Get The App

જો દેગા ઉસકા પુલીસ પકડેગી ગલા

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
જો દેગા ઉસકા પુલીસ પકડેગી ગલા 1 - image


- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી

દેશભરમાં માગણોના મોઢેથી એક ડાયલોગ અચૂક સાંભળવા મળે છેઃ જો દેગા ઉસકા ભી ભલા નહીં દેગા ઉસકા ભી ભલા... પણ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં આ ડાયલોગ ફેરવીને બોલવાનો વખત આવ્યો છે. ઈન્દોરને  માગણમુકત શહેર બનાવવા માટે ભીખારીઓ વિરુદ્ધ લેવામાં આવતા પગલાં કારગત ન નીવડતા હવે ભીખ આપનારા સામે પોલીસે એફઆઈઆર નોંધવાનો ફેંસલો કર્યો છે એટલે ડાયલોગ ફેરવીને આ રીતે ફટકારી  શકાયઃ જો દેગા ઉસકા પુલીસ પકડેગી ગલા ઔર ના દેગા ઉસકા હોગા ભલા. પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઈન્દોરમાં કોઈ વ્યક્તિ ભીખ આપી નહીં શકે એવો આદેશ ડિસ્ટ્રિકટ કલેક્ટરે બહાર પાડયો છે. ઈન્દોર પોલીસે અને પ્રશાસને થોડા વખત પહેલાં જ માગણોની રીતસરની કેટલીય વ્યવસ્થિત ગેન્ગ પકડી પાડી હતી. કોઈ કંપનીની જેમ આ બેગર્સ સિન્ડિકેટ તરફથી પગારદાર ભીખારીઓની ભરતી કરવામાં આવી હતી. 

 એટલે નવા વર્ષથી ઈન્દોરની સડક ઉપર કોઈ ભીખારી માગણ મેલોડીનું ગીત ગાતો જતો હશેઃ ગરીબો કી સુનો વો તુમ્હારી સુનેગા... એ ગીત સાંભળીને કોઈના મનમાં દયાભાવ ઉપજતા ભીખ આપવા હાથ લાંબો કરશે તો 'કાનૂન કે લમ્બે હાથ...' તેના સુધી પહોંચી જશે. આપણા દેશમાં ચૂંટણીના રાજકારણમાં આવો જ સીન જોવા મળે છેને? મત માગનારાને મજા અને મત આપનારાને 'સજા'નો સામનો કરવો પડે છેને?

આરોપીની અનોખી સવારી

યુ.પી. કા ખેલ દેખો... આરોપી ઔર પુલીસ કા મેલ દેખો... ઉત્તર પ્રદેશ ગુનાખોરી માટે કુખ્યાત છે અને ગામના  ઉતાર કહી શકાય એવા કૈંક ગુંડા ફૂટી નીકળતા હોવાથી તેને ઉતાર-પ્રદેશ પણ કહી શકાય. યોગીજીએ આમ તો ભલભલા ગેન્ગસ્ટરો અને સુપર ગેન્ગસ્ટરોનો ખાતમો બોલાવ્યો છે, કોમવાદી તાકાતોની કમર તોડી નાખી છે અને ધર્મઝનૂનીઓને ધાકમાં રાખવામાં પાછા નથી પડતા, છતાં આજે આ જ ઉત્તર પ્રદેશમાં વિચિત્ર ખેલ જોવા મળે છે. 

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં બનેલી એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. સામાન્ય રીતે કોઈ ગુનેગાર કે આરોપીને  કોર્ટમાં હાજર કરવાની તારીખે પોલીસ વેનમાં લઈ જવામાં આવતા હોય છે. જ્યારે મૈનપુરીમાં હેલ્મેટ વગર બાઈક ચલાવતો આરોપી અને તેના હાથે બાંધેલી હાથકડીનુું દોરડું પકડીને પાછળની સીટ પર પોલીસ બેઠેલો જોવા મળ્યો હતો. જોકે પોલીસે હેલ્મેટ પહેરી હતી, પરંતુ આરોપી ઊઠીને ખુદ પોલીસને બાઈક પર બેસાડી કોર્ટમાં લઈ જાય  એ દ્રશ્ય કહેવું પડે કે-

અજબ તેરી દુનિયા 

ગજબ યુપી કા ખેલ... 

આરોપી ઔર પુલીસ કે બીચ 

યે કૈસા તાલમેલ?

રાવણના સાસરના ગામ મંદસૌરની અજબ સેલ્ફી-કહાણી

જરા કલ્પના કરો કે  રામાયણ કાળમાં જો મોબાઈલ હોત અને લંકાની પ્રજા દસ માથાળા રાજા રાવણ સાથે સેલ્ફી લેવા માગતી હોત તો કેવી મુશ્કેલી પડત? દશાનનના દસેદસ માથાં ક્યાંથી સેલ્ફીમાં  સરખા ઝડપાય? જોકે આપણે તો રામાયણકાળની નહીં પણ કલીકાળની સેલ્ફીની  વાત કરવાની છે જેનો સંબંધ રાવણ સાથે જોડાયેલો છે. રાવણની પટરાણી  મંદોદરી અત્યારના મધ્ય પ્રદેશના મંદસૌરની રાજકુમારી હતી. એટલે રાવણ મંદસૌરનો જમાઈ થાય. આજની તારીખમાં મંદસૌરમાં રાવણ પૂજાય છે. હવે સેલ્ફીની વાત પર આવીએ, મંદસૌરની કોર્ટમાં છૂટાછેડાનો અજબ કેસ આયો. ચાર વર્ષ પહેલાં પરણેલી  યુવતીએ છૂટાછેડા માટે અરજી કરી અને કારણ આપ્યું કે મારો હસબન્ડ મારી સાથે મોબાઈલમાં સેલ્ફી નથી લેતો એટલે મને બહુ જ ખોટું લાગ્યું છે.યુવતીએ ભરણપોષણની પણ માગણી કરી હતી. સિવિલ કોર્ટના જજ ગંગાચરણ દુબેએ  ક્ષુલ્લક  કારણસર લગ્ન સંબંધને તૂટતો બચાવવા અજબ આદેશ આપ્યો. જજ સાહેબે આદેશ આપ્યો કે પતિ-પત્ની પશુપતિનાથના મંદિરમાં જવું અને ત્યાં ભગવાનની સાક્ષીએ મોબાઈલમાં સેલ્ફી લઈ કોર્ટમાં સેલ્ફી ફોટો જમા કરાવવો. પતિ-પત્નીએ આદેશનું પાલન  કર્યું અને તેમનાં લગ્ન તૂટતાં બચી ગયા.

