મહેસાણાના સ્થાપક મેસાજી ચાવડાની પ્રતિમા ફરતે કચરાનું સામ્રાજ્ય
- નગરપાલિકાના નિર્લજ્જ તંત્રની બેદરકારી
- ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અનાવરણ કરાયેલ પ્રતિમા પ્રત્યે ભાજપ શાસીત નગરપાલિકાની દુર્લક્ષતા
મહેસાણા તા.19 જુલાઈ 2020, રવિવાર
મહેસાણાની મધ્યમમાં આવેલ તોરણવાળી માતાના ચોકમાં શહેરના સ્થાપક મેસાજી ચાવડાની પૂર્ણકદની પ્રતિમા મુકાવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રતિમાની ફરતે પારાવાર કચરાનું સામ્રાજય ફેલાયેલું જોવા મળતા નગરજનોમાં નધરોળ પાલીકાતંત્ર સામે ભારે નારાજગી જોવા મળે છે.
મહેસાણા શહેરની સ્થાપના કરનાર મેસાજી ચાવડાની પૂર્ણ કદની પ્રતિમાનું તાજેતરમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. જેથી નગરજનોની વર્ષો જુની માંગ સંતોષાઇ હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા તંત્રની દુર્લક્ષાતાને કારણે મેસાજી ચાવડાની પ્રતિમાની ફરતે કચરાના ઢગ જોવા મળે છે. જેના લીધે લોકોમાં રોષ ફેલાયો છ. ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો શહેરના સ્થાપક પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા હોવાથી વિરોધનો વંટોળ ઉઠયો છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ડો.ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભાઇ પટેલ જેવા મહાનુભાવોની પ્રતિમા મુકવામાં આવી છે. આ પ્રતિમાઓની પણ સફાઇ અને જાળવણી કરવામાં પાલીકાતંત્ર છેલ્લી પાટલીએ બેઠું હોવાનું જણાય છે.