મહાભારતના હસ્તીનાપુરની શોધ
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
ઉત્તર પ્રેદશમાં ચૂંટણીના મહાભારતની શરૂઆત થઇ ગઇ છે. જયારે બીજી તરફ ઉત્તર પ્રદેશના મેરઠથી ૪૦ કિલોમીટરના અંતરે મહાભારતમાં કૌરવોની રાજધાની હસ્તીનાપુરનો ઉલ્લેખ છે. તેના ઉત્ખનનની આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તરફથી ચોમાસા પછી શરૂઆત કરવામાં આવશે. મહાભારત કાળના ઐતિહાસિક પુરાવા મેળવવા માટેના આ પ્રોજેકટને ૭૦ વર્ષના બ્રેક બાદ શરૂ કરવામાં આવશે. આમ તો હસ્તીનાપુર કયાં હતું એ સ્થળ પહેલી વાર ૧૯૫૨માં શોધી કાઢવામાં આવ્યું હતું. પ્રોફેસર બી. બી. લાલ એવા તારણ પર આવ્યા હતા કે ઇ. સ. પૂર્વ ૯૦૦ને મહાભારત કાળ ગણી શકાય. ત્યાર બાદ ગંગા નદીમાં આવેલા વિનાશક પૂરમાં હસ્તીનાપુરનો નાશ થયો હતો. ઉત્ખનન દરમિયાન જમીનમાંથી હસ્તીનાપુર નગરીને લગતા પુરાવા અને અવશેષો મળી આવ્યા હતા. સિનૌલી પાસે જયાં મૃતકોને દાટવામાં આવતા એ દફનભૂમિ મળી આવી હતી. આવી જ લીધે કાંસ્યનો અશ્વરથ મળ્યો હતો. ૧૯૫૨ પછી અટકી ગયેલું કાર્ય સપ્ટેમ્બર પછી આગળ વધારવામાં આવશે. પ્રોફેસર લાલનો ઉલ્લેખ કર્યો એમણે જ બાબરી મસ્જિદની નીચેથી મંદિરના ત્રણ સ્તંભ શોધી કાઢયા હતા અને પુરવાર કર્યું હતું કે બાબરી મસ્જિદ રામ મંદિરનો ધ્વંસ કરી ઉભી કરવામાં આવી હતી. અત્યારે અયોધ્યામાં રામમંદિરનું કાર્ય પણ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને બીજી તરફ મહાભારત કાળના હસ્તીનાપુરનું શોધકાર્ય આગળ વધારવામાં આવશે. આમ આવનારા દિવસોમાં એક જ રાજ્યમાં મહાભારત કાળ અને રામાયણ કાળ સજીવન થશે.
દયાવાન દંપતી સેવા જ જેની સંપત્તિ
કોરોના મહામારીમાં સેવાના નામે મેવા ખાવાવાળા અને ફોટા તેમજ સર્ટિકિફેટો ભેગા કરી પોતાને કોરોના વોરિયર્સ ગણાવવાવાળા કેટલાંક ભટકાય છે. પરંતુ બીજી તરફ જીવના જોખમે નિસ્વાર્થભાવે કોરોનાના દરદીઓની સારવાર કરી નવજીવન આપતા ડૉકટરો, નર્સો સહિતના આરોગ્યકર્મીઓની સંખ્યા બની બેસતા 'સેવકો' કરતાં અનેકગણી વધુ છે એટલું સારૂ છે. કોવિડ પેશન્ટની સારવાર આપનારાને સલામ કરવી જ પડે પરંતુ જયારે કોવિડને કારણે કોઇ દરદી મૃત્યુ પામે ત્યારે તેની અંતિમવિધિ કરવાવાળાની પણ કદર થવી જોઇએ. ઓડિશાની રાજધાની ભુબનેશ્વરના દંપતી પ્રદીપ પૃષ્ટી અને મધુસ્મિતા કોવિડથી મૃત્યુ પામે એ દરદીની સન્માનપૂર્વક અંતિમવિધિ કરે છે. કોરોનાને કારણે દરદી મૃત્યુ પામે ત્યારે તેના સ્વજનો પણ નજીક આવતા નથી. આવી સ્થિતિમાં પ્રદીપ અને મધુસ્મિતાએ મૃતકના માનપૂર્વક અંતિમસંસ્કારે કરવાનો જાણે ભેખ જ લીધો છે. પીપીઇ કિટ અને હેન્ડગ્લવ્ઝ તથા માસ્ક પહેરીને આ પતિ-પત્ની નિસ્વાર્થ ભાવે જોખમની પરવા કર્યા વિના આ માનવતાનું કર્યા કરે છે. છેલ્લાં એક મહિના દરમિયાન તેમણે કોવિડથી મૃત્યુ પામેલા ૩૦થી વધુ દરદીઓની અંતિમવિધિ પાર પાડી છે. આ દંપતી અત્યાર સુધી બિનવારસ લાશ મળે તેના અંતિમસંસ્કાર કરતા. રેલવે ટ્રેક પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યકિતની લાશ મળી આવે અથવા તો રસ્તા કે ફૂટપાથ પર કોઇ ભીખારી મૃત્યુ પામે ત્યારે પોલીસ તરત જ આ સેવાભાવી દંપતીને બોલાવે છે અને આ પતિ-પત્ની વિધિપૂર્વક અંતિમસંસ્કાર કરે છે. મૃતકોને માનપૂર્વક વિદાય આપવાના આ માનવતાના કાર્યનો જોઇને કહેવું પડે કે :
મૃતકો કો વિદાય દેના
હમારા કામ હૈ
બસ જીના ઇસીકા
નામ હૈ.
