ગાંધીબાપુની વાણિયાબુદ્ધિ .
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
મહાત્મા ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે મારામા વિનોદવૃત્તિ ન હોત તો મેં ક્યારનો અપઘાત કર્યો હતો. કોઈ ગંભીર વિષયની ચર્ચા ચાલતી હોય તેની વચ્ચે હળવી મજાક કરીને બાપુ વાતાવરણ ખુશનુમા બનાવી દેતા. ૧૯૨૮માં પંડિત મોતીલાલ નેહરુના અધ્યક્ષસ્થાને કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. અધિવેશન માટે ગાંધીજી અને આચાર્ય કૃપલાની ઉપસ્થિત થયા હતા. આ વખતે કલકત્તામાં ખાદી ભંડારનું ઉદ્ઘાટન ગાંધીજીના હસ્તે થવાનું હતું. એવી જાહેરાત કરવામાં આવી કે જે ખાદી ખરીદશે તેનાં બિલ પર ગાંધીજી હસ્તાક્ષર કરશે. જોતજોતામાં ભારે ભીડ ઉમટી પડી. આટલા બધા લોકો ક્યારે ખરીદી કરે અને ક્યારે એના બિલ બને અને ક્યારે બિલ પર બાપુ સહી કરે? કેટલો સમય જાય? ત્યારે ગાંધીબાપુએ વાણિયા બુદ્ધિ વાપરી જાહેર કર્યું કે તમે જેટલા રૂપિયાની ખરીદી કરવા માગતા હો એ રકમ કાઉન્ટર ઉપર મૂકો અને એ પ્રમાણેના બિલ પર હું સહી કરવા માંડીશ, પછી નિરાંતે સ્ટોરમાંથી એટલી રકમની ખરીદી કરી લેજો. જોતજોતામાં અઢી હજાર રૂપિયા ભેગા થઈ ગયા. આ જોઈ પ્રોફેસર કૃપલાનીજીએ હળવાશથી ટિપ્પણી કરી કે 'લોગોંને અભી સામાન લિયા લિયા ભી નહીં ઔર બનિયેને જનતા સે ઢાઈ હજાર રૂપિયો એંઠ લિયે,' આ સાંભળતાની સાથે તડાક કરતા બાપુ હસીને બોલ્યા કે 'પ્રોફેસર કૃપલાની, યહ બનિયેે કે હી વશ કી બાત હૈ, કિસી પ્રોફેસર કી નહીં.' વિશ્વ વિખ્યાત હાસ્યનટ ચાર્લિ ચેપ્લિન જ્યારે ગાંધીજીને મળ્યા ત્યારે બાપુના નિર્દોષ અને નિર્દંશ હાસ્ય પર ફિદા થઈ ગયા હતા અને પોતે ગાંધીજી બોખા મોઢે કેવી રીતે હસે છે તેની આબાદ નકલ કરી દેખાડી હતી. વિશ્વની આ બે મહાન વિભૂતિઓ વિશે કહી શકાય કે ગાંધીજીએ અહિંસાથી વિજય મેળવ્યો અને ચાર્લી ચેપ્લિને હાસ્યથી.
ચા વેંચી બન્યો આઈએએસ ઓફિસર
હૈયામાં હામ હોય એને હિમાલય પણ નડતો નથી એ વાક્ય હિમાલયના પડખામાં રહેતા ઉત્તરાખંડના એક જુવાને સાબિત કરી દીધું છે. હિમાંશુ ગુુપ્તા નામના અત્યંત ગરીબ પરિવારના જુવાનને નાનપણથી જ ભમાવની લગની લાગી. પરંતુ નબળી આર્થિક સ્થિતિને લીધે ભણતરના પૈસા ક્યાંથી કાઢે? જુવાને નાનપણથી જ મજૂરી કરવાનું અને ચા વેચવાનું શરૂ કર્યું. પિતાની ચાની ટપરી ઉપર જાય અને ટાંટિયાતોડ કરી ચા આપવા જાય. પહાડી વિસ્તારમાં નજીકમાં કોઈ સ્કૂલ નહીં એટલે બીજે ગામ જવું પડે. રોજ આવવા-જવાના ૭૦ કિલોમીટરનો પ્રવાસ કરે. ધીરે ધીરે મહેનત રંગ લાવી. યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા પાસ કરી અને હવે આઈ.એ.એસ. ઓફિસર બની ગયો. ચાયવાળા જો વડાપ્રધાન બની શકે તો આ ઉર્ત્તખંડનો જુવાન આઈએએસ કેમ ન બની શકે? ચાને અંગ્રેજીમાં ટી કહે છે, અને આ જુવાને ભણવાનું જ લક્ષ રાખી પૂરવાર કર્યું કે ટી ફોર ટાર્ગેટ, ટી ફોર ટેક્ટ, ટી ફોર ટેલન્ટ.
