માઉન્ટ આબુ-દિવમાં 100 ટકા હોટલ ફુલ, મોટાભાગના બૂકિંગ ગુજરાતીઓએ કરાવ્યા
અમદાવાદ, તા. 2 નવેમ્બર 2021, મંગળવાર
જીવલેણ કોરોનાને કારણે સતત બે વર્ષ સુધી ભારત સહિત વિશ્વભરમાં પર્યટન સ્થળ સૂમસામ દેખાઈ રહ્યા હતા, ત્યારે હવે દેશમાં દિવાળીનો તહેવાર આવ્યો છે, અને મહામારીનો કહેર પણ ઓછો વર્તાઈ રહ્યો છે, ત્યારે પર્યટન સ્થળો હાલ પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. ચોમાસું હોય કે દિવાળીઓની રજા માઉન્ટ આબુ ગુજરાતીઓની પહેલી પસંદ બની જાય છે.
માઉન્ટ આબુમાં તો ગુજરાતીઓનો ધોધ વહી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. માઉન્ટ આબુના વિવિધ હોટેલ, રિસોર્ટ, રેસ્ટોરેન્ટો, ગેસ્ટહાઉસમાં હાઉસ ફુલ, નો રૂમ ના પાટીયા લાગી ગયા છે. હોટલ સંચાલકો લાભ પાંચમ પછીનું પણ બૂકિંગ લઈ રહ્યા છે.
માઉન્ટ આબુમાં અત્યારથી જ વાહનોની લાંબી લાંબી કતાર જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં જે રૂમના ભાવ માત્ર બે, ત્રણ કે સાડાત્રણ હજારના હતા તેના ભાવ તો આગઝરતી તેજી આવી ગઈ છે, અને ભાવો આસમાન પર પહોંચી ગયા છે.
પાંચથી 15 હજાર સુધીના ભાડા વસૂલ કરવામાં આવી રહ્યા છે. ભાવ વધવા છત્તા ગુજરાતભરમાંથી લોકો આ વર્ષે દિવાળી પર્વની રજાઓ માણવાં ઉત્સુક છે. રજાના ગાળામાં પર્યટકોની સંખ્યા લાખથી વધુ પણ જાય તેવી શક્યતાઓ છે.
જો તમે પણ આબુ જવાનું વિચારી રહ્યા છો તો પહેલા હોટલમાં ઈન્કવાયરી કરીને તપાસ કરી લેજો નહીંતર ત્યાં જઈને ધક્કો પડી શકે છે.
બીજી તરફ દીવની 90 ટકા હોટલો એડવાન્સ બુકિંગના કારણે અત્યારથી જ હાઉસફૂલ થઈ ગઈ છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા ઘણા સમયથી પ્રવાસન સ્થળ પરના વેપાર ધંધા ભાંગી પડ્યા હતા હોટલમાં એડવાન્સ બુકિંગ થતા સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.