લગ્નસંબંધની નહીં, પણ ભગ્નસંબંધની મેંદી

મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો... ધામધૂમથી  લગ્ન યોજાયા હોય ત્યારે મેંદી સેરીમનીમાં  ખાસ મેંદી આર્ટિસ્ટો મહિલાઓના હાથમાં  અવનવી ડિઝાઈનની મેંદી મૂકે છે. ફૂલ, વેલની ભાત હથેળીમાં જ નહીં, આખા હાથ અને પગ ઉપર શોભી ઉઠે છે. કન્યાના હાથની મેંદીનો રંગ જોઈને જ અનુમાન લગાડી શકાય કે એ નવી પરણેલી છે. આ તો લગ્ન વખતે નજરે પડતી મેંદીની વાત થઈ, પણ લગ્ન પછી બધી જ કન્યાનું સુખી સંસારનું સપનું સાકાર નથી થતું. પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થઈ જાય, બેમાંથી એક પાત્ર શંકાશીલ હોય તો સુખી સંસારમાં પલીતો ચંપાઈ જતા વાર નથી  લાગતી.  

આમાંથી વાત વધી પડે ત્યારે છૂટાછેડાની નોબત આવે છે અને તું તારે રસ્તે અને હું મારે રસ્તે એમ બન્ને છૂટ્ટા પડી જાય છે. આજના લગ્નજીવનની આ વસમી વાસ્તવિક્તા  એક મેંદીના માધ્યમથી કહેવામાં આવી છે. છૂટાછેડાની મેંદીની આ ડિવોર્સ ડિઝાઈન સોશિલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ છે. કેવા દિવસો આવ્યાં છે? લગ્નસંબંધ વખતની મેંદીના વખાણ થતાં અને હવે ભગ્ન સંબંધની મેંદી વાઈરલ થાય છે.

બકરીનો બર્થ-ડે

હેપ્પી બર્થ ડે ટુ યુ...જ્ન્મદિવસની ઉજવણી  કાંઈ બેપગા પૂરતી મર્યાદિત થોડી જ રહી છે? કોઈ પોતાના પેટ-ડોગનો તો કોઈ પોતાની બ્યુટીફુલ બિલ્લીભાઈનો  બર્થ-ડે ઉજવે છે. મોટા ભાગે હાઈ-સોસાયટીમાં અને માલેતુજારોના ઘરમાં શ્વાન કે બિલાડીના જન્મદિન ઠાઠમાઠથી ઉજવાતા હોય છે, પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેનું દૂધી પીતા એવી એક ગરીબડી બકરીનો બર્થ-ડે  બિહારના જમુઈ જિલ્લાના વિઠ્ઠલપુર ગામે ઉજવાયો એ ઉજવણીએ ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. સિન્ટુસિંહનો પરિવાર છેલ્લાં ચાર વર્ષથી પુષ્પાંજલિ નામની બકરીનો જન્મદિન  ઉજવે છે તેની પાછળ ખૂબ જ ઈમોશનલ કારણ છે. તેમનો દીકરો કુશ એક વાર તેના નાનાન ે ઘરે ગયો હતો.

 ત્યાંથી બકરીના બચ્ચાને લઈ આવ્યો હતો. ૨૦૨૦માં કોરોનાએ કુશનો ભોગ લીધો. એટલે કુશના પરિવારે બકરીને જ ફેમિલી મેમ્બર તરીકે અપનાવી કુશનો બર્થ ડે૧૩મી ડિસેમ્બરે આવતો હતો એ દિવસે બકરીના બર્થ-ડેની ઉજવણી શરૂ કરી. બકરીના જન્મદિનની શાનથી ઉજવણી થાય છે,  દાવતમાં ભાવતાં ભોજન પીરસાય છે. 

મહેમાનો પણ બકરીબેન માટે ગિફટમાં કેરી, ફણસ અને ભાવતો ચારો આપે છે. ત્યાર પછી 'હેપ્પી બર્થડે  ટુ  પુષ્પાંજલી...'ના સમુહગાન સાથે કેક કાપવામાં આવે છે અને આમ બકરીબેનના બર્થ-ડેની ઉજવણી થાય છે. સિન્ટુ-સિંહનાલ પરિવારમાં બકરીને મળતા માનપાન જોઈને કહેવાનું મન થાય કે-

'સિંહ'ના ઘરમાં બકરી

મેળવે માનપાન

આને જ કહેવાય

મેરા ભારત મહાન.

પંચ-વાણી

ઝિંદગી મેં 'પાના' હી

સબ કુછ નહીં હોતા

ઉસકે સાથ નટ-બોલ્ટ

ભી ચાહિયે.


Google NewsGoogle News