નો બ્યુટી
ઓન ડયુટી
સ્ત્રી પોતાનાં સૌંદર્યમાં નિખાર આવે એટલા માટે પફ-પાવડર અને લાલી-લિપસ્ટિક લગાડે એનાં ખોટું શું છે? આજે દુનિયાભરમાં અબજોની કિંમતના સૌંદર્ય પ્રસાધનોનો વેંચાય છે. એટલે જ કોઈ મહિલા હોઠ પર લિપસ્ટિક લગાડે તો તેની બદલી કરી નાખવામાં આવેે એ કેવું વિચિત્ર કહેવાય? આ ઘટના તામિલનાડુના એક શહેરની મહાપાલિકામાં બની. ગયા મહિને કોઈ કાર્યક્રમ હતો એ પહેલાં મહિલા મેયરે તમામ મહિલા કર્મચારીઓને લિપસ્ટિક લગાડીને ન આવવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં એક મહિલા લિપસ્ટિક લગાડીને કાર્યક્રમ વખતે હાજર થઈ એટલે તેની ટ્રાન્સફર કરી નાંખવામં આવી બોલો! આ જાણીને વિચાર આવે કે મહાપાલિકાવાળા શહેરના સૌંદર્યકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ કોઈ સ્ત્રી કર્મચારી પોતાના ચહેરાના બ્યુટીફિકેશન માટે લિપસ્ટિક લગાડે તો શું એની બદલી કરવાની? નો બ્યુટી ઓન ડયુટી... એવું ફરમાન થોડું છોડાય?
ઘરઘરમાં જાંબાઝ જવાન
લાલબહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. કૃષિ પ્રધાન ભારતમાં કિસાનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ દેશની રક્ષા કરતા જાંબાઝ જવાનોનું છે. સામાન્ય રીતે નાના ગામ કે ગામડાઓમાં ખેડૂત પરિવારો વસતા હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવું અનોખું ગામ છે જે 'ફૌજીઓ કા ગાંવ' તરીકે ઓળખાય છે. કારણ કે દરેક ઘરમાંથી એક જણ લશ્કરમાં ફરજ બજાવે છે. ગાઝીપુર જિલ્લાના આ ગામનું નામ છે ગહમર-કામાખ્યા દેવીના પ્રાચીન મંદિરને લીધે જાણીતા ગહમરના ૧૨ હજાર જવાનો અત્યારે લશ્કરમાં ફરજ બજાવે છે અને બીજા સેંકડો યુવાનો આર્મીમાં જોડાવા માટે દિવસ-રાત પરસેવો પાડીને તાલીમ લે છે. એક અંદાજ મુજબ ગામમાં ૧૫ હજાર નિવૃત્ત સૈનિકો રહે છે જે પોતાના પુત્રો અને પૌત્રોને સેનામાં જોડાવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. અત્યાર સુધીમાં ગામના ૪૨ ફૌજી લેફટેનન્ટથી બ્રિગેડિયરના હોદ્દા પર અને ૩૫ ફૌજી કર્નલના હોદ્દા પર પહોંચ્યા છે. ગામના દરેક વિસ્તારને એક-એક સૈનિકનું નામ આપવામાં આવ્યું છે. વહેલી સવારે ગામના યુવાનો ફિઝિકલ એક્સરસાઈઝ અને જોગિંગ માટે પહોંચી જાય છે એવી જ રીતે સાંજે છથી રાત્રે ૯ સુધી ટ્રેનિંગ સેશન ચાલે છે. હિન્દુસ્તાનની સીમાની રક્ષા માટે તત્પર આ જુવાનિયાઓના જોશને જોઈ કહેવું પડે કે:
ગામમાં હોય એકાદ જવાન
તો લોકો લે અભિમાન
પણ ગહમર તો આખું
જવાનોનું ગામ
એની કેવી શાન?
