Get The App

મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો આખરે ફાઈનલ થયો

- વિકાસ યોજના દર 10 વર્ષે રીવાઈઝ કરવાની જોગવાઈ હોવા છતાં 28 વર્ષ લાગ્યા

- મહેસાણા શહેરનુ ક્ષેત્રફળ 1993માં 1286 હેક્ટર હતું તેમાં વધારો થઈને 3210 હેક્ટર થયું

Updated: May 1st, 2022


Google NewsGoogle News
મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો આખરે ફાઈનલ થયો 1 - image

મહેસાણા, તા.30

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો આખરે ફાઈનલ કર્યો છે. મહેસાણા દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૮ હેઠળ શહેરનુ ક્ષેત્રફળ વધીને ૩૨૧૦ હેક્ટર થઈ ગયુ છે. વર્ષ ૧૯૯૩ માં પ્રથમ વિકાસ નકશામાં શહેરનુ ક્ષેત્રફળ ૧૨૮૬ હેક્ટર હતુ. જેમાં ૨૮ વર્ષ બાદ ક્ષેત્રફળમાં અઢી ગણો વિસ્તાર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરની વિકાસ યોજના દર ૧૦ વર્ષે રીવાઈઝ કરવાની હોય છે. પરંતુ, મહેસાણા શહેરમાં વર્ષ ૧૯૯૩ માં ૨૮ વર્ષે વિકાસ યોજના રીવાઈઝ કરાતા શહેરનુ ટાઉન પ્લાનીંગ, રોડ, રસ્તા સહિતનો વિકાસ યોગ્ય રીતે કરી શકાશે.

મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો આખરે ફાઈનલ થયો 2 - imageશહેરના બહારના વિસ્તારમાં આડેધડ કરાતા બાંધકામના બદલે સુયોજિત વિકાસ કરી શકાય તે માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ શહેરનો વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે.ભવિષ્યના વિકાસને ધ્યાને રાખીને સમગ્ર બાબતોને આવરી લઈને વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે. સૂચિત નકશો તૈયાર થયા બાદ નાગરીકો પાસે વાંધા સૂચનો મંગાવીને શહેરી વિકાસ વિભાગમાં રજૂ કરી આખરી નકશો તૈયાર કરાતો હોય છે. મહેસાણા શહેરનો પ્રથમ વિકાસ નકશો વર્ષ ૧૯૯૩ મા ફાઈનલ કરાયા બાદ દ્વિતિય નકશો તાજેતરમાં ફાઈનલ કરાયો છે. ૨૮ વર્ષે વિકાસ નકશો રીવાઈઝ કરાયા બાદ શહેરનો વિસ્તાર ૧૨૮૬ હેક્ટરથી વધીને ૩૨૧૦ હેક્ટર વિસ્તાર થયો છે. જેમાં ૧૯૨૪ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૦૭ માં નાગલપુર અને આઉટગ્રોથ (ઓજી) વિસ્તારને શહેરમાં ભેળવાયા બાદ દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ કરાયો છે. ગુજરાતમાં મહેસાણા શહેર એકમાત્ર એવું છે કે જ્યાં ગ્રીન ઝોન (ખેતીવિષયક) નથી. મહેસાણા શહેરનો દ્વિતિય વિકાસ નકશો ફાઈનલ થતાં આગામી દિવસોમાં શહેરના વિકાસનુ યોગ્ય આયોજન થઈ શકવાનો પાલિકાના સત્તાધીશો અને તંત્રએ દાવો કર્યો છે.

વિકાસ નકશો બનાવવાની પ્રક્રિયા 9 વર્ષે પૂર્ણ થઈ

મહેસાણા શહેરમાંં નાગલપુર અને ઓજી વિસ્તારનો સમાવેશ થયા બાદ વિકાસ નકશાની પ્રક્રિયા શરૃ થઈ હતી. રહેણાંક ઝોન, ઔદ્યોગિક ઝોન, બિનખેતી થયેલા તેમજ બાંધકામ થઈ ગયેલા સર્વે નંબરો અંગે ટાઉન પ્લાનર સાથે સંકલનમાં રહીને વિકાસ નકશો તૈયાર કરવામાં આવતો હોય છે. વર્ષ ૨૦૧૩ માં શરૃ થયેલી વિકાસ નકશાની પ્રક્રીયા ૯ વર્ષ સુધીની ચાલીને વર્ષ ૨૦૨૧ માં પૂર્ણ થઈ હતી. ૨૭-૭-૨૦૨૧ ના રોજ વિકાસ નકશો મંજૂર થઈ ગયા બાદ મંત્રી મંડળ બદલાતા ૭ માસ પછી મહેસાણા શહેરના વિકાસ નકશાને ફાઈનલ કરી શકાયો છે.