ડાકુરાણી ફુલનદેવીની ઠેર ઠેર પ્રતિમાઓ
આ દેશમાં મહાન રાજવીઓ, નેતાઓ, સમાજસેવકો અને ધર્મગુરુઓની પ્રતિમાઓના દર્શન થાય છે. પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના નગારા વાગવા માંડયા છે ત્યારે ડાકુરાણી ફુલનદેવીની એક નહીં પણ ૧૮ ઠેકાણે ઊંચી પ્રતિમાઓ ઊભી કરવામાં આવશે ઉત્તર પ્રદેશમાં બેન્ડીટ ક્વીનના સ્ટેચ્યૂ સ્થાપવાનું બીડું ઝડપ્યું છે બિહારના પશુસંવર્ધન ખાતાના પ્રધાન મુકેશ સહાનીએ અને આ પ્રતિમાઓ તૈયાર કરવાની કામગીરી તેમના સરકારી બંગલાના કમ્પાઉન્ડમાં પૂરજોશમાં શરૂ કરી દીધી છે. ડાકુરાણી ફુલનદેવી નિષાદ સમાજની હતી. એટલે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં નિષાદ સમાજના મત અંકે કરવા માટે વીઆઇપી એટલે કે વિકાસશીલ ઇન્સાન પાર્ટીના નેતા મુકેશ સહાનીએ વારાણસી સહિત ૧૮ જગ્યાએ ફુલનદેવીની ઊંચી પ્રતિમાઓ સ્થાપવામાં આવશે. ડાકુરાણી તરીકે જેની હાક વાગતી હતી. જયાં તેની ઉપર અત્યાચાર અને બળાત્કાર કરી જલીલ કરવામાં આવી હતી એ બહેમાઇ ગામ પર ત્રાટકી ફુલન અને તેની ટોળીએ ૨૨ જણને ઠાર કરી હાહાકાર મચાવી દીધો હતો. ૧૯૮૩માં ફુલને શરણાગતી સ્વીકારી ૧૧ વર્ષ જેલમાં ગાળ્યા હતા. ત્યાર બાદ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ મુખ્ય પ્રધાન હતા એ અરસામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફુલનદેવી બે વાર લોકસભાની ચૂંટણી જીતી ગઇ હતી. ૨૦૦૧માં તેની હત્યા કરવામાં આવી હતી. હવે આ જ ફુલનદેવીના નામે ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં પુતળા - પ્રસ્થાપન ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. નાનપણમાં સ્ટેચ્યૂની રમત રમતા ત્યારે સામેવાળો સ્ટેચ્યૂ કહે ત્યારે જરાય હલનચલન કર્યા વગર ઉભું રહેવું પડતું. પણ હવે ફુલનદેવીના સ્ટેચ્યૂ જોઇને પગ જમીનમાં ચોંટી જાય તો કહેવાય નહીં.
ભાષાને વળગે શું ભૂર હિંસા ફેલાવે નકસલી ક્રુર
લગ્નનો સમય થઇ ગયો છે, પરંતુ હજી આતશબાજીની વ્યવસ્થા નથી થઇ. આતશબાજીની સામગ્રી કયાંથી આવશે ? હાથીની વ્યવસ્થા થઇ ગઇ છે ખરી, પણ એનો મહાવત કોણ બનશે અને હાથીને કયાં ઊભો રાખવામાં આવશે ?
