મહેસાણાવાસીઓ આનંદો... 15મી ઓગષ્ટે મહેસાણા નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો મળશે!
Gujarat govt to convert local bodies into municipal corporations: ગુજરાત સરકારે મહેસાણા નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવાના પગલે સમગ્ર પાલિકા તંત્ર ઊંધા માથે થયું હતું. શહેરના છેવાડા પરના 16 ગામનો સમાવેશ કરવા સહિત સૂચિત મહાનગરપાલિકાના ભૌગોલિક નકશા તૈયાર કરી દરખાસ્તને કલેક્ટર મારફતે સરકારમાં મોકલી આપવામાં આવી હોવાનું અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ.
ગુજરાત સરકાર રાજ્યની 7 નગરપાલિકાને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો
ઉલ્લેખનીય છે કે, આગામી 15મી ઓગષ્ટે રાષ્ટ્રીય પર્વના દિવસે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની અમલવારીના શ્રીગણેશ થવાની સંભાવનાને નકારી શકાતી નથી. જાણવા મળ્યા મુજબ મહેસાણા શહેરના બાયપાસ રોડની નજીકના નુગર, સુખપુરડા અને ગિલોસણ ગામના કેટલાંક ભાગને મ્યુનિ.કોર્પોરેશનમાં આવરી લેવામાં આવ્યાં છે. એટલે કે, બાયપાસ રોડ શહેર બહાર જતો અટકાવાયો છે.
ગુજરાત સરકાર દ્વારા મહેસાણા નગરપાલિકા સહિત રાજ્યની 7 જેટલી પાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની જાહેરાત કરી હતી. નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે શહેર નજીકના 16 ગામનો સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
કોર્પોરેશન બનવાના પગલે શહેરનો વિકાસ થવાની સાથે આજુબાજુના નવા સમાવિષ્ટ ગામોમાં લોકોને રોડ રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરલાઈન, કોમ્યુનિટી હોલ, હોસ્પિટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાગ-બગીચા, સ્ટ્રીટલાઈટ, સિટી બસ, કોમર્શીયલ બાંધકામ-પ્લોટીંગ, નવીન પ્રોજેક્ટ હાથ ધરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. મહાનગરપાલિકામાં રૂપાંતરિત વિસ્તારોના વિકાસ માટે ડી.પી. જાહેર થયા બાદ ટી.પી.બોડી આગામી વિકાસકામો કરવા ટાઉન પ્લાનિંગનું આયોજન કરી શકાશે.
આ પણ વાંચો: વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતી બાળકીનું મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું
મહાપાલિકામાં સમાવેશ કરતાં પહેલાં બાંધકામનું કામ હાથ ધરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માટે ભૂગર્ભ ગટરલાઈન, પાણી, રોડ-રસ્તા, બાગ-બગીચા, સ્ટ્રીટલાઈટ, કોમ્યુનીટી હોલ, હોસ્પિટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમર્શિયલ પ્લોટીંગ વગેરે સુવિધાઓ ઉભી કરવા સરકારની માન્ય એજન્સી મારફતે આયોજન કરવામાં આવી રહ્યું છે. મહાપાલિકામાં સમાવેશ કરતાં પહેલાં સારૂ પ્લોટીંગ, કોમર્શીયલ બાંધકામ વગેરે હાથ ધરવામાં આવશે.
સૌપ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમ થાય અને તેના 10 ટકા વિસ્તારમાં નાગરિકોના સામાજિક કામ માટે કોમ્યુનીટી હોલ, ઈન્ફ્રાસ્ટક્ચર માટે રાખવાની જોગવાઈ છે. નગરપાલિકામાં હાલમાં ચાર માળ બાંધકામ મંજૂરી મળે છે, જ્યારે મહાનગરપાલિકા થતાં 7 માળ સુધીના બાંધકામ રેગ્યુલર રીતે કરી શકાશે.
મ્યુનિ.કોર્પોરેશન બનવાના પગલે પાલિકાની શાસક બોડીનો અંત..!!
