મધરટંગ ભૂલીને નશામાં અધરટંગમાં લવારો
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
રેઈન ઈઝ વર્સિંગ... ફેન ઈઝ ફેનિંગ... ડોગ ઈઝ ભસિંગ... ચક્કી પિસિંગ પિસિંગ એન્ડ પિસિંગ... પીયકક્ડો એવા પણ ભટકાય છે જે બાટલી ચડાવ્યા પછી સાચું-ખોટું અંગ્રેજી ભરડવા માંડે છે.
ઈંગ્લિશ દારૂ જ નહીં દેશી દારૂ ગટગટાવ્યો હોય છતાં અંગ્રેજીમાં ફાડમફાડ કરવા માંડે છે. એટલે જ મધ્યપ્રદેશના બુરહાનપુરમાં દારૂના અડ્ડાની બહાર બોર્ડ ઉપર લખવામાં આવ્યું છેઃ દિન દહાડે ઈંગ્લિશ બોલના સીખે... એટલે પેટમાં જાય દારૂ અને અંગ્રેજી નીકળે બારૂ... કેવું સારૃં? જો કે દારૂના અડ્ડાવાળાએ આ બોર્ડ માર્યું તેની સામે ઘણાં ભણેલગણેલ લોકો ખફા થયા છે.
એમનું કહેવું છે કે શરાબને અંગ્રેજી શિક્ષણ સાથે જોડીને અંગ્રેજીની ઠેકડી ઉડાડવાનું બરાબર નથી, એટલે આ બોર્ડ દૂર કરવું જોઈએ. જોકે બોર્ડ દૂર કરવામાં આવે કે ન આવે, સોશિયલ મીડિયામાં એવું વાઈરલ થઇ ગયું છે કે આ લખાણ પરથી પ્રેરણા લઈ પિયક્કડોને આકર્ષવા બીજા દારૂના ઠેકાવાળા પણ આવી ગિમિક કરવા તૈયાર થઈ ગયા છે. આમ તો ઘણા હાઈલી એજ્યુકેટેડ લોકો રોફ જમાવવા કે પછી નાનપણથી મોટપણ સુધી અંગ્રેજી ભણીને કેવું ઈંગ્લિશ બોલી શકે છે તેનો દેખાડો કરવા માટે મધરટંંગ ભૂલીને 'અધરટંગ'માં જ વગર પીધે લવારો કરતા હોય છે ને!
જો હોય અક્કલવાન તો ગદર્ભના ગવાય ગુણગાન
હિન્દીમાં અક્કલ બડી કે ભેંસ? એવી કહેવત છે. પણ હવે યોગીજીના ઉત્તરપ્રદેશના એક ખૂબ જ ઈન્ટેલિજન્ટ ગદર્ભની કાબેલિયત જોઈ કહેવું પડે કે અક્કલ બડી યા ગધા?
કોઈ માણસ મૂર્ખાઈ કરે તો એવું કહેવામાં આવે છે કે તું સાવ ગધેડા જેવો છે... પણ હવે કોઈ માણસ અક્કલવાળું કામ કરે તો કહેવું પડશે કે તું મેરઠના ગધેડા જેવો છે... કારણ આગ્રાનો પન્નાલાલ નામનો ટેલેન્ટેડ ગર્દભ માત્ર સૂંઘવાની શક્તિથી ભલભલાને ઓળખી કાઢે છે. મોબાઈલ સૂંઘ્યા પછી તરત ભીડમાંથી જેનો મોબાઈલ હોય તેને ગોતી કાઢે છે.
આમ તો શ્વાનની સૂંઘવાની શક્તિ ખૂબ તેજ હોય છે, પણ આ ગર્દભને તેના માલિક બનવારીલાલે ટ્રેનિંગ આપીને એવો તૈયાર કર્યો છે કે થોડા સમય પહેલાં યુપીમાં એક મેળામાં તેણે નાહ્યા વિના કોણ આવ્યું છે તેને, ગર્ભવતી મહિલાને અને ડોકટરને ભીડમાંથી આબાદ શોધી કાઢ્યા હતા. બનવારીલાલના એક સગા અડધી સદી પહેલાં મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં તાલીમ પામેલા શ્વાન શૂટિંગ માટે મોકલતા હતા. એના પરથી પ્રેરણા લઈ બનવારીલાલે પોતાના પ્યારા ગધેડા પન્નાલાલને માત્ર સૂંધીને વાસ પરથી કેવી રીતે ઓળખી શકાય એની તાલીમ આપી.
મેળામાં લઈ જવામાં આવે ત્યારે આ ગધેડો આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આ નસીબવંતા ગધેડાને મળતા માનપાન જોઈને કહવેું પડે કે ગધ્ધાને જીવતા જ 'ગધેન્દ્ર-મોક્ષ' મળી ગયો. કહે છે
નર હોય કે ખર
જે હોય અક્કલવાન
તો પછી કેમ ન ગવાય
એના ગુણગાન?
આગે હૈ કાતિલ મેરા ઔર મેં પીછે પીછે
વાઘ આવ્યો ભાઈ વાઘ... એને બદલે મહારાષ્ટ્ર 'દીપડો આવ્યો ભાઈ દીપડો...' એવી બૂમરાણ મચતાંની સાથે જ લોકો ડરના માર્યા થરથરી ઉઠે છે. મુંબઈમાં નેશનલ પાર્કના જંગલની આસપાસની વસતીમાં કે પછી પુણે અને નાસિકની ભરવસતીમાં રાતના સમયે દીપડા દબાતા પગલે કૂતરાના શિકારની શોધમાં ઘૂસણખોરી કરતા હોય છે. માણસો જેમ હોટ-ડોગ ટેસથી ખાય એમ દીપડા (જેને મરાઠીમાં બિબટ્યા કહે છે)ને પણ લાઈવ એટલે જીવતા હોટ-ડોગ ભાવે છે. એ દીપડા કૂતરાનો શિકાર કરી જંગલમાં ખેંચી જાય છે.
