દિવાળીમાં દીવડા પ્રગટાવાય અને ગોવામાં દાનવ સળગાવાય
- મેરા ભારત મહાન-અક્ષય અંતાણી
એક વો ભી દિવાલી થી એક યે ભી દિવાલી હૈ... આ હિન્દી ફિલ્મના ગીતની યાદ અપાવે એ રીતે દેશમાં જુદી જુદી રીતે દિવાળીના તહેવારની ઉજવણી થાય છે. દશેરામાં જેમ રાવણના ંપૂતળાંને સળગાવવામાં આવે છે એવી રીતે ગોવા એક જ એવું રાજ્ય છે જ્યાં દિવાળીમાં નરકાસુર રાક્ષસનાં જંગી પૂતળાં બાળવામાં આવે છે. ભગવાન રામ-સીતા-લક્ષ્મણ ૧૪ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યાં ત્યારે અયોધ્યાવાસીઓએ ખુશાલી મનાવવા માટે ઘર ઘરમાં અગણિત દીવડા પ્રગટાવીને અયોધ્યાનગરને ઝળહળતું કરી દીધું હતું. ત્યારથી દિવાળીનો તહેવાર ઉજવાય છે અને દીવડા પ્રગટાવી અંધકાર પર પ્રકાશના વિજય અને બુરાઈ પર અચ્છાઈના વિજયના અવસરની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ગોવાવાસીઓ ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી લોકોને દાનવના ત્રાસમાંથી છોડાવ્યા તેની ખુશાલીમાં અને શ્રીકૃષ્ણના વિજયને વધાવવા માટે દિવાળી મનાવવામાં આવે છે. પરાપૂર્વથી એનોખી રીતે દિવાળીની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. આ જોઈને કહેવું પડે કે-
દેશમાં દિવાળી નોખી નોખી
રીતે ઉજવાય,
આમ તો બધે દીવડા પ્રગટાવાય
પણ ગોવામાં દાનવને સળગાવાય...
જ્યાં દિવાળી અવિવાહિત કન્યાઓ ઉજવે છે
આપણે ત્યાં સામાન્ય રીતે દિવાળીના તહેવારની ઉજવણીમાં આબાલવૃદ્ધ સહુ ઉમંગભેર શામેલ થાય છે. પરંતુ કર્ણાટકના ચિત્રદુર્ગ, દાવણગીરી અને બેલ્લારીમાં મુખ્યત્વેે જોવા મળતી લમ્બાની નામની વિચરતી જનજાતિમાં દિવાળીનો તહેવાર મુખ્યત્વે અવિવાહિત કન્યાઓ ઉજવે છે. લમ્બાની જનજાતિ જ્યાં વસવાટ કરતી હોય તેને ટાંડા કહે છે દિવાળીને આ લોકો દાવલી કહે છે.અમાવસ્યાનો રાત્રે લક્ષ્મીજીના પૂજનથી અવિવાહિત કન્યાઓની દાવલીની ઉજવણી શરૂ થાય છે. દિવાળીને દિવસે કન્યાઓ પારંપારિક વેશભૂષામાં હાથમાં તેલના દીવડા લઈ ટાંડાના મુખીના ઘરે જાય છે અને ત્યાં દેવતાની પૂજા કરે છે. ત્યાર પછીના દિવસે છોકરીઓ જંગલમાં જઈને ફૂલો ચૂંટી લાવે છે અને દેવીના મંદિરમાં ચડાવે છે. ત્યાર પછી તેમની વસતીના દરેક ઘરમાં જાય છે અને દીપ પ્રગટાવી આશીર્વાદ આપે છે. ત્યાર પછી ધ્રીબાંગ ધ્રીબાંગ ઢોલનો નાદ ગાજવા માંડતા બધી કન્યાઓ મુખીના ઘરે પહોંચી લોકગીતો ગાઈને તાલબદ્ધ રીતે લોકનૃત્યો કરી ધરતી ધુ્રજાવે છે. ત્યારબાદ રાત્રે મુખીના ઘરે બધા લોકો ભેગા થાય છે અને સમૂહ ભોજન કરીને દીવાળી મનાવે છે.
'દિવાળી'માં કોણ શોક મનાવે છે?
દિવાળી ખુશાલીનો તહેવાર છે. ફટાકડાના ધૂમધડાકા આંગણે રંગોળીઓ, રંગબેરંગી રોશનીના ઝગમગાટ સાથે પ્રકાશના પર્વની ઉમંગભેર ઉજવણી થાય છે, પણ ખુશાલીના આ તહેવારને કોઈ શોકના પર્વ તરીકે મનાવે એ જાણીને ખરેખર નવાઈ લાગે. પણ આ હકીકત છે કે ઉત્તર ભારત, બિહાર અને નેપાળમાં વસતા થારૂ જનજાતિના લોકો દિવાળીને શોકપર્વ તીરેક મનાવે છે. દિવાળીને થારૂ જનજાતિના લોકો દિવારી કહે છે.આ દિવસે પરિવારના મૃત્યુ પામેલા સભ્યની યાદમાં પૂતળું બનાવવામાં આવે છે અને પછી તેને સળગાવવામાં આવે છે. ત્યાર પછી સ્વજનો અને સગાવ્હાલા સમૂહભોજન કરે છે.
