ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદન મુદ્દે વિરોધ
- ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રિયા શરૂ કરાયાનો આક્ષેપ
- મહેસાણા જિલ્લાના અંદાજે 40 ગામના ખેડૂતોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
મહેસાણા,
તા.8
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે
માટે જમીન સંપાદન મામલે મહેસાણા જિલ્લામાં વિરોધ શરૃ થયો છે. જિલ્લાના અંદાજે ૪૦
ગામના ખેડૂતોએ મહેસાણામાં રેલી યોજી,
વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આવેદનપત્રમાં ૧૧ જેટલા
મુદ્દાઓનુ નિરાકરણ લાવવા માંગ કરાઈ છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર થનાર જમીન
સંપાદન બાબતે ઉકેલ લાવવામાં નહી આવે તો લડત શરૃ કરીને પ્રોજેક્ટને વિલંબિતમાં
મૂકવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારતાં વહિવટીતંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
મહેસાણા જિલ્લામાંથી અંદાજે ૪૪ કિલોમીટર થરાદ-અમદાવાદ
એક્સપ્રેસ હાઈવે પસાર થવાનો છે. ૪ લેન હાઈવે માટે ઊંઝા, વિસનગર અને
મહેસાણા તાલુકાના ૧૮૭૦ સર્વે નંબરોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. નેશનલ હાઈવે
ઓથોરીટી દ્વારા જાહેરનામુ બહાર પાડીને ખેડૂતોને વાંધા રજૂ કરવા ૨૧ દિવસની મહેતલ
આપી છે. તેવામાં ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર સંપાદન પ્રક્રીયા શરૃ કરાઈ હોવાના
આક્ષેપ સાથે મહેસાણા જિલ્લાના અંદાજે ૪૦ ગામના ખેડૂતોએ વિરોધ શરૃ કર્યો છે.
મહેસાણા, વિસનગર
અને ઊંઝા તાલુકાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતોએ મહેસાણા શહેરમાં તાલુકા પંચાયત પાસે
એકઠાં થઈને રેલી યોજી, વિરોધ
પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં ખેડૂતોના ૧૧ જેટલા
મુદ્દાઓનુ નિરાકરણ લાવવા માંગ કરીને જો નિરાકરણ નહી કરાય તો લડત શરૃ કરીને
પ્રોજેક્ટને વિલંબમાં મૂકવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનપત્રમાં આપેલા ખેડૂતોના મુદ્દાઓ
૨૧૩ કિલોમીટર હાઈવેમાં ૧૬૦ ગામોની હજારો એકર જમીન સંપાદિત
કરવાની હોવાથી હજારો ખેડૂતો જમીન હોલ્ડીંગ ગુમાવતા ખેડૂત મટીને ખેત મજૂર બની જશે.
ફેન્સીંગવાળો એક્સપ્રેસ હાઈવે બનવાનો હોવાથી જમીનના બે ટુકડા પડી જતા ભૌગોલિક
પરિસ્થિતિ બદલાઈ જશે. સુજલામ સુફલામ કેનાલના સમાંતર હાઈવે હોવાથી કેનાલના પાયા
નષ્ટ થશે. જમીનના બજારભાવ કરતાં ખેડૂતોને હાલના નોટીફિકેશન મુજબ ઘણું ઓછું વળતર
મળશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુજબના વળતરની બાહેધરી
આપી નથી. સંપાદન પ્રક્રીયા શરૃ કરાઈ હોવા છતાં સામાજીક અને નુકશાનીનો સર્વે હજુ
સુધી કરાયો નથી. ઓછી જમીન સંપાદિત થાય તે માટે એલાઈમેન્ટ બદલીને ફરીથી સર્વે
કરાવવો જોઈએ. કેટલા ખેડૂતો જમીન વિહોણા થશે તેનો સર્વે કરાયો નથી. મીનીમમ સપોર્ટ
પ્રાઈઝ જમીન સંપાદન કાયદામાં લાગુ પાડવી જોઈએ. ખેડૂતોને સાંભળવામાં નહી આવે તો
સૂચિત સંપાદન સામે લડત શરૃ કરવામાં આવશે.
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ગામો
એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદન મામલે શરૃ થયેલી લડતમાં મેઉ, મુલસણ, સાલડી, ચિત્રોડીપુરા, ધારૃસણા, દેવરાસણ, ગુંજાળા, ચરાડું, ઉદલપુર, લાંઘણજ, લાખવડ, દેલા, પીલુદરા, ચિત્રોડા, બામોસણા, ભાન્ડુ, ભાન્ડુપુરા, લક્ષ્મીપુરા, બોકરવાડા, પળી, રૃવાવી, સુરપુરા, પ્રતાપગઢ, બાલીસણા સહિતના
ગામોના ખેડૂતો જોડાયા હતા.
તૈયાર ભાણામાં બેસવાની કોંગ્રેસની મુરાદ ઉઘાડી પડી
ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરતી રેલી કલેક્ટર કચેરીના ગેટ
પાસે પહોંચતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત ઠાકોર, શહેર પ્રમુખ પી.કે.પટેલ અને પાલિકા વિરોધપક્ષના નેતા કમલેશ
સુતરીયાએ રેલીમાં સામેલ થવાનો પ્રયાસ કરતા ખેડૂતોએ આ લડતને રાજકીય બનાવવાની નહી
હોવાથી રેલીમાં આવવાની મનાઈ કરી હતી. તેથી કોંગ્રેસના નેતાઓએ વીલા મોઢે પરત ફરવુ
પડયુ હતુ. આ સમયે એક ખેડૂતે કહ્યુ હતુ કે,
કોંગ્રેસની તૈયાર ભાણામાં બેસવાની મુરાદ ખેડૂતોએ ઉઘાડી પાડી દીધી હતી.