની ટોળીે હોટેલની રૂમમાંથી મેથીના અને લીલા મરચાં ભેળવેલા થેપલાના બે-ત્રણ પેકેટ તફડાવ્યા. પછી પોતપોતાના હિસ્સાના બે-બે ત્રણ-ત્રણ થેપલા લઈને જ થેપલામાંથી મેથીના પાંદડા અને લીલા મરચાં જુદા કરી પાસે નાની ઢગલી કરી. એ પછી ટેસથી થેપલાં ખાઈને ઠેકતાં ઠેકતાં થેપલા પ્રેમી વાનરો વનરાજીમાં અદ્રશ્ય થઈ ગયા આ દ્રશ્ય જોઈ કહેવાનું મન થાય કેઃ
નારી, નર, વા-નરને
ભાવે થેપલા કેટલા?
થોકબંધ થેપલાના થાય
છે વેપલા.
જિસ દેશ મેં ગંગા બહતી હૈ, સિક્કો કી આમદની રહતી હૈ
દુનિયામાં ડોલરનાં ડંકા સામે રૂપિયાનો રણકરા ક્યાંથી સંભળાય? ઘરઆંગણે સહુ નોટ પાછળ દોટ મૂકે છે, પરચુરણને તો કોઈ પૂછતુંય નથી.પરંતુ ગંગા-નદીના કિનારે માહોલ જુદો છે. ગંગામૈયાં સહુના પાપ ધોવાની સાથે ખોબલે ને ખોબલે પરચુરણ આપે છે. પવિત્ર નદીમાં પૈસા નાખી પુણ્ય કમાવાની માન્યતા પરાપૂર્વથી ચાલી આવે છે. પુલ પરથી પસાર થતી ટ્રેનોના મુસાફરો નદીમાં ચિલ્લર પધરાવે છે. આવી જ રીતે નદી કાંઠે પણ ઘણા ભક્તો સિક્કા નાખતા હોય છે. પરિણામે નદીમાંથી પરચુરણ કાઢી પેટિયું રળવાવાળા કૈંક લોકો ફૂટી નીકળ્યાં છે. હરદ્વાર કે વારાણસી સહિતના ગંગા કિનારે આવેલા તીર્થધામોમાં ચબરાક ચિલ્લરબાજો નદીમાં ડૂબકી મારીને, હોડીમાં ઊંડા પાણીમાં પહોંચી માછલી પકડવાની જાળ જેવી પરચુરણ પકડવાની ચુંબકવાળી જાળ નાખી દરરોજ લાખો સિક્કા બહાર કાઢે છે. ભક્તો નદીમાં સિક્કા પધરાવી પુણ્ય કમાય અને પરચુરણ ભેગું કરવાવાળા પૈસા કમાય ગંગા નદીના પ્રચંડ વહેણમાં ઘણી વાર ડૂબકીમારો તણાઈ પણ જતા હોય છે છતાં જીવના જોખમે ડૂબકીમારો જય જય ગંગામૈયા... દેતી હમે રૂપૈયા...ના નાદ સાથે ધૂબાકા મારતા જ રહે છે. આમ કેટલાય લોકોનો સંસાર સિક્કાની આવક પર નભે છે. આ જોઈને કહેવું પડે કેઃ જીસ દેશ મેં ગંગા બહતી હૈ સિક્કોં કી આમદાની રહતી હૈ...
પંચ-વાણી
ભાવમાં થાય ભડકાં
ત્યારે દિલના વધે થડકાં
મિડલ કલાસ જાય મરી
જલ્સા કરે ઉધારિયા ને કડકા.