સરપંચ અને વોર્ડ સભ્યની 7250 બેઠકના ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ
- ઉત્તર ગુજરાતની ૭૮૬ પંચાયતની ચુંટણીમાં સરેરાશ ૭૫ ટકા મતદાન
- મહેસાણા ૭૨.૩૩, બનાસકાંઠા ૭૪.૮૨ અને પાટણમાં ૭૭.૮૯ ટકા મતદાન નોંધાયું , ૨૧ ડિસેમ્બરે તાલુકા મથકોએ મતગણતરી
મહેસાણા,પાલનપુર,પાટણ,તા.19
ઉત્તર ગુજરાતના ૭૮૬ ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યની
કુલ ૭૨૫૦ બેઠકોની ચુંટણી શાંતીપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં સાંજે પાંચ
વાગ્યા સુધીમાં મળતાં આંકડાઓની વિગત પ્રમાણે ૧૯૭૨૭૩૭ મતદારો પૈકી મહેસાણા, પાટણ અને
બનાસકાંઠા જિલ્લામાં ૧૪૩૦૧૯૨ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં સરેરાશ ૭૫ ટકા
મતદાન નોંધાયું હતું. સરપંચ અને વોર્ડ સભ્યની ચુંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવી
મતપેટીમાં સીલ થયા હતા. આગામી ૨૧,
ડિસેમ્બરે ત્રણેય જિલ્લાના તાલુકા મથકોએ સવારથી મતગણતરીના અંતે ઉમેદવારોની
હારજીતના લેખાજોખા નક્કી થશે.
મહેસાણા જિલ્લાની ૧૦૪, પાટણ
૧૫૨ અને બનાસકાંઠામાં ૫૩૦ મળી
કુલ ે ૭૮૬ ગ્રામ પંચાયતની ચુંટણી માટે
પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન સંપન્ન
થયું હતું. ઘર્ષણની એકલ દોકલ ઘટનાઓને બાદ
કરતાં મતદાન પ્રક્રિયા શાંતીપૂર્ણ માહોલમાં થતાં તંત્રએ હાશકારો લીધો હતો.ત્રણેય
જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલ ૪૯૩૦ મતદાન
મથકોએ સવારથી જ મતદારોએ લાઈનો લગાવી દીધી હતી.જેમાં ે પોલિંગ ઓફિસર સહિત ૧૩૮૮૪
જેટલા કર્મચારીઓએ ફરજ બજાવી હતી.ત્રણેય જિલ્લાની ૭૮૬ ગ્રામ પંચાયતની ચુંટણીમાં
સરપંચ અને વોર્ડ સભ્યની ૭૨૫૦ બેઠકો માટે સરેરાશ ૮૪ ટકા મતદાન નોંધાયું હતું. પોલીસ
બંદાબસ્ત હેઠળ શાંતીપૂર્ણરીતે મતદાન
પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી ૨૧ ડિસેમ્બરના રોજ
પ્રત્યેક તાલુકા મથકોએ મતગણતરીના
અંતે ઉમેદવારોનો ફેંસલો થનાર છે.મહેસાણા જિલ્લાની ૧૦૪ ગ્રામ પંચાયતની ચુંટણીમાં
સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૨૮૫૦૩૨ મતદારો
પૈકી ૨૦૬૧૬૪ મતદારોએ મતદાન કરતા ૮૧.૦૯ ટકા મતદાન થયું હતું.બનાસકાંઠા જિલ્લામાં ૧૪
તાલુકાઓમાં સામાન્ય ૫૨૮ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે મતદાન કરવામાં આવ્યું હતું
જેમાં થરાદ તાલુકાઓની ૬૦ ગ્રામ પંચાયતોમાં સૌથી વધુ ૭૨.૬૧ ટકા જયારે અમીરગઢ
તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોમાં સૌથી ઓછું ૪૨.૯૩ ટકા મતદાન સાથે જિલ્લામાં કુલ ૭૪.૮૨ ટકા મતદાન જયારે પાટણ જિલ્લાની ૧૫૨ ગ્રામ
પંચાયતની ચુંટણીમાં ૭૭.૮૯ ટકા મતદાન નોંધાયું હતું.
