મહેશ - નરેશ કનોડિયાએ પોતાના કનોડા ગામમાં હોસ્પિટલ બનાવી હતી
- ગુજરાતી ફિલ્મોની સુપરસ્ટાર બેલડીએ વતનનું ઋણ ચુકવ્યું
- ૧૯૮૭માં ગામના લોકોને તાવ જેવી સામાન્ય બિમારીમાં પણ છેક મહેસાણા સુધી જવું પડતું હતું
ચાણસ્મા તા. 27 ઓક્ટોબર 2020,મંગળવાર
ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ
કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે નિધન થયું હતું. બે દિવસ અગાઉ જ
તેમના મોટાભાઇ અને જાણિતા સંગીતકાર મહેશ કનોડિયાએ પણ લાંબી માંદગી બાદ અંતિમશ્વાસ
લીધા હતા. મહેશ-નરેશ નામે ફિલ્મ-સંગીતની દુનિયામં અમર બની ગયેલી આ જોડીએ જીવનના
અંતિમ પડાવમાં પણ જાણે સાથ નિભાવ્યો હોય તેમ ૪૮ કલાકના ટુંકા ગાળામાં બંન્નેના
નિધન થયાં. મહેશ-નરેશ કનોડિયાના અણધાર્યા અવસાનથી તેમના માદરે વતન બહુચરાજી
તાલુકાના કનોડા ગામમાં ઉંડી આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. ગ્રામજનોએ તેમની
ગામ પ્રત્યેની ભાવના અને કનોડામાં જન્મયા હોવાનું ગૌરવ આજીવન રહ્યું તેમ કરી
શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
ગુજરાતી ફિલ્મ અને સંગીતકાર શહેનશાહ ગણાતાં મહેશભાઇ
કનોડિયા(૮૩) અને નરેશ કનોડિયા(૭૭)ની અનેક યાદો માદરેવતન કનોડા સાથે જોડાયેલી છે.
ગામના મહિલા સરપંચ ક્રિષ્ણાબેન સાહરભાઇ દેસાઇએ જણાવ્યું કે, આજથી ૩૩ વર્ષ
પહેલા કે જ્યારે લોકોને તાવ જેવી બીમારીના સમયે સારવાર માટે ૨૫ કિમી દુર મહેસાણા
જવું પડતું હતું ત્યારે મહેશભાઇ અને નરેશભાઇના ધ્યાને આ વાત આવતા તેમણે અને
૧૯૮૭માં નવું આરોગ્ય ધામ બંધાવી આપ્યું હતું. અને તેનો લાભ ૧૫થી વધુ ગામોની
પ્રજાને મળતો રહ્યો છે. આ મકાન જીર્ણ થતા બે વર્ષ અગાઉ સરકારે નવું મકાન બનાવ્યું
અને મહેશ-નરેશ
આરોગ્ય ધામ તરીકે તેનું નામ કરણી કરી તેમની યાદને જીવંત બનાવ્યું છે.
ગામના અગ્રણી રતિભાઇ પટેલ(૮૫)એ આ બંન્ને ભાઇઓ સાથેના
સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે બંન્ને ભાઇએ ખુબ સરળ સ્વભાવના અને ગામ પ્રત્યે
કામગીરી છુપ્વાની ભાવનાવાળા હતા. અમે અમારા બે લાડીલા પુત્રરત્નો ગુમાવ્યા છે.
કનોડા ગામ નદીઓથી ઘેરાયેલું હતું. તેવા સમયે આરોગ્યની સેવા મળી રહે તે માટે
બોમ્બેમાં ચેરિટી શો કરી મળેલ રકમ અને ફાળો કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
મહેશ-નરેશના ખર્ચે બંધાવી આપેલું છે. થોડા સમય પહેલા ગામના યુવાનો કોમ્પ્યુટર
શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગામની હાઇસ્કુલમાં રૃ.૨ લાખના ખર્ચે ૧૦
કોમ્પ્યુટર આપી કમ્પ્યુટર લેબ બનાવી હતી. સૌથી મોટી સમસ્યા મોટપ-કનોડા-ભલગામડા
રોડની હતી. જે તેમના અથાગ પ્રયાસોથી મંજુર થયો હતો. પાણીના બોર માટે પણ લોકફાળો
આપેલો અને ગામના દરેક કાર્યમાં તેમનું કોઇને કોઇ યોગદાન રહેલું છે.
નવરાત્રીની આઠમે કનોડા ગામમાં પૈતૃક મકાનમાં અચુક આવતા, નરેશ કનોડિયાની
વિદાય બાદ ગામ લોકોએ બેસણું યોજ્યું
ગામના યુવા અગ્રણી સાગરભાઇ મફાભાઇ દેસાઇએ જણાવ્યું કે, મહેશભાઈ-નરેશભાઇ
ખુબજ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે ગામમાં હરસિધ્ધ માતાજીનું મંદિર સ્વખર્ચ
બંધાવી આપ્યું હતું. જ્યારે ગણપતિ મંદિર અને હરસિધ્ધ મંદિરના જીણોદ્વાર સમયે પણ
દાન આપ્યું હતું. તેઓ વર્ષમાં એકવાર અચુક આવતા. નવરાત્રીની આઠમે આવે ત્યારે બંન્ને
ભાઇઓ પહેલા તેમના કનોડિયા વાસમાં આવેલા પૈતૃક ઘરે પહોંચી ત્યાંથી હરસિધ્ધ માતાજી, સધી માતાજી અને
ગોગા મહારાજના મંદિરે અચુક દર્શને જતા. આ સિવાય પણ જ્યારે ગામમાં નાનો-મોટો પ્રસંગ
હોય ત્યારે બંન્ને ભાઇઓ અચુક સાથે આવતા અને સ્ટેજ ઉપર ગીત ગાઇને લોકરંજન પણ
કરાવતા. મહેશભાઇ કનોડિયા બાદ મંગળવારે નરેશભાઇ કનોડિયાના અવસાનના સમાચાર મળતાં જ
ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ હતી. અને ગામમાં લોકો ભેગા થઇ બંન્નેના
અવસાન અંગે વાતો સાથે તેમના ગામ પ્રત્યેના સંસ્મરણો વાગોળતા જોવા મળ્યા હતા.