વિકાસ નકશો લીક થઈ જતા હોબાળો થયો હતો

મહેસાણા શહેરના દ્વિતિય વિકાસ યોજનાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન લીક થઈ ગઈ હતી. જેમાં સાંઈબાબા રોડ અને નાગલપુર વિસ્તારમાં ગ્રીન ઝોન મૂકાયો હોવાની બાબત બહાર આવી ગઈ હતી. પાલિકામાં કોંગ્રેસની સત્તા હોવા છતાં કોંગ્રેસના કોર્પોરેટર અમિત પટેલે નકશો લીક થવા મામલે વાંધો ઉઠાવ્યો હતો.

જેના કારણે પાલિકામાં હોબાળો થયો હતો. ત્યારબાદ પરાં અને નાગલપુર વિસ્તારમાં ગ્રીન ઝોન હટાવવા મામલે રજૂઆતો થઈ હતી. તેથી પાલિકાએ તા.૧૧-૧૧-૨૦૨૦ના જાહેરનામાથી વાંધા સૂચનો મંગાવી એક કમિટીની બનાવીને ૬૦ દિવસમાં વાંધા સૂચનો રજૂ કરવા સમય અપાયો હતો. ત્યારબાદ કમિટીએ ૧૩ સુધારા સાથે વિકાસ નકશો રજૂ કરી ગ્રીન ઝોન દૂર કરવાની માંગ સાથે રાજ્ય સરકારને વિકાસ નકશો મોકલાયા બાદ તા.૨૭-૭-૨૦૨૧ ના રોજ મંજૂર કરાયો હતો.

નવો વિકાસ નકશો મંજૂર થતાં યોગ્ય પ્લાનીંગ થઈ શકશે

મહેસાણા નગરપાલિકાના પ્રવક્તા કૌશિક વ્યાસે કહ્યુ હતુ કે, શહેરનો પ્રથમ વિકાસ નકશો ૧૯૯૩ માં મંજૂર કરાયો હતો. ત્યારબાદ ૨૮ વર્ષે બીજો વિકાસ નકશો ફાઈનલ થયો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પ્રયાસથી શહેરના નાગલપુર અને સાંઈબાબા રોડ ઉપરનો ગ્રીન ઝોન દૂર કરાયો હતો. વિકાસ નકશો મંજૂર થવાથી શહેરના વિકાસ માટે યોગ્ય આયોજન થઈ શકશે.

મહેસાણાને મહાનગરપાલિકા બનતા કોણ રોકી રહ્યુ છે ?

મહેસાણા શહેરને મહાનગરપાલિકા બનાવવા માટે ૪ વર્ષ અગાઉ ૨૦૧૮માં રાજ્ય સરકારે પાલિકા પાસે દરખાસ્ત મંગાવી હતી. શહેરનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો છે. વર્ષ ૨૦૦૫ માં૧૨કિલોમીટરના ઘેરાવામાં રહેલુ મહેસાણા શહેર હાલમાં ૩૨ કિલોમીટરના ઘેરાવામાં પહોંચી ગયુ છે. જેમાં આજુબાજુના ૧૯ ગામોનો સમાવેશ કરાય તો ૩૫ કિલોમીટરનો ઘેરાવો થાય તેમ છે.

વર્ષ ૨૦૦૪ માં મહાનગરપાલિકાની પ્રક્રિયા દરમિયાન વસતીની મર્યાદા નડી હતી. જો કે, અઢી લાખની વસતી હોય તેવા શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળી શકે તેમ છે. તેવા સમયે મહેસાણા શહેરની વસતી હાલમાં ૨.૨૫ લાખે પહોંચી ગઈ છે અને ગંધાતા નાળાથી પાંચોટ બાયપાસ સર્કલ સુધીનો વિસ્તારમાં શહેરમાં ભેળવી દેવાય તો પોણા ત્રણ લાખ સુધીની વસતી થઈ શકે તેમ છે. તેવા સમયે મહેસાણાને મહાનગરપાલિકા બનતા કોણ રોકી રહ્યુ છ તેવા સવાલ નાગરીકોના મનમાં ઉઠી રહ્યા છે.

palika

Google NewsGoogle News