સદી વટાવી ચુકેલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
ડિસા તાલુકાનીં જુના નેસડા
ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૦૪
વર્ષના મતદાર રાઠોડ કાળુજી ગલાબજી તેમજ
નવી ભીલડી ગ્રામ પંચાયતની ચુંટણીમાં ૧૦૫ વર્ષના વૃધ્ધા કમળાબેન દલસંગરામે
ઉત્સાહભેર પોતાના મતદાન મથકોએ પહોંચીને સરપંચ તેમજ પોતાના વોર્ડના સભ્યને ચુંટી
કાઢવા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.થરાદ ના આજાવડા ગામે ૧૦૩ વર્ષીય હીરાબેન
રમજુંભાઈ મુસલા વૃદ્ધાએ મતદાન મથકે દીકરાના ટેકા ના સહારે મતદાન કર્યું હતું.
કાતીલ ઠંડીમાં ગ્રામીણ મતદારોમાં મતદાનનો ઉત્સાહ
ગ્રામ પંચાયતની ચુંટણીનો ઉત્સાહ છેલ્લા એક પખવાડીયાથી સમગ્ર
ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો હતો. રવિવારે સુસવાટા મારતા પવન સાથે મહેસાણા, પાટણ અને
બનાસકાંઠા જિલ્લામાં કાતીલ ઠંડી અનુભવાઈ રહી હતી. તેમ છતાં તેની પરવાહ કર્યા સિવાય
ગ્રામીણ મતદારોએ મતદાન બુથો ઉપર વહેલી સવારથી મતદાન કરવા લાઈના લગાવી હતી.જેમાં
યુવા મતદારો અને મહિલાઓની સંખ્યા વિશેષ રહી હતી.
અમદાવાદ,
સુરત, વડોદરા, રાજકોટથી મતદારો
વતનમાં આવ્યા
મહેસાણા,
પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં વસવાટ કરતા અનેક પરિવારો વર્ષોથી ધંધાર્થે અન્ય શહેરોમાં
સ્થાયી થયાં છે.જેથી પોતાના વતનમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ભાગ લેવા અને
મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટાભાગે અમદાવાદ, વડોદરા,
સુરત, સૌરાષ્ટ્રમાં
રહેતા હજારો મતદારો લકઝરીઓ ભરીને કે પોતાના વાહનોમાં આવી પહોંચ્યા હતા.
કેન્યાથી મતદાન કરવા મહિલા મતદાર નવી ભીલડી પહોંચ્યા
નવિભીલડી ગ્રામપંચાયત ના વોર્ડ ન.૨ માં પોતાની ભાભી સોનલબેન અશ્વિનભાઈ રાઠોડ ે ઉમેદવારી
નોંધાવી હતી. જેથી ચુંટણીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા નણંદ હોવાના નાતે કેન્યાના નેરોબીમાં રહેતાજિજ્ઞાાબેન બાબુભાઈ
રાઠોડ નવી ભીલડી આવ્યા હતા. લોકશાહીના પર્વમાં પાયાના પથ્થર ગણાતા ગ્રામ
પંચાયત ચૂંટણીમાં મતદાન કરીને તેમણે લોકોને પ્રેરીત કર્યા હતા.
મોટાભાગના બુથો પર કોરોના ગાઈડ લાઈન ભુલાઈ
ઓમિક્રોનની દહેશત વચ્ચે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં
ચુંટણી પંચ દ્વારા કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે તેવા આદેશ કર્યા હતા.
પરંતુ, રવિવારે
ઉત્તર ગુજરાતમાં ૭૮૬ ગ્રામ પંચાયતની
ચુંટણી માટે નક્કી કરવામાં આવેલા કુલ ૪૯૩૦ મતદાન મથકો પૈકી મોટાભાગના બુથો ઉપર
કોરોનાના નિયમો સરિયામ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.
બેલેટથી મતદાન કરવાનું હોવાથી ગતિ મંદ રહી
ગામડામાં વસવાટ કરતા લોકો મોટાભાગે પશુપાલન તેમજ ખેતીના
વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી મતદારોએ સવારે ડેરીમાં દુધ ભરાવી અને ખેતીના કામ
પતાવી પસંદગીના ઉમેદવારને મત આપવા ગયા
હતા.જ્યારે બેલેટ પેપરથી મતદાન કરવાનું હોવાથી મતદાન બુથો પર લાઈનો લાગી હતી.