ઘોડા પર સવાર થઈ ત્રાટક્યા 'ચોર-વીરો'

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
ઘોડા પર સવાર થઈ ત્રાટક્યા 'ચોર-વીરો' 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

ઘટમાં ઘોડા થનગને આતમ વિંઝે પાંખ.... ઘોડા ઉપર સવાર થઈ દુશ્મનો પર તૂટી પડતા શૂરવીરોની અનેક કથા ઈતિહાસમાં મળે છે. પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં એક મંદિરની દાનપેટી ચોરવા માટે ચોર-વીરો ઘોડા પર બેસી આવ્યા તેનું વીડિયો ફૂટેજ જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાનપુરના બારા-૬ રોડ પર આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં દાપેટી ચોરી જવા માટે ઘોડા પર સવાર થઈને રાત્રે ચોરટા પહોંચ્યા હતા, પરંતુ મંદિરની આસપાસ વગર કહ્યે ચોકી કરતા ડાઘિયા કૂતરાઓએ ઘોડાને જોઈને એવી ભસાભસ કરી મૂકી કે ઘોડેસવાર 'ચોર-વીરો'એ પેટી પડતી મૂકીને ભાગવું પડયું હતું. આ જોઈને કહેવું પડે કે-

ઘોડા શૂરવીરોની

શાન છે,

પણ ચોર-વીરો ઘોડે ચડી આવે

તો ભગાડવા તૈયાર શ્વાન છે

બેંગ્લોરમાં બસ-સ્ટેન્ડ ચોરાયું

વાહનોની રોજબરોજ ચોરી થાય છે. માલસામાનની અવારનવાર ચોરી થાય છે. પણ આખેઆખું બસ- સ્ટેન્ડ ચોરાઈ જાય ત્યારે કેવી નવાઈ લાગે? આ આશ્ચર્યજનક ઘટના થોડા વખત પહેલાં જ બેંગ્લોર શહેરમાં બની હતી. કનિંઘહામ રોડ પર બસની રાહ જોતા પેસેન્જરો નિરાંતે બેસી શકે એટલે આ શેડવાળું બસ- સ્ટેન્ડ બેંગ્લોર મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને ગોઠવ્યું હતું. સવારે લોકો બસ પકડવા માટે  આવ્યા ત્યારે જોયું તો આખું સ્ટેન્ડ જ ગાયબ થઈ ગયું હતું. અગાઉ પણ બે વખત બસ- સ્ટેન્ડ ચોરાવાની ઘટના બની હતી. બસ- સ્ટેન્ડની આ ચોરીનો ઉકેલ નહીં આવે તો બસ ઉપર જેમ ફેમિલી પ્લાનિંગનું સૂત્ર લખેલું હોય છે ને કે 'એક કે બે બસ', એમ ચોરી અટકાવવા લોકોએ સત્તાવાળાને અપીલ કરવી પડશે કે એક કે બે બસ- સ્ટેન્ડ બસ, વધુ ચોરાવા ન જોઈએ.

માસ્તર ભણાવે અને નવડાવે

એક માતા સો શિક્ષકની ગરજ સારે છે એ કહેવતના અનુસંધાનમાં એમ પણ કહી શકાય કે જે પોતાના વિદ્યાર્થીઓને માના સ્તર સુધી જઈને ભણાવે એ સાચા મા-સ્તર. ઉત્તરપ્રદેશના ફરીદપુરની સ્કૂલના આવા જ એક માસ્તરે જોયું કે શિયાળાની ઠંડીમાં ઘણાં બાળકો નાહ્યા વગર સ્કૂલે આવે છે એ બરાબર ન કહેવાય. શાળા તો શિક્ષણનું મંદિર કહેવાય, ત્યાં નાહ્યા વિના કેમ જવાય? માસ્તરે કલાસમાં બાળકોને પૂછયું કે જે નાહ્યા વગર આવ્યા હોય એ આંગળી ઊંચી કરે. કેટલાય બાળકોએ આંગળી ઊંચી કરીને કહ્યું કે ઠંડીમાં નાહવાની બીક લાગે છે. માસ્તરે કહ્યું કોઈ બાબતનો તમે ડર રાખો તો તે વધુને વધુ ડરાવે. એટલે ડરને જડમૂળથી દૂર કરવો જોઈએ. એમ કહી બધાં બાળકોને સ્કૂલની બહારના હોજમાં નાહવા લઈ ગયા. ઠંડીમાં ધુ્રજતાં ધુ્રજતાં બાળકો ઊઘાડા ડીલે પાણીમાં ઉતર્યાં ને બસ એક જ વાર ટાઢનું લખલખું નીકળી ગયું. પછી તો મનમાંથી ટાઢની બીક જ ધોવાઈ ગઈ. બધાએ સંકલ્પ કર્યો કે હવે રોજ નાહીને સ્કૂલે આવીશું. શહેરોમાં તો જ્યારથી શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, લાખોની ફી પડાવાય છે અને વાલીઓને ખર્ચાના ખાડામાં ઉતારી દેવાય છે ત્યારે શિક્ષણને નામે નાહી નાખવું પડે એવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં કોઈ નાના ગામમાં બાળકોના મનમાંથી ભયને ભૂંસી નાખવા સહેલો અને સટ ઉપાય અજમાવે ત્યારે ખરેખર માન ઉપજે. આ જોઈ કહેવું પડે કે-

કડકડતી ટાઢમાં

બાળકો પડયાં હોજમાં,

ઠંડીની બીક નીકળતાં

આવી ગયા મોજમાં.