આ સંવાદ સાંભળીને કે વાંચીને એવું લાગે કે પુત્રીના લગ્ન બાબત ચિંતીત પિતાએ આ વાત કહી હશે. પણ એવું નથી. આ તો મોતના સોદાગર અને હિંસાચાર ફેલાવતા નકસલવાદીઓની સાંકેતિક ભાષા એટલે કોડ-લેંગ્વેજ છે. હવે શરૂઆતમાં જે વાકયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેનો અર્થ કંઇક આવો થાય છે. લગ્નનો સમય થઇ ગયો છે. એટલે કે હુમલાનો સમય થઇ ગયો છે. આતશબાજીની વ્યવસ્થા નથી થઇ એટલે કે હજી હથિયારોની જોગવાઇ નથી થઇ. હાથીની વ્યવસ્થા થઇ ગઇ છે એટલે ક બારૂદી સુરંગની વ્યવસ્થા થઇ ગઇ છે, પણ મહાવત એટલે કે સુરંગનો વિસ્ફોટ કોણ કરશે ? ઝારખંડ અને અન્ય નકસવાદીગ્રસ્ત રાજ્યોમાં નકસલી નેતાઓ જયારે મોબાઇલમાં વાતચીત કરે ત્યારે આવી સાંકેતિક ભાષા વાપરે છે. કારણ કે તેમને ખબર હોય છે કે તેમની વચ્ચે થતી વાતચીતને સુરક્ષાકર્મીઓ આંતરતા જ હશે. એટલે આ જંગલમાં વસતા નકસલીઓ વારંવાર સાંકેતિક ભાષા પણ બદલતા જ રહે છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ઘણી વખત આ કોડ-લેન્ગવેજ ઊકેલવામાં બહુ સમય લાગી જાય છે. મગજને ખૂબ કસવું પડે છે. જોકે પોલીસ અને સુરક્ષાકર્મીઓ ભારે જહેમત ઉઠાવી સાંકેતિક ભાષા ઉકેલી નકસલીઓને છક્કડ ખવડાવતા રહે છે. આમ સાંકેતિક ભાષાનો અર્થ સમજાય તો તત્કાળ અનર્થ ટાળી શકાય છે. બાકી હુમલા, હિંસાચાર, ગુનાખોરી આચરવામાંથી ઊંચા ન આવતા આ નકસલવાદીઓને હીસાચાર માટે સાંકેતિક ભાષા બદલતા જોઇને કહેવું પડે કે :
ભાષાને વળગે શું ભૂર હિંસા ફેલાવે નકસલી ક્રુર
મહામારીનો ભય
મહિલાઓને બનાવે તંબૂમય
એ...... કે લાલ દરવાજે તંબૂ તોણિયા રે લોલ..... હલકભેર આ ગીત ગાતી અને તાલીઓના તાલે ઊલળી ઊલળીને નાચતી ગરવી ગુજરાતણોને જોનારા પણ હરખાઇ જાય છે. પરંતુ તંબૂ તાણ્યા પછી હરખભેર નાચવાને બદલે તંબૂ તાણીને અંદર ફફડતા હૈયે રહેતી સ્ત્રીઓને જોઇને ખરેખર આશ્વર્ય થાય. પણ આંધ્રપ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના કડલી ગામના એક પરિવારની ત્રણ સ્ત્રીઓ કોરોનાથી એટલી બધી ડરી ગઇ હતી કે ઘરની બાજુમાં કપડાનો તંબૂ બાંધી છેલ્લાં ૧૫ મહિનાથી ગોંધાઇ રહી હતી. એમાં એવું બન્યું કે ગયા વર્ષે આ પરિવારની પાડોશમાં રહેતા એક માજી કોરોનાની બીમારીમાં મૃત્યુ પામ્યા. બસ ત્યારથી ત્રણેયના મનમાં મહામારીનો ભય એવો પેસી ગયો કે બસ આ તંબૂમાં જ સેલ્ફ આયસોલેશનમાં રહેવા લાગી.
ઘરવાળા જમવાનું આપી જાય. તંબૂના એક ખૂણામાં શૌચક્રિયા કરે અને ત્યાં જ નાહી લે. બાકી તંબૂની બહાર ડોકિયું પણ ન કરે. જરા વિચાર કરો પંદર-પંદર મહિના સેલ્ફ આયસોલેશનમાં ગાળ્યા. છેવટે આડોશીપાડોશીઓએ પોલીસની મદદ લીધી. કેટલુંય સમજાવી અને એમના મનમાંથી કોરોનાનો ભય દૂર કર્યો ત્યારે એકાંતવાસમાંથી ત્રણેય સ્ત્રીઓ બહાર આવી. આ કિસ્સો સાંભળીને કહેવું પડે કે :
કોરોનાનો કેવો ભય ?
ત્રણ સ્ત્રીઓને બનાવે તંબૂમય.
પંચ-વાણી
પ્રેમ-રોગની મળે નહીં કોઇ રસી
આ રોગમાં ભલભલાએ જાતને નાખી ઘસી