Get The App

વર્ષ 2020-21ના 50 જેટલા રસ્તાના કામો પુરા કરવામાં તંત્રનું મનડું માનતું નથી

- મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના

- સરકાર દ્વારા પાકા રસ્તા બનાવવા કરોડો રૃપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં તંત્રને ફુરસદ નથી

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
વર્ષ 2020-21ના 50 જેટલા રસ્તાના કામો પુરા કરવામાં તંત્રનું મનડું માનતું નથી 1 - image

મહેસાણા, તા.10

મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના અનેક ગામડાંઓમાં રસ્તાના કામ માટે વર્ક ઓર્ડર આપી દીધાં બાદ ઘણા કામો પુરા થયા વગર ખોરંભે ચડયાં છે. છેલ્લાં છ વર્ષના આંકડા જોઈએ તો કુલ ૧૦૯૦ રસ્તાકામ મંજૂર થયા બાદ કુલ ૬૭૯ રસ્તાકામ પુરા કરાયા છે. હાલમાં ૧૮૫ રસ્તાકામ ચાલી રહ્યાં છે. જ્યારે કુલ ૨૨૬ જેટલાં રસ્તાકામને શરૃ કરવાના શુભમુહૂર્તની તંત્ર રાહ જોઈને બેઠું છે.

મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અનેક ગામડાઓમાં રસ્તાકામ કરોડો રૃપિયાના ખર્ચે હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જિલ્લાના ગામોમાં રૃ.૧૧૭.૨૧ કરોડના ખર્ચે ૧૭૩ રસ્તાકામને મંજૂર કરાયા હતા. જે પૈકીના માત્ર ૯ જેટલા જ એટલે કે, પોણો ડઝન રસ્તાકામ પુરા થયાં છે. જ્યારે ૧૧૪ રસ્તાકામ હાલમાં ચાલી રહ્યાં હોવાનું એટલે કે, સરકારી ભાષામાં પ્રગતિ હેઠળના કામો હોવાનું સરકારી ચોપડે  દર્શાવાયું છે. તો વળી, હજુ પણ ૫૦ રસ્તાકામ શરૃ પણ થયાં નથી એ પણ કડવી વાસ્તવિકતા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાનમાં રૃ.૧૬૫.૪૨ કરોડના ખર્ચે જિલ્લાના ૧૬૫ રસ્તાના કામોને મંજૂરીની મહોર વાગી ગઈ છે. જેમાંથી એક માત્ર રસ્તાકામને પ્રગતિ હેઠળ હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ સરકારના ચોપડે નોંધાયું છે. આમ, વર્ષ ૨૦૨૧-૨૨ ના ૧૬૪ રસ્તાકામ ખાતાકીય કાર્યવાહીમાં આગળ ધપવામાં અવરોધાયા હોવાનું મનાય છે. આ પેન્ડિંગ કહી શકાય તેવા રસ્તાકામને ક્યારે શરૃ કરવામાં આવશે તેના કોઈ એંધાણ વરતાતા નહી હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે.  જિલ્લા પંચાયતના રોડ ખાતાના અમલદારો દ્વારા યુધ્ધના ધોરણે પડતર રસ્તાકામને શરૃ કરાવીને ગ્રામ્ય વિસ્તારના લોકોને સારા રોડની સુવિધા પુરી પાડવાની લોકમાગણી થઈ રહી છે. જાણવા મળ્યા મુજબ વર્ષ ૨૦૧૬-૧૭ માં મંજૂર થયેલાં ૨૬૩  પૈકીના ૨૬૨ કામ પુરા કરી દેવાયા છે. જ્યારે એક માત્ર સતલાસણા નજીકના કારકોઈ માતાજી રોડનું કામ હાલમાં પણ શરૃ કરવામાં આવ્યું નથી.


Google NewsGoogle News