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવવાના પગલે વર્તમાન પાલિકાની શાસક બોડીનો અંત આવવાની સંભાવના છે. એટલે કે, કોંગ્રેસમાંથી ચૂંટાયેલાં નગરસેવિકાએ પક્ષપલટો કરી ભાજપામાં જોડાતાં શાસક ભારતીય જનતા પક્ષના ૩8 કોર્પોરેટર અને કોંગ્રેસના 6 નગરસેવકો સત્તા વિહોણા થઈ જશે એટલે કે લોકસેવામુક્ત થશે. જેમના પદાધિકારી તરીકેના શાસનનો અંત આવશે. છતાંય ઘણાંયની ગાડીઓમાં પૂર્વનગરસેવકના પાટિયા તો જરૂર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: હવે તો હદ થઇ.. નકલી સાબુ ફેક્ટરી ઝડપાઇ, વિવિધ બ્રાંડના 1800 નકલી સાબુ અમેઝોન પર વેચ્યા
મહાનગરપાલિકા બનતાં મ્યુનિ.કમિશનરનું શાસન અમલમાં આવશે
મહેસાણા નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનમાં રૂપાંતરણ કરવામાં આવતાં હાલમાં પાલિકામાં જે વહીવટી કામગીરી ચીફ ઓફિસર સંભાળે છે તેના બદલે મહાનગરપાલિકાનો સંપૂર્ણ વહીવટ મ્યુનિ.કમિશનરને કરવાનો રહેશે. જો કે, જાહેરનામાના પગલે વહીવટદાર નિમાવાની તેમજ તેનો ચાર્જ સંભવત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવે તેવી સંભાવના બળવતર બની છે.
મહેસાણા કોર્પોરેશનની વસતી 4 લાખને આંબશે
મહેસાણા શહેરમાં વર્ષ 2011 માં થયેલી વસતી ગણતરી મુજબ કુલ 1,84,991 સરકારી ચોપડે નોંધાઈ છે. મહાપાલિકામાં આસપાસના 16 જેટલાં ગામોનો સમાવેશ કરવામાં આવતાં નગરની વસતિ વધીને અંદાજે 4,00,000 થી વધારે થશે. જેમાં આશરે પુરુષની સંખ્યા- 1,75,000 અને સ્ત્રીઓની સંખ્યા-1.50 લાખ જેટલી નોંધાશે.
સરકારની મહાનગર પ્રમાણે ગ્રાન્ટ મળશે, વિકાસકામો સીધા જ કરાશે
મહેસાણા શહેરના વિકાસકામો કરવા માટે અત્યાર સુધી નગરપાલિકાએ સરકારમાંથી મંજૂરી લેવી પડતી હતી. જેમાં મહિનાઓ પસાર થઈ જતાં કામો ટલ્લે ચડતાં હતા. હવે મ્યુનિ.કોર્પોરેશન થતાં વિકાસલક્ષી કામોને વેગ મળશે. કમિશનર કક્ષાએથી જ કામો મંજૂર કરવામાં આવશે. ખાસ તો, અગાઉ પાલિકાને મર્યાદિત ગ્રાન્ટ મળતી હતી. જ્યારે મહાનગરપાલિકાને તો તોતિંગ આંકડાની ગ્રાન્ટનો લાભ મળશે. એટલે લોકોપયોગી કામો મોટાપાયે કરી શકાશે.
આ પણ વાંચો: સરકારે ગુરૂ પૂર્ણિમા પહેલાં ગુજરાતના ગુરૂજનોને આપી ભેટ, બદલીના નિયમો જાહેર
સરકીટ હાઉસ પાસેની જગ્યા મળે તો મ્યુનિ.બિલ્ડીંગ બની શકે
મહેસાણા મ્યુનિ.કોર્પોરેશનમાં વિસ્તાર, વસતિ અને વિકાસનો વ્યાપ વધવાના કારણે હાલની નગરપાલિકાનું ત્રણ દાયકા જૂનું બિલ્ડીંગ નાનું પડે તેમ હોઈ તંત્ર દ્વારા મહાનગરપાલિકા બિલ્ડીંગ બનાવવા માટે હાલમાં જગ્યા-જમીનની શોધખોળ કરવામાં આવી રહી છે. નવા બિલ્ડીંગ માટે આશરે 4000 થી 7000 ચો.મી.જેટલી જગ્યા આવશ્યક બનતી હોવાથી અત્રેના રાધનપુર રોડ, મોઢેરા રોડ વગેરે વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. પાલિકામાં થતી ચર્ચા મુજબ સરકીટ હાઉસ નજીક આવેલ વિશાળ જગ્યા તંત્ર દ્વારા ફાળવવામાં આવે તો મ્યુનિ.કોર્પોરેશન માટેના મહાકાય બિલ્ડીંગનું નિર્માણ કરી શકાય તેમ છે.