જમીન વેચી બન્યા રામ-મંદિરના પહેલા દાતા

શ્રીમંત વ્યક્તિ તેના કરોડોના ખજાનામાંથી થોડા પૈસાનું દાન કરે એ કાંઈ  મોટી વાત નથી, પરંતુ સામાન્ય નાગરિક પોતાની જમીન-જાયદાદ બધાનું દાન કરે એ સર્વસ્વના દાનની અનોખી શાન છે. અયોધ્યામાં રામ- મંદિર માટે આવી જ રીતે સર્વસ્વનું દાન કરનારા યુ.પી.ના પ્રતાપગઢના રહેવાસી અને સંઘના કાર્યકર સિયારામ ગુપ્તાને મંદિરના પ્રથમ દાતા તરીકેનું માન મળ્યું છે. પ્રભુ રામજીના પરમ ભક્ત ગુપ્તાજીએ પ્રતાપગઢમાં પ્રયાગરોડ પર રામ- મંદિર બાંધ્યું છે અને ત્યાં જ રહીને ભક્તિ- ભજન કરે છે. પાંચેક વર્ષ પહેલાં તેમણે સંકલ્પ કર્યો હતો કે અયોધ્યામાં બંધાતા મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન કરવું છે. સંકલ્પ પાર પાડવા તેમણે પોતાની ૧૬ વિઘા જમીન વેચી નાખી, સગા- સંબંધીઓ પાસેથી ફાળો મેળવ્યો અને આમ પાઈ પાઈ જોડી એક કરોડ રૂપિયા જમા કર્યા. સર્વોચ્ચ અદાલતે મંદિરના નિર્માણ માટેનો માર્ગ મોકળો કર્યો એ પહેલાં આ અઠંગ રામભક્તે ૨૦મી નવેમ્બર ૨૦૧૮માં એક કરોડની રકમ મંદિર માટે સંઘના કાશી પ્રાંતને સુપરત કરી હતી. એટલે જ ૨૨મી જાન્યુઆરીએ દેશ-વિદેશના મહાનુભાવોની સાથે મંદિરના પહેલા દાતાને પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલાં દાતાની દિલેરી જોઈને કવિ રાજેશ વ્યાસ 'મિસ્કીન'ની કાવ્ય- પંકિત યાદ આવે છેઃ

તારું કશું જ ન હોય

તો છોડીને આવ તું 

તારું બધું જ હોય

તો છોડીને બતાવ તું.

પાન ખાવ અને 

સૂરીલું ગાવ

પાન ખાયે સૈયાં હમારો.... મલમલ કા કૂર્તા છીંટ લાલ લાલ... કે પછી, ખૈકે પાન બનારસવાલા ખૂલ જાયે બંધ અકલકા તાલા... આ સૂરીલાં ગીતો જે મજેદાર પાન વિશે લખાયાં છે એ પાન એટલે નાગરવેલનાં પાનની વાત છે, પણ સૂરીલા રાગમાં ગાઈ શકાય માટે આમલીનાં પાન ચાવી શકાય? આવો સવાલ થાય, પણ બધી આમલીનાં પાન ખાવાથી નહીં, પણ મહાન ગાયક- સંગીતકાર મિયાં તાનસેન ગ્વાલિયરમાં આમલીના જે વૃક્ષ નીચે બેસી સંગીતનો રિયાઝ કરતા એ આમલીના વૃક્ષનાં પાન ચાવવાથી અવાજ એકદમ ખૂલી જાય છે અને સૂરીલા કંઠે ગાઈ શકાય છે એવી માન્યતા છે. એટલે દેશ- વિદેશના ગાયક- સંગીતકારો જીવનમાં એકવાર તો આમલીનાં પાન ચાવવા આવે જ છે. આ આમલી સાથે એવી લોકવાયકા છે કે ગ્વાલિયરમાં તાનસેનનો જન્મ થયો પછી પાંચ વર્ષની ઉંમર સુધી વાચા નહોતી ફૂટી. સરખું બોલાતું પણ નહીં. ચિંતામાં પડી ગયેલાં મા-બાપ કોઈના કહેવાથી બાળકને એક જાણકાર ફકીર પાસે લઈ ગયા. ફકીરે આમલીનાં પાન ખવડાવવાની સલાહ આપી. 

પાન ખાધા પછી બોલવા માંડયા એટલું જ નહીં ગાવાની પણ શરૂઆત કરી. પછી તો મહિનાઓ અને વર્ષો સુધી આમલીનાં વૃક્ષ નીચે સતત રિયાઝ કરી મિયાં તાનસેને શહેનશાહ અકબરના દરબારના નવરત્નોમાંના એક રત્નનું સ્થાન મેળવ્યું. હવે તો ૬૦૦ વર્ષ જૂના આમલીના વૃક્ષની ફરતે ૧૦ ફૂટ ઊંચી જાળી લગાડવામાં આવી છે. જ્યારથી યુનેસ્કોએ ગ્વાલિયરને સંગીત નગરીનો દરજ્જો આપ્યો ત્યારથી આ નગરીના મુલાકાતીઓનો પ્રવાહ વધી ગયો છે. મુલાકાતીઓ ગ્વાલિયર આવીને હજીરા ઈલાકામાં મિયાં તાનસેનના મકબરાને અને બાજુમાં આવેલી આમલીને જોવા જાય છે. આ આમલી સાથેના સૂરીલા સંબંધની દાસ્તાન સાંભળીને કહેવાનું મન થાય કે-

મીઠા કંઠના મૂળમાં છે

ખાટી આમલીના પાન,

તાનસેન બની ગયા

અકબરના દરબારની શાન.

પંચ- વાણી

વેંચે ઈમાન

મેળવે ઈનામ


Google NewsGoogle News