ખૂબ ઝડપથી દોડી શકતા આ દીપડા ગામમાં ઘૂસી ગયા પછી ક્યારેક ઘરમાં તો ક્યારેક ઓફિસોમાં ઘૂસીને એવાં સંતાય જાય છે કે ગોતવા મુશ્કેલી બની જાય. બીજું, સંતાઈને બેઠેલા દીપડાને શોધવામાં સૌથી મોટું જોખમ એ છે કે ક્યારે હુમલો કરી બેસે એ કહેવાય નહીં. એટલે ભારતમાં પહેલી જ વાર રેસ્કયુ ચેરિટેબલ ટ્રસ્ટે દ્વારા સંતાયેલા દીપડાને તેની વાસ પરથી શોધી કાઢે એવું વાઈલ્ડ લાઈફ ડિટેક્શન ડોગ યુનિટઊભું કરવામાં આવ્યું છે.
ડોગ એક્સ્પર્ટ કિરણ રહાળકરે બે વર્ષની ટ્રેનિંગ આપીને સુંઘણશી શ્વાન તૈયાર કરવા માંડયા છે. વન્યજીવોના સંવર્ઘનની કામગીરી બજાવતા નેહા પંચમિયા અને અન્ય પ્રાણીપ્રેમીઓ મળીને શ્વાન મારફત દીપડાને શોધી કાઢવાનું કામ કરે છે. થોડા વખત પહેલાં એક ખૂનખાર દીપડાએ ત્રણ માસૂમ બાળકોનો ભોગ લીધો હતો અને ગામડાઓમાં દહેશત વ્યાપી હતી.
દીપડો પકડાતો જ નહોતો. આખરે વાઈલ્ડ લાઈફ ડિટેકશન ડોગ યુનિટની મદદ લેવામાં આવી અને સવારથી સાંજ સુધીમાં દીપડાને શોધી સકંજામાં લેવામાં આવ્યો હતો. વિધિની કેવી વક્રતા કહેવાય! સામાન્ય રીતે દીપડા કૂતરાના શિકારની શોધમાં આવતા હોય છે, જ્યારે હવે તાલીમબદ્ધ શ્વાન દીપડાને શોધી કાઢે છે. અત્યંત ચબરાક ડોગીઓ દીપડાનું પગેરું દબાવતા નીકળી પડે ત્યારે હિન્દી ફિલ્મના ગીતનું મુખડું યાદ આવેઃ દીવાના મુઝ-સા નહીં ઈસ અંબર કે નીચે... આગે હૈ કાતિલ મેરા ઔર મેં પીછે પીછે...
સર્પદંશથી સાવધાનઃ દર વર્ષે લગભગ એક લાખ મોત
મન ડોલે મેરા તન ડોલે... 'નાગિન' ફિલ્મના આ ગીતની ધૂન બીનથી વગાડીને નાગને નચાવતા અને પૈસા કમાતા મદારીઓના દેશ તરીકે એક જમાનામાં વિદેશમાં ભારતની ઓળખ હતી. જોકે આજે ભલે હિન્દુસ્તાને દરેક ક્ષેત્રમાં સાધેલી પ્રગતિની દુનિયાએ નોંધ લેવી પડતી હોય, આમ છતાં આજે પણ સાપના ડંખને કારણે દર વર્ષે ૮૧ હજારથી ૧.૩૮ લાખ ભારતીયો જીવ ગુમાવે છે. ચાર લાખથી વધુ લોકો સાપના ઝેરને લીધે કાયમ માટે દિવ્યાંગ બની જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્નેક-બાઈટના જાહેર કરેલા આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. આમાંથી સાપ કરડવાની ૯૦ ટકા ઘટના ગામડાઓમાં બને છે અને સ્ત્રીઓ કરતાં પુરૂષો વધુ સર્પદંશનો ભોગ બને છે, કારણ કે ખેતરોમાં ખેતીનું કામ કરતા ખેડૂતો ડંખનો વધુ ભોગ બને છે. આમ તો ભારત સહિત દુનિયામાં સર્પોની ૩૫ હજારની વધુ પ્રજાતિ છે, જેમાંથી ૬૦૦ પ્રજાતિ ઝેરી છે. ભારતમાં જોવા મળતા સાપમાં સૌથી ઝેરી ઈન્ડિયન કોબ્રા, કોમન ક્રેટ, રસેલ વાઈપર સૉ-સ્કેલ્ડ વાઈપર છે. કેરળ અને બિહાર રાજ્યમાં સર્પદંશથી મૃત્યુ થાય તો તેના પરિવારને અનુક્રમે પાંચ લાખ અને ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. અન્ય રાજ્યોએ પણ આ રીતે વળતર ચૂકવવું જોઈએ એવી માગણી ઊઠી છે. બાકી તો સાપ કરતાં વધુ ઝેરીલા અને ડંખીલા કેટલાક માણસો જ હોય છે. આ સંદર્ભમાં ખલીલ ધનતેજવીનો શેર યાદ આવે છે કે-
હવે તો સાપને પણ
ઝેર ખાવાનો વખત આવ્યો છે
મદારીને માણસ પકડતાં
આવડી ગયું છે.
પંચ-વાણી
બુરે દિનોં મેં કર નહીં
કભી કિસી સે આસ,
પરછાઈ ભી સાથ દે
જબ તક રહે પ્રકાશ.
-નીરજ