કલોલમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકોને હાલાકી, રેલવે ગરનાળાનો કટ દૂર કરવા માંગ
કલોલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અંડરબ્રિજ પ્રમાણમાં સાંકડો હોવાથી લોકોને હાડમારી
કલોલ : કલોલમાં આવેલ અંડરબ્રિજના બજાર તરફના છેડે બનાવેલ કમાન આકાર કટને કારણે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. આ કટની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં લારીઓ ઉભી રહેતી હોવાથી દબાણ થયું છે જેને કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ કટ દૂર કરી દેવામાં આવે તો મોટી રાહત થઈ શકે તેમ છે.
લારીવાળાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો
કલોલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અંડરબ્રિજ પ્રમાણમાં સાંકડો હોવાથી લોકો હાડમારી ભોગવી રહ્યા છે. અધૂરામાં પૂરો બજાર તરફના છેડે બનાવેલ પ્રવેશવાના રસ્તાઓ પર રીક્ષાઓ અને બાઈકો પાર્ક થઇ જતા વાહન ચાલકોને પસાર થવાનો માર્ગ રહેતો નથી. તંત્ર દ્વારા અંદર પ્રવેશવા અને બહાર નીકળવા માટે કમાન આકારનો કટ બનાવી બે રસ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કટની પાછળ રહેલ ખુલ્લી જગ્યામાં શાકભાજી અને લસણની લારીઓ ઉભી રહી દબાણ કરે છે. લારીવાળાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે.
કટના કારણે ટ્રાફિક સમસ્યા પણ ઉભી થઇ
અંડરબ્રિજ માટે બનાવેલ આ કટના કારણે ટ્રાફિક સમસ્યા પણ ઉભી થઇ રહી છે. જેથી તેને હટાવી દેવાય તેવી માંગ જોર પકડી રહી છે. કમાન આકારના કટને હટાવી ન શકાય તો નાનો કરી દેવામાં આવે જેથી ને તરફના રસ્તા પહોળા થઇ શકે છે. આ કારણે ટ્રાફિક, દબાણ તેમજ ગંદકી જેવી સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે તેમ છે. અગાઉ પણ અંડરબ્રિજને પહોળો કરવાની માંગ થઇ રહી છે પણ હાલ ટેક્નિકલી તે શક્ય ન હોવાનું જણાયું છે. આ સંજોગોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા બીવીએમ ફાટકે ઝડપથી ઓવરબ્રિજનું કામ શરુ કરવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.