આંધ્રમાં કોઈ પણ બ્રાન્ડનો દારૂ માત્ર ૯૯ રૂપિયામાં
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે, બિહારમાં દારૂબંધી છે અને અનેક રાજ્યોમાં લોકો દારૂના દૂષણથી દૂર રહે માટે સરકાર તરફથી ભારે ટેક્સ લગાડવામાં આવે છે. પરંતુ આંધ્ર પ્રદેશની સરકારે લોકો ટેસથી દારૂ ઢીંચીશ કે માટે કોઈ પણ બ્રાન્ડના શરાબની કિંમત ૯૯ રૂપિયા કરી નાખી છે. વિધિની કેવી વક્રતા કહેવાય? બીજી ઓકટોબરે ગાંધી જયંતી ઉજવાય છે અને આંધ્ર પ્રદેશની નવી એક્સાઈઝ પોલીસી ઓકટોબરથી જ અમલમાં મૂકાઈ છે. લોકો કોઈ પણ બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની શરાબની બોટલ માત્ર ૯૯ રૂપિયામાં ખરીદી શકશેય માંદાને સાજા કરે રાબ અને સાજાને માંદા કરે શરાબ. શરાબના સેવનથી માત્ર શરદી જાય એટલું જ નહીં ઘર, પરિવાર અને પૈસો બધુ જ જાય. શરાબની લત ભલભલાની હાલત બગાડે છતાં રાજ્યની સરકારે ક્યા કારણસર સસ્તો દારૂ વેંચવાની નીતિ (કે અનીતિ) ઘડી હશે?
બહેરા વાઘે
બબાલ મચાવી
ઘણીવાર રાષ્ટ્રીય નેતાઓ જનતાનો અવાજ કાને ધરતા નથી. પરંતુ રાષ્ટ્રીય નેતાની જેમ રાષ્ટ્રીય પ્રાણી વાઘ જનતાનો અવાજ સાંભળી નહીં ત્યારે કેવી બબાલ થાય છે તેનો વસમો પરચો ઉત્તર પ્રદેશના પીલીભાીતના જંગલમાં મળી ગયો. પીલીભીત ટાઈગર રિઝર્વમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન દસ જણનો ભોગ લઈ હાહાકાર મચાવી દેનારો વાઘ આખરે પકડાયો ત્યારેતેની મેડિકલ ટેસ્ટમાં ખબર પડી કે વાઘ તો બહેરો છે. એટલે શું થતું ખબર છે? ગામવાસીઓ આ વાઘને ડરાવીને ભગાડવા માટે પતરાના ડબ્બા પર દાંડી પીટીને, ઢોલ વગાડીને અને ફટાકડાના ધૂમધડાકા કરીને ઘોંઘાટ કરતા એ વાધ તો સાંભળતો જ નહીં. એટલે સીધો ઘસી જઈને હુમલો કરતો હતો. આમ બહેરા વાઘે ખરી બબાલ મચાવી અને દસ જણનો ભોગ લીધો. આ જોઈને કહેવું પડે:
રાષ્ટ્રીય નેતા કાને
ઘરે નહીં વાત
રાષ્ટ્રીય પ્રાણી કાને ધરે નહીં
ઘોંઘાટ
ત્યારે જનતાની કેવી લાગે વાટ?
પંચ-વાણી
જેનું દૂધ પીતા ગાંધીજી
એવી એક બકરી અમેય ગાંધીજી
એ બન્યા રાષ્ટ્રપિતા અને
અમે રાષ્ટ્રનું લોહી 'પીતાજી'.