આમ કોઈ શોક પર્વ તરીકે દિવાળી મનાવે છે તો મોંઘવારીનો મૂંઢમાર સહન કરતા મધ્યમ વર્ગના લોકોને દિવાળી પર્વની ઉજવણી કરતાં 'શોક' લાગે છે.
દિવાળીમાં ઉલ્લૂને માથે આફત
દિવાળીનો તહેવાર નજીક આવે ત્યારે ઘુવડ (ઉલ્લુ)ની હેરાફેરી કરવાવાળા કેટલાય લોકો પોલીસના હાથમાં ઝડપાતા હોય છે. ત્યારે સહજ રીતે સવાલ થાય કે દિવાળીને અને ઘુવડને શું સંબંધ? એમાં એવું છે કે ગણપતિનું વાહન ઉંદર, દુર્ગામાતાનું વાહન સિંહ એમ લક્ષ્મીજીનું વાહન ઘુવડ છે. એટલે મેલીવિદ્યાવાળા તાંત્રિકો સિદ્ધિ પ્રાપ્ત થાય એવું માનીને દિવાળીની રાત્રે ઘુવડની બલિ ચડાવે છે. એટલે જ દિવાળી પહેલાં ઘુવડોને જંગલોમાંથી પકડીને પછી ઊંચા ભાવે વેંચવાનો છાનો ધંધો ચાલતો હોય છે. હિંસાથી કોઈ દિવસ સિદ્ધિ હાંસલ થાય?
ખેર, ઘુવડને હિન્દીમાં ઉલ્લુ કહે છે એ વિશે ડાયરામાં લોકકલાકારે મજેદાર પ્રસંગ કહેલો કે પૈસા કમાવા માટે કોઈને ઉલ્લુ (મૂર્ર્ખ) બનાવો તો લક્ષ્મીજી રાજી થાય કારણ કે ઉલ્લુ તો એમનું વાહન છે, અને લક્ષ્મીજી રાજી થાય એટલે પછી વધુને વધુ પૈસા આપે. બાકી તો આજની પરિસ્થિતિના સંદર્ભમાં ઉલ્લુના ઉલ્લેખવાળો શેર ટાંકી શકાય કે-
બરબાદ ગુલીસ્તાં કરને કો
સિર્ફ એક ઉલ્લુ કાફી હૈ
યહાં હર શાખ પે ઉલ્લુ બૈઠે હૈ
અંજામે ગુલીસ્તા કયા હોગા
નેપાળની દિવાળીમાં કૂતરા, કાગડા અને ગાયની પૂજા
આપણે ત્યાં દિવાલીમાં ઘણા તોફાની બારકસો શેરીનાં કૂતરાની પૂછડીએ ફટાકડાની લૂમ બાંધી ફોડતા હોય છે. ક્યારેક સળગતા ફટાકડા કૂતરાં ઉપર ફેંકવામાં આવે છે. માણસ કરતાં અનેક ગણી શ્રવણશક્તિ ધરાવતા કૂતરાને ફટાકડાના ધૂમધડાકાથી વધુમાં વધુ ત્રાસ થાય છે. તહેવારની ઉજવણીને નામે કૂતરાં કે બીજાં પ્રાણીઓને કનડતા લોકોએ પાડોશી દેશ નેપાળમાં દિવાળી કઈ રીતે ઉજવાય છે એ જરા જાણવા જેવું છે.
નેપાળમાં પાંચ દિવસ દિવાળી પર્વ મનાવવામાં આવે છે. આમાં એક એક દિવસ કૂતરાં, કાગડા અને ગાયની પૂજા કરવામાં આવે છે અને તેમને ફૂલહાર પહેરાવી ભાવતા ભોજન ખવડાવવામાં આવે છે. આ ઉજવણી કુકુર તિહાર તરીકે ઓળખાય છે. શ્વાનને યમરાજાનો સંદેશવાહક માનવામાં આવે છે. નેપાળીઓ દિવાળીમાં દીવડા પ્રગટાવીને યમરાજાને પ્રાર્થના કરે છે કે મૃત્યુ પછી તેમને સ્વર્ગ પ્રાપ્ત થાય. નેપાળીઓ પશુ, પક્ષી અને પ્રાણીની પૂજા કરે છે, એટલું જ નહીં, પર્વત તેમ જ પ્રકૃતિનું પણ પૂજન કરે છે. પ્રકૃતિમાં જ પરમાત્મા છે અને અબોલ જીવોની કનડગત કરવાને બદલે તેનું રક્ષણ કરો,સારસંભાળ લો એ જ સાચી ઉજવણી છે એટલે જ કહેવાનું મન થાય કે-
જ્યાં જીવદયાનો જશ્ન છે
ત્યાં હિંસાનો ક્યાં પ્રશ્ન છે?
પંચ-વાણી
દિવાળીમાં ધનતેરસનું ગુગલીયું અંગ્રેજી ટ્રાન્સલેશન વાંચવા મળ્યું: મની થર્ટીન.